રાજકોટ : રાતોરાત કરોડપતિ થવા શૅરબજાર ડબ્બા ટ્રેડિંગમાં રોકેલા લાખો રૂપિયા ડૂબ્યા, છેવટે આપઘાત કર્યો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભણ્યા પછી જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે રાતોરાત કરોડપતિ બનવાનું સપનું રાજકોટના રૈયાણી પરિવાર માટે આફત બનીને આવ્યું.

કોરોના મહામારીમાં નવો ધંધો શરૂ કરવો મુશ્કેલ હતો એટલે આ યુવાને પોતાની નવી કારકિર્દી શરૂ કરવા માટે શૅરબજારનો અભ્યાસ કરીને પૈસા કમાવાનું શરૂ કર્યું. પછી તેમને એવો ચસ્કો લાગ્યો કે દેવું માથે ચડી ગયું હતું.

નોંધ- આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

રાજકોટની બ્રહ્માણી સોસાયટીમાં રહેતા ગોવિંદ રૈયાણીનો એકનો એક દીકરો રોહિત રૈયાણી ભણ્યા પછી પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતો હતો. પિતા ગોવિંદ રૈયાણી એને તમામ મદદ કરતા હતા.

ભણતર પછી કોઈ ધંધો શરૂ કરે તે પહેલાં કોરોના મહામારીની શરૂઆત થઈ ગઈ. મહામારીમાં નવો ધંધો અથવા નોકરી શરૂ કરવું મુશ્કેલ બની ગયું હતું.

25 વર્ષીય રોહિત રૈયાણીએ પોતાના મિત્ર સાથે શૅરબજારમાં ધંધો જમાવવાની તૈયારીઓ કરી.

રાજકોટ ખાતે યાજ્ઞિક રોડ પર શૅરબજારનું કામ કરતા રોહિતના મિત્ર સુરેશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે 'રોહિતને ધીમે-ધીમે શૅરબજારમાં ફાવટ આવી ગઈ હતી. તે વધુ પૈસા શૅર માર્કેટમાં રોકતો ગયો જેમાંથી તેને કમાણી પણ થવા લાગી.

સુરેશ શાહ કહે છે કે રોહિત પહેલાં સમજી વિચારીને ધૈર્ય સાથે રોકાણ કરતો હતો પરંતુ ધીમે-ધીમે યાજ્ઞિક રોડ પર જૂના જાણકાર લોકો સાથે તેનો સંપર્ક ઓછો થતો ગયો.

ધામધૂમથી લગ્ન માટે પિતાએ 80 લાખમાં જમીન વેચી

શૅરબજારમાં રોહિતની કમાણી થવા લાગી એ જોતાં પિતાએ તેના લગ્ન નક્કી કર્યાં.

રોહિતના મૃત્યુથી તેનો પરિવાર આઘાતમાં છે. રોહિતના પિતા ગોવિંદ રૈયાણી વધુ વાત કરી શકતા નથી પરંતુ તેમના મિત્રની મદદથી તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "મારા પુત્રને મેં બધી છૂટ આપી હતી, એ સારું કમાતો હતો. 25 વર્ષનો થયો એટલે અમે તેનાં લગ્નની તૈયારી કરતા હતા."

"એનાં લગ્ન ધામધૂમથી કરવા માટે મેં મારા ગામની જમીન 80 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ઉધાર ચૂકવવા માટે 13 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 67 લાખ રૂપિયા ઘરે રાખ્યા હતા."

તેઓ વધુમાં જણાવે છે કે, "હું ગુંદા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત આવ્યો તો મેં જોયું કે ઘરમાંથી 67 લાખ રૂપિયા ગાયબ હતા."

"મેં રોહિતને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે તેણે પૈસા શૅરબજારમાં રોક્યા છે. જોકે અઠવાડિયા બાદ તે મૂંઝાયેલો રહેવા લાગ્યો હતો. એ એટલો સીધો હતો કે એના મનની મૂંઝવણ અમને ન કહી શક્યો."

"તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. જો એક વખત અમારી સાથે વાત કરી હોત તો પૈસા ગમે ત્યાંથી આવી જાત, દીકરો તો જીવતો હોત."

ડબ્બા ટ્રેડિંગની તપાસ

આ કેસની તપાસ કરી રહેલા રાજકોટ 'બી' ડિવિઝનના તપાસ અધિકારી હિતેશ જોગડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને જ્યારે ખબર પડી ત્યારે અમે ત્યાં પહોંચ્યા અને 108ના ડૉક્ટરે રોહિતને મૃતક જાહેર કર્યો હતો. અમે તપાસમાં એના મોબાઇલ ફોન અને બીજા ડૉક્યુમેન્ટની તપાસ કરી છે."

"મોબાઇલ ફોનમાં શૅરબજારની ચાર સ્ક્રિપ્ટમાં રોકાણ કર્યું હોવાનું દેખાય છે. એની સાથે શૅરબજારમાં આ ચાર સ્ક્રિપ્ટમાં રોકાણ કરવાની સલાહ આપનાર અને બીજા મિત્રની તપાસ કરી રહ્યા છીએ. જો ફ્યૂચર ઑપ્શન્સમાં પૈસા રોક્યા હોય તો એની લેવડદેવડ નિયમ પ્રમાણે ચૅકથી થઈ હોત, પરંતુ કૅશની લેવડદેવડ થઈ છે એટલે તે ડબ્બા ટ્રેડિંગમાં જોડાયેલો હતો કે કેમ તેની તપાસ પણ શરૂ કરી છે."

અમદાવાદ સ્ટૉક ઍક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને અગાઉ સેબી સાથે સંકળાયેલા ઑલ ગુજરાત ઇન્વેસ્ટર ટ્રસ્ટના પ્રમુખ હેમંતસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "2004 અને 2005માં ગુજરાતમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ખૂબ ચાલતું હતું ત્યારે આ ડબ્બા ટ્રેડિંગ પર લગામ કસવા માટે ઑલ ગુજરાત ઇન્વેસ્ટર ટ્રસ્ટને સત્તા અપાઈ હતી અને એ સમયે ડબ્બા ટ્રેડિંગ પર કાબૂ લાવી શકાયો હતો.

"પણ સેબીએ હવે ટ્રસ્ટ પાસે આ શક્તિઓ નથી રાખી એટલે રાજકોટ, અમદાવાદ, ઊંઝા, પાલનપુર, સુરત અને વડોદરામાં કેટલાક બ્રોકર ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ કરે છે, જેને સેબી કે સ્ટૉક ઍક્સચેન્જ સાથે કોઈ સંબંધ નથી."

"આ લોકો કાગળની ચિઠ્ઠી પર શૅરબજારમાં તેજી-મંદીના સોદા કરે છે, આ પ્રકારની ટ્રેડિંગમાં બ્રોકરેજ સરખુંજ હોય છે પણ આ રીતે બ્લૅકના પૈસાથી શૅરબજારમાં સોદા થઈ શકે છે જ્યારે ફ્યૂચર ઍન્ડ ઑપ્શનમાં આ પ્રકારે સોદા નથી થઈ શકતા. ફ્યૂચર ઍન્ડ ઑપ્શન્સમાં અમુક રકમ ભરીને મંદી-તેજીના સોદા થાય છે પણ એ પૈસા ચૅકથી ડિમેટ એકાઉન્ટમાં ચૂકવવાના હોય છે."

"ફ્યૂચર ઍન્ડ ઑપ્શનમાં દર મહિનાના છેલ્લા ગુરુવારે તમામ સોદાનો હિસાબ અને ચુકવણી થાય છે જે વ્હાઇટના પૈસામાં કરવું પડે છે એટલે આવા 60થી 70 લાખ રૂપિયાના સોદા મોટા બ્રોકરો કરતા હોય છે."

રોહિત વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "આ યુવાને આ મહિનાના ચુકવણીના ગુરુવાર પહેલાં પૈસા ચૂકવ્યા છે એટલે ડબ્બા ટ્રેડિંગમાં શૅરબજારના સોદા પાડી સટ્ટો રમ્યો હોય એવું બની શકે. શૅરબજારમાં યુક્રેનના યુદ્ધ પહેલાં આવેલી તેજી અને કોરોનામાં ઘરે બેસી વધુ નફો કમાવવા ઘણા લોકો ડબ્બા ટ્રેડિંગ તરફ વળ્યા છે જેનું આ માઠું પરિણામ છે."

"યુદ્ધ બાદ લોકોએ મંદીના સોદા કર્યા હતા જેમાં લોકોને લાગતું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં પેની સ્ટૉકમાં સટ્ટો રમી વધુ પૈસા કમાઈ લઈએ પણ એમાં નુકસાન વધુ ગયું છે."

તેમનું માનવું છે કે "આ યુવાનો શરૂઆતમાં વધુ નફો મળે એટલે આ પ્રકારે ડબ્બા ટ્રેડિંગ કરી સટ્ટો રમે છે અને ફસાઈ જાય ત્યારે પોલીસમાં ફરિયાદ પણ કરી શકતા નથી એટલે આ રીતે આપઘાતનું પગલું ભરે છે."

સ્ટૉક ઍક્સપર્ટ પરેશ ગોરધનદાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે હવે શૅરબજારમાં આવેલા નવા નિયમ પ્રમાણે ફ્યૂચર ઍન્ડ ઑપ્શનના સોદા પણ ચૅકથી થાય છે એટલે રોકડાનો વ્યવહાર બંધ છે. પણ જે લોકો કાળા નાણાંથી શૅરબજારમાં સોદા કરે છે એ ડબ્બા ટ્રેડિંગનો રસ્તો અપનાવે છે જે ખરેખર ગેરકાયદેસર છે.

"આ યુવાને જો 67 લાખ રૂપિયા રોકડા આપ્યા હોય તો ડબ્બા ટ્રેડિંગમાં પૈસા ગુમાવ્યા હોવા જોઈએ, કારણ કે શૅર માર્કેટના અનુભવી લોકો માત્ર ચાર સ્ક્રિપ્ટમાં આટલા બધા પૈસા ન રોકે. અને રોકડેથી વ્યહવાર થાય નહીં."

રાજકોટ બી ડિવિઝનના તપાસ અધિકારી હિતેશ જોગડાના જણાવ્યા અનુસાર પોલીસની પ્રાથમિક તપાસમાં ઘણું બધું શંકાસ્પદ બહાર આવ્યું છે.

"કોઈ એક માણસ માત્ર ચાર સ્ક્રિપ્ટમાં એટલું મોટું રોકાણ ન કરે અને રોકડેથી વ્યહવાર હવે શૅરબજારમાં થતો નથી."

હિતેશ જોગડા કહે છે કે "હાલ આ અંગે તપાસ ચાલુ છે અમે શૅરબજારના નિષ્ણાતો અને સાયબર સિક્યૉરિટી ઍક્સપર્ટની મદદ લઈ રહ્યા છીએ. અમારી તપાસમાં શૅરબજાર ઍક્સપર્ટની મદદથી એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગમાં કોણ શૅરબજારના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવીને કાળા નાણાં કમાય છે."

"રોહિત રૈયાણીના મોબાઇલ ફોનની હિસ્ટ્રી કાઢી શૅરબજારમાં ડબ્બા ટ્રેડિંગ કયાંથી અને કેવી રીતે ચલાવાઈ રહ્યું છે એની તપાસ કરી આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો