You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તેલ છે પણ અનાજ નથી, અનાજ હતું ત્યારે તેલ નહોતું', ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજનનું અનાજ નથી પહોંચતું?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
"જો અનાજને અભાવે મધ્યાહન ભોજન નહીં બને અને બાળકો ભૂખ્યાં રહશે તો તેમની આંતરડી કકળાવવાનું પાપ અમને લાગશે, તેમના નિસાસા અમને લાગશે."
આ શબ્દો છે 'ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીમંડળ'ના પ્રમુખ કિશોર જોશીના. તેઓ કાલાવડ ખાતે મધ્યાહન ભોજનના સંચાલક પણ છે.
"તેલ છે પણ ઘઉં, ચોખા, ચણા અને દાળ નથી આવ્યાં. જૂનમાં તેલ નહોતું આવ્યું અને અનાજ આવ્યું હતું. જુલાઈમાં તેલ છે અને અનાજ નથી. અમારે કેવી રીતે ગરીબ બાળકોને ખવડાવવું?" તો તાપી જિલ્લાના આદિવાસી વિસ્તાર સોનગઢ તાલુકાના ચાપલઘરા ગામના મધ્યાહન ભોજનયોજનાનાં સંચાલક પ્રેમિલાબહેન ગાવીત ગળગળાં થઈને પોતાની વ્યથા જણાવી રહ્યાં છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓની શાળાઓમાં છેલ્લા એક મહિનાથી અનાજનો પૂરવઠો પહોંચ્યો ન હોવાના આરોપો લગાવાઈ રહ્યો છે.
ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીમંડળનો આરોપ છે કે ચાલુ શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર શરૂ થયાને દોઢ મહિનો વીતી ગયો છે પરંતુ ઘણી શાળાઓમાં દાળ અને તેલનો જથ્થો નથી મળ્યો. કેટલીક શાળાઓમાં તો અનાજની ફાળવણી જ કરવામાં નથી આવી. તો કેટલીક શાળાઓને સડેલું અનાજ મળ્યું હોવાની ફરિયાદો ઊઠી છે.
મધ્યાહન ભોજન બનાવતા કર્મચારીઓનો આરોપ છે કે સરકારની વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ છે તેને કારણે ઘણી શાળાઓમાં અનાજ-તેલનો જથ્થો પહોંચ્યો જ નથી. જોકે, સરકાર આ પ્રકારના આરોપોને રદિયો આપે છે.
‘20 જિલ્લાઓમાં કેટલીક સ્કૂલોમાં તેલ-દાળનો જથ્થો પહોંચ્યો નથી’
ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીમંડળે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં 20 જિલ્લાની કેટલીક શાળાઓ એક મહિનાથી તેલ-દાળના જથ્થાથી વંચિત છે.
ડળના પ્રમુખ કિશોર જોશીએ આરોપ લગાવ્યો છે, "અનાજ તદ્દન હલકી ગુણવત્તાવાળું મળવાની કર્મચારીમંડળ દ્વારા અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ નેતા કે અધિકારીને કોઈ ફેર પડતો નથી. આખી યોજના રામભરોસે ચાલે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલા ચાપલધરા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરતાં સંચાલક પ્રેમિલાબહેન ગાવીત બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "આજે 19 તારીખે આ મહીના(જુલાઈ)નો તેલનો જ જથ્થો આવ્યો છે. જૂનમાં પણ સોનગઢમાં તેલના 214 ટીન ઓછાં આવ્યાં હતાં. ઘઉં નથી, ચોખા નથી, ચણા કે તુવરની દાળ પણ નથી. અમારે કેવી રીતે બાળકોને ખવડાવવું."
દુખી થઈને પ્રેમિલાબહેન કહે છે, "રજુઆત કરી તો કહે છે કે તમારી રીતે વ્યવસ્થા કરો. કંટ્રોલવાળાએ કાર્ડધારકોને અનાજનો જથ્થો આપવાનો હોય છે. બહારની દુકાનમાંથી મોંઘું અનાજ અમને પોષાતું નથી. સરકાર કહે છે કે કોઈ પણ સંજોગોમાં મધ્યાહન ભોજનકેન્દ્ર બંધ રહેવું ન જોઈએ, તો અમારે કરવાનું શું?"
ચાપલધરાની શાળામાં ધોરણ 1થી 5નો અભ્યાસ કરતા 26 વિદ્યાર્થીઓ છે. ગામની વસ્તી જ 255ની છે. શાળામાં આચાર્ય સહિતના બે શિક્ષકો છે. અમે આ શાળાના આચાર્ય નવીનભાઈ ગામીતને પૂછ્યું કે મધ્યાહન ભોજન ન અપાય તો બાળકો પર એની શી અસર થાય?
તેઓ કહે છે, "26 વિદ્યાર્થીઓમાં શું અસર પડે. જે મળે તે ખાઈ લે છે. તકલીફ સંચાલકોને છે. તેમનું ઉધારનું ચુકવણું નહીં થયું હોય તો તેમને અનાજ મેળવવામાં તકલીફ પડે, જો સરકારી જથ્થો ન મળે તો."
"એક તરફ મેનુ પ્રમાણે ભોજન આપવાનો આગ્રહ અને બીજી તરફ અનાજનો પુરવઠો જ નહીં, તેવામાં ઉધાર માગીને આ સંચાલકો ક્યાં સુધી ચલાવે?"
બાળકો પર શી થાય છે અસર?
જાણકારો કહે છે કે જો સરકાર મધ્યાહન ભોજન અંતર્ગત આવતો અનાજનો પૂરવઠો ન પહોંચાડે તો પછી સંચાલકો ભોજનના મેનુમાં બાંધછોડ કરી શકે છે. જોકે, આ પ્રકારની બાંધછોડની બાળકોના પોષણ પર ગંભીર અસર પડી શકે છે.
બાળકોનાં શિક્ષણ અને અધિકાર સાથે સંકળાયેલી સંસ્થા 'ગણતર'ના સહ-સંસ્થાપક સુખદેવ પટેલ આ મામલે વધુ પ્રકાશ પાડતાં જણાવે છે, "જો દાળ અને તેલ ન હોય તો બાળકો માટે પોષણયુક્ત વાનગી કઈ રીતે બની શકે? દાળમાં પ્રોટીન હોય છે અને તેલમાં ચરબી."
કેટલીક જગ્યાએ સડેલાં અનાજનો જથ્થો પહોંચ્યો હોવાની ફરિયાદ અંગે વાત કરતાં તેઓ કહે છે, "હાલમાં જ શાળાપ્રવેશોત્સવ થયો, જેમાં મુખ્ય મંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીગણ ગુજરાતના ખૂણેખૂણે ફર્યા હતા. તેમનો આશય હતો પ્રાથમિક શિક્ષણક્ષેત્રે ખામીઓની નોંધ લેવાનો. તો પછી જો મધ્યાહન ભોજનયોજનામાં આટલી કમીઓની નોંધ કોઈ મંત્રી કે અધિકારીએ કેમ ના લીધી?"
"કાં તો મધ્યાહન ભોજનયોજનાના સંચાલકો અને કર્મચારીઓ ખોટા છે અને કાં તો અધિકારીઓએ સમસ્યાને નજરઅંદાજ કરી છે."
કિશોર જોશી કહે છે, "ગરીબ-મજૂર વર્ગમાંથી આવતાં બાળકો જ મહદંશે મધ્યાહન ભોજનનો લાભ લેતાં હોય છે. તેમને અહીં ભોજન ના મળે તો તેમનાં માતા-પિતા મજૂરીથી ઘરે પરત ના ફરે ત્યાં સુધી ભૂખ્યાં જ રહેતાં હોય છે."
જાણકારો એમ પણ કહે છે કે જો મધ્યાહન ભોજનયોજનામાં ભોજન મળતું બંધ થાય તો ડ્રૉપ-આઉટ રેશિયો પણ વધી શકે છે અને બાળકોમાં કુપોષણ પણ.
‘સરકારની વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ’
ગુજરાતની 29 હજાર શાળાોમાં 45 લાખ બાળકો રોજ મધ્યાહન ભોજનનો લાભ લે છે. આ ઉપરાંત યોજનામાં 96 હજાર કર્મચારી પણ એ જ ભોજન લે છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ અને પુરવઠા વિભાગ દ્વારા મધ્યાહન ભોજનયોજનામાં અનાજ પૂરું પાડવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં 60 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 40 ટકા હિસ્સો આપવામાં આવે છે.
આ યોજનાના સંચાલકો કે કર્મચારીઓનો આરોપ છે કે તેઓ જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે કેન્દ્ર સરકારમાં રજુઆત કરીએ તો દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળવામાં આવે છે અને રાજ્ય સરકારમાં કોઈ રજૂઆત થાય તો કેન્દ્ર સરકારનો વાંક હોવાનું બહાનું આગળ ઘરાય છે.
કિશોર જોશી કહે છે, "અમને ફૂટબૉલની જેમ ફેરવે છે. ભારતમાં તમામ રાજ્યોમાં મધ્યાહન ભોજન હેઠળ માત્ર ભોજન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં આ જ ખર્ચમાં નાસ્તો અને ભોજન આપવામાં આવે છે. કેવી રીતે પૂરું થાય?"
સરકારે હાલ રસોઈખર્ચ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે 6.03 રૂપિયા તથા ધોરણ 6થી 8 માટે 8.47 રૂપિયા નક્કી કર્યો છે. આ યોજનામાં કામ કરતા સંચાલકને 3000, રસોઈયાને 2500 અને મદદનીશને 2500નું વળતર ચુકવાય છે. આ પગારધોરણ અને રસોઈખર્ચ પણ સરકારે હાલ જ વધાર્યાં છે.
કિશોર જોશી કહે છે, "આ ખર્ચામાં શાકભાજી અને મસાલાં ક્યાંથી લાવવાં? સરકાર મેનુ મુજબ અનાજ આપતી નથી."
તો સુખદેવ પટેલનું કહેવું છે, "સરકારી મિશનરીનો પૂરતો ઉપયોગ નથી, મૉનિટરિંગ નથી અને સુપરવિઝનનો અભાવ છે. સપ્લાય સિસ્ટમ પણ નબળી છે."
સરકારનું શું કહેવું છે?
'પીએમ પોષણ યોજના'ના સંયુક્ત કમિશનર કે. એન. ચાવડાએ તમામ જિલ્લાના પુરવઠા અધિકારીઓને પાઠવેલા એક પત્રમાં જણાવ્યું છે કે તેમણે જુન-2023નો એફપીએસ ખાતેનો પૅન્ડિંગ સેલ દર્શાવતો જથ્થો તાત્કાલિક ધોરણે મેળવી લેવો.
આ પત્રમાં જણાવાયું છે, "મધ્યાહન ભોજનયોજનાનો જે જથ્થો પૅન્ડિંગ સેલ તરીકે એફપીએસ પર ઉપલબ્ધ છે અને કેન્દ્રસંચાલક દ્વારા તેનો ઉપાડ કરાવનો બાકી છે, તે જથ્થાની પરમિટ લંબાવવામાં આવી છે, જેથી એફપીએસ પર પૅન્ડિંગ સેલ તરીકે ઉપબલ્ધ તમામ જથ્થો સંબંધિત સંચાલક દ્વારા તાત્કાલિક ધોરણે ઉપાડીને શાળાનાં કેન્દ્રો ખાતે જમા લેવામાં આવે."
"સ્ટૉક મૅનેજમૅન્ટ ઍન્ડ મૉનિટરિંગ પૉર્ટલ પર જુન-2023ના જથ્થાના લિફ્ટંગ બાબતે અધ્યતન સ્થિતિ ચકાસતાં પૉર્ટલ પર હજુ પેન્ડિંગ સેલમાં દર્શાવતો એફપીએસ જથ્થો શાળાએ પહોંચ્યો નથી અને તે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા આજદીન(15-07-2023) સુધી પુરો પાડવામાં આવેલ નથી. આ જથ્થાને મેળવવા માટેની પ્રક્રિયા ચાલુ છે."
અમે જ્યારે આ મામલે કે. એન. ચાવડાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે બીબીસી ગુજરાતીને બસ એટલું જ કહ્યું કે "કિશોર જોશી દ્વારા લગાવાયેલા તમામ આરોપો ખોટા છે અને અમે રાજ્યના નાગરિક પુરવઠા નિગમ સાથે મળીને આ દિશામાં કામ કરી રહ્યા છે."
અમે ગુજરાત મધ્યાહન ભોજનયોજનાના કમિશનર પી. આર. રાણાને સવાલ કર્યો તો તેમણે પણ કહ્યું કે 'જે પ્રકારના આરોપો લગાવાઈ રહ્યા છે તેવી સ્થિતિ નથી.'
અમે મદદનીશ કમિશનર સી. બી નીનામાનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. તેમણે પણ બસ એટલું જ કહ્યું કે "આ આરોપોનો રદિયો અમે આપી ચૂક્યા છે અને વધુ હું કશું કહી શકું એમ નથી."
અગાઉ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડે મધ્યાહન ભોજનયોજના કચેરીને 20-06-2023ના રોજ લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે જે જિલ્લામાં એપ્રિલ માસનો તેલનો જથ્થો નથી મળ્યો તે જિલ્લામાં ગોદામો ખાતે પહોંચતો કરવામાં સપ્લાયરને જણાવ્યું છે. જુન મહિના માટે તેમણે 9-06-2023ના રોજ સપ્લાયરોને ખરીદીનો હુકમ કર્યો છે. આ સપ્લાયર 'ગોકુલ ઍગ્રી ઇન્ટરનેશનલ' છે. ગોકુલ ઍગ્રી ઇન્ટરનેશલને નિગમને જણાવ્યું હતું કે 'બિપરજોય વાવાઝોડાને કારણે તેમની તેલની ફૅકટરી થોડા દિવસ બંધ હતી. તેથી એક-બે દિવસમાં તેલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે.'