UPની જીત બાદ BJP ગુજરાતમાં કયા મુદ્દાઓ પર ચૂંટણી લડશે?

યુપીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. 30 વર્ષથી વધુ સમય પછી યુપીમાં કોઈ એક પક્ષની સતત બે વખત સરકાર બનવા જઈ રહી છે.

દેશની રાજનીતિ પર બહોળો પ્રભાવ ધરાવતા ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ હવે આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાતની વિધાનસભા ચૂંટણી પર સૌની નજર છે.

ત્યારે એ પ્રશ્ન ઊભો છે કે ઉત્તર પ્રદેશનાં ચૂંટણી પરિણામની ગુજરાત ચૂંટણી પણ કેવી અસર થશે?

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામના બીજા જ દિવસે વડા પ્રધાન મોદી અમદાવાદમાં ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક વિશાળ રેલીને સંબોધવાના છે.

તેનાથી એ ચર્ચા શરૂ થઈ છે કે હવે ભાજપનો ટાર્ગેટ ગુજરાતની વિધાનસભા ચૂંટણી છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે યુપી, ગોવા અને ઉત્તરાખંડ, મણિપુરમાં ભાજપને મળેલી સફળતાથી તેનો આત્મવિશ્વાસ વધશે કે આ ચૂંટણીમાં ઘણા ખરા અર્થોમાં એ ફરીથી સાબિત થયું કે વડા પ્રધાન મોદીના ચહેરા પર ભાજપ ચૂંટણી જીતી શકે છે.

ભાજપનો આત્મવિશ્વાસ વધશે?

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરના ચૂંટણી પરિણામની વાત કરતાં વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે, "આનાથી ભાજપનો આત્મવિશ્વાસ વધશે. કૉંગ્રેસ નબળી પડશે, કારણ કે યુપીમાં કૉંગ્રેસ સાફ થઈ ગઈ છે, પંજાબમાં તેને કારમો પરાજય મળ્યો છે. મણિપુરમાં પણ તેણે હારનો સામનો કરવો પડ્યો છે."

કોરોનાની કામગીરી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને જોતાં માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ માટે 2022નું વર્ષ કપરું સાબિત થઈ શકે છે. જોકે યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવામાં ભાજપે ભવ્ય સફળતા મેળવી છે. હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશની પણ ચૂંટણી યોજાવાની છે.

ગુજરાતની જેમ જ ઉત્તરાખંડમાં પણ મુખ્ય મંત્રી બદલવામાં આવ્યા હતા, અહીં એક વાર નહીં પરંતુ પાંચ વર્ષમાં ભાજપે બે વખત મુખ્ય મંત્રી બદલ્યા.

જગદીશ આચાર્ય માને છે કે, "ઉત્તરાખંડ હોય કે ગુજરાત, આ ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ છે કે ભાજપમાં એટલો આત્મવિશ્વાસ હતો કે મોદીના ચહેરા પર ચૂંટણી જીતી શકાય છે. જે ઍન્ટી ઇન્કમબન્સી હોય તે ધારાસભ્યો અને મંત્રીઓની સુધી મર્યાદિત રહેશે અને જ્યારે ચૂંટણી આવશે ત્યારે મોદીના નામ પર ભાજપને ચૂંટણીમાં મદદ મળશે."

તેઓ છે કે, "મુખ્ય મંત્રીઓ બદલવાની કોઈ અસર જે રીતે ઉત્તરાખંડમાં ન દેખાઈ તેનાથી એ સમજી શકાય કે ભાજપને ભરોસો છે કે ગુજરાતમાં જે મોટા નેતાઓને મંત્રીપદેથી હઠાવવામાં આવ્યા તેની મદદ વગર માત્ર મોદીના ચહેરા પર પણ ચૂંટણી લડી શકાશે."

શું ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે?

ઍક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીના વિજયનું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને ચૂંટણીનું પરિણામ પણ એ મુજબ જ રહ્યું છે. આ ચૂંટણીમાં જો સૌથી વધુ કોઈ પક્ષે ગુમાવ્યું હોય તો તે કૉંગ્રેસને માની શકાય.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ બીબીસી હિંદી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "યુપી પછી પંજાબની ચૂંટણીનાં પરિણામો પણ અગત્યનાં છે."

તેઓ કહે છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાથી રાતોરાત તેમની ભારતીય રાજકારણમાં શાખ વધી શકે છે. તેમની પાર્ટી જૉઇન કરવા માટે ઇચ્છુક લોકોની લાઇનો લાગી શકે છે."

"અત્યાર સુધી ત્રીજા મોરચામાં આમ આદમી પાર્ટીનું વધુ વજન નહોતું, પરંતુ પંજાબમાં તેની જીત તેમના માટે મોટો કૂદકો હશે. વિપક્ષ તરીકે જુદાં-જુદાં રાજ્યોમાં અરવિંદ કેજરીવાલને અલગ રીતે આંકવામાં આવશે."

પંજાબમાં જ નહીં આમ આદમી પાર્ટીએ ગોવામાં પણ ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું હતું.

ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પેપર લીક કેસ જેવા મુદ્દા પર જોરશોરથી વિરોધ નોંધાવી રહી છે.

ત્યારે કૉંગ્રેસની જગ્યાએ શું આમ આદમી પાર્ટી મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં આવી શકશે? શું આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં ઍન્ટ્રી કરીને કંઈ પ્રભાવશાળી સ્થાન બનાવી શકે છે?

આ બાબતે વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે "આમ આદમી પાર્ટી ગુજરાતમાં હજી ખૂબ મર્યાદિત સ્તર પર કામ કરી રહી છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં તેનો પ્રભાવ દેખાવાનો શરૂ થયો છે, પરંતુ હજી તેણે રાજ્યમાં એક મજબૂત સંગઠન બનાવવાનું બાકી છે."

તેમનું કહેવું છે કે "પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે વિજય મેળવ્યો તે અચાનક નથી થયું, તેની પાછળ લગભગ 10 વર્ષની મહેનત છે. આમ આદમી પાર્ટી પંજાબમાં ઘણાં વર્ષોથી સક્રિય છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને હજી રાજકીય સ્તરે મોટી પાર્ટી તરીકે સ્થાપિત થવામાં હજી સમય લાગશે."

ગુજરાતમાં કોઈ પણ ત્રીજો પક્ષ લાંબો સમય ટકી નથી શકતો તે અંગે વાત કરતા વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે કે ગુજરાતમાં ખૂબ કમિટેડ વોટર છે એટલે રાજ્યમાં કોઈ ત્રીજો પક્ષ ટકી શક્યો નથી.

"ગુજરાતમાં ભાઈકાકાએ સ્વતંત્ર પક્ષ ઊભો કર્યો, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ પણ ભાજપ અને કૉંગ્રેસ સામે કોઈ મોટો પડકાર ઊભો કરી શક્યા નહોતા."

અજય નાયક માને છે કે "આમ આદમી પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કોઈ મોટો પડકાર નહીં ઊભો કરી શકે. અને જો આવનારા ભવિષ્યમાં આપ રાજ્યમાં મજબૂત બને તો પણ તે કૉંગ્રેસની જગ્યા લેશે અને એવી પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં ચૂંટણીનો મુખ્ય મુકાબલો ભાજપ અને આપ વચ્ચે હોઈ શકે છે."

કયા મુદ્દા પર લડાઈ શકે ગુજરાતની ચૂંટણી

યુપી એક એવું રાજ્ય છે જ્યાં ચૂંટણીમાં જ્ઞાતિવાદ એક મોટું ફૅક્ટર બને છે.

આ વખતની ચૂંટણીમાં યુપીમાં ભાજપને મુખ્ય રૂપે ટક્કર આપી રહેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે અલગઅલગ જ્ઞાતિઓનો સહકાર મેળવવા માટે કેટલીક નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું ત્યારે ભાજપ વિકાસ, કાયદો-વ્યવસ્થા અને ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓના આધાર પર ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો.

જોકે આ સિવાય ચૂંટણીમાં હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો મુદ્દો છવાયેલો હતો. પાકિસ્તાન અને ઝીણાનાં નામ પણ ચર્ચામાં રહ્યાં હતાં.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય માને છે કે, "ગુજરાત અને યુપીનો જ્ઞાતિવાદ જુદો છે. યુપીમાં દલિતો આશરે 20 ટકા, મુસ્લિમ 18-19 ટકા, ઓબીસીમાં પણ અનેક પેટાજ્ઞાતિઓ છે. ત્યારે ગુજરાતમાં જ્ઞાતિવાદનો મુદ્દો મુખ્યત્વે પાટીદાર, કોળી અને ઠાકોરની આસપાસ ફરતો હોય છે."

તેમના મતે, હાલ ગુજરાતમાં જ્ઞાતિને લઈને એવો કોઈ જ્વલંત મુદ્દો નથી. પાટીદાર આંદોલન કે પછી ખેડૂત આંદોલનની અસર કે મોટો વિરોધ સરકારની સામે હાલ દેખાતો નથી.

પરંપરાગત રીતે ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર મતદારોનો વધુ પ્રભાવ હોય છે. સૌરાષ્ટ્રમાં કોળી તથા ઉત્તર ગુજરાતમાં ઠાકોર મતદારો પ્રભાવશાળી રહે છે.

તેઓ માને છે કે યુપીમાં જ્ઞાતિવાદ અને વિકાસના મુદ્દાની ચર્ચા ચૂંટણીમાં થઈ પણ એટલી જ વાત હિંદુ-મુસ્લિમની પણ થઈ હતી.

શું ગુજરાતમાં ચૂંટણીમાં હિંદુ-મુસ્લિમના મુદ્દાની વાતો સાંભળવા મળશે? આ અંગે વાત કરતા અજય નાયકે કહ્યું કે, "ગુજરાતમાં મુદ્દા તો ઘણા છે પણ શું એમના માટે સંઘર્ષ કરવા માટે વિપક્ષ તૈયાર છે? શું કૉંગ્રેસ આવા મુદ્દા પર રસ્તાઓ પર આવીને શક્તિપ્રદર્શન કરી શકશે? આમ આદમી પાર્ટી સક્રિય છે પરંતુ એ કેટલી અસરકારક છે."

તેઓ આગળ કહે છે કે, "આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવવા જઈ રહી છે. પંજાબ એક સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય છે એટલે આમ આદમી પાર્ટી મજબૂત બનશે અને તેનાથી મદદ ગુજરાતમાં પાર્ટીને મળશે અને એવી પરિસ્થિતિમાં ગુજરાતની ચૂંટણી રસપ્રદ બનશે."

તેમનું કહેવું છે કે કેન્દ્રમાં વડા પ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના છે અને રાજ્યના લોકો તેને ગુજરાતના ગૌરવ સાથે સાંકળીને જુએ છે એવામાં અન્ય પક્ષો માટે આ સરળ રસ્તો નથી."

શું કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરી પાંચ રાજ્યોની ચૂંટણીમાં મુદ્દો નહોતો? શું ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકારની કામગીરી લોકો માટે એક મુદ્દો બનશે?

જગદીશ આચાર્ય માને છે કે યુપી, ગોવા, ઉત્તરાખંડ તથા મણિપુરની ચૂંટણીમાં કોરોના મહામારી દરમિયાન સરકારની કામગીરી મતદારો માટે મુદ્દો નથી બની શકી.

તેઓ કહે છે કે ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી સામે જે રોષ હતો તેનું ઠીકરું વિજય રૂપાણીના માથે ફોડવામાં આવ્યું અને તેમની જગ્યાએ નવા ચહેરા લાવવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો