રૂખસાના સુલતાના: 13 હજાર પુરુષોની નસબંધી કરાવી દેનારાં મહિલા

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'આવો, આવો, દિલ્હીના પૂર્વ શાસકો આવે એટલે મારે મારી ખુરશી ઉપરથી ઊભું થઈ જ જવું પડે.'

દેશ પરથી ઇમર્જન્સી હટી ગઈ અને રૂખસાના સુલતાના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર દિલીપ રાય કોહલીને મળવાં ગયાં, ત્યારે પોતાની ખુરશીમાંથી ઊભા થતાં કોહલીએ આ વાત કહી હતી. ઉપ-રાજ્યપાલની વાતમાં કટાક્ષ હતો અને સત્ય પણ હતું.

તા. 25 જૂન 1977ના તત્કાલીન ઇંદિરા ગાંધી સરકાર દ્વારા દેશ પર કટોકટી લાદવામાં આવી, જે 21 મહિના સુધી દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેનાર હતી. આ દરમિયાન સંજય ગાંધીના પાંચ-સૂત્રીય કાર્યક્રમનો અમલ શરૂ થયો, જેમાંથી એક મુદ્દો સૌથી વધુ વિવાદાસ્પદ બની રહેવાનો હતો.

દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં નસબંધીનો વિરોધ કરનારાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણને કારણે ડઝનબંધ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એવા સમયે દિલ્હીના મુસ્લિમ વિસ્તારોમાં નસબંધીઅભિયાનનો ચહેરો હતાં રૂખસાના સુલતાના. કહેવાય છે કે તેમણે નસબંધીનાં 13 હજાર ઑપરેશન કરાવડાવ્યાં હતાં.

રૂખસાના ઉચ્ચ-પરિવાર સાથે સંકળાયેલાં હતાં અને સંજય ગાંધીનાં પરમમિત્ર તરીકે રાજકીય વર્તુળોમાં ચર્ચામાં હતાં. દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ અને કૉંગ્રેસના નેતાઓ રૂખસાના સુલતાનાની ગુડબૂકમાં રહેવા માટે પ્રયાસ કરતા. સ્મગલિંગના આરોપી હાજી મસ્તાન સાથેનો તેમનો એક કિસ્સો ખૂબ જ ચર્ચિત છે.

દિલ્હીના એક સમયનાં આ ગ્લૅમરસ અને પ્રભાવશાળી મહિલાના પરિવારજનો આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. પ્રસિદ્ધ ક્રિકેટર, લેખક અને બિલ્ડર તેમના સંબંધી થાય.

પહોંચેલા અને પૈસાદાર પરિવારજનો

કટોકટીના સમયમાં રૂખસાના સુલતાના જીવનની ત્રીસીમાં પ્રવેશેલાં હતાં અને તેમનો દેખાવ કોઈ ભારતીય ફિલ્મ અભિનેત્રી જેવો હતો. તેઓ ગળામાં દાગીના પહેરતાં અને શિફોન કે સિલ્કની સાડી પહેરતાં. અડધા ચહેરાને ઢાંકતા ગૉગલ્સ તેમની આગવી ઓળખ હતાં.

રૂખસાના જાહેરજીવનમાં આવ્યાં અને તેમના આ પ્રકારનાં દેખાવની ટીકા થતી, ત્યારે તેઓ કહેતાં 'આ બધું મારા વ્યક્તિત્વના ભાગરૂપ છે, તેને મારાથી અલગ કેવી રીતે કરું?'

પત્રકાર જનાર્દન ઠાકુરે તેમના પુસ્તક 'ઑલ પ્રાઇમમિનિસ્ટર્સ મૅન' સાતમું પ્રકરણ રૂખસાના સુલતાના વિશે લખ્યું છે. તેઓ લખે છે કે, 'રૂખસાનાનાં માસી બેગમ પારા 1950ના દાયકાના પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી હતાં. બેગમ પારાનાં મોટા બહેન ઝરીનાએ પેડ્ડી બિંબેટ નામના ભારતીય વાયુદળના અધિકારી સાથે લગ્ન કર્યાં હતાં, જેમના થકી મીનુનો જન્મ થયો હતો.'

બેગમ પારાએ નાસીરખાન સાથે નિકાહ કર્યા, તેમના દીકરા અયુબ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે પ્રવેશ કર્યો હતો. નાસીર ખાન ફિલ્મઅભિનેતા યુસૂફ ખાન એટલે કે 'ટ્રૅજેડી કિંગ' દિલીપકુમારના ભાઈ હતા.

બેગમ પારા અને ઝરીનાના પિતા મિયા અહેસાન-ઉલ-હક્ક તત્કાલીન બિકાનેર સ્ટેટમાં ન્યાયાધીશ હતા. તેઓ પંજાબના જલંધરમાં ખાસ્સી જમીન ધરાવતા હતા. ઝરીનાના દાદા તથા રૂખસાનાના પરનાના મિયા ગુલામ હસૈન મહારાજા રણજીતસિંહની સેનામાં સૈન્યઅધિકારી હતા.

વચ્ચે કેટલાંક વર્ષ માટે વાયુદળના અધિકારી પેડ્ડીને ભારતીય વિદેશસેવામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ ફ્રાન્સમાં ફરજ બજાવતા હતા, ત્યારે પોતાનાં પત્ની અને પુત્રીને સાથે લઈ ગયા હતા. અહીંથી મીનુને ફ્રૅન્ચ પર્ફ્યુમ અને ફૅશનેબલ ચીજો પ્રત્યે આકર્ષણ જન્મ્યું હતું.

રૂખસાનાને ટાંકતા ઠાકુર લખે છે, 'તેમણે દિલ્હીની પ્રસિદ્ધ મિરિન્ડા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેઓ આકર્ષણનું કેન્દ્ર હતાં. પરંતુ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો. તેઓ કહેતાં, 'હું 12 વર્ષે બાયરૉન અને 16 વર્ષે શેક્સપિયર વાંચતી. જેની સામે મિરિન્ડાનો અભ્યાસક્રમ 'ટ્વિન્કલ, ટ્વિન્કલ લિટલ સ્ટાર...' જેવો હતો. ત્યાં શીખવા માટે કંઈ ન હતું.'

મીનુ 16 વર્ષનાં હતાં ત્યારે તેમને શિવેન્દરસિંહ નામના શીખ યુવક સાથે પ્રેમ થયો, જેઓ દિલ્હીના વિખ્યાત બિલ્ડર સર શોભાસિંહના દોહિત્ર થતા. મીનુનાં સાસુ મોહિંદર અને વિખ્યાત લેખક ખુશવંતસિંહ ભાઈબહેન હતાં.

શોભાસિંહે તત્કાલીન સૅન્ટ્રલ લૅજિસ્લેટિવ ઍસેમ્બલી અને હાલની લોકસભામાં બૉમ્બધડાકાના કેસમાં ભગતસિંહની સામે જુબાની આપી હતી. તેમણે રાષ્ટ્રપતિ ભવનના અમુક ભાગ, દેશના વહીવટી કેન્દ્ર સમાન સાઉથ બ્લૉક, સુજાનસિંહ પાર્ક અને કનૉટ સર્કસ સહિત દિલ્હીની આગવી ઓળખ સમી અને નિર્માણ કર્યું હતું.

માતૃપક્ષ તરફથી કેટલીક સંપત્તિ મેળવવા માટે મીનુએ ઇસ્લામધર્મ અંગીકાર કર્યો અને રૂખસાના સિંહ નામ ધારણ કર્યું. બે વર્ષમાં શિવેન્દર-રૂખસાના વચ્ચે છૂટાછેડા થઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેમના ખોળામાં દીકરી હતી, જે આગળ જતાં ફિલ્મઅભિનેત્રી અમૃતાસિંહ તરીકે વિખ્યાત થયાં.

અમૃતા તેમની ફૅશન સેન્સમાં તેમનાં માતાનો ફાળો હોવાનું કહેતાં. અમૃતાસિંહે ઉંમરમાં પોતાનાથી 12 વર્ષ નાના અને હિન્દી ફિલ્મોનાં અભિનેત્રી શર્મિલા ટાગોર અને ક્રિકેટર મન્સૂરઅલી ખાન પટૌડીના પુત્ર સૈફઅલી ખાન સાથે નિકાહ કર્યા. પિતા મંસૂરઅલી ખાન વિખ્યાત ક્રિકેટર હોવા ઉપરાંત હરિયાણાના પટૌડી રાજવંશના નવાબ હતા.

સૈફ અલી ખાન અને અમૃતાનાં પુત્રી સારા અલી ખાન ફિલ્મઅભિનેત્રી છે. રૂખસાનાના દોહિત્ર ઇબ્રાહિમઅલી ખાન કરણ જોહર દ્વારા નિર્મિત ફિલ્મ 'સરઝમીન' દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવાના છે.

સ્મગલર, સુલતાના અને સાબુ

વિદેશમાં ઉછરેલાં રૂખસાના સુલતાનાને 'કૅમે' સાબુ વાપરવાની આદત હતી. ભારતમાં આ સાબુ ઉપલબ્ધ ન હતો.એટલે તેને સ્મગલરો પાસેથી ખરીદવો પડતો.

એક વખત રૂખસાના તત્કાલીન બૉમ્બેની (આજના મુંબઈની) મુલાકાતે ગયાં હતાં. જ્યાં તેમણે કૅમે સાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા. અનેક દુકાનોમાં પૂછપરછ કરી તો માલૂમ પડ્યું કે કૅમે સાબુ છેલ્લા કેટલાક દિવસથી આવતો ન હતો અને બજારમાં ઉપલબ્ધ ન હતો.

રૂખસાના બજારમાંથી બહાર નીકળ્યાં, ત્યારે તેમણે જોયું તો તેમની ગાડીની આસપાસ લોકોની ભીડ હતી. શું થયું તે જાણવાની ઉત્કંઠા સાથે તેઓ ઝડપભેર ગાડીની પાસે આગળ વધ્યાં. ત્યાં જઈને જોયું તો ગાડીની પાછળ અને ડ્રાઇવરની બાજુની સીટ ઉપર સેંકડો કૅમે સાબુ પડ્યા હતા.

સફેદ કપડાં પહેરેલો એક શખ્સ ગાડી પાસે ઊભો હતો અને લોકો તેને ઘેરીને ઊભા હતા. એણે પોતાની ઓળખ આપી, 'હું હાજી મસ્તાન.'

રૂખસાનાના કહેવા પ્રમાણે, 'હું સાબુનાં આટલાં બધાં બોક્સને જોઈ રહી હતી અને હાજી મને જોઈ રહ્યા હતા.' રૂખસાના સુલતાનાએ આ કિસ્સો પત્રકાર વીર સંઘવીને કહ્યો હતો. જેનો ઉલ્લેખ સંઘવીએ તેમના પુસ્તક 'અ રૂડ લાઇફ: ધ મૅમ્વા'માં કર્યો છે.

સંજયના સ્વયંસેવિકા સુલતાના

સમય પસાર થતાં રૂખસાના સિંહને હવે રૂખસાના સુલતાના કે રૂખસાના બેગમ તરીકે ઓળખવામાં આવતાં. તેમણે 'દર-એ-સહવર' નામનું બ્યુટિક ખોલ્યું હતું, જેમાં તેઓ ડિઝાઇનર જ્વેલરી વેચતાં. તેમનાં દુકાન અને બ્યુટિક દિલ્હી ઉપરાંત ગોવામાં પણ હતા.

કનૉટ પ્લેસ ખાતેનું તેમનું બ્યુટિક બહુચર્ચિત હતું, અહીં ધનવાન, વિખ્યાત અને ચર્ચિતોની અવરજવર રહેતી. રૂખસાના ચાંદની ચોકના જ્વેલર્સ પાસેથી ઝવેરાત ડિઝાઇન કરાવતાં અને તેને વેચતાં.

પત્રકાર રાશિદ કિડવાઈએ દિલ્હી ખાતે કૉંગ્રેસના મુખ્યાલયના સરનામા પરથી '24 અકબર રોડ: અ શૉર્ટ હિસ્ટ્રી બિહાઇન્ડ ધી રાઇઝ ઍન્ડ ફૉલ' નામથી પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ લખે છે:

એક દિવસ પોતાના બ્યુટિકમાં વડાં પ્રધાનના દીકરાને જોઈને રૂખસાના ઉત્સાહમાં આવી ગયાં. બીજી મુલાકાતમાં તેમણે સંજય ગાંધીને કહ્યું કે તેમની નેતૃત્વક્ષમતાથી તેઓ પ્રભાવિત અને પ્રેરિત થયાં છે અને તેમના કામ માટે જીવનને સમર્પિત કરી દેવા માગે છે.

રૂખસાના પોતાને 'સંજય ગાંધીના આઇસક્રીમ મિત્રો' તરીકે ઓળખાવાની કોઈ તક જતી ન કરતાં. કિડવાઈ ઉમેરે છે, 'ચાહે તેનો જે કોઈ મતલબ થતો હોય.'

અન્ય એક ચર્ચા પ્રમાણે, દિલ્હીના તત્કાલીન ઉપરાજ્યપાલના સનદી અધિકારી નવીન ચાવલાએ તેમની અને સંજય ગાંધીની મુલાકાત કરાવી હતી. જોકે, ઠાકુરના પુસ્તકમાં રૂખસાના આ વાતને નકારે છે.

2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન નવીન ચાવલા દેશના ચૂંટણીપંચના સભ્ય હતા અને 2009ની લોકસભા ચૂંટણી સમયે તેમના નેતૃત્વમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.

કહેવાય છે કે કટોકટી સમયે પડદા પાછળથી સત્તાની ધૂરા સંજય ગાંધી સંભાળતા હતા, જેમને ઇંદિરા ગાંધીના રાજકીય વારસદાર તરીકે જોવામાં આવતા. જગદીશ ટાઇટલર, અંબિકા સોની, કમલનાથ જેવા યુવા નેતાઓનું કદ અચાનક જ અસામાન્ય રીતે વધી ગયું હતું.

સંજય ગાંધીએ 21 મહિના દરમિયાન પાંચસૂત્રીય દેશ ઉપર લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સાક્ષરતા અભિયાન, સફાઈ અને વનીકરણ, દહેજવિરોધી અભિયાન, જ્ઞાતિવાદની નાબૂદી અને પરિવારનિયોજનના વિષયો કેન્દ્રમાં હતા. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા અને પ્રોત્સાહન માટે રોકડ રકમ પણ આપવામાં આવતી.

સંજય ગાંધીએ રૂખસાના સુલતાનાને 'પુરાની દિલ્હી' વિસ્તારમાં પરિવારનિયોજન માટે કામ કરવા કહ્યું. તેઓ જૂની દિલ્હીનાં 'બેગમ સાહિબા' તરીકે ઓળખાતાં. તેમને પોલીસ ઍસ્કૉર્ટ મળતું, સરકારી અધિકારીઓ તેમની સાથે રહેતા.

ઇમર્જન્સીમાં દબાયેલું મીડિયા તેમને કવરેજ આપવા આતુર રહેતું. યુવા કૉંગ્રેસના કાર્યકરો અને નેતા તેમને ઘેરી વળતા અને તેમના નામની નારેબાજી કરતા. રૂખસાનાની મુલાકાત સમયે પુષ્પવર્ષા થતી.

આ પછી રૂખસાના સુલતાનાનું કદ વધ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આસપાસનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને કૉંગ્રેસના નેતાઓ તેમને મળવા માટે લાઇન લગાવતા.

ઉપ-રાજ્યપાલના પુરોગામી કિશનચંદ સંજય ગાંધીના આ નિકટનાં વિશ્વાસું મિત્રની ગાડીનો દરવાજો ખોલવા માટે તલપાપડ રહેતા. પોતાની નિકટતાના આધારે તેઓ ઉદ્યોગપતિઓનાં સરકારીકામો કરાવી આપતાં.

સંજય ગાંધીના પ્રતિનિધિ તરીકે રૂખસાના મુલાકાતો કરતાં, સભાઓ સંબોધતાં અને નસબંધી કૅમ્પ પણ આયોજિત કરતાં હતાં. આ બાબતે તેમને કટોકટી વખતે પ્રસિદ્ધિ અપાવી, જે આગળ જતાં તેમની નાલેશીનું કારણ પણ બનવાની હતી.

નિબંધ, નસબંધી અને નારાજગી

વિદેશમાં ઉછરેલાં રૂખસાનાને જૂની દિલ્હીની સાંકડી અને ગંદકી ભરેલી ગલીઓમાં અવરજવર કરવામાં બહુ તકલીફ પડતી. એટલે તેઓ ફ્રૅન્ચ પર્ફ્યુમથી પોતાને તરબતર રાખતાં. તેઓ શિફોન કે સિલ્કની સાડી પહેરતાં. એક મુસ્લિમ મહિલાને આ રીતે જોવી રૂઢીવાદીઓ માટે કપરું હતું, તેઓ કશું બોલતાં નહીં, પરંતુ તેમની નારજગી વર્તાતી.

ઠાકુર તેમના પુસ્તકમાં લખે છે, '13 વર્ષની ઉંમરે મસૂરીની પ્રસિદ્ધ સ્કૂલમાં અભ્યાસ કરતી વેળાએ મીનુને એક નિબંધ માટે ઇનામ મળ્યું હતું, વિષય હતો, 'દેશમાં પરિવારનિયોજનની તત્કાળ જરૂરિયાત.'

રૂખસાના કહેતાં કે હું 13 વર્ષે જે વિચારતી, તે સંજય ગાંધી 30 વર્ષની ઉંમરે કરી રહ્યા હતા, એટલે તેમની સાથે જોડાવાનું સ્વાભાવિક હતું. નસબંધી કરાવનારને તેલ કે રેડિયો જેવી ચીજો પણ આપવામાં આવતી.'

લેખક ડૉમ મૉરિસે ઇંદિરા ગાંધીના જીવન ઉપર 'મિસિસ ગાંધી' નામથી પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ લખે છે:

'રૂખસાના જ્યારે જૂની દિલ્હીમાં સભાઓ માટે જતાં ત્યારે મુસ્લિમ મહિલાઓને બુરખા ત્યજીને પોતાને આઝાદ કરી દેવાનું કહેતાં. એટલું જ નહીં, તેઓ પોતાના કાર્યક્રમોમાં મુસ્લિમ મહિલાઓ પાસે તેમનો બુરખો ખોલાવતાં. આ સમયે પરપુરુષ પણ રહેતા. રૂખસાના મુસ્લિમ મહિલાઓને કહેતાં કે તેઓ પોતાના પતિઓને નસબંધીનું ઑપરેશન કરાવવા માટે પ્રોત્સાહિત કરે.

એક મુસ્લિમ મહિલા દ્વારા જ અન્ય સ્ત્રીઓના બુરખા ઊંચા કરાવવામાં આવે અને પુરુષોની નસબંધીની વાત કરે તે વાત જૂની દિલ્હીના રૂઢિચુસ્તોને પસંદ નહોતી.'

'ઇંદિરા : ધ લાઇફ ઑફ ઇંદિરા નહેરુ ગાંધી'માં કૅથરિન ફ્રૅન્ક લખે છે, 'રૂખસાના સુલતાનાએ બે ઈમામને નસબંધીનાં ઑપરેશન કરાવવા માટે મનાવી લીધા હતા, જે તેમની મોટી સિદ્ધિ હતી. મીડિયાની હાજરીની વચ્ચે ખુદ સંજય ગાંધીએ હાજર રહીને તેમને 'પ્રેરણા પત્રક' આપ્યાં હતાં.

એપ્રિલ-1976માં પરિવારનિયોજનના કાર્યક્રમ માટે પૈસા ઊભા કરવા માટે દિલ્હીમાં આયોજિત 'ગીતો ભરી શામ' કાર્યક્રમમાં સંજય ગાંધી ઉપરાંત, એ સમયે 'ઍંગ્રી યંગ મૅન' તરીકે વિખ્યાત અમિતાભ બચ્ચન તથા તેમનાં પત્ની જયા બચ્ચન પણ હાજર રહ્યાં હતાં. '

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રૂખસાના સુલતાનાએ કટોકટી વખતે નસબંધીનાં 13 હજાર ઑપરેશન કરાવડાવ્યાં હતાં.કિડવાઈ તેમના પુસ્તકમાં આઠ હજાર ઑપરેશનનો આંકડો મૂકે છે અને તેના માટે આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા રૂ. 84 હજારની રકમ ચૂકવવામાં આવી હોવાનું પણ નોંધે છે, જે એ સમયે મોટી રકમ હતી.

સંજય ગાંધીના આ અભિયાન દરમિયાન કુંવારા અને વૃદ્ધોની નસબંધી થઈ હોવાના; ખરાબ રીતે ઑપરેશનને કારણે મૃત્યુ ; નસબંધી દરમિયાન ગરીબો અને ભિક્ષુકો સૌથી વધુ ભોગ બન્યા હોવાના તથા મુસ્લિમો અને દલિતોએ ભોગવવાનું આવ્યું હોવાનું પણ અભ્યાસોમાં બહાર આવ્યું હતું.

નસબંધીને કારણે પુરુષોની જાતીયક્ષમતાને અસર પહોંચે છે, ઑપરેશન દરમિયાન મૃત્યુ થાય છે, જેવી માન્યતાઓને કારણે હરિયાણા, ઉત્તર પ્રદેશના ગામોમાં નસબંધીથી બચવા માટે પુરુષો ઘરેથી નાસી છૂટતા. અલગ-અલગ સ્થળે પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણોમાં દેશભરમાં ડઝનબંધ લોકોનાં મૃત્યુ પણ થયાં.

જવહારલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પુષ્પેશ પંતનું માનવું છે કે કટોકટી દરમિયાન સંજય ગાંધીના અભિયાનને કારણે જ લોકોમાં 'નાનો પરિવાર, સુખી પરિવાર' મુદ્દે જાગૃતિ આવી.

રાજધાની નવી દિલ્હીમાં તુર્કમાન ગૅટ ખાતે ઘટેલો ઘટનાક્રમ રૂખસાના સુલતાના, નસબંધીના અભિયાન માટે લાવવામાં આવેલા દબાણ અને કટોકટી દરમિયાન થયેલા અત્યાચારો માટે નમૂનારૂપ બની રહેનાર હતો.

વર્ષો સુધી રાજનેતાઓ પરિવારનિયોજનની વાત કરતા ખચકાવાના હતા અને મુસ્લિમોમાં પણ આ અભિયાન પ્રત્યે પૂર્વાગ્રહ ઊભો થવાનો હતો.

તુર્કમાનમાં તહેલકો

સંજય ગાંધીના સૂચન પછી દિલ્હીના તૂર્કમાન ગૅટ વિસ્તારમાં સરકારી જમીન ઉપરથી દબાણ હઠાવવાની અને રહીશોને અન્યત્ર પુનઃસ્થાપિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાક્રમ તા. 13 એપ્રિલથી 22 એપ્રિલ 1976 દરમિયાન ઘટ્યો હતો.

તા. 13મી એપ્રિલે દિલ્હી ડેવલપમૅન્ટ ઑથૉરિટીના (ડીડીએ) અધિકારી કાશ્મીરી લાલ ટ્રક ભરીને મજૂરો અને બુલડોઝર સાથે તુર્કમાન ગૅટ પહોંચ્યા હતા.

અગાઉ બે વખત ત્યાં દબાણ હઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોએ અધિકારીઓ અને પોલીસને ઘેરીને માર્યા હતા. આથી, તબક્કાવાર આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તા. 13મી એપ્રિલે પ્રારંભિક કાર્યવાહી દરમિયાન 50 ઘર તોડી પાડવામાં આવ્યાં. પુરુષો મહિલાઓ અને બાળકો નોંધારાં થઈ ગયાં હતાં. ઘરવખરી વેરવિખેર પડી હતી. આવા સમયે રૂખસાના સુલતાને રજૂઆત કરવા જવાનું નક્કી થયું.

સ્થાનિકો તુર્કમાન ગેટથી લગભગ બે કિલોમિટર દૂર દુજાના હાઉસ ખાતે પરિવારનિયોજન કૅમ્પ ચલાવી રહેલાં રૂખસાના પાસે પહોંચી ગયા અને તેમની મદદ માગી. રૂખસાના ત્યાં પહોંચ્યાં તે પહેલાં વધુ 20 ઘર તોડી પડાયાં હતાં અને બુલડોઝર પરત ફરી ગયાં હતાં.

રૂખસાના સુલતાનાએ આ લોકોને જંતર મંતર ખાતેનાં પોતાના નિવાસસ્થાને મળવા બોલાવ્યા.

ક્રિસ્ટૉફ જૅફરેલૉટ તથા પ્રતિનવ અનિલ તેમના પુસ્તક 'ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટૅટરશિપ'માં લખે છે:

"રૂખસાનાએ એક શરતે તુર્કમાન ગૅટના રહેવાસીઓની મદદ કરવાની તૈયારી દાખવી. તેમણે કહ્યું કે તેઓ સંજય ગાંધી સુધી વાત ત્યારે જ પહોંચાડશે કે જ્યારે તેઓ તુર્કમાન ગેટ વિસ્તારમાં પરિવાર નિયોજન કેન્દ્ર સ્થાપિત કરવા માટે તૈયાર થાય અને દર અઠવાડિયે 300 કેસ તેમની પાસે લાવે."

રહીશો આને માટે તૈયાર થઈ ગયા, પરંતુ તેમને છેવાડાના ત્રિલોકપુરી અને નંદનગરી જેવા વિસ્તારોમાં મોકલવાને બદલે નજીકના માતા સુંદરી રોડ કે મિન્ટો રોડ વિસ્તારમાં મોકલવા માટે કહ્યું ત્યારે રૂખસાના સુલતાના સાથે રહેલા રાજુ નામના ગુંડાએ કહ્યું, 'તમે લોકો જહન્નમમાં જાઓ.'

તુર્કમાન ગૅટ તથા દુજાના હાઉસમાં રહેતા લોકોમાં લતિફ ફાતિમા નામનાં મહિલાની ભૂમિકા પ્રત્યે પણ આક્રોશ જન્મ્યો હતો. લતિફ ફાતિમા એટલે ફિલ્મઅભિનેતા શાહરૂખ ખાનનાં માતા તથા દિગ્દર્શક આર્યન ખાન અને અભિનેત્રી સુહાના ખાનનાં દાદી.

19મી એપ્રિલે સ્થાનિકોએ ડિમૉલિશનની કામગીરી કરવા આવેલા સરકારી અધિકારીઓ ઉપર હુમલો કર્યો, જેને સૅન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટુકડીઓની મદદથી દબાવી દેવામાં આવ્યો. પાછળથી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સને પણ તહેનાત કરવામાં આવ્યો. આંસુગૅસ, લાઠીચાર્જ, ગોળીબારના સહારે વિરોધને ડામી દેવામાં આવ્યો અને તા. 22 એપ્રિલ સુધી તોડફોડની કામગીરી ચાલી.

સરકારી રેકર્ડ પ્રમાણે, 14 ગોળીઓ ચલાવવામાં આવી. ડીડીએના અધિકારે જગમોહને પોતાના પુસ્તક 'આઇલૅન્ડ ઑફ ટ્રૂથ'માં લખ્યું કે ગોળીબારમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. શાહ પંચના અહેવાલમાં પણ એટલી જ સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હોવાનું નોંધવામાં આવ્યું છે.

'ઇન ધી નૅમ ઑફ ડેમૉક્રસી'માં બિપિન ચંદ્રા લખે છે કે એ કાર્યવાહીમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરે તેમના પુસ્તક 'ધ જજમૅન્ટ'માં લખ્યું હતું કે ફાયરિંગમાં 150 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જગમોહન એટલે ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ' દ્વારા ચર્ચામાં આવેલા કાશ્મીરના રાજ્યપાલ. કાશ્મીરમાંથી પંડિતોની હિજરત દરમિયાન તેમણે ભજવેલી ભૂમિકા ઉપર સવાલ ઉઠતા રહ્યા છે.

લોકોમાં રૂખસાના સુલતાના પ્રત્યે એટલી નારાજગી હતી કે એક વખત પત્રકાર તવલીનસિંહ મોટા ચશ્મા પહેરીને આ વિસ્તારમાં ગયાં, તો ગૉગલ્સને કારણે લોકોએ તેમને રૂખસાના સુલતાના સમજી લીધાં હતાં અને તેમનાં તરફ હુમલો કરવા માટે ધસી ગયા હતા. આ કિસ્સાનો ઉલ્લેખ તવલીનસિંહે તેમના પુસ્તક 'દરબાર'માં કર્યો છે. જોકે, કૉંગ્રેસ પ્રત્યેની નારાજગી ટૂંક સમયમાં દૂર થઈ ગઈ હતી.

કૉંગ્રેસ ફરીથી સત્તામાં આવી, પણ રૂખસાના ગયાં

જ્યારે જનતા સરકારે ઇંદિરા ગાંધીની ધરપકડ કરી ત્યારે રાહુલ અને પ્રિયંકા ગાંધી ઘરે હતાં અને દાદીને કોણ લઈ ગયું, તે અંગે ચિંતિત હતાં. ત્યારે રૂખસાના સુલતાના ત્યાં હાજર હતાં અને તેઓ મિત્રો અને કૉંગ્રેસી નેતાઓને કૉલ કરીને ધરપકડ વિશે માહિતગાર કરી રહ્યાં હતાં. મોરિસે તેમના પુસ્તકમાં આ વાતની નોંધ કરી છે.

કટોકટી દરમિયાન નાગરિક અધિકારોના ભંગ તથા દમનને કારણે લોકોનો કૉંગ્રેસ-આઈ પરથી મોહભંગ થયો હતો. 'જનતા મોરચા'ના નેજા હેઠળ વિપક્ષ એક થયો અને મોરારજી દેસાઈના નેતૃત્વમાં ભારતમાં પહેલી બિન-કૉંગ્રેસી સરકાર બની.

જોકે, ગઠબંધનને રાજનેતાઓના અહં અને રાજકીયપક્ષોના પરસ્પરના આંતરવિરોધને કારણે લગભગ પોણા ત્રણ વર્ષમાં જ જનતા મોરચા સરકારનું પતન થયું અને ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસનું સત્તા ઉપર પુનરાગમન થયું.

જૂના અને અનુભવી નેતાઓને આગળ કરવામાં આવ્યા અને કટોકટી સમયના વિવાદાસ્પદ ચહેરાઓને દૂર કરવામાં આવ્યા, રૂખસાના સુલતાના તેમાંથી એક હતાં.

સંજય ગાંધી સાથે નિકટતાના દિવસો દરમિયાન રૂખસાના સુલતાના અને યુવા કૉંગ્રેસનાં અધ્યક્ષા અંબિકા સોની વચ્ચે સતત મતભેદ રહેતા અને આ વાત બહુચર્ચિત હતી. કિડવાઈ તેમના પુસ્તકમાં લખે છે કે રૂખસાના સુલતાના સામે સંજય ગાંધી અને ઇંદિરા ગાંધીને ચેતવવાનો પ્રયાસ અંબિકાએ કર્યો હતો. જોકે, તેમની વાતને અવગણવામાં આવી હતી.

ફરી એક વખત અંબિકા સોનીએ આ મુદ્દો ઉખેડ્યો ત્યારે ઇંદિરા ગાંધીએ આ મુદ્દે સંજય ગાંધી સાથે વાત કરવા માટે કહ્યું. અંબિકા સોનીએ આ મુદ્દે વાત કરી ત્યારે સંજય ગાંધીએ કહ્યું, 'રૂખસાના સુલતાનાને યુવા કૉંગ્રેસની જરૂર નથી, પરંતુ યુવા કૉંગ્રેસને તેમની જરૂર છે.'

આગળ જતાં અંબિકા સોની મહિલા કૉંગ્રેસનાં અધ્યક્ષા બન્યાં. ડૉ. મનમોહનસિંહની સરકારમાં તેઓ માહિતી અને પ્રસારણ મંત્રી તથા પર્યટન મંત્રી પણ બન્યાં.

મોરિસ લખે છે કે ઇંદિરા ગાંધીએ 'એ ઢંગધડા વગરની છે,' એમ કહીને રૂખસાના સુલતાના પ્રત્યે ગુસ્સાના બદલે અણગમો વ્યક્ત કર્યો હતો. જ્યારે મેનકા ગાંધીનું કહેવું હતું કે 'તેઓ (રૂખસાના) જ્યાં જતાં ત્યાં ઘણી વાહિયાત વાતો કરતાં, પરંતુ તેઓ ઉત્સાહી હતા અને સંજયને કાર્યકરોની જરૂર હતી.'

જોકે, કૉંગ્રેસની પાસે સંસ્થાગત માળખું હોવા છતાં સંજય ગાંધીને વધારાના કાર્યકરોની જરૂર શા માટે ઊભી થઈ હતી, તે સવાલ જરૂરથી હતો. રૂખસાના ઉપર ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપ લાગ્યા તથા ચરિત્ર ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યાં. છતાં તેમણે જનતા સરકાર વખતમાં મીડિયાની વચ્ચે સંજય ગાંધીનો પુરજોર બચાવ કર્યો હતો.

કૉંગ્રેસનું સત્તા ઉપર પુનરાગમન થયું, તેના છ મહિનાની અંદર વિમાનઅકસ્માતમાં સંજય ગાંધીનું અવસાન થયું, એ પછી રૂખસાના સુલતાના સદંતરપણે હાંસિયામાં ધકેલાઈ ગયાં અને ધીમે-ધીમે તેમના પરથી મીડિયાનું ધ્યાન હઠી ગયું. જ્યારે તેમનાં દીકરી અમૃતાસિંહે પટૌડીના નવાબજાદા સૈફ અલી ખાન સાથે નિકાહ કર્યા ત્યારે તેઓ થોડા સમય માટે ચર્ચામાં આવ્યાં હતાં.

મે-1996થી માર્ચ-1998માં કેન્દ્રમાં રાજકીય અસ્થિરતા ચાલી રહી હતી. કૉંગ્રેસથી નારાજ થઈને અલગ પક્ષ રચનારા કૅપ્ટન અમરિંદર સિંહને પાર્ટીમાં ફરી લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ મિશન અહમદ પટેલ અને રૂખસાના સુલતાનાએ હાથ ધર્યું હતું અને દિલ્હીમાં જોર બાગ ખાતેના કૅપ્ટન અમરિંદરસિંહના નિવાસસ્થાને બેઠકો કરી હતી.

તા. 15 સપ્ટેમ્બર 1997ના દિવસે કૉંગ્રેસનાં મહાસચિવ મીરા કુમારની હાજરીમાં અમરિંદરસિંહ કૉંગ્રેસમાં પરત ફર્યા. આગળ જતાં મીરા કુમાર લોકસભાનાં પ્રથમ મહિલા સ્પીકર બનવાનાં હતાં. આ વિગતો ખુશવંતસિંહ લિખિત 'કૅપ્ટન અમરિંદરસિંહ: પીપલ્સ મહારાજા'માં જોવા મળે છે.

બે દિવસ પછી ગોવાના આશ્રમમાં રૂખસાના સુલતાનાનું અવસાન થયું.

(ઉપરાજ્યપાલ અને રૂખસાના સુલતાનાનો કિસ્સો જનાર્દન ઠાકુરે તેમના પુસ્તક 'ઑલ પ્રાઇમમિનિસ્ટર્સ મૅન'માં (પેજ 114) ટાંક્યો છે.)