Punjab Result : અરવિંદ કેજરીવાલની એ રણનીતિ જેની સામે પંજાબમાં મોટા મહારથી ફેઇલ થયા

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની બહાર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં દાવ લગાવ્યો હતો, પરંતુ પૂરું જોર પંજાબની 117 વિધાનસભા બેઠકો પર અજમાવ્યું હતું અને તે મુજબ પરિણામ પણ આવ્યા છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામથી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માટે હવે દિલ્હીની બહારનાં રાજ્યોનો રસ્તો ખૂલી ગયો છે.

આ રીતે પંજાબના શાસનમાં એક નવી પાર્ટીના આગમનનો ઇતિહાસ રચાયો છે, એ સાથે જ આમ આદમી પાર્ટી પણ હાલમાં દેશના એકથી વધુ રાજ્યોમાં શાસન કરનાર ત્રીજી પાર્ટી બની જશે.

પંજાબની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો પર આમ આદમી પાર્ટીને વિજય મળ્યો છે.

કૅપ્ટન અમરિન્દરસિંહ, નવજોતસિંહ સિદ્ધુ અને વર્તમાન મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની સહિતના લગભગ તમામ મોટા નેતાઓ હારી ગયા છે.

"મફત" લહાણીની રાજનીતિ

આપને મળેલી બહુમતી પાછળનાં કારણો શું છે?

ચૂંટણી વિશ્લેષક ભાવેશ ઝા કહે છે, "પંજાબમાં એક વાર કૉંગ્રેસ, એક વખત અકાલીદળ સત્તામાં આવવાની પરંપરાથી લોકો કંટાળી ગયા હતા અને લોકો નવી પાર્ટીને તક આપવા માગતા હતા. આખા ભારતમાં જોવા મળી રહ્યું છે કે જનતા કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી આપવાનો પ્રયાસ કરી રહી છે, પંજાબમાં પણ આ જ દેખાય છે."

આમ આદમી પાર્ટીની સફળતા પર બીબીસી પંજાબીના સંપાદક અતુલ સંગર કહે છે, "કૉંગ્રેસને જે નુકસાન થયું તેનો લગભગ સીધો ફાયદો આપને મળ્યો છે. 'મફત' લહાણીઓની ઘોષણાઓની અસર થઈ હોય તેવું લાગે છે. આદમી પાર્ટીની જાહેરાતો સમજી શકાય તેવી છે. એવું લાગે છે કે આ મામલે અન્ય પક્ષો કરતાં આમ આદમી પાર્ટી પર વધુ ભરોસો મૂકવામાં આવ્યો છે."

કૉંગ્રેસની હાર, 'આપ'ને લાભ

પંજાબમાં શિરોમણી અકાલીદળ સહિતના મુખ્ય પક્ષોની સાથે સત્તાધારી કૉંગ્રેસ ઘણી પાછળ રહી ગઈ છે. માત્ર મુખ્ય મંત્રી ચન્ની હાર્યા છે, પણ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ પણ હારી ગયા છે.

કૉંગ્રેસે દલિત વોટ બૅંકના કાર્ડનો ઉપયોગ કર્યો હતો તેમાં સફળતા મળી નથી.

અતુલ સંગર કહે છે, "કૉંગ્રેસ બધાને સાથે લઈને ચાલતી આવી છે. કૉંગ્રેસ તરફથી એવો સંકેત મળી રહ્યો છે કે પંજાબના મુખ્ય મંત્રી શીખ હશે. લોકોને કદાચ આ વાતો પસંદ નહીં આવી હોય. હિન્દુઓ, દલિતો બધા કૉંગ્રેસને મત આપી રહ્યા હતા. અમરિન્દરસિંહના આગમન પછી કૉંગ્રેસને જાટ-શીખ પણ મત આપતા રહ્યા છે. પરંતુ દરેકને સાથે લઈ ચાલનારી પાર્ટીની છબીને ધૂંધળી થઈ તે કૉંગ્રેસ માટે સારી બાબત નથી, એવું લાગે છે."

ભાવેશ કહે છે, "પંજાબમાં કૉંગ્રેસ માટે પોતાની જ પોસ્ટમાં ગોલ કરવાનું આત્મઘાતી સાબિત થયું. નવજોતસિંહ સિદ્ધુએ શરૂઆતથી પોતાની જ પાર્ટીને નિશાન બનાવી અને તેનું મોટું નુકસાન થયું છે."

રાષ્ટ્રીય રાજનીતિમાં ભવિષ્ય

અન્ય પ્રાદેશિક પક્ષો, તૃણમૂલ કૉંગ્રેસ કે અન્ય પક્ષોની વાત કરીએ તો એક-એક રાજ્યમાં તેમની સરકાર છે, પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો તે તેમના માટે મોટી ઉપલબ્ધિ હશે.

સાથે જ તે તેના માટે એક પડકાર પણ છે. તે જે 'દિલ્હી મૉડલ' વિશે ઘણી વાતો કરે છે તે 2024 સુધીમાં પંજાબમાં લાગુ કરી બતાવવું પડશે. તેથી આ એક પડકારની સાથે એક મોટો અવસર પણ છે.

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, "કેજરીવાલની રાજનીતિનો મૂળ મંત્ર શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય અને સામાન્ય માણસ માટે કામ કરવાનું છે. હવે આ રસ્તો ત્યાં જઈ રહ્યો છે. અમે આજે દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓને લઈને ઊભા છીએ. આજે કેજરીવાલ સરકારનું મૉડલ દિલ્હીમાં સફળ રહ્યું છે અને આગળ પણ સફળ રહેશે."

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાનું કહેવું છે, "પંજાબમાં પાર્ટીની જીત એ સાબિત કરી રહી છે કે જનતા જાગી ગઈ છે. અમારી પાર્ટી કૉંગ્રેસની નેચરલ રિપ્લેસમેન્ટ છે, એવું નથી કે અમે બીજા રાજ્યમાં સત્તાસ્થાને આવી રહ્યા છીએ. મહત્ત્વની વાત એ છે કે અમે રાષ્ટ્રીય સ્તરે એક વિકલ્પ તરીકે ઊભરી રહ્યા છીએ."

પંજાબમાં આમ આદમી પાર્ટીની સફળતા પર, ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું, "લોકોનો આદેશ માથે ચડાવવો જોઈએ, અહીં જ પરીક્ષા થાય છે વિશાળ હૃદયની."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો