ઉત્તર કોરિયામાં 'દેશદ્રોહીઓ' માટે બનેલી જેલ કેવી છે? - એક મહિલાની આપવીતી

    • લેેખક, લૉરા બિકર
    • પદ, બીબીસી ન્યૂઝ, સોલ

જેલમાં પુરાયેલાં લી યંગ જૂ ઢસડાતાં ઢસડાતાં પોતાની સેલમાં પહોંચ્યાં હતાં, જ્યાં એમને પલાંઠી મારીને બેસવાનું કહેવાતું અને એ દરમિયાન પોતાના હાથ ઘૂંટણ પર રાખવા પડતા. આગામી 12 કલાક સુધી એમને હલનચલન કરવાની મંજૂરી નહોતી.

થોડુંક પણ હલનચલન કરવાથી કે સેલમાંના બીજા સાથીઓ સાથે ગુસપુસ કરવાની એમને સખત સજા મળતી. ખાવા માટે એમને મકાઈના થોડા દાણા અને પીવા માટે મર્યાદિત પાણી મળતું હતું.

લી યંગ જૂએ બીબીસીને જણાવ્યું કે, "હું ખુદને માણસ નહીં, જાનવર સમજવા લાગી હતી."

લી યંગ જૂએ બીબીસીને જણાવ્યું કે કલાકો સુધી એમની પૂછપરછ કરવામાં આવતી હતી. આ પૂછપરછ એટલા માટે થતી કેમ કે તેઓ પોતાનો દેશ છોડવાની કોશિશ કરતાં હતાં. ઘણા લોકો દેશ છોડવાને મોટી વાત નથી સમજતા પરંતુ જૂ માટે એ ઘણી મોટી વાત હતી.

એમણે 2007માં ઉત્તર કોરિયામાંથી બહાર નીકળી જવાની કોશિશ કરી હતી. એમને ચીનમાં પકડી લેવામાં આવ્યાં હતાં અને ઉત્તર કોરિયા પાછાં મોકલી દેવાયાં.

પોતાની સજાની રાહ જોતાં એમને ચીનની સીમા પાસે ઉત્તર કોરિયાઈ ઓનસોંગ ડિટેન્શન સેન્ટરમાં ત્રણ મહિના રહેવું પડ્યું. જ્યારે તેઓ પોતાની ઓરડીમાં બેસતાં ત્યારે એમને બહારથી નજર રાખતા સૈનિકોનાં જૂતાંમાં લગાડેલી ધાતુની ચિપનો 'ક્લાક ક્લાક' અવાજ સંભળાતો હતો.

અવાજ જ્યારે દૂર જતો લાગતો ત્યારે તેઓ સેલમાંના બીજા કેદીઓ સાથે ગુસપુસ કરવાની કોશિશ કરતાં. જૂએ કહ્યું કે બીજા કેદીઓની સાથે એ ફરીથી બહાર નીકળવાની યોજના ઘડતાં.

એમણે જણાવ્યું કે, "અમે બીજી વાર બહાર નીકળવાની યોજના ઘડતાં, અમે દલાલોને મળવાની યોજનાઓ ઘડતાં રહેતાં, એવી બધી ગુપ્ત વાતો થતી હતી."

એમ તો આ ડિટેન્શન સેન્ટરનો ઉદ્દેશ લોકોને ઉત્તર કોરિયામાંથી ભાગી જતા રોકવાનો હતો પરંતુ એની અસર જૂ અને એમની સેલના સાથીઓ પર નહોતી થતી. ઘણા લોકો દેશ છોડવા માટે મળનારી સજાની રાહ જોઈ રહ્યા હતા.

એક દિવસ કોઈ સુરક્ષા ગાર્ડને જૂની યોજના વિશે ખબર પડી ગઈ.

જૂએ જણાવ્યું કે, "ગાર્ડે મને જેલના સળિયાની બહાર હાથ કાઢવાનું કહ્યું. ચાવીની એક રિંગ વડે એણે મારા હાથને મારવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી મારા હાથ સોજી જાય ત્યાં સુધી માર્યું. મારો સંપૂર્ણ હાથ કાળો પડી ગયો. હું સન્માનની ભાવનાના લીધે રડવા નહોતી ઇચ્છતી. દેશ છોડવાના પ્રયાસોને લીધે એ ગાર્ડ અમને દેશદ્રોહી માનતા હતા. સેલનો એક જ કૉરિડૉર હતો, તેથી બીજી સેલના કેદીઓને મારવાના અવાજ પણ સંભળાતા હતા. હું સેલ નં. 3માં હતી પરંતુ દસમા નંબરની સેલના કેદીઓને મારતા હોય એના અવાજ પણ સંભળાતા હતા."

તપાસમાં શું મળ્યું?

કોરિયા ફ્યૂચર નામના બિનસરકારી સંગઠને ઉત્તર કોરિયાની જેલોમાં આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનના કેસની વિસ્તૃત તપાસ કરી છે. આ સમૂહે 200 કરતાં વધારે લોકોના અનુભવોની નોંધ કરી છે. યંગ જૂ પણ એમાંનાં એક છે.

આ બિનસરકારી સંગઠને દંડ આપનારાં 148 કેન્દ્રો પર 785 કેદીઓ સામે માનવાધિકાર ભંગના 5,181 કેસ કર્યા છે અને 597 દોષિતોને ઓળખી કાઢ્યા છે.

આવા કેસને લગતી સાબિતીઓ એકઠી કરવામાં આવી છે. એવું વિચારીને આંકડા એકત્ર કરાયા છે કે એક દિવસ આ બાબતમાં ન્યાય મળશે. ઉત્તર કોરિયા હંમેશાં માનવાધિકાર ઉત્પીડન બાબતે ઇનકાર કરતો રહ્યો છે. આ નવી તપાસ પછી થયેલા આરોપો વિશે બીબીસીએ ઉત્તર કોરિયાના પ્રતિનિધિઓનો સંપર્ક કરીને એમના મત જાણવાના પ્રયાસ કર્યા પરંતુ એમના તરફથી કશો જવાબ નથી મળ્યો.

કોરિયા ફ્યૂચરે ઓનસોંગ ડિટેન્શન સેન્ટરનું 3ડી મૉડલ પણ તૈયાર કર્યું છે, જેને જોઈને લોકો ત્યાંની સ્થિતિનું અનુમાન કરી શકે છે.

કોરિયા ફ્યૂચર, સિયોલના કો-ડાયરેક્ટર સોયૂન યૂએ બીબીસીને જણાવ્યું કે, ઉત્તર કોરિયાની જેલોમાં સજા અને હિંસા દ્વારા 2.5 કરોડ લોકોનું ઉત્પીડન થયું છે.

યૂએ જણાવ્યું કે, "અમે જે કોઈ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લીધો, એમણે જણાવેલી વાતોમાંથી માણસો સાથે થયેલા ભયાનક ઉત્પીડનની ખબર પડી. એક મહિલાની સામે એક નવજાત બાળકની હત્યા કરી દેવાઈ હતી, એ તો એવું કહેતાં પણ રડવા લાગી હતી."

ઉત્પીડનના સંખ્યાબંધ આરોપ

હાલના સમયે ઉત્તર કોરિયા આખી દુનિયાથી એકલો અટૂલો પડી ગયો છે. આ દેશ પહેલી વાર દુનિયાથી આટલો અલગ થઈ ગયો છે. ઉત્તર કોરિયામાં કિમ પરિવાર ત્રણ પેઢીથી શાસન ચલાવે છે. અહીંના નાગરિકોને કિમ પરિવાર અને હાલના નેતા કિમ જોંગ ઉન તરફ પોતાની નિષ્ઠા વ્યક્ત કરવાની હોય છે.

કોવિડ મહામારી સંકટના સમયમાં દેશની અંદર અને સીમાઓ પર કિમ પરિવારનું ખૂબ જ મજબૂત નિયંત્રણ રહ્યું છે. બહારની દુનિયાની ઝલક જોવાની કોશિશ કરનારા, એટલે સુધી કે વિદેશી નાટક અને સિનેમા જોનારા, લોકો માટે આકરી સજાની જોગવાઈ છે. જેલની અંદર હિંસાની વ્યવસ્થા બાબતે દરેક કેન્દ્ર અને પ્રત્યેક સાક્ષી પાસેથી એકસરખા અનુભવો સાંભળવા મળ્યા છે. જેલની અંદર બળાત્કાર અને બીજા પ્રકારનાં યૌન ઉત્પીડનના ઘણા આરોપો પણ છે. પીડિતોએ કોરિયા ફ્યૂચરને જણાવ્યું છે કે જેલમાં હતાં એ દરમિયાન, એ લોકોએ બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવો પડ્યો.

ઉત્તર કોરિયાના એક આવા જ ડિટેન્શન સેન્ટર, નૉર્થ હેમગ્યાંગ પ્રોવિન્સલ હોલ્ડિંગ સેન્ટર વિશે એક સાક્ષીએ જણાવ્યું કે ત્યાં આઠ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલાને જબરજસ્તી ગર્ભપાત કરાવાયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા અનુસાર બાળક બચી ગયું હતું તો એને નાળામાં ફેંકી દેવાયું. આ ઉપરાંત, પાંચ લોકોને ફાંસી અપાઈ એ વિશે પણ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે.

ન્યાયની અપેક્ષા

યંગ જૂને સાડાં ત્રણ વર્ષની જેલની સજા મળી હતી. એમણે જણાવ્યું કે, "ત્યારે હું ખૂબ જ ચિંતિત હતી કે સજા પૂરી થશે ત્યાં સુધી હું જીવતી રહીશ કે નહીં. જ્યારે તમે એવી જગ્યાએ જાઓ છો તો તકલીફો સહન કરવા અને જીવતા રહેવા માટે માનવીય ગુણોને છોડવા પડે છે."

ઓનસોંગ ડિટેન્શન સેન્ટરમાં, 2007માં જ, સેરોમ પણ કેદ હતાં. એમના જણાવ્યા અનુસાર, પોલીસનો માર અતિશય તકલીફદાયક હતો.

એમણે જણાવ્યું કે, "તેઓ અમારી જાંઘો પર દંડાથી મારતા હતા. અમે ચાલીને જતા પરંતુ ઢસડાઈને નીકળતા હતા. હું અન્ય લોકોનો માર ખાતા નહોતી જોવા માગતી, એટલે મારો ચહેરો ફેરવી લેતી હતી, તેઓ મને બળજબરીપૂર્વક આ બતાવતા હતા."

સેરોમે જેલમાં પસાર કરેલા દિવસોને યાદ કરતાં અમને જણાવ્યું કે, "જો કોઈ રસ્તો હોય તો એ લોકોને સજા અપાવવા માગે છે."

એમના જણાવ્યાનુસાર, હવે તેઓ દક્ષિણ કોરિયામાં આનંદથી જીવન પસાર કરી રહ્યાં છે.

આ બાબતોમાં કાયદાકીય પ્રક્રિયા શરૂ થવી ખૂબ મુશ્કેલ છે પરંતુ આ તપાસમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વિશેષજ્ઞો પણ સામેલ છે. આ મામલામાં એકત્ર કરાયેલી સાબિતીઓ પણ કોર્ટમાં રજૂ કરી શકાય એમ છે. મદદની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

સેરોમ અને યંગ જૂ, બંનેએ અમને જણાવ્યું કે એમને જે ન્યાયની આશા છે, આ રિપોર્ટ એની નજીક લઈ જનારો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો