કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ વધુ ઝડપી ફેલાય છેઃ WHO - પ્રેસ રિવ્યૂ

કોરોનાનો એક નવો વૅરિયન્ટ સામે આવ્યો છે. જે અગાઉના વૅરિયન્ટ કરતાં વધુ ઝડપથી પ્રસરતો હોવાનું વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે.

ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે કે કોરોના વાઇરસનો એક નવો વૅરિયન્ટ સામે આવ્યો છે, જેનું નામ XE છે. માનવામાં આવે છે કે આ નવા વૅરિયન્ટનો ટ્રાન્સમિશન દર ઘણો વધારે રહેશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતાની સાપ્તાહિક મહામારી અપડેટમાં કહ્યું છે કે 19 જાન્યુઆરીએ બ્રિટનમાં આ વિષેની જાણકારી મળી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં 600થી વધુ સિક્વન્સ રિપોર્ટ કરવામાં આવ્યા છે.

અપડેટ પ્રમાણે, પ્રારંભિક અધ્યયનોથી સંકેત મળ્યા છે કે XE વૅરિયન્ટનો સંક્રમણ પ્રસરવાનો દર BA.2 વૅરિયન્ટની સરખામણીએ 10 ગણો વધારે છે. જોકે, વધુ માહિતી માટે હજુ પણ વધુ અધ્યયનની જરૂર છે.

ડબલ્યૂએચઓનું કહેવું છે કે અત્યાર સુધી કોવિડ-19ના ત્રણ રિકૉમ્બિનેંટ સ્ટ્રેઇન મળી આવ્યા છે, જે XD, XF અને XE છે. આ પૈકી પહેલો અને બીજો વૅરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રૉનના કૉમ્બિનેશનથી ઉદ્ભવ્યો છે, જ્યારે ત્રીજો ઓમિક્રૉન સબ-વૅરિયન્ટનું હાઇબ્રિડ સ્ટ્રેન છે.

અમદાવાદ ઍરપૉર્ટ પરથી એક કરોડથી વધુની કિંમતના હીરા સાથે એકની ધરપકડ

ડાયરેક્ટોરૅટ ઑફ રેવન્યુ ઇન્ટૅલિજન્સ (ડીઆરઆઈ)એ અમદાવાદ ઍરપૉર્ટ પરથી એક વ્યક્તિની એક કરોડથી વધારેની કિંમત ધરાવતા 304.629 કૅરેટના હીરા સાથે ધરપકડ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ડીઆરઆઈને બાતમી મળી હતી કે એક મુસાફર પોતાના સામાનમાં દાણચોરી કરવાના ઈરાદાથી હીરા સંતાડીને લઈ જઈ રહ્યો હતો.

બાતમીને આધારે ડીઆરઆઈએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપૉર્ટ પરથી 31 માર્ચે એક શકમંદની અટકાયત કરી હતી.

સામાનની તપાસ કરતાં તેમાંથી 304,629 કૅરેટના હીરા મળી આવ્યા હતા. પૂછપરછ કરતા તે પોતે મુંબઈનો રહેવાસી હોવાનું અને દુબઈના એક હીરા ટ્રેડર દ્વારા કમિશન આપીને તેની પાસેથી દાણચોરી કરાવતો હોવાનું જણાવ્યું હતું.

તેણે દાણચોરી કરવા માટે આ હીરા ચોર્યા હોવાનું કબૂલતાં ડીઆરઆઈએ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

રાજસ્થાનના કરોલીમાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવ, કર્ફ્યુ લાગુ

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજસ્થાનના કરોલીમાં હિન્દુ નવા વર્ષ દરમિયાન મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી બાઇક રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

પોલીસ પ્રમાણે, ઘટના શનિવારે સાંજે કરોલી શહેરમાં સર્જાઈ હતી, જ્યાં દુકાનો અને વાહનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ હિંસામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અહેવાલ પ્રમાણે, એડીજી (કાયદો અને વ્યવસ્થા) હવાસિંહ ધુમારિયાએ કહ્યું કે "હિન્દુ નવા વર્ષ નિમિત્તે શનિવારે સાંજે હિન્દુ સંગઠન બાઇક રેલી યોજી રહ્યું હતું, જેવા એ લોકો એક મસ્જિદ પાસે પહોંચ્યા, કેટલાક અસામાજિક તત્ત્વોએ તેમના પર પથ્થરમારો કર્યો. જેના જવાબમાં સામા પક્ષે પણ પથ્થરમારો કર્યો અને કેટલાંક વાહનો અને દુકાનોને આગ ચાંપી હતી. અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે અને મોટી સંખ્યામાં પોલીસકાફલો તહેનાત છે."

પોલીસે કહ્યું છે કે ઘટનામાં બન્ને બાજુના લોકો ઈજાગ્રસ્ત થયા છે. મુખ્ય મંત્રી અશોક ગહલોતે ડીજીપી સાથે વાત કરીને તમામ દોષિતોને ઝડપથી પકડીને કડક સજા કરવાનો આદેશ આપ્યો છે.

આ ઘટનાને લઈને વિપક્ષી દળ ભાજપે પણ સરકારની ટીકા કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો