કોરોના વાઇરસ : ગુજરાતમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ 25નાં મોત, શું મહામારી અંત તરફ છે?

ગુજરાતમાં સોમવારે સાંજે ગત 24 કલાકની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં 13 હજાર 805 નવા કેસ નોંધાયા છે, જ્યારે 25 મૃત્યુ થયાં છે, જે તાજેતરનો મોટો ઉછાળો છે.

રાજ્યમાં કોરોનાના કુલ એક લાખ 35 હજાર 148 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 284 દર્દીઓ વૅન્ટિલેટર પર છે, જ્યારે એક લાખ 34 હજાર 864ની સ્થિતિ સ્થિર છે.

સાથે જ ગત 24 કલાક દરમિયાન 13 હજાર 469 ડિસ્ચાર્જ નોંધાયા હતા. આમ નવા કેસ તથા ડિસ્ચાર્જ કેસની સંખ્યા લગભગ સરખી રહેવા પામી હતી.

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં (ચાર હજાર 361), વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન (બે હજાર 534), સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન (એક હજાર 136), રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન (889) તથા વડદોરામાં 721 નોંધાયા હતા.

અમદાવાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં છ, વડોદરા જિલ્લામાં ચાર, સુરત જિલ્લામાં ચાર, જામનગર અને ભાવનગર જિલ્લામાં ત્રણ-ત્રણ સહિત કુલ 25 મૃત્યુ નોંધાયાં હતાં.

આ સાથે જ રાજ્યનો કુલ સત્તાવાર મરણાંક 10 હજાર 274 પર પહોંચ્યો છે.

રાજ્યમાં રિકવરીનો દર 86.49 % રહેવા પામ્યો છે અને કુલ નવ લાખ 30 હજાર કરતાં વધુ દરદીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાની વૅક્સિનના પહેલા, બીજા અને બૂસ્ટર ડોઝ તથા કિશોરોના ડોઝ સહિત કુલ નવ કરોડ 65 લાખ કરતાં વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

WHOએ શું ચેતવણી આપી?

વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે ઓમિક્રૉન એ કોરોનાનું છેલ્લું વૅરિયન્ટ હશે તથા આ મહામારી અંત તરફ આગળ વધી રહી છે, તેમ વિચારવું હાનિકારક છે.

સંગઠનના વડા ડૉ. ટેડ્રોસ એડહનૉમ ગિબ્રયેસૉસનું કહેવું છે કે બીમારી કેવી રીતે ખતમ થશે તે અંગે અલગ-અલગ અવધારણા પ્રવર્તે છે.

ડૉ. ગિબ્રયેસૉસનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતાં એવું જણાય છે કે કોરોનાના વધુ કેટલાક વૅરિયન્ટ બહાર આવી શકે છે. જે કારણસર કોરોનાની મહામારી વકરી રહી છે, તેને બદલવાની જરૂર છે.

ભારતમાં ઓમિક્રૉન કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનાં તબક્કામાં પહોંચ્યો

ઇન્ડિયન સાર્સ-કોવ-2 જીનોમ કન્સોર્શિયમ (INSACOG) અનુસાર, ભારતમાં કોરોનાનો વૅરિયન્ટ ઓમિક્રૉન હવે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનાં તબક્કામાં પહોંચી ગયો છે.

જેના કારણે હવે કોરોનાનાં દર્દીઓની સંખ્યા હૉસ્પિટલોમાં વધી રહી છે અને તેમને આઈસીયુ બેડની પણ જરૂર પડી રહી છે. જોકે, ઓમિક્રૉનનાં મોટા ભાગના કેસો હળવાં તેમજ નહિવત્ લક્ષણો ધરાવે છે.

જીનોમ કન્સોર્શિયમ અનુસાર, "ઓમિક્રૉન મહાનગરોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. ઓમિક્રૉનનાં ભયમાં હજુ સુધી કોઈ પરિવર્તન આવ્યું નથી."

આ સમાચારને અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' અને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ પહેલા પાને જગ્યા આપી છે.

કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો અર્થ થાય છે કે એક સંક્રમિત વ્યક્તિને ખબર નથી હોતી કે તે કોના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઈ છે. અર્થાત કોરોના વાઇરસ સમુદાયો અને શહેરો વચ્ચે હયાત છે. એવામાં સંક્રમણની ચેનને તોડવી મુશ્કેલ થઈ જાય છે અને સંક્રમણ ઝડપથી વધે છે.

જોકે, 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન ટર્મનો ઉપયોગ કર્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીની બીજી લહેર વખતે પણ તેનો ઉલ્લેખ કર્યો નહોતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો