ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામથી નરેન્દ્ર મોદી-યોગીની બ્રાન્ડમાં કેવા ફેરફારો આવશે?

    • લેેખક, સરોજસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું છે.

એની સાથે જ યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં આગામી વિધાનસભાનું ચિત્ર સ્પષ્ટ થવા આડે હવે કલાકોનો સમય રહ્યો છે.

હાર કે જીત જે કોઈ પાર્ટીની થાય, આગામી દિવસોમાં આ ચૂંટણીનાં પરિણામોની ભારતીય રાજકારણના ઘણા ઘટનાક્રમો પર અસર થવાની છે.

તેની સાથે જ, આ ચૂંટણીનાં પરિણામો પર ક્ષેત્રીય પાર્ટીઓની સાથોસાથ ભાજપા, કૉંગ્રેસ જેવાં રાષ્ટ્રીય દળોનું પણ ઘણું બધું દાવ પર મુકાયેલું છે.

આ કારણે એ જાણવું મહત્ત્વનું બની જાય છે કે આ રાજ્યોમાં થયેલી ચૂંટણીની કોના પર કેવી અસરો પડશે.

રાજ્યસભામાં બેઠકોનું સમીકરણ

સૌથી પહેલી વાત રાજ્યસભાની. વરિષ્ઠ પત્રકાર અનિલ જૈને જણાવ્યું કે રાજ્યસભાની 245 સીટોમાંથી 8 સીટ અત્યારે ખાલી છે. ભાજપા પાસે હાલ 97 સીટ છે અને એમના સહયોગીઓને ગણીએ તો આ આંકડો 114એ પહોંચે છે.

આ વર્ષના એપ્રિલથી લઈને ઑગસ્ટ સુધીમાં રાજ્યસભાની 70 સીટો માટે ચૂંટણી થવાની છે, એમાં આસામ, હિમાચલ પ્રદેશ, કેરળની સાથોસાથ યુપી, ઉત્તરાખંડ અને પંજાબનો સમાવેશ થાય છે.

યુપીની 11 સીટો, ઉત્તરાખંડની 1 સીટ અને પંજાબની 2 સીટ માટેની ચૂંટણી ચાલુ વર્ષના જુલાઈમાં થવાની છે. એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ ત્રણે રાજ્યોનાં ચૂંટણીપરિણામોની સીધી અસર રાજ્યસભાના સમીકરણ પર પડશે.

અનિલ જૈને કહ્યું કે, "એમ તો ભાજપા રાજ્યસભામાં બહુમતના આંકડાથી પહેલાં પણ દૂર હતી. પરંતુ જો ભાજપા માટે આ પાંચ રાજ્યોનાં ચૂંટણીપરિણામો પહેલાં કરતાં સારાં ન રહ્યાં, તો આગામી દિવસોમાં ભાજપા માટે બહુમત ઘણો દૂર રહી જશે અને એની સીધી અસર રાષ્ટ્રપતિની ચૂંટણી પર પણ થશે."

રાષ્ટ્રપતિની ચૂંટણી પર અસર

ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલુ વર્ષે જુલાઈમાં થવાની છે.

ચૂંટણી અપ્રત્યક્ષ મતદાન દ્વારા થશે. જનતાની જગ્યાએ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિને ચૂંટે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી એક ચૂંટણીમંડળ કે ઇલેક્ટોરલ કૉલેજ કરે છે. એમાં સંસદનાં બંને ગૃહો અને રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સદસ્યો સામેલ થાય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અપનાવાતી પ્રમાણાધારિત પ્રતિનિધિત્વ પ્રણાલીની પ્રક્રિયામાં પ્રત્યેક મતનો પોતાનો ભારાંક હોય છે.

સાંસદોના વોટનો ભારાંક નિશ્ચિત છે પરંતુ ધારાસભ્યોના વોટ જુદાંજુદાં રાજ્યોની વસ્તી પર આધાર રાખે છે.

જેમ કે, દેશમાં સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના મતનો ભારાંક 208 હોય છે, તો સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્ય સિક્કિમના વોટનો ભારાંક માત્ર સાત.

પ્રત્યેક સાંસદના વોટનો ભારાંક 708 છે, તે જોતાં, પાંચ રાજ્યોનાં ચૂંટણીપરિણામો પર દરેક પાર્ટીની નજર છે.

કુલ સાંસદ અને એમના મત

ભારતમાં કુલ 776 સાંસદ છે. 776 સાંસદના વોટનો કુલ ભારાંક 5,49,408 (લગભગ 5.5 લાખ) છે.

અને, ભારતમાં ધારાસભ્યોની કુલ સંખ્યા 4,120 છે. આ ધારાસભ્યોનો સામૂહિક મત ભારાંક 5,49,474 (લગભગ 5.5 લાખ) છે.

આમ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ મતની સંખ્યા 10,98,882 (લગભગ 11 લાખ) છે.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ જણાવ્યું કે આ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એ નક્કી કરશે કે ભાજપા પોતાના ઉમેદવારને સરળતાથી વિજય અપાવી શકે છે કે નહીં. જો ભાજપા તુલનાત્મક રીતે 2017 કરતાં સારો દેખાવ નથી કરી શકતો તો રાષ્ટ્રપતિની ચૂંટણીનું ગણિત ખોટું પડશે.

તો, અનિલ જૈને કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ચોક્કસ, ભાજપાના ઉમેદવારને ઓછા વોટ મળી શકે પરંતુ એમના ઉમેદવારને જીતવામાં મુશ્કેલી નહીં નડે.

એમના અનુસાર, ભાજપાના પક્ષે અત્યારે 398 સાંસદો છે અને બધાં રાજ્યના ધારાસભ્યો ગણીએ તો લગભગ 1,500 આસપાસની સંખ્યા થાય. એમાંના મોટા ભાગનાં એવાં રાજ્ય છે જેમના મતનો ભારાંક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વધારે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે સાડા પાંચ લાખ કરતાં થોડાક જ વધારે મતની જરૂર હોય છે. ભાજપા પાસે પોતાના સાડા ચાર લાખ વોટ છે અને બાકીના એમના સહયોગી પાર્ટીઓની મદદથી પ્રાપ્ત થશે. કેટલાંક એવાં રાજ્યો અને સાંસદોના પણ મળી શકે છે જે મુદ્દાના આધારે ભાજપાનું સમર્થન કરે છે. આ કારણે ભાજપાને વધારે મુશ્કેલી નહીં પડે.

બ્રાન્ડ મોદી-યોગી પર અસર

પાંચ રાજ્યોમાંથી સૌથી વધારે ચર્ચા યુપીની ચૂંટણીની છે અને ત્યાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની શાખ દાવ પર છે.

નીરજા ચૌધરીએ કહ્યું કે યુપીનાં પરિણામો એ નક્કી કરશે કે યોગી આદિત્યનાથ ભવિષ્યમાં વડા પ્રધાનપદ માટે દાવેદાર બને છે કે કેમ?

જો યોગી સારી સરસાઈથી જીત મેળવે છે તો ભવિષ્યમાં વડા પ્રધાનપદ માટેની એમની દાવેદારી મજબૂત થશે. જો તેઓ હારી જાય કે ખૂબ ઓછી સરસાઈથી જીતે તો તેઓ યુપીના મુખ્ય મંત્રી તરીકે ટકી રહેશે કે નહીં કે પછી એમની જગ્યાએ અન્ય કોઈ આવશે, એ જોવાનું રહે છે.

પીએમ મોદી વિશે નીરજાએ જણાવ્યું કે, જો ભાજપા યુપીમાં જીતી ગયો તો એ સાબિત થઈ જશે કે મોદીની લોકપ્રિયતા હજુ પણ એવી ને એવી જ છે અને એમની જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓ એમના પક્ષે ઊભા છે. અને જો એવું ના થયું તો, 'બ્રાન્ડ મોદી' પર અસર પડશે.

તો, વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડનીસે કહ્યું કે, પરિણામો જે કંઈ આવે, બંને સ્થિતિમાં 'બ્રાન્ડ યોગી' પર અસર થશે, 'બ્રાન્ડ મોદી' પર પણ.

"અનુમાનો તો ઘણાં કરાઈ રહ્યાં છે કે ભાજપા નેતાઓની પસંદગી-સૂચિમાં યોગી આદિત્યનાથ અત્યારે પાંચમ ક્રમે છે. જો તેઓ જીતી જાય તો તેઓ બીજા નંબર પર આવી શકે છે. પરંતુ જો તેઓ હારે તો ટોચના નેતૃત્વને પ્રશ્નો પૂછવામાં આવશે કે બહારના ચહેરાને લાવીને ભાજપાના મુખ્ય મંત્રી કઈ રીતે બનાવી દીધા. પાંચ વર્ષ પછીનું આ પરિણામ છે, તો પછી અમે શું ખોટા હતા? મતલબ કે યુપી જીતે તો બ્રાન્ડ મોદી-યોગી વધારે મજબૂત બનશે અને સીટો ઘટી તો નીચે પછડાશે."

અદિતિએ આગળ ઉમેર્યું કે એની સીધી અસર ભાજપાના કેન્દ્રના નિર્ણયો પર પણ પડશે. જો ભાજપાનું પ્રદર્શન પહેલાંની સરખામણીમાં સારું ના રહે તો કેન્દ્ર સરકારે હવે પછી સાચવી-સમજીને પગલાં ભરવાં પડશે. કૃષિકાયદાને તો કેન્દ્ર સરકારે સંસદમાં પાસ કરાવી દીધા પરંતુ ખેડૂતો અને જનતાની સામે એ હારી ગયો. એનાથી પર્સેપ્શનની લડાઈ પર અસર તો પડશે અને વિપક્ષ વધારે મજબૂત બનશે.

પંજાબનું ગણિત અને આમ આદમી પાર્ટીનું ભવિષ્ય

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી યુપી પછી પંજાબનાં ચૂંટણીપરિણામોને ઘણાં મહત્ત્વનાં માને છે.

તેમણે કહ્યું કે, "જો આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવે તો ભારતીય રાજકારણમાં એ રાતોરાત શાખ બદલી શકે છે. એમની પાર્ટી સાથે જોડાવા ઇચ્છુક લોકોની લાઇનો લાગી શકે છે."

અત્યાર સુધી ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીને એવી ટ્રીટમેન્ટ નહોતી મળતી, પરંતુ પંજાબની ચૂંટણીની જીત એમના માટે મોટી છલાંગ ગણાશે. વિપક્ષ તરીકે અરવિંદ કેજરીવાલને જુદાંજુદાં રાજ્યોમાં અલગ રીતે આંકવામાં આવશે. અને કેજરીવાલને આ સરસાઈ કૉંગ્રેસના લીધે મળશે. જો કેજરીવાલ પંજાબમાં સરકાર નથી બનાવી શકતા તો એમને ખાસ કશું ગુમાવવાપણું નથી.

કૉંગ્રેસ પર અસર

આ પાંચ રાજ્યોનાં ચૂંટણીપરિણામો રાહુલ, પ્રિયંકા માટે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

વરિષ્ઠ કૉંગ્રેસી પત્રકાર રશીદ કિદવઈએ કહ્યું કે, "કૉંગ્રેસ માટે ઉત્તરાખંડ અને પંજાબ બે રાજ્યો સૌથી વધારે મહત્ત્વપૂર્ણ બનવાનાં છે. પંજાબમાં દલિત મુખ્ય મંત્રીના ચહેરા સાથે કૉંગ્રેસ મેદાનમાં ઊતરી હતી. જો એ રાજ્યમાં કૉંગ્રેસ હારી જાય તો પાર્ટી અને ખાસ કરીને રાહુલ ગાંધીની ખૂબ જ ટીકા થશે. આ એવું કૉંગ્રેસશાસિત રાજ્ય હતું જ્યાં ભાજપાની સાથે એમની સીધી ટક્કર નહોતી. એની સીધી અસર આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસની વિપક્ષ તરીકેની છબી પર પડશે."

ત્રીજા મોરચામાં કૉંગ્રેસનો 'બાર્ગેનિંગ પાવર'

પોતાની વાતને વિસ્તારથી સમજાવતાં રશીદ કિદવઈએ કહ્યું, "કોઈ પણ મોરચામાં કોઈ પણ રાજકીય દળનું મહત્ત્વ એની મજબૂતીના આધારે નક્કી થાય છે, નહીં કે અસામર્થ્યના આધાર પર. કૉંગ્રેસ જો કેટલાંક રાજ્યોમાં પોતાની સરકાર બનાવવામાં કે પછી સરકાર બચાવવામાં સફળ રહે તો એના આધારે જ કૉંગ્રેસની આગામી ભૂમિકા નક્કી થશે. ભારતની 200 લોકસભા સીટો એવી છે જેના પર કૉંગ્રેસની ભાજપા સાથે સીધી ટક્કર છે."

"પાંચ રાજ્યોમાંથી કૉંગ્રેસની સામે પંજાબનો ગઢ બચાવવાના પડકાર છે. ઉત્તરાખંડમાં જ્યાં ભાજપાએ ચૂંટણી પહેલાં પોતાના સીએમ બદલ્યા, ત્યાં કૉંગ્રસ ફેરબદલ ના કરી શકી, એવામાં કૉંગ્રેસ પર આરોપ મુકાવા લાગ્યા કે મળેલી તકનો ફાયદો લેવામાં તે ચૂકી જાય છે."

રાહુલ - પ્રિયંકાના નેતૃત્વ પર અસર

રશીદે ઉમેર્યું કે, આ ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસના આંતરિક રાજકારણ પર પણ વ્યાપક અસર કરશે. કૉંગ્રેસ, પંજાબ અને ઉત્તરાખંડમાં જીત મેળવવામાં સફળ થાય તો પાર્ટીમાં રાહુલ અને પ્રિયંકાની જોડીને પડકારનાર કોઈ નહીં હોય.

પાર્ટીમાં એમનો દબદબો વધી જશે. બની શકે કે કેટલાક મોટા નેતાઓ પાર્ટી છોડીને જતા રહે. પરંતુ કૉંગ્રેસ જો પાંચ રાજ્યોમાંથી કોઈ એકમાં પણ સરકાર બનાવવામાં સફળ ન થાય તો, કૉંગ્રેસના ઘણા ટુકડા થઈ શકે છે અને એમાંથી ઘણાં ક્ષેત્રીય દળો નવાં બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો