You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્યાં પહોંચી છે તથ્ય પટેલ કેસની તપાસ? શું તેને કડક સજા થશે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
આવનારા અઠવાડિયાંમાં અમદાવાદ પોલીસ તથ્ય પટેલના કેસમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. જો આવું થાય તો હજી સુધી સૌથી ઝડપી તપાસ થઈ હોય તેવા કેસની યાદીમાં આ કેસની ગણના થશે. તથ્ય પટેલ કેસમાં પોલીસે બીજી વખત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસને ખાતરી છે કે તથ્યને આ કેસમાં વધુમાં વધુ સજા મળશે.
તથ્યની સામે સરકારી અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વી બી દેસાઈએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે, જેમાં આઈપીસી ઉપરાંત મોટરવ્હિકલ ઍક્ટની વિવિધ કલમો લગાવવામાં આવી છે.
બીજી બાજુ તથ્ય પટેલનો આલ્કોહોલ કે બીજા કોઈ પણ કેફી પદાર્થનો બ્લડ રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. જોકે આ કેસમાં સજ્જડ પુરાવા મળે તે માટે પોલીસે ફૉરેન્સિક સાયન્સ ઍક્સ્પર્ટ, આરટીઓના અધિકારીઓ, ઉપરાંત જે કંપનીની આ ગાડી છે તે ‘જેગુઆર’ ગાડીના ઍક્સ્પર્ટને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
શું તપાસ કરી રહી છે પોલીસ?
પોલીસે હજી સુધી બે વખત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી લીધું છે. એટલે કે રાતના સમયે ‘જેગુઆર’ ગાડીને ૧૨૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચલાવીને જોવામાં આવ્યું હતું કે ખરેખર તે રાત્રે કાર કેવી રીતે બ્રીજ ઉપર પહોંચી હશે, અને તથ્યને તે સમયે શું દેખાઈ રહ્યું હશે.
ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “તથ્યની સાથે તેના મિત્રો કારમાં હતા, તેમની પાસેથી જાણવું છે કે તેઓ અંદર કોઈ મસ્તી કરી રહ્યાં હતા કે શું? તે ઉપરાંત અમે હજી તેના જૂનાં કેસ કે જેમાં તેણે કોઈ સ્ટન્ટ કર્યો હોય, તેવા કેસની પણ તપાસ કરી રહ્યાં છીએ, જેથી સાબિત થાય કે આ વ્યક્તિને કાર સ્ટન્ટ કરવાનો શોખ છે.”
તેમણે પત્રકારો સાથે વાત કરતા એ પણ કહ્યું હતું કે, “નાઇટ વિઝનને લગતા પુરાવાઓ ભેગા કરવા માટે અમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને જોવાનો પ્રયાસ કર્યો હતો, કે તે રાત્રે ખરેખર રોડ પર કેટલી લાઇટ હતી. જોકે તે ઘટનાનો એફએસએલ રિપોર્ટ હજી પોલીસને મળ્યો નથી.”
હાલમાં પોલીસ તથ્યની ગાડીની ઝડપ, એક ડ્રાઇવર તરીકેની તેની બેજવાબદારી, જૂનાં ઍક્સિડન્ટ, ઉપરાંત સાયન્ટીફિક પુરાવા જેમ કે ગાડીનો રિપોર્ટ, ઑટોમોબાઇલ ઍન્જિનિયર્સનાં નિવેદનો તથ્યના મિત્રોનાં નિવેદનો અને તેની ઉલટ તપાસ વગેરે દિશામાં આ કેસની તપાસ કરી રહી છે.
કઈ-કઈ કલમો લાગી છે તથ્ય પર?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
IPCની કલમ 279 – જાહેર માર્ગ પર ભયજનક રીતે વાહન ચલાવી જાનહાની કરે તો તેવી વ્યક્તિને 6 મહિના સુધીની સજા અને દંડ થઈ શકે છે.
IPCની કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 338 - કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 304 - હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 504 – શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવામાં આવે ત્યારે જો ગુનો સાબિત થાય તો બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.
IPCની કલમ 506 (2) – મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની ધમકી માટે આ કલમ દાખલ થાય છે, જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 114 - ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.
તે ઉપરાંત મોટર વ્હીકલ ઍક્ટની કલમ 177, 184 અને 134(બ) કલમો એફઆઈઆરમાં દાખલ કરવામાં આવેલી છે.
શું પોલીસ તપાસ પછી તથ્યને સજા થશે?
આ અંગે બીબીસી ગુજરાતીએ કેટલાક વકીલો સાથે વાત કરી. મોટાભાગના વકીલોનું કહેવું હતું કે જે રીતે આ કેસ હાલમાં મીડિયાના ઍટેન્શનમાં છે, ત્યારે જ જો આ કેસ કોર્ટ સુધી પહોંચી જાય અને તેની ત્વરિત સુનાવણી શરૂ થઈ જાય તો તથ્યને સજા થવાની ઘણી શક્યતા છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ વકીલ મનોજ શ્રીમાળી સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, “સૌથી પહેલાં તો પોલીસે પોતાની તપાસમાં એ વાત લાવવી જોઈએ કે અગાઉના કેસમાં તે કેવી રીતે બચી ગયો હતો.”
શહેરના એસજી હાઈવે ખાતે ઇસ્કોન મંદિર ફ્લાયઓવર પર ઍક્સિડન્ટ પહેલાં, તથ્યએ આશરે 20 દિવસ અગાઉ એક કાફેની દિવાલ થાર કારની ટક્કર મારીને તોડી દીધી હતી.
શ્રીમાળી કહે છે કે, “જો તે જ ગુનામાં તેને સજા મળી ગઈ હોત તો આ નવ લોકો આજે જીવિત હોત, એટલે પોલીસે તથ્યની ડ્રાઇવિંગની ટેવ અંગે તપાસ કરીને કોર્ટમાં તે સાબિત કરવું જોઇએ કે આ વ્યક્તિ ભયજનક રીતે વાહન ચલાવવાનો આદી છે.” તેમણે એ પણ કહ્યું કે, “પોલીસે પોતાની તપાસમાં વધુમાં વધુ સ્ટેટમેન્ટ, જેમાં તેના મિત્રોના, બીજા અકસ્માતોથી ભોગ બનનારા લોકોના, તેની સાથે કારમાં હાજર હતા તે લોકોના સ્ટેટમેન્ટ હોવાં જોઇએ.”
આવી જ રીતે હાઈકોર્ટના વકીલ કે આર કોષ્ઠી કહે છે કે, “આ કેસમાં સૌથી મહત્ત્વનાં પુરાવા તો નવ લોકોનાં મૃત્યુ છે. પોલીસે બસ તે જ દિશામાં તપાસ કરવી જોઈએ કે આ નવ લોકોનાં મૃત્યુ કારથી કેવી રીતે, કેટલી સ્પીડ પર અને કેમ થયાં, આટલું કરવાથી ગુનો સાબિત થઈ શકે છે.”
શું છે તથ્ય પટેલનો મામલો?
20મી તારીખની રાત્રે તથ્ય પટેલ એક ‘જેગુઆર’ કારમાં પોતાના મિત્રો સાથે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબવાળા એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ઇસ્કોન બ્રીજ પર એક થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને પોલીસ જવાનો સહિત ઘણાં લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યા હતા, તે સમયે તથ્ય પટેલની ‘જેગુઆર’ કાર આશરે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવીને રસ્તા પર અગાઉથી થયેલા ઍક્સિડન્ટ પાસેથી પસાર થઈને 8 લોકોના સ્થળ પર જ મોત નીપજાવી દીધા હતાં, જ્યારે એક વ્યક્તિ હૉસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી, અને પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.