NSE, BSE અને શૅરબજારની આંટીઘૂંટી વિશે કેટલું જાણો છો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શૅરબજારને 'દેશના અર્થતંત્રનું બૅરોમિટર' કહેવામાં આવે છે, છતાં કેટલાકના મતે તે 'સટ્ટાબજાર', 'જુગારનો અડ્ડો' કે 'લાખના બાર હજાર' કરાવે તેવું કામ છે.

જ્યારે ભારતમાં શૅરબજારની વાત આવે તો અહીં મુખ્ય બે સ્ટૉક એક્સ્ચેન્જ છે. જ્યાંથી શૅરનું લિસ્ટિંગ અને ખરીદ-વેચાણ થઈ શકે છે.

જે પૈકી એક છે બીએસઈના નામથી જાણીતું બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ. જે એશિયાનું સૌથી જૂનું સ્ટૉક એક્સ્ચેન્જ હોવાનું ગૌરવ ધરાવે છે અને બીજું એનએસઈના નામથી જાણીતું નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ છે.

જૂના રોકાણકારો આ બન્નેથી પરિચિત હશે, પરંતુ નવા રોકાણકારોએ શૅરબજારમાં પગપેસારો કરતા પહેલાં આ બન્ને શું છે? બન્ને વચ્ચેનો તફાવત શું છે? સહિતની બાબતો જાણવી જરૂરી છે.

ગુજરાતી સ્ટૉકબ્રૉકરના જીવન ઉપર આધારિત શ્રેણી 'સ્કેમ' અને 'બિગ બુલ'એ મોટી સંખ્યામાં લોકોને શૅરબજાર તરફ આકર્ષ્યા છે.

લૉકડાઉન દરમિયાન ટાળી શકાય તેવા ખર્ચાઓમાં થયેલી બચતને કારણે એક વર્ગ પાસે પૈસા વધ્યા, જેને તેમણે શૅરબજારમાં રોક્યા હતા. તેમણે વધારાના સમયમાં રોકાણના આ વિકલ્પ વિશે અભ્યાસ કર્યો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

છતાં યૂટ્યૂબ વીડિયોના જ્ઞાન કે ટ્વિટર ઉપર મળેલી 'ટિપ'ના આધારે રોકાણ કરીને ટિંચાઈ જવાને બદલે નિષ્ણાત સલાહકારો પાસે માર્ગદર્શન લેવું જોઈએ.

શૅરોમાં કરવામાં આવેલું રોકાણ બજાર જોખમોને આધીન હોય છે અને તેના કારણે મૂડી પર પણ જોખમ ઊભું થઈ શકે છે.

NSE શું છે?

1992માં સ્થાપિત નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટું સ્ટૉક એક્સ્ચેન્જ છે.

એનએસઈએ ભારતમાં ઇલેક્ટ્રૉનિક અને સંપૂર્ણ રીતે સ્વચાલિત ટ્રેડિંગ પદ્ધતિ અપનાવી હતી. જેણે ગણતરીનાં વર્ષોમાં કાગળ આધારિત ટ્રેડિંગ સિસ્ટમને બદલી નાખી હતી. આને કારણે એક સમયે દેશમાં 15થી વધુ શૅરબજાર હતાં, જેમાંથી અનેક બંધ થઈ ગયાં.

સ્ટૉક એક્સ્ચેન્જમાં નિફ્ટી (નેશનલ ફિફ્ટી) તરીકે ઓળખાતો બૅન્ચમાર્ક ઇન્ડૅક્સ હોય છે. એનએસઈ નિફ્ટી ઇન્ડેક્સ 50 મૂડીની દૃષ્ટિએ સૌથી મોટી અને સૌથી વધુ ટ્રૅડ થતી કંપનીઓને સ્થાન આપે છે તથા અલગ-અલગ ક્ષેત્રના (વીજ, ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઑઇલ અને ગૅસ, ટેલિકૉમ, બૅન્કિંગ વગેરે) આધારે તેમનો ભારાંક પણ નિર્ધારિત કરે છે.

આ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ ઊંચું મૂલ્ય હોય છે. આ ઉપરાંત જથ્થાબંધ વેપારના સંદર્ભમાં એનએસઈને વિશ્વના સૌથી મોટા ઍક્સ્ચેન્જ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ સિવાય બૅન્કિંગ ઇન્ડેક્સ પણ મહત્ત્વપૂર્ણ છે. જેમાં બૅન્કિંગ તથા ફાઇનાન્સના ક્ષેત્રની મુખ્ય કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે.

આ સિવાય એનએસઈ દ્વારા જાહેર સાહસના એકમો (પીએસયુ), વીજ અને ઊર્જા, તથા આઈટી જેવા અલગ-અલગ સૂચકાંકો પણ તૈયાર કરવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો