You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુવરાજસિંહ જાડેજાનું ટ્વિટર ઍકાઉન્ટ હૅક, ભાજપના આઈટી સેલ પર શું આરોપ મૂક્યો?
સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી કૌભાંડોને પુરાવા સાથે ઉઘાડા પાડવા માટે જાણીતા યુવા ઍક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાનું ટ્વિટર ઍકાઉન્ટ હૅક થયું. યુવરાજસિંહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ટ્વિટર ઍકાઉન્ટ હૅક થવાના સમાચારની પુષ્ટિ કરી છે.
હૅકરે યુવરાજસિંહના ટ્વિટર ઍકાઉન્ટના પ્રોફાઇલ ફોટોમાં સિગારેટ પીતા વાંદરાનો ફોટો મૂકી દીધો છે. બૅકગ્રાઉન્ડ ઇમેજમાં બીએવાયસી લખેલા મકાનનું ઍનિમેશન છે. યુવરાજસિંહના પરિચયમાં હૅકરે ફેરફાર કરી દીધો છે, તેમને બીએવાયસી અને યુગાલૅબ્સના સહસ્થાપક ગણાવી દીધા છે.
સાથે જ કેટલાંક ટ્વીટ્સને તેમનાં ઍકાઉન્ટ્સ પરથી રિટ્વીટ કરવામાં આવ્યાં છે.
યુવા કર્મશીલ યુવરાજસિંહ જાડેજા છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતમાં સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ચાલતા કૌભાંડ, ભરતીકાંડ અને પેપરલીક કેસને ઉઘાડા પાડી રહ્યા છે.
તાજેતરમાં તેમણે વનરક્ષક ભરતીના પેપર લીકના મામલાને ઉઘાડો પાડવાનો દાવો કર્યો હતો અને તેઓ પુરાવા જાહેર કરે તે પહેલાં તેમનું ટ્વિટર ઍકાઉન્ટ હૅક થયું હોવાનો તેમણે જ દાવો કર્યો છે.
90 હજાર કરતાં વધુ ફૉલોઅર્સ ધરાવતા યુવરાજસિંહને ગુજરાત સરકારના અધિકારીઓથી લઈને ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પણ ફૉલો કરે છે.
તેમણે એલઆરડીની ભરતીથી લઈને બિનસચિવાલય ક્લાર્ક સહિતની પરીક્ષાઓનાં કૌભાંડો ઉઘાડા પાડ્યાં છે. પત્રકારોને સંબોધતી વખતે તેમણે ઍકાઉન્ટ હૅક થવા માટે ભાજપના આઈટી સેલ પર આક્ષેપો કર્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા યુવરાજસિંહ કહે છે કે "ટ્વિટરને જાણ કરી દેવાઈ છે. હજુ સુધી રિકવરીની જાણકારી મળી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં ઉમેરે છે કે, "હાલ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે પોલીસ કાર્યવાહી કરી નથી. પરંતુ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે એ નક્કી છે."
અરવિંદ કેજરીવાલને મળ્યા BTP નેતા મહેશ વસાવા
આ મુલાકાત પહેલાં આપના ગુજરાત એકમના નેતાઓની બીટીપી પ્રમુખ મહેશ વસાવા અને તેમના મોટા ભાઈ ધારાસભ્ય છોટુ વસાવા સાથે ભરૂચ જિલ્લામાં તેમના ઘરે મુલાકાત થઈ હતી.
તે મુલાકાતમાં આપના નેતાઓએ બીટીપીને ચૂંટણી ગઠબંધનમાં જોડાવા માટે આમંત્રિત કર્યા હતા. મહેશ વસાવાએ ટ્વીટ કરતાં લખ્યું છે કે દિલ્હીના સીએમ કેજરીવાલની મુલાકાત અને સાથે સરકારી શાળા અને મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી.
એનડીટીવીના અહેવાલ અનુસાર, ઉલ્લેખનીય છે કે બીટીપી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી હતી અને બે બેઠકો પર જીત મેળવી હતી, જોકે બીટીપી હવે કૉંગ્રેસથી અલગ થઈ ગઈ છે.
બીટીપીએ ગત વર્ષે નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો અને અસદુદ્દીન ઓવૈસીની ઑલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદ ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) સાથે ગઠબંધન કર્યું હતું.
રાજ્યમાં અચાનક ગરમીનો પારો ઊંચકાયો, અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં પારો સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધીને 41.3 ડિગ્રી સૅલ્સિયસ પર પહોંચતાં શહેરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. હવામાનખાતાના પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફરક નહીં આવે. ત્યારબાદ 2 દિવસમાં 2-3 ડિગ્રી સૅલ્સિયસનો વધારો થશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા સોમવારે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં નાગરિકોને તાપ કે ગરમી સામે આવશ્યક ઉપાય કરવા જણાવાયું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યના તાપથી શરીરના તાપમાનમાં તત્કાલ વધારો થઈ શકે છે. વધુ પડતો પરસેવો વળે તેથી લોકોને હાથ-પગમાં કળતર થાય, ગળું સુકાય, અસ્વસ્થતાનો અનુભવ થાય, શ્વાસ ઝડપી બને અને ધબકારા વધે.
માર્ગદર્શિકામાં સલાહ આપવામાં આવી છે કે સીધા સૂર્યના તાપના સંપર્કમાં આવવાથી ટાળવું, ભીનાં કપડાંથી માથું ઢાંકવું વગેરે ઉપાયો કરવાની સલાહ આપવામાં આવી છે.
મંગળવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી કંડલામાં 43.7 ડીગ્રી નોંધાઈ હતી અને તે પછી ડીસા અને કેશોદમાં 41.5 ડિગ્રી તેમજ અમદાવાદ અને રાજકોટમાં 41.3 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો