સ્પુતનિક લાઇટ : રશિયન વૅક્સિન સ્પુતનિક લાઇટને ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી- BBC Top News

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા રશિયાની સિંગલ ડોઝ વૅક્સિન સ્પુતનિક લાઇટને ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે.

લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "આ સિંગલ ડોઝ વૅક્સિનને મંજૂરી મળતા ભારતની કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બનશે. આ ભારતની નવમી કોરોના વૅક્સિન છે."

અગાઉ જુલાઈ 2021માં ડીસીજીઆઈ દ્વારા સ્પુતનિક લાઇટને આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી અપાઈ ન હતી. ત્યાર બાદ આ અઠવાડિયે ડીસીજીઆઈની પૅનલ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત બીએસએફ ફ્રન્ટિયરે રાજસ્થાન પાસેથી 35 કરોડનું હૅરોઇન ઝડપી પાડ્યું

બૉર્ડર સિક્યુરિટી ફોર્સના ગુજરાત ફ્રન્ટિયરે રવિવારે રાજસ્થાનમાંથી પસાર થતી ભારત-પાકિસ્તાન બૉર્ડર પર 35 કરોડ કિંમતનું 14 કિલોગ્રામ હૅરોઇન ઝડપી પાડ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, રાજસ્થાનનાં બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન બૉર્ડર પર બીએસએફ અને સ્થાનિક પોલીસે સાથે મળીને આ ઑપરેશન હાથ ધર્યું હતું.

બીએસએફ દ્વારા જારી કરવામાં આવેલી વિજ્ઞપ્તિ અનુસાર, આ ઑપરેશન બૉર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ અને સ્થાનિક પોલીસે બાડમેર જિલ્લામાં આવેલા પંચલા ગામ નજીક હાથ ધરવામાં આવ્યું હતું.

બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતી ભારત-પાકિસ્તાનની 826 કિલોમીટર લાંબી બૉર્ડરને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. જેમાં 85 કિલોમીટર દરિયાકાંઠાના વિસ્તારનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં 10 વર્ષમાં નીલગાયની વસતી 117 ટકા વધી

ગુજરાતમાં નીલગાયની વસતી છેલ્લાં દસ વર્ષમાં 117 ટકા વધી હોવાનું ગીર ફાઉન્ડેશનના સર્વેમાં જાણવા મળ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, તાજેતરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર 2011માં 1,19,546 નીલગાયની સરખામણીએ 2,52,378 નીલગાય જોવા મળી હતી.

2011થી 2021 સુધીમાં કુલ ત્રણ વખત નીલગાયની વસતી ગણતરી કરવામાં આવી હતી. આ પહેલા સૌથી વધુ 56.23 ટકાનો વધારો 2011-15ના સરવેમાં જોવા મળ્યો હતો.

2015માં રાજ્યમાં નીલગાયની વસતી 1,86,770 નોંધાઈ હતી. જે ત્યાર બાદનાં પાંચ વર્ષમાં 34.6 ટકા વધી હતી.

ગુજરાતમાં સૌથી વધુ 32,021 નીલગાય બનાસકાંઠા જિલ્લામાં નોંધાઈ હતી. 18,584 નીલગાય સાથે પાટણ બીજા નંબરે અને 16,295 નીલગાય સાથે અમરેલી ત્રીજા નંબરે છે.

ઓવૈસી પર ગોળી ચલાવનારા સચિન અને શુભમે જણાવી પોતાની યોજના

ઉત્તર પ્રદેશ પોલીસ અનુસાર, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમના અધ્યક્ષ અને હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની કાર પર હુમલો કરનારાઓએ પહેલા પણ ત્રણ વખત હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ભારે ભીડનાં કારણે આ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.

ગયા અઠવાડિયે ગુરુવારે ઓવૈસી જ્યારે મેરઠથી દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર પર હુમલો થયો હતો. આ હુમલાને લઈને ઉત્તર પ્રદેશ પોલીસે સચીન શર્મા અને શુભમની ધરપકડ કરી હતી.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસ દ્વારા સચિન અને શુભમ વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆરની કૉપીના આધારે જણાવ્યું છે કે, બન્નેએ પોતાના નિવેદનમાં શું જણાવ્યું હતું.

એફઆઈઆર અનુસાર, શરૂઆતમાં બન્ને પૂછપરછ દરમિયાન સવાલોનો સંતોષપૂર્વક જવાબ નહોતા આપી રહ્યા, પરંતુ જ્યારે તપાસ અધિકારીઓએ કહ્યું કે, બન્ને ગોળી ચલાવતી વખતે સીસીટીવીમાં કેદ થયા છે. ત્યાર બાદ સચિને માફી માગી અને સમગ્ર યોજના અંગે જાણકારી આપી હતી.

સચીને પોલીસને કહ્યું કે, "હું એક મોટો નેતા બનવા માગતો હતો. મને લાગ્યું કે, ઓવૈસીનું ભાષણ દેશ માટે નુક્સાનકારક છે."

"મારા દિમાગમાં ઓવૈસીને લઇને શત્રુભાવ આવી ગયો હતો."

સચીને પોલીસને કહ્યું કે, "તે ઓવૈસી અંગે જાણકારી મેળવવા માટે એઆઈએમઆઈએમ ડાસનાના અધ્યક્ષના સંપર્કમાં હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો