નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાજપમાં હવે યોગી આદિત્યનાથનું કદ વધી જશે?

    • લેેખક, સરોજસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક પ્રચલિત કહેવત છે કે, વર્તમાન ત્યારે જ સારો હશે જ્યારે ભૂતકાળમાં પાયો મજબૂત નાખ્યો હશે.

વાત વર્ષ 2012ની છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ અને નરેન્દ્ર મોદી ત્રીજી વાર જીતીને મુખ્ય મંત્રીની ખુરશી પર બિરાજ્યા.

એ જીતની સાથે નરેન્દ્ર મોદીએ રાજ્યના રાજકારણના ધુરંધરોને પાછળ જ ના કરી દીધા, બલકે દિલ્હીના રાજકારણમાં ભાજપના દિગ્ગજ નેતાઓને એક સાઇડમાં ઊભા કરી દીધા.

એવું માનવામાં આવતું હતું કે મોદીના આવ્યા પહેલાં સુધી રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય મંત્રીઓની એન્ટ્રી ખૂબ અધરી હતી.

એ સમય સુધી ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે અરુણ જેટલી, સુષમા સ્વરાજ, રાજનાથસિંહ જેવાં નામોની જ બોલબાલા હતી. દરેક જગ્યાએ એમનાં નામ જ આગળ ધરવામાં આવતાં હતાં.

પરંતુ, ત્રીજી વાર મુખ્ય મંત્રી બનવાની સાથે જ નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના દાવેદાર બની ગયા.

મોદી સાથે યોગીની તુલના

દસ વર્ષ પછી 2022માં, ઇતિહાસ જાણે અમુક અંશે પોતાને જ પુનરાવર્તિત કરતો દેખાય છે.

યુપીમાં ભાજપની સતત બીજી વારની ઐતિહાસિક જીત પછી ઘણા જાણકારો સીએમ યોગીની સરખામણી પીએમ મોદી સાથે કરી રહ્યા છે. જોકે, યોગી બીજી વાર જ મુખ્ય મંત્રીની ખુરશી સંભાળશે, જ્યારે મોદી ત્રણ વાર ગુજરાતના સીએમ રહ્યા હતા.

પરંતુ એ પણ સાચું છે કે ગુજરાતની સરખામણીએ ઉત્તર પ્રદેશ મોટું રાજ્ય છે.

ભારતીય રાજકારણમાં એ કહેવત વર્ષોથી પ્રચલિત છે કે, 'દિલ્હીનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે.'

સાઉથ બ્લૉકમાં જે 14 પુરુષો અને એક મહિલાએ વડા પ્રધાન તરીકે કામ કર્યું એમાંના 8 ઉત્તર પ્રદેશમાંથી હતા. મોદી અને યોગીની સરખામણી કરનારાઓ બચાવમાં આ તર્કનો આધાર લે છે.

2017 અને 2022નો મુખ્ય તફાવત

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સતત બીજી વાર જીત્યા પછી આગામી દિવસોમાં શું મોદી-શાહના ભાજપમાં યોગીની પણ મોટી ભૂમિકા હશે?

આ સવાલનો જવાબ મેળવવા માટે અગાઉનાં પાંચ વર્ષ પહેલાંથી શરૂઆત કરવી પડશે.

વર્ષ 2017માં ઉત્તર પ્રદેશમાં જીત મેળવ્યા પછી યોગી આદિત્યનાથ, મુખ્ય મંત્રીની ખુરશી માટે ભાજપના 'નૅચરલ ચૉઇસ' નહોતા. ઘણાં નામો પર અલગ અલગ ઘણી બેઠકોમાં ચર્ચાઓ થઈ હતી, ત્યાર પછી જ એમનું નામ ફાઇનલ થયું હતું.

કહેવાય છે કે, એમને સંઘના આશીર્વાદ પણ છે. તેમ છતાં, એમના અગાઉનાં પાંચ વર્ષના કાર્યકાળમાં કેન્દ્રીય નેતૃત્વ સાથેના અણબનાવોના ઘણા સમાચારો અવારનવાર સામે આવતા રહ્યા.

પરંતુ ગયા વર્ષના નવેમ્બરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જે રીતે એમને દિલ્હી બોલાવવામાં આવ્યા અને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, એનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપશાસિત બીજાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ કરતાં એમનો દરજ્જો જુદો છે.

પછીથી મોદીએ સીએમ યોગીના ખભે હાથ રાખીને વાતચીત કરી. જે ફોટો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો એ ફોટાએ પણ કંઈ પણ કહ્યા વગર જ ભાજપમાં યોગીના વધતા જતા કદની કહાણી જણાવી દીધી. ચૂંટણીસભામાં ખુદ પીએમએ 'યુપી પ્લસ યોગી'નું સૂત્ર આપ્યું હતું.

ભાજપમાં બીજા નંબરે કોણ?

એમાં કશી શંકા નથી કે પીએમ મોદી ભાજપમાં નંબર એક પર છે. પરંતુ બીજા નંબરે કોણ છે?

આ સવાલના જવાબમાં કદાચ અનાયાસ જ એક નામ જીભે આવે - અમિત શાહનું.

યુપીમાં ત્રણ દાયકા પછી બહુમતી સાથે ચૂંટાઈને સતત બીજી વાર સત્તા પર આવ્યા પછી યોગી આદિત્યનાથને પણ કેટલાક વિશ્લેષકો આ પદના દાવેદાર માને છે, જોકે, કેટલાક 'કિંતુ-પરંતુ'માં છે.

વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ દાયકાઓ સુધી ભાજપ સાથે સંકળાયેલા સમાચારોને કવર કર્યા છે. અત્યારે તેઓ યુએનઆઇમાં સંપાદક છે અને ઘણાં પુસ્તકો લખી ચૂક્યા છે. એમણે 'યદા યદા હી યોગી' નામનું પુસ્તક લખ્યું છે.

બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, "આ વખતની યુપીની જીતે એમને બીજા નંબરના સ્થાને લાવી મૂક્યા છે. જેટલાં રાજ્યામાં ભાજપના મુખ્ય મંત્રી છે એ બધાને એમણે પાછળ કરી દીધા છે. હવે રેસ એ મુદ્દે છે કે શું યોગીને અમિત શાહ જેટલી સ્પેસ મળે છે કે નહીં?"

"પરંતુ એ નરેન્દ્ર મોદીએ નક્કી નથી કરવાનું. એ આરએસએસએ નક્કી કરવાનું છે કે નરેન્દ્ર મોદી પછી બીજા નંબર પર અમિત શાહ હશે કે યોગી આદિત્યનાથ. અત્યાર સુધીની પરિસ્થિતિમાં યોગી આદિત્યનાથ થોડીક સરસાઈ મેળવી ચૂક્યા છે અને એની પાછળનું સૌથી મોટું કારણ છે આરએસએસનો સાથ."

જોકે, વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન એની સાથે સંમત નથી થતાં.

તેમણે જણાવ્યું કે, "ભારતના રાજકારણમાં એક વાર ફરીથી યુપી સેન્ટર સ્ટેજમાં આવી ગયું છે. મોદી વારાણસીના સાંસદ જરૂર છે અને એ ભાજપ માટેનું યુપીનું મહત્ત્વ દર્શાવે છે. પરંતુ હજુ સુધી મોદીને ગુજરાત સાથે સાંકળીને જોવામાં આવે છે."

"યોગી ઉત્તર પ્રદેશના છે. એમની આખી કરિયર ઉત્તર પ્રદેશમાં જ રહી છે. અને જે રીતની પ્રચંડ જીત એમની થઈ છે, એનાથી યુપી પર બીજી વાર ફોકસ વધી ગયો છે. પીએમ મોદી હોય ત્યારે યોગી નંબર એક પર તો ન આવી શકે, પરંતુ મોદી પછી શું થશે, એ આરએસએસ પર આધારિત રહેશે."

તો શું યોગી મોદી બની શકશે?

ભાજપમાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ બંનેને 'આરએસએસ મૅન' કહેવામાં આવે છે. જ્યારે અમિત શાહને 'મોદી મૅન' કહેવામાં આવે છે.

એ જોતાં, આગામી દિવસોમાં ત્રણેની ભાજપમાં શી ભૂમિકા હશે, એની ચર્ચા ચગી છે.

વિજય ત્રિવેદીએ જણાવ્યું કે, "બીજા નંબર માટેની રેસને જીતવા માટે યોગીએ મોદી બનવું પડશે. એનો અર્થ એ કે સરકારની બધા પ્રકારની જરૂરિયાતોને પૂરી કરવી પડશે, જેમાં સરકારનો સેક્યુલર ચહેરો હોવાની સાથોસાથ એમણે વિકાસનો ચહેરો પણ બનવું પડશે અને પરિવર્તનનું બીડું પણ ઉઠાવવું પડશે; જે રીતે મોદીએ છેલ્લાં 20 વર્ષોમાં પોતાને બદલ્યા છે."

છેલ્લાં પાંચ વર્ષોમાં યોગી આદિત્યનાથે પોતાને બદલ્યા નથી. પાંચ વર્ષ પહેલાં પણ એમને હિન્દુત્વના પ્રતીકરૂપે જોવાતા હતા અને આજે પણ તેઓ પોતાને એવા જ દર્શાવે છે. એમ તો ઘણા લોકો એને જ એમની યુએસપી ગણાવે છે.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કુમાર હર્ષ ગોરખપુરના છે. યોગી આદિત્યનાથના રાજકીય જીવનના ઉદય, ઉત્થાન અને વિસ્તાર ત્રણેને એમણે ખૂબ નજીકથી જોયા છે.

તેમણે જણાવ્યું કે, "એક જીતના કારણે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો રોલ રાતોરાત તો બદલાવાનો નથી. ત્રણેના રોલ જુદા જુદા છે, જે અત્યાર સુધી તો નક્કી માપદંડોના આધારે રહ્યા છે. મોદી, ભાજપના 'રાજા' છે, જેમનું કામ સંસાધન મેળવવાં, પ્રતિષ્ઠાનું ધ્યાન રાખવું અને નીતિનિર્ધારણ કરવાનું છે. એમાં અમિત શાહનો રોલ 'અમાત્ય'નો છે, જેમની સાથે પરામર્શ કરીને નિર્ણયો કરવામાં આવે છે અને તેઓ કરાયેલા દરેક નિર્ણયને પૂર્ણ કરવાની પૂરતી કોશિશ કરે છે."

"યોગી આદિત્યનાથનો રોલ 'સેનાપતિ'નો છે, જેઓ આ ઇચ્છાઓના અમલીકરણની દિશામાં હંમેશાં તૈયાર રહે છે."

પોતાની વાતને વિસ્તારથી સમજાવતાં કુમાર હર્ષે જણાવ્યું કે, "સેનાપતિ એવું કોઈ પણ કામ કરી શકે છે કે જેના પર વાદવિવાદ થઈ શકે કે એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. પરંતુ રાજા પર ભાર રહે છે કે તેઓ હંમેશા નૈતિક જુએ, મર્યાદિત રહે."

"ઇતિહાસમાં સેનાપતિ ત્યારે જ રાજા બન્યા છે જ્યારે એણે કોઈ ષડ્‌યંત્ર રચ્યું હોય અથવા તો રાજાએ પોતે પદત્યાગ કરવાની ઇચ્છા જાહેર કરી હોય."

અત્યારે તો ભારતમાં રાજકીય સેટઅપ છે, એમાં બંને સંભાવનાઓ જોવા નથી મળતી.

વિજય ત્રિવેદીએ જણાવ્યું કે, "યોગીએ પાંચ વર્ષમાં પોતાને નથી બદલ્યા એ કારણે તેઓ બીજા નંબર સુધી તો પહોંચી શક્યા, પરંતુ આગળ વધવા માટે એમણે પોતાને થોડાક 'રી-ઇન્વેન્ટ' કરવાની જરૂર પડશે."

તો શું છેલ્લાં પાંચ વર્ષમાં યોગીએ પોતાને નથી બદલ્યા?

એનો જવાબ જાણવા માટે યોગી આદિત્યનાથના છેલ્લાં પાંચ વર્ષના કાર્યકાળ પર નજર કરવાની જરૂર છે.

એમણે હિન્દુ યુવા વાહિનીથી શરૂઆત કરી અને આજે પણ જ્યારે ગુંડારાજ ખતમ કરવાની વાત કરે છે ત્યારે ઇશારો 'મુખ્તાર અંસારી' અને 'અતીક અહમદ' તરફ જ હોય છે. એમના પર જ્યારે રાજપૂતોને આગળ કર્યાનું આળ મૂકવામાં આવે છે ત્યારે તેઓ બચાવ નથી કરતા.

તેઓ કહે છે, 'હા, હું રાજપૂત છું. એના માટે મને ગર્વ છે.' મુખ્ય મંત્રી હોવા છતાં તેઓ 80:20ની વાત કરે છે અને અબ્બાજાન અને કબ્રસ્તાનનો ઉલ્લેખ પણ કરે છે. મુખ્ય મંત્રી હોવા છતાં તેઓ વારે વારે અયોધ્યા જાય છે અને લવ જેહાદનો કાયદો ઘડવાની વાતો કરે છે.

જ્યારે મોદીનો છેલ્લાં 8 વર્ષનો કાર્યકાળ જોઈએ તો તેઓ પણ કાશી, અયોધ્યા અને કેદારનાથ જાય છે. પરંતુ સાથે જ તેઓ 'સબકા સાથ સબકા વિશ્વાસ'ની વાત પણ કરે છે, ત્રણ તલાકનો કાયદો પણ ઘડે છે, મહિલાઓના હાથમાં ઘરની ચાવી આપવાની વાત કરે છે.

આ કારણે કુમાર હર્ષ જણાવે છે કે, "બે વાર જીત્યા પછી યોગી આદિત્યનાથની પીએમ પદ માટેની દાવેદારી જરૂર વધી છે. આ કારણે રાજકીય દૃષ્ટિએ એમણે થોડા વધારે ફ્લેક્સિબલ બનવું પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં એમણે રાજ્યને પોતાની એ જ શૈલીએ ચલાવ્યું છે જેના માટે તેઓ વર્ષોથી ઓળખાય છે. એ બાબતે ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખર રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી."

"ચૂંટણી દરમિયાન સંજય નિષાદ સુધ્ધાંએ પોતાની નારાજગી પ્રકટ કરી. આ કારણે કામ કરવાની પદ્ધતિમાં યોગીએ થોડી ફ્લેક્સિબિલિટી લાવવાની જરૂર પડશે. સમયની સાથે યોગી એ શીખી જાય તો દાવેદારી વધારે મજબૂત બનશે."

અમિત શાહ અત્યારે ભાજપમાં ક્યાં છે?

અમિત શાહને વડા પ્રધાન મોદીના સૌથી વધુ વિશ્વાસપાત્ર મનાય છે, જેઓ એમના (મોદીના) મુખ્ય મંત્રી કાર્યકાળથી એમની સાથે છે. એવું માનવામાં આવે છે કે આજે પણ પીએમ એમના પર સૌથી વધારે ભરોસો કરે છે.

કેટલાક જાણકારો માને છે કે, એ જ અમિત શાહની મજબૂતીનું કારણ છે. જોકે, કેટલાક જાણકારો એને જ એમની નબળાઈ કહે છે. એવા જાણકારો તર્ક રજૂ કરે છે કે અમિત શાહ હંમેશાં પીએમ મોદીના પડછાયા તરીકે જ રહ્યા છે, એમણે પોતાની એકલાની તાકાતે શું કર્યું?

આ બંને તર્ક સાથે એક સચ્ચાઈ એ પણ છે કે આર્ટિકલ 370 હઠાવનારા અને ચૂંટણીમાં પરિણામો ભાજપના પક્ષમાં આવે તેમ કરનારા, ભાજપમાં એની રણનીતિ ઘડનારા આજે પણ અમિત શાહ જ છે.

વિજય ત્રિવેદીએ જણાવ્યું કે, "પીએમ મોદી વિશે એમ કહેવાય છે કે એમને એવા લોકો પસંદ છે જેઓ એમની સામે પોતાને થોડા ઊતરતા માનતા હોય. અમિત શાહ આ ખાંચામાં યોગી કરતાં વધારે ફિટ બેસે છે."

અહીં બીજી એક વાત ધ્યાને ધરવા જેવી છે. મોદીની જેમ જ યોગીના પોતાના ફૅન ફૉલોઇંગ છે. અમિત શાહ પાસે એવું કશું નથી.

પરંતુ મોદી 2.0માં અમિત શાહે બીજી પાર્ટીઓમાં પોતાની સ્વીકાર્યતા વધારવા માટે પોતાને રી-ઇન્વેન્ટ કર્યા છે. કોવિડ મહામારી દરમિયાન એમણે બીજાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને આરોગ્યમંત્રીઓ સાથેના સંબંધ ઘણા વધાર્યા છે, જેના કારણે એક હદથી આગળ એમની સ્વીકાર્યતા વધી પણ છે.

ભલે એ દિલ્હીને ઑક્સિજનની સપ્લાઈ મોકલવાની હોય કે પછી મહારાષ્ટ્રને. એમણે આગળ વધીને બિનભાજપી સ્ટેટ્સ સાથે પણ સંપર્કો સારા રાખ્યા છે.

ત્રણે રાજકીય વિશ્લેષકો માને છે કે યોગી આદિત્યનાથે આ દિશામાં થોડું વધારે કામ કરવાની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો