You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના રસી હવે 12થી 14 વર્ષના કિશોરોને અપાશે, 60થી મોટી ઉંમરના સૌને પ્રિકૉશન ડોઝ - પ્રેસ રિવ્યૂ
ભારતમાં હવે 12થી 14 વર્ષની વયના કિશોરોને પણ કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસી આપવામા આવશે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, "બાળકો સુરક્ષિત, તો દેશ સુરક્ષિત."
"મને જણાવતાં આનંદ થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના વયજૂથ માટે કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે."
તેમણે લખ્યું છે કે, "સાથે જ 60થી વધારે ઉંમરના તમામ લોકો હવે પ્રિકૉશન ડોઝ લઈ શકશે."
મધ્ય પ્રદેશમાં દરગાહને ભગવા રંગે રંગીને તોડફોડ કરવાનો મામલો શું છે?
મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં એક દરગાહને ભગવા રંગે રંગવાનો મામલો સામે આવ્યો છે. કેટલાંય અખબારોએ આ સમાચારને પ્રમુખતાની છાપ્યા છે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસના મતે લગભગ 50 વર્ષ જૂની આ દરગાહ નર્મદાપુરમ (હોશંગાબાદ) જિલ્લાના વડા મથકથી લગભગ 40 કિલોમીટર દૂર સ્થિત છે. રવિવારે આ દરગાહમાં તોડફોડ કરાઈ અને એ બાદ એના પર ભગવો રંગ લગાવી દેવાયો.
આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ ઘટી. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક સ્થાનિક યુવકોએ દરગાહ પર ભગવો રંગ કરી દીધો હતો. દરગાહમાં તોડફોડ પણ કરાઈ હતી.
દરગાહના મુજાવર અબ્દુલ સત્તારના જણાવ્યા અનુસાર સવારે છ વાગ્યાની આસપાસ ગામના કેટલાક યુવાનોએ આ ઘટના અંગે જાણકારી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબ્દુલ સત્તારે કહ્યું, "ત્યાં પહોંચ્યા બાદ અમે જોયું કે દરગાહના મિનાર, મકબરા અને પ્રવેશદ્વારને પણ ભગવો રંગ કરી દેવાયો હતો. આ ઉપરાંત પરિસરની અંદરનો હૅન્ડપમ્પ પણ ઉખાડી દેવાયો હતો."
ગામલોકોનો આરોપ છે કે પોલીસે પહેલાં તેમની ફરિયાદ નહોતી સાંભળી, પણ જ્યારે તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગ - 22ને બંધ કરી દીધો ત્યારે પોલીસે કાર્યવાહી શરૂ કરી.
પોલીસ અને જિલ્લા તંત્રની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યા બાદ લોકોએ માર્ગ ખોલ્યો.
ગુજરાત સરકારે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને કરમુક્ત જાહેર કરી
11મી માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને કરમુક્ત જાહેર કરવાનો નિર્ણય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો હતો, એવું સીએમઓ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું હતું.
બિઝનેસ સ્ટાન્ડર્ડ એક અધિકારીને ટાંકીને લખે છે કે ગુજરાત સરકારે રવિવારે રાજ્યમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને કરમુક્ત જાહેર કરવાનો નિર્ણય લીઘો છે.
વિવેક અગ્નિહોત્રીના લેખન અને દિગ્દર્શન અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ પાકિસ્તાન સમર્થિત અંતિમવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની હત્યા બાદ કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરતને દર્શાવે છે.
તેમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી સહિતનાં કલાકારોએ અભિનય કર્યો છે.
કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની નિયુક્તિની સામૂહિક માગ
રાહુલ ગાંધીને કૉંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માગે રવિવારે જોર પકડ્યુ હતું. ઘણા નેતાઓ અને કાર્યકરો તેમને પક્ષના વડાનું પદ સંભાળવા માટે સમર્થન આપી રહ્યા છે.
કૉંગ્રેસ કાર્યકારણી (સીડબલ્યુસી)ની મહત્ત્વની બેઠક પહેલાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે રાહુલ ગાંધી જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે લડ્યા, તે રીતે કોઈ નેતા નથી લડ્યા.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, ગહેલોતે કહ્યું, "વડા પ્રધાને રાહુલ ગાંધી પર કટાક્ષ કરીને પોતાનું ભાષણ શરૂ કરવું પડે છે, આનો અર્થ તમે સમજી શકો છો."
કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમારે પણ ગાંધીને પાર્ટીના વડા બનાવવાના વિચારને ટ્વીટ કરીને સમર્થન આપ્યું હતું અને રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ બને તેવી લાખો કૉંગ્રેસી કાર્યકરોની ઇચ્છા હોવાનું કહ્યું હતું.
અલકા લાંબા સહિતના દિલ્હી કૉંગ્રેસના નેતાઓના સમૂહે રાહુલ ગાંધીને પક્ષનું નેતૃત્વ કરવા માટે સમર્થન આપ્યું હતું અને તેમના અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયકા ગાંધી વાડ્રાની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
યૂથ કૉંગ્રેસના વડા શ્રીનિવાસ બીવીએ જણાવ્યું હતું કે ગાંધીપરિવાર માત્ર કૉંગ્રેસને જ નહીં, પરંતુ દેશના તમામ વર્ગોને જોડી રાખતો દોરો છે.
ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પક્ષને સતત બીજી વાર હારનો સામનો કરવો પડ્યો, ત્યાર પછી રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો