You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર કોરિયાએ અંતરિક્ષમાંથી મિસાઇલ ટેસ્ટની તસવીરો લીધી, શું છે એમાં?
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ તસવીરો પ્રસિદ્ધ કરીને કહ્યું છે કે ઈ.સ. 2017 પછી આ સૌથી મોટું મિસાઇલ પરીક્ષણ કરાયું છે.
અંતરિક્ષમાંથી લેવાયેલી તસવીરોમાં કોરિયાઈ દ્વીપકલ્પના કેટલાક ભાગો અને આસપાસનાં ક્ષેત્ર દેખાય છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે એ મધ્યમ અંતરની બૅલિસ્ટિક મિસાઇલ હ્વાસોંગ-12 છે.
દક્ષિણ કોરિયા અને જાપાનનું કહેવું છે કે 2,000 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી મિસાઇલ જાપાન સાગરમાં પડી. બંને દેશોએ આ પરીક્ષણને વખોડ્યું છે. ચાલુ મહિનામાં ઉત્તર કોરિયાનું આ સાતમું પરીક્ષણ છે.
મિસાઇલ પરીક્ષણની તસવીરો ત્યાંની સરકારી સમાચાર એજન્સી કેસીએનએ પ્રગટ કરી છે.
કહેવાય છે કે મિસાઇલમાં જ એક કૅમેરા ફિટ કરાયો હતો અને એ જ કૅમેરાથી તસવીરો મોકલવામાં આવી હતી. એમાંની બે તસવીરો પરીક્ષણ દરમિયાનની છે અને બાકીની તસવીરો વચ્ચેના સમયગાળાની છે જેને ઉપરથી પાડવામાં આવી છે.
જાપાન અને દક્ષિણ કોરિયાના અધિકારીઓનું અનુમાન છે કે મિસાઇલે 30 મિનિટમાં 800 કિલોમીટર સુધીનું ઉડ્ડયન કર્યું.
બૅલિસ્ટિક મિસાઇલ અને પરમાણુ હથિયારોનાં પરીક્ષણ કરવા સામે સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર સખત પ્રતિબંધ મૂક્યા છે અને તેના માટે આર્થિક પ્રતિબંધની જોગવાઈ પણ છે.
પરંતુ પૂર્વીય એશિયાનો આ દેશ આ પ્રતિબંધોનો ખુલ્લેઆમ ભંગ કરે છે. ઉત્તર કોરિયાઈ શાસક કિમ જોંગ-ઉન પોતાના દેશની સુરક્ષાને મજબૂત કરવાની વાતો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિમ જોંગ-ઉન હાજર નહોતા
સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, અમેરિકાના એક સીનિયર અધિકારીએ ઉત્તર કોરિયાને કોઈ પણ શરત વગર પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ અંગે સીધો વાર્તાલાપ કરવા કહ્યું છે.
એ અધિકારીએ કહ્યું કે, "અમે માનીએ છીએ કે એક ગંભીર વાર્તાલાપની શરૂઆત પૂર્ણપણે જરૂરી અને યોગ્ય છે." આની પહેલાં અમેરિકાએ ઉત્તર કોરિયાને ભવિષ્યમાં આવાં અસ્થિરતા વધારનારાં કામ કરવાથી બચતા રહેવા કહેલું.
સામાન્ય રીતે, ઉત્તર કોરિયામાં મિસાઇલ પરીક્ષણોની જાહેરાતો ત્યાંનું સરકારી મીડિયા આગળના દિવસે કરે છે. સોમવારે કેસીએનએએ કહ્યું કે મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું. કહેવાય છે કે એ પ્રસંગે દેશના શાસક કિમ જોંગ-ઉન ત્યાં ઉપસ્થિત નહોતા.
ઉત્તર કોરિયાઈ સમાચાર એજન્સી અનુસાર, આ પરીક્ષણ વધારે ઊંચાઈએ ઉત્તર-પશ્ચિમ વિસ્તારથી પૂર્વીય કોરિયાઈ સાગર તરફ કરવામાં આવ્યું હતું. કેસીએનએએ કહ્યું કે આ પડોશી દેશોથી સુરક્ષિત રહેવા માટે છે.
ઉત્તર કોરિયાઈ વિશ્લેષક અંકિત પાંડાએ કહ્યું કે, કિમ જોંગ-ઉન એ પ્રસંગે સ્થળ પર હાજર નહોતા. આ પરીક્ષણ બાબતે ત્યાંના સરકારી મીડિયામાં કહેવાયું છે કે એનો હેતુ એવું સાબિત કરવાનો હતો કે મિસાઇલ સિસ્ટમે એવું જ કામ કર્યું, જેવું એણે કરવું જોઈતું હતું.
કેસીએનએએ જણાવ્યું છે કે, આ પરીક્ષણ મધ્યમ અંતરના હ્વાસોંગ-12નું કરાયું હતું. ઈ.સ. 2017 પછી પહેલી જ વાર આ પરમાણુ ક્ષમતાવાળા મિસાઇલનું પરીક્ષણ કરાયું છે.
ચાલુ વર્ષે કુલ છ પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં, જેમાંનાં બે પરીક્ષણ જાપાની ટાપુ હોકૅદો પર કરવામાં આવ્યાં હતાં. જ્યાં પરીક્ષણ કરાયું ત્યાંના લોકોને ઇલેક્ટ્રોનિક એલર્ટ મળવા લાગી હતી. ઉત્તર કોરિયાએ પહેલાં કહેલું કે હ્વાસાંગ-12 મોટાં પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
ચાલુ મહિનામાં સાતમું પરીક્ષણ
આ જ મહિનામાં ઉત્તર કોરિયાએ આ સાતમું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમ માટે જાન્યુઆરી મહિનો સૌથી વ્યસ્ત મહિનો રહ્યો.
વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ પરીક્ષણો પાછળ ઘણાં કારણો છે.
એમાં વૈશ્વિક અને ક્ષેત્રીય શક્તિઓને એક રાજકીય સંદેશ આપવાનો છે અને એ પણ કે કિમ જોંગ-ઉન અમેરિકા-સમર્થિત પરમાણુ વાર્તાલાપ શરૂ કરવા માટે દબાણ પણ ઊભું કરવા માગે છે.
આ વાર્તાલાપ લાંબા અરસાથી સ્થગિત છે. એ ઉપરાંત નવા એન્જિનિયરિંગ અને સૈન્ય કમાન્ડ સિસ્ટમનાં પરીક્ષણોની વ્યાવહારિક જરૂરિયાતો પણ છે.
પરીક્ષણનો સમય પણ ઘણો મહત્ત્વપૂર્ણ છે. ચીનમાં વિન્ટર ઑલિમ્પિક શરૂ થવાની તૈયારીઓ છે અને દક્ષિણ કોરિયામાં માર્ચમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે.
એ ઉપરાંત અમેરિકન પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયાનું અર્થતંત્ર ડામાડોળ છે, એવા સમયે અચાનક જ મિસાઇલનાં પરીક્ષણ વધી ગયાં છે. એની સાથે જ ઉત્તર કોરિયા કોરોના મહામારી સાથે સંકળાયેલી સમસ્યાઓ અને દાયકાઓની અવ્યવસ્થાઓ સામે પણ ઝઝૂમી રહ્યું છે.
ટ્રૉય યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના લેક્ચરર ડૉક્ટર ડેનિયલ પિંકસ્ટને બીબીસીને જણાવ્યું કે, કદાચ ઉત્તર કોરિયા મોટી શક્તિઓ ચીન, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને ક્ષેત્રીય વિરોધીઓને સંદેશો આપી રહ્યું છે.
દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી
એમણે કહ્યું કે, "એક મહિનામાં જ દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. તેથી આ દક્ષિણ કોરિયા અને એના આગામી રાષ્ટ્રપતિને ડરાવવા-ધમકાવવાના એમના ભૂતકાલીન વહેવાર જેવું જ છે."
વિશ્લેષકો અનુસાર, ચાલુ મહિનાની શરૂઆતમાં મિસાઇલોનાં પરીક્ષણોથી એ સ્પષ્ટ થાય છે કે ઉત્તર કોરિયા તકનીક વિકસાવી રહ્યું હતું, જેનાથી અમેરિકા અને જાપાનના મોંઘા અને જટિલ મિસાઇલ ડિફેન્સનો સામનો કરી શકાય.
દક્ષિણ કોરિયાના પૂર્વ નેવી કમાન્ડર પ્રોફેસર કિમ ડોંગ યૂપે કહ્યું કે, "તેઓ પ્રતિરોધક ક્ષમતા વિકસાવવા માગે છે. ઉત્તર કોરિયાનું લક્ષ્ય હુમલો કરવાનું નહીં, બલકે પોતાની સુરક્ષા વધારવાનું છે. આ દેશ પોતાની પ્રતિરોધક ક્ષમતા વધારે ચોકસાઈવાળી કરવા માગે છે."
ઈ.સ. 2018માં કિમ જોંગ-ઉનએ લાંબા અંતરની ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલોનાં પરીક્ષણ પર પ્રતિબંધની ઘોષણા કરી હતી. પરંતુ ઈ.સ. 2019માં ઉત્તર કોરિયાઈ શાસકે કહેલું કે તેઓ આ પ્રતિબંધને લાંબા સમય સુધી ચાલુ રાખી શકે નહીં.
અમેરિકાએ ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણ પર સખત પ્રતિબંધની જાહેરાત કરી હતી. બંને દેશ વચ્ચેનો વાર્તાલાપ લાંબા અરસાથી સ્થગિત છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો