You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં અકસ્માત : હાઇવે પર મધરાતથી પરોઢનો સમય કાળમુખો કેમ બની જાય છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે સુરતથી પાવાગઢ જઈ રહેલા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં પાંચ મહિલા સહિત 11 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.
હવે જ્યારે ફરી એક વાર મધરાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે કેમ હાઇવે પર મધરાત્રિથી પરોઢનો સમય કાળમુખો બની જાય છે?
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મધરાત્રે આવો જ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થતાં 20 મુસાફરોને ઈજા થઈ હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો ન હતો.
પ્રાથમિક માહિતી મુજબ હાલ નોંધાયેલ અકસ્માતમાં ભોગ બનનાર લોકો મૂળ ભાવનગરના મહુવાના હતા અને પાવાગઢ દર્શન માટે જઈ રહ્યા હતા.
બીબીસી સાથેની વાતચીતમાં રોડ સેફ્ટી અંગે કામ કરતાં નિષ્ણાતોએ એ વાતે સંમતિ વ્યક્ત કરી હતી કે મધરાત્રિથી વહેલી સવારના સમયે હાઇવે પર ઘણા અકસ્માતો નોંધાય છે.
'રોડ ઍક્સિડન્ટ્સ ઇન ઇન્ડિયા'ના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2019માં કુલ 4,49,002 અકસ્માતો નોંધાયા હતા. જેમાં 1,51,113 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે 4,51,361 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં ગુજરાતમાં 17,046 અકસ્માતો નોંધાયા હતા. જેમાં 7,390 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વહેલી સવાર સુધીના સમયમાં અકસ્માતનું વધુ પ્રમાણ
'ફાઇનાન્સીયલ એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર 'સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' દ્વારા આગ્રા-લખનૌ એક્સપ્રેસવેના 300 કિલોમિટરના રસ્તા પર કરાયેલા સંશોધન પ્રમાણે મોટા ભાગના અકસ્માતો મધરાત્રિના 12થી ચાર વાગ્યા સુધી અને બપોરના ત્રણથી સાંજના છ વાગ્યા સુધીના સમય સુધી નોંધાયા હતા.
જે પૈકી 40 ટકા અકસ્માતો વાહનોના ડ્રાઇવરો દ્વારા ચાલુ વાહને ઝોકું ખાવાના કારણે સર્જાતા હોવાનું સામે આવ્યું હતું.
જોકે અહીં નોંધનીય છે કે સમય અને અકસ્માતો વચ્ચેના સંબંધ અંગે કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ થયો હોવાનું બીબીસી ગુજરાતીના ધ્યાનમાં આવ્યું નથી.
તેમ છતાં રોડ સેફ્ટી ક્ષેત્રે કામ કરતા જુદાજુદા નિષ્ણાતો મધરાત્રિના સમયને અકસ્માતોની સંખ્યા સાથે નિકટનો સંબંધ હોવાનું જણાવે છે.
રાત્રિના સમયે ડ્રાઇવરોની ધીમી પ્રતિક્રિયા
'અરાઇવ સેફ' NGOના પ્રમુખ હરમનસિંઘ સિદ્ધુ મધરાત્રિના સમયે અકસ્માત થવાની શક્યતા વધુ હોવાનો મત વ્યક્ત કરે છે.
તેઓ કહે છે કે, "મધરાત્રિના સમયે વાહન ચલાવવાથી શરીરની સર્કેડિયન સાઇકલ પર વિપરીત અસર પડે છે."
"તેથી ભલે ડ્રાઇવર પોતે જાગૃત અવસ્થામાં હોવાનો દાવો કરતો હોય પરંતુ આ સમયે તેમની પ્રતિક્રિયાઓ સામાન્ય કરતાં ધીમી પડી ગઈ હોય છે. જેથી આ સમયે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે."
આ વાત સાથે સંમત થતાં રોડ સેફ્ટી ઍક્ટિવિસ્ટ અરુણ શ્રીવાસ્તવ જણાવે છે, "રાત્રિના સમયે કુદરતી રીતે શરીરની પ્રતિક્રિયાપ્રણાલી ધીમી પડી જાય છે."
"પ્રતિક્રિયાનો સમય વધી જવાને કારણે હાઇવે પર રાત્રિ દરમિયાન અકસ્માતો સર્જાય છે. અને આવું ગમે તેટલા અનુભવી ડ્રાઇવર સાથે પણ શક્ય છે."
'ઝડપની મજા મોતની સજા'
અરુણ શ્રીવાસ્તવ રાત્રિના સમયે વાહનોની ઝડપને અકસ્માતનાં મુખ્ય કારણોમાં સર્વોચ્ચ સ્થાને મૂકે છે.
તેઓ કહે છે કે, "રાત્રિના સમયે હાઇવે પર અન્ય વાહનોની અવરજવર ન હોવાના કારણે મોટાં વાહનોના ડ્રાઇવરોને મોકળું મેદાન મળી જાય છે. જે જોઈને તેઓ પોતાનું વાહન પૂરઝડપે હંકારવા લાગે છે."
"બીજી તરફ કુદરતી પ્રતિક્રિયાનો સમય સામાન્ય કરતાં વધી જવાથી આ સમય દરમિયાન અકસ્માત થવાની શક્યતા વધી જાય છે."
આ સિવાય હરમનસિંઘ સિદ્ધુ વાહનચાલક દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થોની અસર હેઠળ હોવાથી પણ અકસ્માતની શક્યતા વધી જતી હોવાનો મત વ્યક્ત કરે છે.
તેઓ આ વિશે વાત કરતાં કહે છે કે, "એક તરફ રાત્રિના સમયે પહેલાંથી શરીરની પ્રતિક્રિયા ધીમી પડી ગઈ હોય છે અને દારૂ કે અન્ય પદાર્થોના સેવનથી શરીરની પ્રતિક્રિયા વધુ ધીમી પડી શકે છે. તે કારણે વધુ ઝડપથી ચાલતાં વાહનોના અકસ્માત થવાની શક્યતા વધી જાય છે."
અરુણ શ્રીવાસ્તવ હાઇવે પર લૉ અને હાઈ બીમ લાઇટ અંગે પ્રવર્તતી અજ્ઞાનતા વિશે વાત કરતાં કહે છે કે, "આપણે ત્યાં રસ્તા પર ઘણા લોકો પાસે વાહન તો આવી ગયાં છે પરંતુ તેને ચલાવવા માટે પૂરતું જ્ઞાન અને સભાનતા નથી આવી."
"ઘણા લોકો વાહનોમાં LED લાઇટો લગાવીને ફરે છે. પરંતુ તેમને આ લાઇટોનો ઉપયોગ ખબર નથી હોતી. તેઓ આ લાઇટો એવી રીતે ઉપયોગમાં લે છે જેથી સામેવાળા વાહનચાલકને થોડા સમય માટે લગભગ અંધાપો આવી જાય છે. "
"આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ અંગે લોકોને જાગૃત કરવાની જરૂર છે. તેમને એ સમજાવાની દરકાર છે કે ક્યારે લૉ અને ક્યારે હાઇ બીમ લાઇટનો ઉપયોગ કરવો."
રોડ સેફ્ટીના ચાર 'E'
અરુણ શ્રીવાસ્તવ મધરાત્રિ દરમિયાન થતા અકસ્માતોના નિવારણ માટેનાં પગલાં સૂચવતાં રોડ સેફ્ટીના ચાર 'E' વિશે માહિતી આપે છે.
તેઓ કહે છે કે, "રોડ સેફ્ટીમાં એંજિનયરિંગ, ઍન્ફોર્સમેન્ટ, ઍજ્યુકેટ અને ઇમરજન્સી એ ચાર E મહત્ત્વના હોય છે."
"યોગ્ય એંજિનયરિંગથી બનાવાયેલ રસ્તા પર અકસ્માતની સંખ્યા ઘટવાની જ છે. જો રસ્તાને કોઈ પ્રકારે નુકસાન થાય તો તેની અસર વાહનચાલક પર પણ પડવાની તેથી પાકા અને સારા રસ્તા એ રોડ સેફ્ટી માટે પ્રાથમિક પગલું છે."
રોડ સેફ્ટીના બીજા 'E' એટલે કે ઍન્ફોર્સમેન્ટ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે સરકાર દ્વારા બનાવાયેલા નિયમોનું કડક રીતે પાલન કરાવાય તે પણ જરૂરી છે. પરંતુ દુર્ભાગ્યે આપણા તંત્ર પાસે કાયદાનું કડક પાલન કરાવવાની ઇચ્છાશક્તિ, ક્ષમતા અને સાધનોની અછત છે."
"માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે એ માટે તંત્ર કાયદાનું પાલન સુનિશ્ચિત કરાવે એ પ્રાથમિક જરૂરિયાત છે."
આ સિવાય તેઓ ઍજ્યુકેશન એટલે કે શિક્ષણમાં રોડ સેફ્ટી અંગેનાં ચૅપ્ટરો ઉમેરવાની પણ ભલામણ કરે છે.
તેઓ કહે છે કે, "જો બાળકોને નાનપણથી જ સ્કૂલોમાં રોડ સેફ્ટી, અકસ્માતોના નિવારણ માટેનાં પગલાં અંગે શીખવવામાં આવે તો દેશમાં ખૂબ જ જાગૃત યુવાવર્ગ તૈયાર થશે. જેઓ પોતાની અને રસ્તા પર જતા બીજાની સલામતીની જાળવણી માટે પૂરતું જ્ઞાન પહેલાંથી ધરાવતા હશે."
આ સિવાય કટોકટીના સમય દરમિયાન ડ્રાઇવરોએ અનુસરવાનાં પગલાં અંગે તેમને માહિતગાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેઓ કહે છે કે, "ઘણી વાર વાહનચાલકોને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિને કેવી રીતે હૅન્ડલ કરવી તેની સમજ હોતી નથી જે કારણે આવી વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે છે."
"જો આવી પરિસ્થિતિમાં ફસાયેલી વ્યક્તિને શક્ય મદદ કઈ રીતે પૂરી પાડવી તે અંગેનું જ્ઞાન વાહનચાલકોને આપવામાં આવે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય છે."
"આ સિવાય મદદ કરનારને પોલીસ કે અન્ય તંત્રની હેરાનગતિનો ભોગ ન બનવું પડે તે સુનિશ્ચિત કરવાની પણ આપણી જવાબદારી છે. જેથી તેઓ વગર ખચકાટે અકસ્માતમાં ફસાયેલાની મદદ કરી શકે."
તેઓ હાઇવે પર વાહન ચલાવનાર ચાલકોને નિયમિત અંતરે આરામ કરવાની, નશીલા પદાર્થોનું સેવન ન કરવાની, ઓવરસ્પિડિંગ ન કરવાની સલાહ પણ આપે છે. તેઓ લાંબી મુસાફરીમાં બે ડ્રાઇવરો સાથે સફર કરવાની સલાહ પણ આપે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો