You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર કોરિયા : મધરાતે યોજાયેલી મિલિટરી પરેડમાં બૅલિસ્ટિક મિસાઇલો અને હથિયારો દેખાયાં
શનિવારે ઉત્તર કોરિયામાં રાત્રિના સમયે ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું જેમાં દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સામેલ થયા હતા. પરેડનું આયોજન વર્કર્સ પાર્ટીનો 75મો સ્થાપનાદિન ઊજવવા માટે કરાયું હતું.
સામાન્યપણે નવી મિસાઇલો અને હથિયારોના પ્રદર્શન માટે ઉત્તર કોરિયામાં સૈન્યપરેડનું આયોજન કરાય છે. જાણકાર જણાવે છે કે શનિવાર રાત્રે આ પરેડ દરમિયાન ઇન્ટરકૉન્ટિનેંટલ બૅલિસ્ટિક મિસાઇલોના પ્રદર્શનને આ વાતની પુષ્ટિ તરીકે જોઈ શકાય છે.
પાછલાં બે વર્ષોમાં પહેલી વાર દેશમાં કોઈ મોટી સૈન્યપરેડનું આયોજન થયું છે. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીથી થોડા દિવસ પહેલાં જ ઉત્તર કોરિયાએ પોતાનાં હથિયારોનું પ્રદર્શન કર્યું છે.
વર્ષ 2018માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલી પ્રથમ શિખરવાર્તા બાદ ઉત્તર કોરિયાએ પરેડમાં બૅલિસ્ટિક મિસાઇલોનું પ્રદર્શન નહોતું કર્યું.
દક્ષિણ કોરિયાની સેના અનુસાર, શનિવારે સવાર પડે એ પહેલાં આ પરેડ થઈ. પરંતુ રાત્રિના સમયે તેનું આયોજન કેમ કરાયું તેનાં કારણો વિશે અત્યાર સુધી કોઈ જાણકારી નથી.
તમામ વિદેશી મીડિયા અને વિદેશી વ્યક્તિને પરેડમાં સામેલ થવાની મનાઈ ફરમાવાઈ હતી. આવી પરિસ્થિતિમાં જાણકારો પરેડ વિશે વધુ જાણકારી મેળવવા માટે ઉત્તર કોરિયાની સરકાર દ્વારા જારી કરાયેલ તસવીરો અને વીડિયો પર સંપૂર્ણપણે નિર્ભર હતા.
ઉત્તર કોરિયા પાસેથી મળેલી તસવીરોમાં પરેડ દરમિયાન કિમ જોંગ ઉન ગ્રૅ રંગના વેસ્ટર્ન સૂટમાં દેખાયા.
આ આયોજન નિમિત્તે તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, "આત્મરક્ષા અને હુમલાઓનો ઉત્તર વાળવા" ઉત્તર કોરિયા પોતાની સેનાને "મજબૂત બનાવવાનું" કામ ચાલુ રાખશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે તેઓ ઈશ્વરનો આભાર માને છે કે તેમના દેશમાં કોઈ પણ વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત નથી. તેમણે કહ્યું, "વિશ્વના અન્ય દેશોમાં આ ઘાતક વાઇરસથી લડી રહેલા લોકોના બહેતર સ્વાસ્થ્યની હું કામના કરું છું."
દેશમાં કોરોનાના મામલા ન હોવાનો દાવો કરી રહેલા કિમ જોંગ ઉન સતત એ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે કે દેશમાં કડક પ્રતિબંધો લાગુ રહે.
જાણકારોનું માનવું છે કે આવું કદાચ જ સંભવ હશે કે ઉત્તર કોરિયામાં કોરોનાનો એક પણ મામલો ન નોંધાયો હોય.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો