You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SSC બોર્ડ ઍક્ઝામ: કોરોનામાં માતા-પિતા ગુમાવનાર એ બહેન જેણે ભાઈને ભણાવવા પોતે ભણતર છોડ્યું
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"ત્રણ વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી, એક વર્ષ પહેલાં કોરોના મહામારીએ માતા છીનવી લીધી. હવે માતા-પિતા નથી રહ્યાં, અમે ભાઈ-બહેન એકલાં રહીએ છીએ. મારે મારા ભાઈને ભણાવી ડૉકટર બનાવવો છે."
આ શબ્દો છે અમદાવાદ શહેરથી 34 કિલોમીટરના અંતરે આવેલા ધોળકાના ચલોડા ગામનાં 17 વર્ષીય ધ્રુવી પટેલના.
સમગ્ર ગુજરાત અને દેશભરમાં કેર વર્તાવનાર કોરોનાની બીજી લહેરનું સાક્ષી 8,600 વસતી ધરાવતું આ ગામ પણ બન્યું હતું.
21 એપ્રિલ 2021ના રોજ કોરોનાથી ધ્રુવી પટેલનાં માતા વીણાબહેનનું અવસાન થયું હતું. તો ત્રણ વર્ષ પહેલાં હાર્ટ ઍટેકથી તેમના પિતા બિપિન પટેલનું પણ અવસાન થયું હતું.
અને માત્ર 16 વર્ષની વયે એકાએક પરિવારની જવાબદારી ધ્રુવી પર આવી પડી.
'ભાઈને ભણાવવા ભણતરનું બલિદાન'
ધ્રુવી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "મારા પપ્પા એક ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. ત્રણ વર્ષ પહેલાં તેમનું હાર્ટ ઍટેકથી અવસાન થયું હતું. ત્યાર બાદ પરિવારની તમામ જવાબદારી મારી માતા ઉપર આવી પડી હતી. બંને ભાઈ-બહેનની જવાબદારી માતાએ ઉપાડી લીધી હતી."
તેઓ ઉમેરે છે, "મમ્મી ગામમાં નાનાં-મોટાં કામો કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ તેમને કોરોનાની બીજી લહેર દરમિયાન ચેપ લાગ્યો હતો. હૉસ્પિટલમાં દાખલ કરીએ એ પહેલાં રસ્તામાં જ મૃત્યુ પામ્યાં હતાં."
આર્થિક સંકડામણથી વિવશ થઈને ધ્રુવીએ તેમના ભાઈને ભણાવવા પોતાનો અભ્યાસ છોડી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ્રુવી જણાવે છે, "મારો ભાઈ તુષાર હાલ ધોરણ દસની પરીક્ષા આપી રહ્યો છે. મારા ભાઈને ભણાવવા માટે મેં અભ્યાસ છોડ્યો છે. હવે આવતાં વર્ષે ધોરણ 12ની ઘેર બેઠા પરીક્ષા આપવાનું વિચારી રહી છું."
ધ્રુવી પટેલ વધુમાં જણાવે છે કે, "મારી મમ્મીના મૃત્યુ બાદ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. હું અને મારો ભાઈ બંને અભ્યાસ કરીએ તો પોસાય તેમ હતું નહીં. આખરે મેં અભ્યાસ છોડીને મારા ભાઈને ભણાવવાનું નક્કી કર્યું હતું. મારી ઇચ્છા તેને ડૉક્ટર બનાવવાની છે."
ધ્રુવી હાલ છૂટક કામ કરીને ગુજરાન ચલાવી રહ્યાં છે. ધ્રુવી અને તુષારના કાકા જયેશ પટેલ તેમને મદદ કરી રહ્યા છે.
ધોરણ દસની પરીક્ષા આપી રહેલા તુષાર પટેલ જણાવે છે કે, "મારું સપનું ડૉક્ટર બનીને જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવાનું છે."
'હજુ કોરોનાની સહાય મળી નથી'
કોરોના મૃતકના પરિવારને સરકાર દ્વારા મળતી 50 હજાર રૂપિયાની સહાય નહીં મળતાં જયેશ પટેલ આક્રોશ ઠાલવતા કહે છે, "અમે સહાય માટેનું ફૉર્મ લેવા માટે અમદાવાદમાં પાલડી ખાતે આવેલી સરકારી કચેરીમાં ત્રણ વાર ધક્કા પણ ખાધા હતા. સરકારી અધિકારી દ્વારા અમારી પાસે મારી ભાભીના કોરોનાથી મોત અંગેના પુરાવા માગવામાં આવી રહ્યા છે."
"પુરાવામાં આરટીપીસીઆર રિપોર્ટ માગવામાં આવી રહ્યો છે પરંતુ જ્યારે મારાં ભાભી બીમાર પડ્યાં ત્યારે અમે સીટી સ્કૅનનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં કોરોના દેખાતો હતો. અમે દાખલ કરવા હૉસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં મૃત્યુ પામ્યાં હતાં."
તેઓ વધુ વાત કરતાં જણાવે છે કે, "જ્યારે મારા ભાભી બીમાર પડ્યાં ત્યારે સ્થિતિ એવી હતી કે લૅબોરેટરીમાં રિપોર્ટ માટે લાઇનો લાગતી હતી. કોઈ વ્યક્તિને તાકીદે સારવારની જરૂર હોય તો રિપોર્ટમાં વિલંબ થતો હતો જેથી સીટી સ્કૅન કરાવ્યો હતો."
"હવે સીટી સ્કૅનનો રિપોર્ટ માન્ય ગણતા નથી. આરટીપીસીઆર રિપોર્ટ માગી રહ્યા છે. આ રિપોર્ટ ન હોવાથી 50 હજાર રૂપિયાની સરકારી સહાય પણ મળી નથી."
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ RT-PCR ટેસ્ટમાં કોરોના પૉઝિટિવ મળી આવ્યાના 30 દિવસ બાદ મૃત્યુ પામનાર તમામના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય ચૂકવવાની રહેશે.
જોકે, ધ્રુવીનાં માતા જેવી સ્થિતિમાં શું કરવું તે અંગે ચોખવટ ન થતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાયની અરજીઓ પેન્ડિંગ
કોરોના સંક્રમણથી માતા-પિતા બંને અથવા માતા કે પિતા પૈકી કોઈ એકનું અવસાન થયું હોય તેવાં બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્ય મંત્રી બાળસેવા યોજના જાહેર કરવામાં આવી હતી.
આ યોજનામાં માતા-પિતા બંનેનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં બાળકદીઠ ચાર હજાર રૂપિયા અને માતા-પિતા પૈકી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો બાળકદીઠ બે હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.
આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે પણ ધ્રુવી અને તેમના ભાઈનાં ફૉર્મ ભરાયાં છતાં તે અંગેની સહાયમાં પણ RTPCR ટેસ્ટના અભાવના કારણે તેમને હજુ સુધી સહાય મળી શકી નથી.
આ અંગે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી પ્રદીપ પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલો તેમના વિભાગ અંતર્ગત નહીં પરંતુ આરોગ્યવિભાગ અંતર્ગત આવે છે. આમ, તેમણે મામલા અંગે સ્પષ્ટતા કરી નહોતી.
તાજેતરમાં સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, આ યોજનામાં કુલ 27,674 અરજીઓ મળી હતી. જે પૈકી 20,970 અરજી મંજૂર કરાઈ હતી. 3,665 અરજી નામંજૂર કરી હતી. 3,009 અરજી હજુ પણ પેન્ડિંગ છે.
ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 2,500 અરજીઓ આવી હતી. જે પૈકી 1,726 અરજી મંજૂર કરાઈ છે. 20 અરજી નામંજૂર કરાઈ હતી. 754 અરજી પેન્ડિંગ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો