અમદાવાદ : 9 લોકોનાં મોત થયાં એ બ્રિજ પર અડધી રાતે ખરેખર શું થયું હતું, પુત્ર-પિતા સામેની ફરિયાદમાં શું છે?

ગુજરાતના અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત ગુરુવારે મોડી રાત્રે ‘પૂરપાટ ઝડપે’ દોડતી જેગુઆર કાર ફરી વળતાં નવ લોકોનાં કરુણ મૃત્યુ નીપજ્યાં છે.

‘ભયાનક અકસ્માત’માં ઈજાગ્રસ્ત થયેલા 13 લોકોને સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ખસેડાયા હતા.

ઘટના બાદ જેગુઆર કારના ‘ચાલક’ તથ્ય પટેલને અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેતુ રખાયા હતા. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બાદમાં 20 વર્ષીય ચાલક તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.

એસજી હાઇવે – 02 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરાયેલ એફઆઇઆરમાં નોંધાયેલ વિગતો અનુસાર ચાલક તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279, 337, 338, 304, 504, 506 (2), 114 તેમજ મોટર વિહિકલ ઍક્ટ અધિનિયમની કલમ 177, 184 અને 134 (b) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ અમદાવાદની સોલા સિવિલ ખાતે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો રખાયા હતા. હૉસ્પિટલના પરિસરમાં પોતાના સ્વજનોની ‘અકાળ વિદાય’નું દુ:ખ જીરવી રહેલા પરિવારજનોના કલ્પાંતનાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.

ઘટના અંગે ‘દુ:ખ’ વ્યક્ત કરી રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં ઘટનાને ‘હચમચાવનારી’ ગણાવી અને ‘પીડિતોને ઝડપી ન્યાય અપાવવાની’ પ્રતિબદ્ધતા દાખવી હતી.

ઘટનાના પીડિતોના પરિવારજનોએ ‘વળતર નહીં ન્યાય’ની માગ સાથે ‘ગુનેગારને ફાંસી’ની સજા સિવાય ‘કંઈ મંજૂર’ ન હોવાની વાત કરી હતી.

આમ, ઘણી બધી રીતે ગુરુવારનો દિવસ સમગ્ર ગુજરાત માટે ‘અપાર દુ:ખ, શોકગ્રસ્ત અને મુશ્કેલ અનુભવોથી ભરેલો દિવસ’ સાબિત થયો હતો.

ઘટનાસ્થળે 'વિનાશ વેરાયાનાં દૃશ્યો'

ગુરુવારે રાત્રે અંદાજે 12.30 વાગ્યે ઇસ્કોન ફ્લાયઓવર પર એક ડમ્પર અને કારનો અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં કારચાલક સગીરે રસ્તા પર આગળ ચાલતા ડમ્પરને ટક્કર મારતાં કાર ડિવાઇડર પાસે પહોંચી ગઈ હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ ટક્કરનો અવાજ સાંભળીને બ્રિજની નીચે રહેલા લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટનાસ્થળે બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન પણ હાજર હતા.

‘મદદ કરવાના’ ભાવે સ્થળ પર કેટલાક માણસોનું ટોળું ભેગું થયું હતું. એ જ સમયે લગભગ રાત્રે એક વાગ્યે ‘ગંભીર અકસ્માત’ સર્જનાર જેગુઆર કાર ફરી વળી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર જેગુઆર કારે ટોળામાં ઊભેલા લોકોને ટક્કર મારતાં કેટલાક રસ્તા પર ફંગોળાયા હતા, તો કેટલાક લગભગ 200 મીટર સુધી કાર સાથે ઢસડાયા હતા.

આ અકસ્માતે જાણે આખા ફ્લાયઓવરનો એ પટ્ટો અને ભાગ ‘રક્તરંજિત’ બનાવી દીધો હતો.

અખબારના અહેવાલ અનુસાર ઘટનાસ્થળે એ સમયે ‘વિનાશ વેરાયેલો’ દેખાઈ રહ્યો હતો. ચારે બાજુ ઘટનાનો ભોગ બનેલા લોકોના હાથ, ખિસ્સામાંથી પડેલી વસ્તુઓ પથરાયેલી દેખાઈ રહી હતી.

હેબતાયેલા અને ઘટનાથી આક્રોશે ભરાયેલા લોકો પૈકી કેટલાકે કથિતપણે ચાલક તથ્ય પટેલને કારમાંથી કાઢીને ‘માર માર્યો’ હતો.

અહેવાલ અનુસાર ઘટનાસ્થળેથી તથ્યના પિતા તેમને કથિતપણે ‘ભગાડી’ ગયા હતા. એવો પણ આરોપ કરાયો હતો કે ઘટનાસ્થળેથી તથ્યને લઈ જવા માટે પિતા અને તેમની સાથેના માણસો એ પબ્લિક સાથે ગાળાગાળી કરી ધાકધમકી આપી હતી. તેમજ તેમના પર ઘટનાસ્થળે બંદૂક કાઢી માણસોને ગભરાવાનો પણ આરોપ કરાયો હતો.

ઘટનામાં અક્ષર ચાવડા (21 વર્ષ), અમન કચ્છી (21 વર્ષ), અરમાન વઢવાણિયા (21 વર્ષ), કૃણાલ ડોડિયા (24 વર્ષ), નીરવ રામાનંદ (22 વર્ષ), રોનક બિહલપુરા (23 વર્ષ), નીલેશ ખટીક (38 વર્ષ), હેડ કૉન્સ્ટેબલ જસવંત ચૌહાણ અને પોલીસ કૉન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર (40 વર્ષ)નું મોત થયું છે.

‘અમારે વળતર નથી જોઈતું, આરોપીને ફાંસી આપો’

સોલા સિવિલ કંપાઉન્ડમાં એકઠા થયેલા મૃતકોના પરિવારજનો પોતાના સ્વજનોનાં મૃત્યુના ‘અપાર દુ:ખ’ને કારણે ‘ગળગળા થયેલા’ જોવા મળ્યા હતા.

‘રડમસ’ સ્વરે તેઓ પોતાના મૃતક પરિવારજનો માટે ‘ન્યાય’ માગતા જોવા મળી રહ્યા હતા.

મૃતકો પૈકી એક યુવાન અક્ષય ચાવડાના એક પરિવારજન નરેન્દ્રભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં આક્રોશ સાથે માગણી કરતાં કહ્યું હતું કે, “અમારે ન્યાય જોઈએ. મારા સાળાનો એકનો એક દીકરો ગુજરી ગયો. ગુનેગારને ફાંસી મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ.”

સરકારે જાહેર કરેલા વળતર અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, “અમારે ન્યાય જોઈએ, વળતર નહીં. જો પૈસાની જ વાત હોય તો અમે પૈસા આપીશું, પરંતુ ગુનેગારને ફાંસી સિવાય અમને કોઈ સજા મંજૂર નથી.”

પરિવારજનો સાથે થયેલી વાતચીત મુજબ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન અક્ષર ચાવડા મૂળ બોટાદ જિલ્લાના હતા.

પરિવારે આપેલી માહિતી અનુસાર, “અમદાવાદ એમબીએ કોર્સમાં ઍડમિશન માટે આવ્યો હતો, એ ઘટનાસ્થળ પાસેની હૉસ્ટેલમાં રૂમ રાખીને રહેતો, અકસ્માતનો અવાજ સાંભળી એ અને તેના મિત્રો ત્યાં પહોંચ્યા અને અકસ્માતમાં તેનો જીવ ગયો.”

અક્ષરના પિતા ઘટના અંગેની વાત કરતાં ગળગળા થઈ ગયા હતા.

પુત્રના મૃત્યુનો ભાર વેઠી રહેલાં આ પિતા માંડમાંડ વાત કરી શકતા હતા. તેમણે કહ્યું કે, “અમને આ અકસ્માત થયાનો ફોન આવ્યો અમે આવ્યા ત્યારે ખબર પડી કે સારવાર ચાલી રહી છે, પરંતુ અંતે મારો દીકરો મૃત્યુ પામ્યો.”

ઘટનામાં એક હોમગાર્ડ જવાને પણ જીવ ગુમાવ્યો હતો.

તેમના એક પરિવારજન દિલીપભાઈ ચંદેલે વાત કરતાં કહ્યું હતું કે, “રાત્રે તે તેની ડ્યૂટી પર ગયો હતો. દરમિયાન ઇસ્કોન પાસે ચા પીવા જતાં તેમણે જોયું કે નજીકમાં અકસ્માત થયો છે, આ દૃશ્ય જોઈ તે મદદ કરવા ગયો. પરંતુ આ જ દરમિયાન આ ગાડીવાળાએ આવીને ત્યાં ઊભેલાં દસ-15 જણને અડફેટે લઈ લીધા. તેમાં પોલીસકર્મી સહિત મારા ભત્રીજાનું પણ મૃત્યુ થયું હતું.”

તેમણે ઘટનાના જવાબદાર કારચાલકને સજાની માગણી કરતાં કહ્યું હતું કે, “અમારું માત્ર એટલું જ કહેવું છે કે ભલે આ કારચાલક ગમે એ વ્યક્તિ હોય, તેને સજા થવી જ જોઈએ.”

સરકારે જાહેર કરેલા વળતર અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ચાર લાખ રૂપિયામાં છોકરું નથી મળતું. ચાર લાખ રૂપિયા આપે બધું પૂરું ન થઈ જાય.”

“છોકરાને મોટો કરવામાં માબાપનું જીવન ગુજરી જાય છે. સહાય આપવાથી બધું નથી થઈ જતું. તેને મહેનત કરીને અમે મોટો કર્યો હતો.”

તેમણે આરોપીને સજાની માગ કરતાં કહ્યું હતું કે, “આવા ગુનેગારોને સરકાર સજા કરે. જેનાથી બીજા ગુનેગારો માટે દાખલો બેસે.”

આરોપીની ધરપકડ

ઘટના બાદ સવારે ગુજરાત સહિત મીડિયા દેશનાં મીડિયા સંસ્થાનોનું ધ્યાન આ અકસ્માત પર કેન્દ્રિત થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

અકસ્માતના સ્થળેથી લઈ જઈને તથ્ય પટેલને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન તેમના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં પુત્રની ગાડીની ઝડપ વિશે ‘જાણ ન હોવાનો’ દાવો કર્યો હતો.

કેસમાં ‘કોર્ટ કરે એ મંજૂર’ રાખવાની વાત કરી તેમણે અકસ્માતના પીડિતોને છોડીને માત્ર પોતાના દીકરાને હૉસ્પિટલે પહોંચાડ્યાની પોતાની ‘પ્રતિક્રિયા’નો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉપરાંત તેમના વકીલે સમગ્ર ઘટનામાં ‘અકસ્માતના સ્થળે ચાલુ રોડે એકઠી થયેલી ભીડ’ પર, તંત્ર અને પોલીસની નિષ્ક્રિયતા પર ‘દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ’ કર્યો હતો.

વિવાદ વધુ ચગતાં આ મામલાને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી.

અહેવાલો અનુસાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ ઘટના અંગે કહ્યું હતું કે, ‘તંત્ર અને સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહ્યાં છે.’

તેમણે કહ્યું હતું કે, “મુખ્ય મંત્રીની સૂચના મુજબ આ કેસમાં કાર્યવાહી ચાલુ કરી દેવાઈ છે. એક અઠવાડિયામાં મામલાની ચાર્જશીટ દાખલ કરાઈને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવાશે. સાંજ સુધી સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટરની નિમણૂક કરી દેવાશે. આ કેસને અતિ ગંભીર અને ઉચ્ચ પ્રાથમિકતાવાળા કેસ તરીકે જોવાઈ રહ્યો છે.”

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “અમે આ કેસને લઈને ખૂબ ગંભીર છીએ. આજે રાજ્યમાં તમામનાં ઘરમાં શોકનો માહોલ છે. અમે સુનિશ્ચિત કરશું કે આ મામલાને લઈને કોઈ છટકબારી ન રહે. સાંજ સુધીમાં આરટીઓનો રિપોર્ટ મળી જશે. આવી ઘટનાઓ આગળ ન થાય એ માટે પોલીસની એક નિરીક્ષણ ટીમ બનાવાઈ છે, જે નજર રાખવાનું કામ કરશે.”

તેમણે કેસ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, “પ્રાથમિક તપાસ મુજબ કરાયેલા ટેસ્ટમાં મામલો ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો જણાયો નથી. પરંતુ હજુ આ અંગે તપાસ કરાઈ રહી છે. વધુ ડિટેઇલ ટેસ્ટ કરાશે. જો ઘટનાના અગાઉના દિવસોમાં દારૂ પીધો હોય કે ડ્રગ્સ લીધું હોય તેની પણ તપાસ કરાશે. બ્લડ રિપોર્ટ બાદ બધું સામે આવશે.”

તથ્યના પિતા સામે ‘દાદાગીરી’ના આક્ષેપ અંગે તેમણે કહ્યું હતું કે, “સામાન્ય પરિવારોની ખુશી છીનવી અને એવું જાણવા મળ્યું છે કે તેના પિતાએ દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો, તેની સામે પણ પોલીસ કાયદાનું ભાન થાય એવી કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરશે.”

“સામાન્ય નાગરિકોને ગભરાવા મામલે તેમની સામે પણ એફઆઇઆર દાખલ કરાશે.”

તેમણે કહ્યું હતું કે, “સમગ્ર મામલામાં પોલીસ અને તંત્રે ખૂબ સારી કામગીરી કરી છે.”

ગુરુવારે આખરે આ ઘટનાના આરોપી પિતા-પુત્રની ધરપકડ કરાઈ હતી. અહેવાલો અનુસાર તથ્ય સાથે તેમની કારમાં રહેલાં પાંચ યુવક-યુવતીઓની પણ અટકાયત કરાઈ હતી.

'કાનની બૂટ પકડાવી માફી મગાવાઈ'

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર પિતા-પુત્રને લગભગ રાત્રે આઠ વાગ્યે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ જવાયા હતા. અકસ્માત સ્થળે પિતા-પુત્રને લઈ જઈ કૅમેરા સામે ‘કાનની બૂટ પકડાવી, ઊઠકબેઠક કરાવીને માફી મગાવાઈ’ હતી.

રિકન્સ્ટ્રક્શનમાં પોલીસે આરોપી સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આખરે અકસ્માત કેવી રીતે થયો, કાર ક્યાં ઊભી હતી, અકસ્માત સમયે આખરે શું પરિસ્થિતિ હતી?

મીડિયાના અહેવાલો અનુસાર બ્રિજ પર વિઝિબિલિટી અને સ્કીડ પૅટર્ન જેવાં પાસાં તપાસવા માટે કારની મદદ લઈને ફરી વાર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થાય તેવું અનુમાન કરાઈ રહ્યું છે.

ગુરુવારે સાયન્ટિફિક નિષ્ણાત દ્વારા કારનું પ્રાથમિક ઇન્સ્પેક્શન કરાયું હતું. આ સિવાય શુક્રવારે અકસ્માત સમયે કારની ઝડપનો ચોક્કસ ખ્યાલ આવી શકે એ હેતુથી વધુ વિગતવાર તપાસ કરાઈ શકે છે.

આ સાથે અમદાવાદના પ્રાઇમ વિસ્તારો પૈકી એક ગણાતા ઇસ્કોન બ્રિજ પર સીસીટીવી કૅમેરા અને પૂરતી સ્ટ્રીટ લાઇટની સગવડના અભાવે પણ પ્રશ્નો સર્જ્યા હતા.

મીડિયાના અહેવાલોમાં પ્રથમ અકસ્માત બાદ પોલીસ અને તંત્ર દ્વારા 40 મિનિટ સુધી ઘટનાસ્થળનું યોગ્ય રીતે ‘બૅરિકેડિંગ ન કરાયા’ની વાતને વખોડવામાં આવી હતી.

રાજ્ય સરકારે કરેલી જાહેરાત અનુસાર અમદાવાદ શહેરના ઍક્ટિંગ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે આ ઘટનાની તપાસ કરી રહેલા ટીમનું મૉનિટરિંગ કરશે.

નોંધનીય છે કે ગુજરાત સરકારે ઘટનાની તપાસ માટે એડિશનલ કમિનશર ઑફ પોલીસ (ટ્રાફિક), ત્રણ ડીસીપી અને સાત પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ રચી છે.

અહેવાલો અનુસાર શુક્રવારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાઈને આગળની તપાસ અને કાર્યવાહી કરાશે.