You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલે નરેશ પટેલને કૉંગ્રેસમાં લાવવા માટે ખુલ્લો પત્ર કેમ લખ્યો?
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદાર આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે અને રાજનીતિમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.
નરેશ પટેલ અવારનવાર મીડિયા સમક્ષ સક્રિય રાજકારણમાં આવવા અંગે નિવેદનો આપી ચૂક્યાં છે.
થોડા દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને નિખિલ સવાણી નરેશ પટેલને મળવા તેમની ઑફિસે પહોંચ્યા હતા. જ્યાં તેમની વચ્ચે એક કલાક સુધી ચર્ચા થઈ હતી.
બેઠક બાદ મીડિયાને સંબોધતાં પ્રવીણ રામે કહ્યું હતું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી.
જોકે આ સાથે તેમણે નરેશ પટેલ અને તેમના જેવા લોકોનું પાર્ટીમાં સ્વાગત કરવા અંગે નિવેદન આપ્યું હતું.
એ બાદ 6 માર્ચના રોજ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ પણ એવી ઇચ્છા પ્રગટ કરી હતી કે નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જોડાય.
પાટીદાર અનામત આંદોલનથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવા અને કૉંગ્રેસ સાથે હાથ મિલાવવાની અપીલ કરતો ખુલ્લો પત્ર લખ્યો હતો.
આ પત્ર સામે આવતા જ પ્રશ્ન એ ઊભો થાય છે કે, નરેશ પટેલ સાથે સારા સંબંધ ધરાવતા હાર્દિકે 'ખુલ્લો પત્ર' લખવાની જરૂર કેમ પડી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રમાં શું લખ્યું છે?
હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા પત્રમાં જણાવ્યું છે કે સરકારની તાનાશાહીના કારણે સૌથી વધુ પાટીદાર સમાજના લોકો ભોગ બન્યા છે.
પત્રમાં હાર્દિક લખે છે, "પાટીદાર સમાજના હજારો પરિવારો ખેતી તેમજ વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને વેપારીઓને પણ યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે."
"ત્યારે આવા અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરું છું."
હાર્દિક પટેલ નરેશ પટેલને સંબોધીને કહે છે કે પાટીદાર સમાજને અનુભવી નેતાની જરૂર છે. તેમના આ પગલાથી અન્યાય સામે જંગ લડવા નીકળેલા હજારો યુવાઓને આશા મળશે.
પત્રના અંતમાં હાર્દિકે લખ્યું, "હું માત્ર પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કૉંગ્રેસના કાર્યકર તરીકે પણ લખી રહ્યો છું."
આ સાથે તેમણે વિનંતી કરી હતી કે "તમામ બાહ્ય પરિબળોને ભૂલીને પાટીદાર યુવાનો પર ભરોસો રાખી રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈમાં ઊતરો."
ખુલ્લો પત્ર લખવાની જરૂર કેમ પડી?
ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનો મોટો પ્રભાવ છે. આ પ્રભાવના કારણે દરેક પક્ષ પાટીદાર આગેવાનોને પોતાની તરફ રાખીને સમગ્ર સમાજની વોટબૅન્ક સાચવવા માગે છે.
હાલની સરકાર પ્રત્યે પાટીદારોની નારાજગીના કારણે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પાટીદારોને પોતાના પક્ષે કરવાના કામે લાગી ગઈ છે.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલના ખુલ્લા પત્ર લખવા પાછળ ત્રણ કારણો જવાબદાર હોઈ શકે છે.
પહેલું કારણ, ખરેખર તેમને કૉંગ્રેસમાં આવકારવા.
બીજું કારણ છે, કૉંગ્રેસમાં પોતાનું કદ વધારવા.
ત્રીજુ અને મુખ્ય કારણ છે, નરેશ પટેલ અને પાટીદાર સમાજને મૂંઝવણમાં મૂકવાનું.
જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે આ ખુલ્લો પત્ર લખ્યા બાદ પાટીદાર સમાજ મૂંઝવણમાં મુકાઈ શકે છે, કારણ કે હાર્દિક પટેલ અને નરેશ પટેલ એકબીજાથી નજીક તો છે જ.
"પાટીદારોમાં તેઓ કૉંગ્રેસમાં જોડાય તેવી અસમંજસ ઊભી થશે."
"જ્યારે વર્ષોથી કોઈ પણ રાજકીય પાર્ટીને ખુલ્લેઆમ સમર્થન ન આપતા નરેશ પટેલ જો કોઈ પક્ષમાં જોડાવા માગતા હોય તો તેમના પર દબાણ ઊભું થશે."
જોકે આ સિવાય નરેશ પટેલના સક્રિય રાજકારણમાં આવવાની બાબતને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય ચૂંટણીસમયની પ્રતિક્રિયા ગણાવે છે.
તેની પાછળનું કારણ આપતા તેઓ જણાવે છે, કે દર વર્ષે ચૂંટણી પહેલાં આ પ્રકારનાં નિવેદનો અને અટકળો આવે છે અને ચૂંટણી પહેલાં કે બાદમાં તેઓ કોઈ પક્ષ સાથે જોડાતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો