You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબ ચૂંટણી : ચરણજિતસિંહ પંજાબના કૉંગ્રેસના મુખ્ય મંત્રીના ઉમેદવાર, સિદ્ધુ સામે રાહુલ ગાંધીનું એલાન
- લેેખક, બીબીસી પંજાબી સેવા
- પદ, નવી દિલ્હી
લાંબા સમય સુધી સસ્પેન્સ બાદ પંજાબમાં કૉંગ્રેસે ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા.
રાહુલ ગાંધીએ લુધિયાનામાં વર્ચ્યુઅલ રેલીને સંબોધતાં આ એલાન કર્યું.
આ દરમિયાન ચરણજિતસિંહ ચન્ની સિવાય પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ પણ મંચ પર હાજર હતા.
ચન્નીના નામનું એલાન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમને ગરીબ ઘરના મુખ્ય મંત્રી જોઈએ, અમને એ વ્યક્તિ જોઈએ જેઓ ગરીબીને સમજે, જે ગરીબ વ્યક્તિઓનાં દિલના ગભરાટને સમજે, કારણ કે પંજાબમાં એવી વ્યક્તિની જરૂર છે. મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ તમે સરળ બનાવી દીધો. પંજાબના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ચરણજિતસિંહ ચન્નીજી હશે."
રાહુલ ગાંધીએ આ એલાન કરતાં જ સિદ્ધુએ ચન્નીનો હાથ ઉઠાવ્યો અને પછી બંનેને ગાંધી મંચ તરફ લઈ આવ્યા.
આ દરમિયાન પંજાબ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ પણ સાથે દેખાયા. રાહુલ ગાંધીની જાહેરાત બાદ ચન્ની-સિદ્ધુ અને જાખડ ત્રણેય નેતાઓ ગળે મળ્યા.
જણાવી દઈએ કે ઘણા દિવસોથી સિદ્ધુએ પોતાનાં નિવેદનોથી એવા સંકેત આપવાની કોશિશ કરી કે રાજ્યમાં તેઓ પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર હોઈ શકે છે.. આ દરમિયાન સુનીલ જાખડ પણ ચરણજિતસિંહ ચન્ની પર ટ્વીટ મારફતે નિશાન સાધી રહ્યા હતા.
પંજાબના પહેલા દલિત સીએમનીપારિવારિક પૃષ્ઠભૂમિ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચમકૌર સાહિબ વિધાનસભાથી ત્રણ વાર ધારાસભ્ય બનેલા ચરણજિતસિંહ ચન્ની પહેલી પેઢીના રાજનેતા છે.
વર્ષ 2007માં ચન્નીએ પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીતી હતી અને એ પણ સ્વતંત્ર ઉમેદવાર તરીકે.
જોકે પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંહે તેમને કૉંગ્રેસમાં સામેલ કરી લીધા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા.
કૅપ્ટન અમરિન્દરસિંહની કૅબિનેટમાં ચન્ની ટેકનિકલ ઍજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ, પર્યટન અને સાંસ્કૃતિક મામલાના મંત્રી હતા.
ચરણજિતસિંહના ત્રણ ભાઈ છે- ડૉક્ટર મનમોહનસિંહ, મનોહરસિંહ અને સુખવંતસિંહ.
ચરણજિતસિંહ ચન્નીનાં પત્ની કમલજિતકોર એક ડૉક્ટર છે અને તેમને બે પુત્ર છે. ચન્નીના પરિવારના નજીકના બાલકૃષ્ણ બિટ્ટુએ બીબીસીના સહયોગી પત્રકાર પાલસિંહ નૌલીને જણાવ્યું કે તેમના પિતા પાસે રોપડમાં એક પેટ્રોલપંપ અને એક ગૅસ એજન્સી છે. ચન્નીના પિતા હર્ષસિંહ કેટલાંક વર્ષો આજીવિકા માટે અરબ દેશોમાં રહ્યા છે. દેશ પાછા આવીને તેમણે મોહાલીના ખરરમાં ટૅન્ટહાઉસનો ધંધો શરૂ કર્યો હતો.
બાલકૃષ્ણ બિટ્ટુ કહે છે કે યુવાનીના દિવસોમાં ચન્ની પિતાને કામમાં મદદ કરતા હતા અને ખરર નગરપાલિકાના કાઉન્સિલર બન્યા પછી પણ તેઓ ટૅન્ટ લગાવવાથી શરમાતા નહોતા.
તેમના ભાઈ ડૉક્ટર મનમોહનસિંહે બીબીસીને જણાવ્યું કે ચન્નીએ ચંદીગઢની ગુરુગોવિંદસિંહ ખાલસા કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે અને પછી પંજાબ યુનિવર્સિટીથી એલએલબી કર્યું. બાદમાં ચન્નીએ પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીથી એમબીએનો અભ્યાસ કર્યો.
ચન્નીના અન્ય એક નજીકના સહયોગી મુકેશકુમાર મિનકા કહે છે કે અભ્યાસમાં તેમને એટલે બધ રસ હતો કે મંત્રી હોવા છતાં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કરતા હતા.
ચન્નીની રાજકીય યાત્રા
58 વર્ષીય ચરણજિતસિંહ ચન્નીની રાજકીય યાત્રા વર્ષ 1996માં ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ ખરર નગરપાલિકાના અધ્યક્ષ બન્યા. આ દરમિયાન તેઓ કૉંગ્રેસ વરિષ્ઠ નેતા રમેશ દત્તના સંપર્કમાં આવ્યા.
ચન્ની રાજકારણના પોતાના શરૂઆતના દિવસોથી જ રમેશ દત્તા સાથે સંકળાયેલા હતા.
જોકે ચન્નીનો સંપર્ક દલિત કૉંગ્રેસ નેતા ચૌધરી જગજિતસિંહ સાથે પણ હતો, પરંતુ વર્ષ 2007ની ચૂંટણીમાં તેમને ટિકિટ મળી નહોતી.
ચન્નીએ નિર્ણય કર્યો કે તેઓ ચમકૌર સાહિબથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને જીત્યા પણ ખરા.
વર્ષ 2012માં જ્યારે કૅપ્ટન અમરિન્દરસિંહે તેમને ટિકિટ આપી તો તેઓ ફરી વિધાનસભા ચૂંટણી જીત્યા.
વર્ષ 2015થી 2016 સુધી તેઓ સુનીલ જાખડ બાદ પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા.
ચરણજિતસિંહ ચન્નીએ કૉંગ્રેસ હાઇકમાન સુધી પોતાની પહોંચ બનાવી અને એ માનવામાં આવે છે કે કૉંગ્રેસ નેતા અંબિકા સોની સાથે તેમને ઘરોબો છે.
વર્ષ 2017ની ચૂંટણી જીત્યા બાદ ચન્ની કૅપ્ટન અમરિન્દરસિંહની સરકારમાં પહેલી વાર મંત્રી બન્યા.
કૅપ્ટન અમરિન્દરસિંહની સરકારના અધૂરા વાયદાને લઈને ઊઠી રહેલા અવાજોનું નેતૃત્વ કરનારાઓમાં ચન્ની પણ સામેલ હતા.
કહેવાય છે કે પંજાબ કૉંગ્રેસ સમિતિનું સુકાન નવજોતસિંહ સિદ્ધુને સોંપવાનું સમર્થન ચન્નીએ પણ કર્યું હતું.
રાજ્ય કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતને મળવા દેહરાદૂન જનારા પંજાબના મંત્રીઓ અને ધારાસભ્યોમાં ચન્ની પણ સામેલ હતા.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચન્નીએ જે શપથપત્ર દાખલ કર્યું હતું, એ પ્રમાણે તેમની પાસે એ સમયે અંદાજે 14.53 કરોડની સંપત્તિ હતી.
ચન્ની અને વિવાદ
રાજ્યમાં કૉંગ્રેસના નવા મુખ્ય મંત્રીના રૂપમાં ચન્નીના નામનું એલાન થતા જ પંજાબ ભાજપના એક નેતાએ ત્રણ વર્ષ જૂના એક કેસનો ટ્વિટર પર ઉલ્લેખ કર્યો.
વર્ષ 2018માં ચન્ની પર એ આરોપ લાગ્યો હતો કે તેમણે મંત્રીપદ પર રહીને એક મહિલા આઈએએસ અધિકારીને કથિત રીતે 'અયોગ્ય મૅસેજ' મોકલ્યો હતો.
જ્યારે આ મામલો ચગ્યો ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંહ એક નિવેદન આપ્યું હતું કે "કેટલાક મહિના પહેલાં જ્યારે આ વાત મારા ધ્યાને લાવવામાં આવી તો મેં મંત્રી ચન્નીને મહિલા અધિકારીની માફી માગવાનું હતું અને મંત્રીએ માફી માગી લીધી. આ મામલો હવે પતી ગયો છે."
એ સમયે ચન્નીએ સ્પષ્ટતા કરી હતી કે ટેક્સ્ટ મૅસેજ અજાણતા મહિલા અધિકારીના મોબાઇલ નંબરમાં જતો રહ્યો હતો અને હવે આ મામલો પતી ગયો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો