કોરોનાની રસી બાદ આવતી દિવાળી સુધીમાં જીવન સામાન્ય બની જશે?

હાલમાં જ અમેરિકાની મૉડર્ના અને પીફાઇઝર કંપનીએ કોરોના વાઇરસની એવી રસી વિકસાવવાનો દાવો કર્યો છે જેના પરીક્ષણમાં શરૂઆતી પરિણામ ઘણાં સારા રહ્યાં છે.

સોમવારે દવા બનાવનાર મૉડર્ના કંપનીએ દાવો કર્યો કે કોરોના મહામારીની વિરુદ્ધ સુરક્ષા આપનારી તેની નવી વૅક્સિન 95 ટકા સુધી સફળ છે. આની પહેલાં પીફાઇઝર કંપનીએ 90 ટકા અસરકારક રસી તૈયાર કરવાનો દાવો કર્યો હતો.

રશિયાએ પણ 90 ટકાથી વધારે અસરકારક રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે.

આ સિવાય પણ કોરોના મહામારી સામે લડવા માટે દુનિયાભરમાં રસી પર પ્રયોગો ચાલી રહ્યા છે.

જેમાંથી ડઝન જેટલી રસી પરીક્ષણના નિર્ણાયક તબક્કામાં છે, આમાં સ્પુતનિક, પીફાઇઝર અને ઑક્સફોર્ડ પણ સામેલ છે.

રસીને લીધે વિશ્વાસ જાગ્યો છે કે મહામારીનો અંત આવી શકે છે. વળી હવે તો અગ્રણી વૈજ્ઞાનિકે પણ આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષના શિયાળા સુધીમાં જનજીવન સામાન્ય થઈ શકે છે. તેમ છતાં કેટલીક અનિશ્ચિતતાઓ પણ છે.

વૅક્સિનને નિયામકો તરફથી મંજૂરી પણ મળવી જરૂરી છે. જો તે સુરક્ષિત હોય અને સારી રીતે કામ કરે છે તો જ તેને મંજૂરી મળશે.

શરૂઆતી પરિણામો પણ હકારાત્મક જોવા મળી રહ્યા છે પરંતુ આવતા સપ્તાહોમાં વધુ પરિણામોની રાહ જોવાઈ રહી છે.

કોરોનાની એવી રસી પર નજર કરીએ જેણે દુનિયામાં આશા જગાડી છે કે કોરોના મહામારીને કાબૂમાં લઈ શકાશે.

મૉડર્ના વૅક્સિનની સફળતા

અમેરિકન કંપની મૉડર્ના વૅક્સિનના ટ્રાયલના ડેટાના શરૂઆતના પરિણામ પ્રમાણે કોરોના મહામારીની વિરુદ્ધ સુરક્ષા આપવામાં 95 ટકા સુધી સફળ છે.

હવે આશા બંધાઈ રહી છે કે આ વૅક્સિન મહામારીનો અંત કરવામાં મદદરૂપ સાબિત થશે.

મૉડર્નાનું કહેવું છે કે આ કંપની માટે એક ઐતિહાસિક દિવસ છે અને તે આવનારા થોડાં અઠવાડિયામાં વૅક્સિન વાપરવાની મંજૂરી માગવા જઈ રહી છે.

જોકે વૅક્સિન વિશે અત્યારે શરૂઆતના ડેટા જ ઉપલબ્ધ છે અને કેટલાક અગત્યના પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે.

અમેરિકામાં 30 હજાર લોકો પર આની ટ્રાયલ થઈ છે જેમાં 50 ટકા લોકોને ચાર અઠવાડિયાંના ગાળા પર વૅક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે બાકી લોકોને ડમી ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં.

કંપનીનો દાવો છે કે આ રસી 94.5 ટકા લોકોને વાઇરસમાંથી સુરક્ષા આપે છે.

મૉડર્નાના ચીફ મેડિકલ ઑફિસર ટેલ જેક્સે બીબીસીએ કહ્યું, "રસીનો સંપૂર્ણ પ્રભાવ શાનદાર છે."

કંપનીના પ્રમુખ ડૉ.સ્ટીફન હોગે કહ્યું, "જ્યારે પરિણામ આવ્યાં ત્યારે મારા ચહેરા પર હાસ્ય હતું."

તેમણે બીબીસીને કહ્યું, 'મને નથી લાગતું કે અમારામાંથી કોઈએ વિચાર્યું હશે કે રસી 94 ટકા સફળ રહેશે. આ એક ચોંકાવનારું પરિણામ હતું.'

90 ટકા અસરકારક પીફાઇઝર રસીનો દાવો

કોરોના વાઇરસની પીફાઇઝર અને બાયોએનટેકની રસીની ટ્રાયલના શરૂઆતી પરિણામોમાં જાણવા મળ્યું છે કે તે 90 ટકા જેટલી અસરકારક છે.

ઉત્પાદક પીફાઇઝર અને બાયોએનટેકે આને "વિજ્ઞાન અને માનવતા માટે મહાન દિવસ" ગણાવ્યો હતો.

તેમની વૅક્સિનનું પરીક્ષણ 6 દેશોના 43,500 લોકો પર કરવામાં આવ્યું હતું. હાલ સુધી સુરક્ષાને લઈને કોઈ પણ પ્રશ્નો ઉઠ્યા નથી.

કંપની આ મહિના અંત સુધીમાં ઇમરજન્સી મંજૂરી માટે અરજી કરી શકે છે.

અંદાજે એક ડઝન જેટલી રસી પરીક્ષણના અંતિમ તબક્કામાં છે પરંતુ ત્રીજા તબક્કાના પરીક્ષણમાં કોઈ પરિણામ દર્શાવનાર રસી આ પ્રથમ છે.

તે સંપૂર્ણપણે પ્રાયોગિક અભિગમનો ઉપયોગ કરે છે - જેમાં રોગપ્રતિકારક શક્તિને તૈયાર કરવા માટે - વાઇરસના આનુવંશિક કોડના ભાગને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.

ફાઇઝર માને છે કે તે આ વર્ષના અંત સુધીમાં 50 મિલિયન ડોઝ અને 2021ના અંત સુધીમાં આશરે 1.3 અબજ ડોઝ સપ્લાય કરી શકશે.

જોકે, અનેક તાર્કિક પડકાર છે, કારણ કે રસી અલ્ટ્રા-કૉલ્ડ સ્ટોરેજમાં માઇનસ 80 સેલ્સિયસથી નીચે રાખવી પડે છે.

કંપનીઓનું કહેવું છે કે નવેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં રેગ્યુલેટર્સ સુધી લઈ જવા માટે તેમની પાસે સલામતીનો પૂરતો ડેટા હશે.

ત્યાં સુધી દેશો માટે રસીકરણ અભિયાન શરૂ કરવું શક્ય નથી. બ્રિટને પહેલાથી જ 30 મિલિયન ડોઝ માટે ઑર્ડર આપી ચૂક્યું છે.

રશિયાની રસી 92 ટકા સફળ હોવાનો દાવો

રશિયામાં કોવિડની જે વૅક્સિન પર કામ ચાલી રહ્યું છે તેના 92 ટકા અસરકારક રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.

રશિયાની સ્પુટનિક વી રસીના પરીક્ષણમાં 16 હજાર સ્વયંસેવકોઓ ભાગ લીધો હતો જેમાંથી 20 ટકા સંક્રમિત હતા.

કેટલાક વૈજ્ઞાનિકોએ આ સમાચારનું સ્વાગત કર્યું હતું તો અમુક વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આ ડેટા રજૂ કરવામાં બહુ ઉતાવળ કરવામાં આવી હતી.

જ્યારે અન્ય 90 ટકા સુરક્ષિત રસી બનાવવાનો દાવો કરનાર કંપની પીફાઇઝર અને બાયોએનટેકનો ડેટા 43,500 લોકોના પરીક્ષણ પર આધારિત હતો.

જોકે સ્પુટનિકનો ડેટા ઓછા લોકોના પરીક્ષણ પર આધારિત હતો. પરંતુ પરીક્ષણમાં ભાગ લેનારા સ્વયંસેવકોમાંથી ઓછા લોકોનાં સંક્રમિત થવાથી, એ ચોક્કસ કહી શકાય કે શરૂઆતના સંશોધનને આશા જગાવી છે.

મૉસ્કોના નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર એમિડેમિઓલૉજી ઍન્ડ માઇક્રોબાયોલૉજી સ્પુટ્નિક વી વૅક્સિન પર કામ કરી રહ્યું છે. હાલ બેલારૂસ, યુએઈ, વેનેઝુએલા અને ભારતમાં આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

અત્યાર સુધી કોઈ સુરક્ષાના પ્રશ્નો સામે નથી આવ્યા, રશિયાના સંશોધકો કહે છે કે સ્વયંસવેકોને પ્રથમ બે ઇન્જેક્શન આપવામાં આવ્યાં ત્યાર પછી 21 દિવસ સુધી કોઈ "અણધાર્યા ખરાબ બનાવ" બન્યા નથી.

સંશોધકોનું કહેવું છે કે 50 દેશોથી સ્પુટનિક રસીના 1.2 અબજ ડોઝ માટે વિનંતી કરી છે. તેમનો દાવો છે કે દર વર્ષે વૈશ્વિક બજાર માટે દર વર્ષે 50 કરોડ ડોઝ બનાવી શકાય છે.

આશા કે પછી આશાનો અતિરેક?

ત્યારે બીબીસીના હેલ્થ સંવાદદાતા મિશેલ રૉબર્ટ્સેનું કહેવું છે કે આશા રાખવી જોઈએ પણ તેની અતિશયોક્તિ ન થવી જોઈએ.

તેમના વિશ્લેષણ મુજબ વૅક્સિનને નિયામકો તરફથી મંજૂરી પણ મળવી જરૂરી છે. જો તે સુરક્ષિત હોય અને સારી રીતે કામ કરે છે તો જ તેને મંજૂરી મળશે.

શરૂઆતી પરિણામો પણ હકારાત્મક જોવા મળી રહ્યાં છે પરંતુ આવતા સપ્તાહોમાં વધુ પરિણામોની રાહ જોવાઈ રહી છે.

જોકે જેમને વધુ જરૂર છે જેમ કે વૃદ્ધો તેમના પર રસી કઈ રીતે કામ કરશે તેના માટે કોઈ ડેટા ઉપલબ્ધ નથી.

વળી એ વાઇરસને ફેલાતો અટકાવશે એ વિશે પણ જાણકારી નથી. પછી રોગપ્રતિકારક શક્તિ કેટલી રહેશે તે પણ જાણકારી નથી. લોકોને વાર્ષિક ધોરણે ડોઝ આપવા પડે એવું પણ બને.

રસી આવી પણ ગઈ તો લોકોને આપવામાં અને તેની અસર વર્તાવામાં સમય લાગશે.

તેની સાથે સાથે અન્ય રસી પણ આવશે તો તે કદાચ આના કરતા સારી રીતે પણ કામ કરી શકે છે.

આવતા વર્ષે ક્યારે પરિસ્થિતિ સુધરી શકે છે?

કોરોના વાઇરસની નવી વૅક્સિનની અસર ઉનાળામાં નોંધપાત્ર રીતે જોવા મળશે અને આવતા શિયાળા સુધીમાં જનજીવન સામાન્ય થઈ જશે એવું વૅક્સિન તૈયાર કરવામાં સામેલ વ્યક્તિનું કહેવું છે.

પ્રો. ઉગૂર સાહિન જેઓ બાયૉએનટૅકના સહસ્થાપક છે તેમનું કહેવું છે કે ચાલુ શિયાળામાં રસી વાઇરસ સામે એટલી વ્યાપક રીતે અસર નહીં કરી શકે.

બીબીસીના એન્ડ્ર્યૂ મૅર શૉ સાથેના ઇન્ટરવ્યૂમાં પ્રો. સાહિને કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે લોકો વચ્ચેના સંક્રમણને રોકવામાં રસી સફળ રહેશે અને જેમને રસી મળી છે તેમનામાં કોરોનાનાં લક્ષણોના વિકાસને પણ અટકાવી દેશે.

તેમણે ઉમેર્યું, "મને વિશ્વાસ છે કે કદાચ 90 નહીં તો 50 ટકા સંક્રમણ તો રસી અટકાવી જ દેશે. પણ આપણે એ ન ભુલવું જોઈએ કે તેનાથી મહામારીના ફેલાવામાં નાટ્યાત્મક બદલાવ આવી શકે છે."

તેમણે કહ્યું કે ઉનાળામાં સામૂહિક રસીકરણ જેનું આયોજન છે તે દેશમાં તે આવતા શિયાળા સુધી અસર કરવાનું શરૂ કરી દેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો