You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોથી કોરોના લહેર : ચીનના સૌથી મોટા શહેરમાં લૉકડાઉન, ભારતે તૈયાર રહેવું જોઈએ?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બ્રિટન અને યુરોપમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ચીન અને હૉંગકૉંગમાં પાછલાં બે વર્ષની તુલનામાં સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ચાર કરોડથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે અને કુલ કેસની દૃષ્ટિએ વિશ્વમાં ભારત અમેરિકા બાદ બીજા નંબરે છે.
ભારતમાં અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો કોરોનાથી મોતને ભેટ્યા છે. આ મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું ભારતે કોરોનાની ચોથી લહેર માટે તૈયાર રહેવું જોઈએ?
ભારતમાં કેવી છે પરિસ્થિતિ?
સારા સમાચાર એ છે દૈનિક કેસના મામલે ભારત પાછલાં બે વર્ષમાં અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે.
વિશ્વના ઘણા દેશોમાં સંક્રમણની નવી લહેરો લાવનાર 50થી વધુ મ્યુટેશન ધરાવતા ઓમિક્રૉન વૅરિયન્ટના કેસની સંખ્યા ભારતમાં ઘટી રહી છે.
21 માર્ચે ભારતમાં કોરોનાના 1,410 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 21 જાન્યુઆરીએ 3,47,000 કેસ સામે આવ્યા હતા, જે આ વર્ષે સૌથી વધુ હતા. આ વખત કેસોની સંખ્યા ઝડપથી ઘટી, સંક્રમણ વધારે ગંભીર ન હતું અને હૉસ્પિટલોની હાલત પણ ખરાબ ન થઈ.
ભારતમાં અત્યાર સુધી 180 કરોડ કોવિડ વૅક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. ભારતના 80 ટકા પુખ્ત વયના લોકોને વૅક્સિનના બન્ને ડોઝ મળી ગયા છે. જ્યારે 94 ટકા વયસ્કોને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી પરિસ્થિતિમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાંથી કોરોના સંબંધિત પ્રતિબંધો હઠાવી દેવામાં આવ્યા છે, ઑફિસો ખૂલી ગઈ છે અને જનજીવન સામાન્ય થઈ ગયું છે.
દિલ્હીસ્થિત સ્વાસ્થ્ય થિંક ટૅન્ક પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા સાથે જોડાયેલા ડૉ. કે. શ્રીકાંત રેડ્ડી કહે છે, "ભારત આ સમયે આરામથી શ્વાસ લઈ રહ્યું છે."
ભારતે નવી લહેર અંગે ચિંતિત થવું જોઈએ?
ભારતની ટોચની શિક્ષણસંસ્થાઓમાં સામેલ આઈઆઈટીના સંશોધકોએ એક વિવાદિત સંશોધનમાં દાવો કર્યો છે કે ભારતમાં જૂનમાં કોરોનાની નવી લહેર આવશે, જે ઑગસ્ટમાં પીક પર પહોંચશે.
જોકે, ઘણા વિશેષજ્ઞો આ સંશોધનને શંકાની દૃષ્ટિએ જુએ છે અને ભવિષ્યને લઈને આશાસ્પદ છે.
તેમનું કહેવું છે તેનું એક કારણ એ છે કે મોટાભાગના ભારતીયોમાં ઇમ્યુનિટી વિકસી ગઈ છે. જે કોરોના સંક્રમણ અથવા તો વૅક્સિન લેવાથી થયું હોઈ શકે છે.
આ જ નહીં, ભારતની મોટાભાગની વસતીએ કોરોના વૅક્સિન લઈ લીધી છે અને ઘણા લોકોને વૅક્સિન લીધા બાદ પણ કોરોના સંક્રમણ થયું છે, જેનાં લક્ષણો હળવાં હતાં.
ભારતના ટોચના વાઇરોલૉજિસ્ટ ગગનદીપ કાંગ કહે છે, "અત્યારે ભારત સારી સ્થિતિમાં છે. વૅક્સિનેશનનો દર ઘણો સારો છે અને તે માટે સરકારનાં વખાણ થવાં જોઈએ. ભારતમાં સંક્રમણનું સ્તર પણ ખૂબ વધારે છે, જે ઘણી લહેરો દરમિયાન થયું છે."
બીજી વાત યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારા પાછળ ઓમિક્રૉનનો સરળતાથી પ્રસરી રહેલો વૅરિયન્ટ બીએ.2 છે.
ફેબ્રુઆરીમાં વાઇરસનું સિક્વન્સિંગ કરી રહેલા ભારતીય વૈજ્ઞાનિકોએ આ વૅરિયન્ટને પકડ્યો હતો. આ વૅરિયન્ટ સરળતાથી વૅક્સિન સામેના રક્ષણથી છટકી શકે છે. વૈજ્ઞાનિકોને ખબર પડી હતી કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પાછળ ઓમિક્રૉનનો આ વૅરિયન્ટ જ જવાબદાર છે.
મહામારીવિશેષજ્ઞ ડૉ. ચંદ્રકાંત લહરિયા કહે છે કે, "એવું લાગે છે કે ભારતમાં બીએ.2 વૅરિયન્ટની લહેર ખતમ થઈ ગઈ છે. નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઈ વ્યાપક સંક્રમણના લહેરની સંભાવના ઓછી છે."
રોગપ્રતિકારક શક્તિ સમય જતાં કમજોર થઈ જાય?
હા, આમ થઈ શકે છે; પરંતુ સંશોધન પરથી ખબર પડી કે વૅક્સિનના ત્રણ ડોઝ લોકોને ગંભીર બીમારી અને મોત સામે લાંબાગાળાનું કવચ પૂરું પાડે છે. બૂસ્ટર ડોઝ શરીરને પાકૃતિક ઍન્ટિબૉડી વિકસિત કરવામાં મદદ કરે છે. જાન્યુઆરી બાદથી ભારત અત્યાર સુધીમાં બે કરોડ બૂસ્ટર ડોઝ પણ આપી ચૂક્યું છે.
ભારતમાં અત્યારે હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સ તેમજ 60 વર્ષથી વધુના કોમૉર્બિડ લોકો બૂસ્ટર ડોઝ મેળવવાને પાત્ર છે. જોકે ભારતે અત્યાર સુધી 60 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝને લઈને કોઈ નીતિ જારી કરી નથી. તેનો અર્થ એમ નથી કે ભારત પાસે કોરોના વૅક્સિનના ડોઝ નથી.
વિશ્વના સૌથી મોટા વૅક્સિન ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે તેમની પાસે આ સમયે કોવિશિલ્ડના 20 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.
કોવિશિલ્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલી વૅક્સિન છે. ભારતમાં લગભગ 80 ટકા લોકોએ આ વૅક્સિન મેળવી છે.
સરકારે નક્કી કર્યું છે કે જે લોકોએ જે વૅક્સિનના બે ડોઝ લીધા છે, બૂસ્ટર ડોઝ પણ તે જ વૅક્સિનનો આપવામાં આવશે. આવી સ્થિતિમાં સર્વાધિક બૂસ્ટર ડોઝ પણ કોવિશિલ્ડના જ આપવામાં આવશે.
પણ વાઇરોલૉજીસ્ટ શાહિદ જમીલને લાગે છે ભારત બૂસ્ટર ડોઝ પાછળના વિજ્ઞાનની અવગણના કરે છે અને તે સમસ્યાનું કારણ બની શકે છે.
એમઆરએનએ વૅક્સિન જિનેટિક કોડનો ઉપયોગ કરે છે. જેથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે. ફાઇઝર-બાયૉએનટૅક અને મોડર્નાની વૅક્સિન તેના પર જ આધારિત છે.
શાહિદ જમીલ કહે છે કે પ્રોટીન આધારિત આ વૅક્સિન સિવાય નોવાવૅક્સ બૂસ્ટર માટે સૌથી સારી વૅક્સિન રહેશે. એમઆરએનએ વૅક્સિન ભારતમાં ઉપલબ્ધ નથી, પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટ નોવાવૅક્સનું સ્થાનિક વર્ઝન કોવાવૅક્સ બનાવી રહી છે. અત્યાર સુધી તેના ચાર કરોડ ડોઝની નિકાસ કરવામાં આવી છે.
ડૉ. જમીલ પૂછે છે, "તેમને બૂસ્ટર ડોઝ તરીકે ભારતમાં માન્યતા કેમ અપાઈ નથી? શું સૌથી સારો વિકલ્પ ભારત માટે ઉપલબ્ધ ન હોવો જોઈએ?"
બૂસ્ટર ડોઝની વ્યૂહરચના ડેટા આધારિત હોવી જોઈએ. જેનાથી ખબર પડે કે ક્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે અને બૂસ્ટર ડોઝ આપવાનો સમય થયો છે.
ડૉ. કાંગ કહે છે, "પહેલાંથી અપાયેલી વૅક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાની જગ્યાએ ભારતે તેના પર સંશોધન કરવું જોઈએ કે ક્યારે અને કઈ વૅક્સિનન બૂસ્ટર ડોઝની સારી અસર રહેશે?"
સ્વાસ્થ્યમંત્રાલયના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે સરકાર જલદી જ 60 વર્ષથી નીચેની વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવા અંગે વિચારણા કરી રહી છે.
નવો વૅરિયન્ટ પરિસ્થિતિને અસામાન્ય બનાવી શકે?
મહામારી વિશેષજ્ઞોને લાગે છે કે તેમ થઈ શકે છે, પરંતુ તેની કેટલીક શરતો છે. ડૉ. કાંગ કહે છે, "નવા વૅરિયન્ટમાં કેટલીક ખાસ વિશેષતાઓ હોવી જોઈએ. તે એવો હોવો જોઈએ કે જે લોકોએ વૅક્સિન લઈ લીધી છે અથવા તો પહેલાંથી કોરોના થઈ ગયો છે તેમને પણ અડફેટમાં લઈ લે."
"કોઈ પણ વાઇરસ માટે આ એક મોટી વાત છે પણ તેની સંભાવના નકારી શકાય નહીં. એક વાઇરસ જેટલો વધારે ફેલાય છે અને મ્યુટેટ થાય છે. તેટલો જ વધારે ગંભીર બનવાની સંભાવનાઓ વધી જાય છે."
શ્રેવેપોર્ટમાં લ્યુઝિયાના સ્ટેટ યુનિવર્સિટી ઑફ હેલ્થ ઍન્ડ સાયન્સ સાથે જોડાયેલા ડૉ. જેરેમી કામીલ કહે છે, "ભારત અને સમગ્ર વિશ્વએ નવા વૅરિયન્ટને લઈને સાવધ રહેવાની જરૂર છે."
તેઓ આગળ કહે છે દક્ષિણ આફ્રિકન વૈજ્ઞાનિકોએ ઓમિક્રૉનને લઈને જલદી માહિતી આપી, તેનાથી ફાયદો થયો.
તેઓ જણાવે છે કે એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે ડેલ્ટા કે ઓમિક્રૉન જેવો મોટો વૅરિયન્ટ સામે આવશે.
"પરંતુ એમ લાગે છે કે આગામી ત્રણથી નવ મહિના દરમિયાન કોઈ નવો વૅરિયન્ટ આવી શકે છે."
નજીકના ભવિષ્યમાં શું થઈ શકે?
ભારત જેવી ગીચ વસતી ધરાવતા દેશોમાં આવા વાઇરસ સાથે રહેવું ત્યારે જ સંભવ છે, જ્યારે મોટાભાગના લોકો પાસે ઇમ્યુનિટી હોય. એમ લાગે છે કે વૅક્સિનેશન અને સંક્રમણના પ્રસારથી ભારતના મોટાભાગના લોકોમાં ઇમ્યુનિટી છે.
ડૉ. કામીલ કહે છે, "અમુક જગ્યાઓએ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ તે ચિંતાજનક કે મોટી લહેરનો અણસાર નથી."
ડૉ. કાંગ જેવા મહામારીવિશેષજ્ઞોને લાગે છે કે ભારતને વાઇરસનું સિક્વન્સિંગ વધારવાની જરૂર છે.
તેઓ કહે છે, "ભારત પૂરતી સંખ્યામાં સૅમ્પલનું સિક્વન્સિંગ કરી રહ્યું નથી. સિક્વન્સિંગ કરવું એ વાઇરસ સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ હથિયાર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો