ધોળકામાં સગીરા સાથે સામૂહિક બળાત્કારનો આરોપ, શું છે આખો મામલો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદની પાસે આવેલા ધોળકામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે.

ફરિયાદીઓનો આરોપ છે કે શરૂઆતમાં પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ સામાજિક કાર્યકરો અને નાગરિકોનું દબાણ ઊભું થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે એક ભૂવા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

'ઘરે આવતી હતી ત્યારે...'

પોલીસ ફરિયાદ બાદ માંડ-માંડ વાત કરવા માટે તૈયાર થયેલા પીડિતાના પિતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારે ત્રણ દીકરી અને એક દીકરો છે. હું ભાડાની રિક્ષા ચલાવું છું અને મારી પત્ની ઘરે ગૂંથણકામ કરે છે. અમારી આર્થિક સ્થિતિ સારી નથી."

"મેં તથા પત્નીએ સખત મહેનત કરીને બંને દીકરીને પરણાવી છે. લગ્ન પહેલાં બંને દીકરીઓ પણ ગૂંથણકામ કરતી."

"અમારો દીકરો 10 વર્ષનો છે, એને ભણાવવાનો હતો એટલે દીકરીનું ભણવાનું છોડાવી દીધું અને ભરતકામ શીખવ્યું. દીકરી પણ ગૂંથણકામ કરીને બે પૈસા ભેગા કરવામાં અમને મદદ કરતી."

પીડિતાનાં માતાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મારી દીકરી ખુદાથી ડરવાવાળી ધાર્મિક છોકરી છે. તે દરરોજ પાંચ વખતની નમાજ પઢતી અને મસ્જિદમાં બુઝુર્ગ મહિલાઓ તથા અન્યોને મદદ કરતી. એની એક બહેનપણીના સગાનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું. એટલે સાંજે નમાજ પછી તબરાકની વિધિ માટે બહેનપણીના ઘરે કુરાન પઢવા માટે ગઈ હતી."

"રાત્રે પોણા નવ વાગ્યા સુધી પરત ન ફરતા અમે તેની તપાસ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. રાત્રે લગભગ બાર વાગ્યે ઘરે પરત આવી ત્યારે તેના વાળ વિખેરાયેલા હતા. માંડ-માંડ ચાલી શકતી હતી. તેના ચહેરા પર મારનાં નિશાન હતાં. તે ખૂબ જ ગભરાયેલી હતી."

જેમ-તેમ પોતાની વાતને આગળ વધારતા તેમણે કહ્યું, "તબરાકની વિધિમાં કુરાન પઢીને પરત આવી રહી હતી ત્યારે અમારા ગામના છોકરાઓ 'એક કામ પતાવીને ઘરે મૂકી જઈશું' એમ કહીને મોટરસાઇકલ પર એક ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં મહેશ ભૂવા અને બીજા સાત છોકરાએ મળીને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો."

ન્યાય માટે મક્કમ

પીડિતાના પિતાને લાગતું હતું કે ફરિયાદ કરવાથી સમાજમાં આબરૂ જશે, જ્યારે પીડિતાનાં માતા તેમનાં પુત્રીને ન્યાય અપાવવા માટે મક્કમ હતાં.

અંતે સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેઓ ફરિયાદ કરવા માટે તૈયાર થયા હતા.

પીડિતાનાં માતા કહે છે, "હું ફરિયાદ લખાવવા ગઈ ત્યારે પોલીસ ઠાગાઠૈયા કરવા લાગી હતી. છેવટે ગામના લોકો ભેગા થયા અને આગેવાનોએ વકીલની સલાહ લીધી. જેના આધારે અમે દીકરીને ધોળકાના આરોગ્યકેન્દ્રમાં લઈ ગયાં. બળાત્કારનો કેસ હોવાથી પોલીસે ફરિયાદ લેવી પડી."

એક સામાજિક કાર્યકર્તા બીબીસી સાથે વાત કરતા કહ્યું, "જ્યારે અમને ખબર પડી કે પોલીસ ગરીબ પરિવારની ફરિયાદ નથી લઈ રહી, ત્યારે અમે અમદાવાદથી વકીલ લઈને ધોળકા ગયા હતા."

"પોલીસસ્ટેશનની બહાર એકઠા થયેલા લોકોમાં ભારે આક્રોશ હતો. અમે તેમને શાંત પાડ્યા, નહીં જો મામલો બીચકે તો કોમી વૈમનસ્યનું વાતાવરણ ઊભું થાય એમ હતું."

"છેવટે વકીલની સલાહ લઈને અમે એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. પોલીસે ભૂવા સહિત આઠ લોકો સામે ફરિયાદ લખવી પડી છે. અમે તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લઈ આવ્યાં છીએ. અહીં પણ પોલીસ તેનાં માતા-પિતા, સામાજિક કાર્યકર તરીકે મને તથા વકીલ સિવાય બીજા કોઈને પીડિતા સાથે મળવા નથી દેતી."

સ્થિતિ અંગે વાત કરતા સામાજિક કાર્યકર કહે છે, "માસૂમ દીકરી સાથે સામૂહિક બળાત્કાર બાદ તેની માતા માનસિક રીતે ભાંગી પડી છે. દીકરી તથા તેની માતાને માનસિક કાઉન્સેલિંગની જરૂર છે, પણ પોલીસ તેની વ્યવસ્થા નથી કરી રહી. અત્યારે સગીર દીકરી કોઈ પણ પુરુષને જોઈને ગભરાઈ જાય છે. અમે તેને ન્યાય અપાવવા માટે મક્કમ છીએ."

સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા ધોળકાના ડીવાયએસપી એન. વી. પટેલે કહ્યું, "ધોળકાના નેસડા રોડ પર આવેલા ખેતરમાં એક સગીરા સાથે આઠ જણા દ્વારા સામૂહિક બળાત્કારની ફરિયાદ થઈ હતી. સગીરાની ફરિયાદના આધારે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે."

અમદાવાદ ગ્રામ્યના એસ. પી. વીરેન્દ્ર યાદવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે આ સમગ્ર ઘટનાની અંગત રસ લઈને તપાસ કરી રહ્યા છીએ. કોઈ પણ કસૂરવારને છોડવામાં નહીં આવે."

આ કેસમાં પૉસ્કો (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ) હેઠળ કેસ નોંધાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો