You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા અને ચીન વચ્ચે એફ–35 યુદ્ધવિમાન માટે શા માટે થઈ રહી છે હુંસાતુંસી?
- લેેખક, ક્લેયર હિલ્સ
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન
અમેરિકન નૌસેના પોતાના એક દુર્ઘટનાગ્રસ્ત લડાયક વિમાનની શોધ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. એના પ્રયાસો એવા છે કે, ચીનની સેના ત્યાં પહોંચે એ પહેલાં પોતે ઘટનાસ્થળે પહોંચી જાય.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અમેરિકાના એક જહાજ યુએસએસ કાર્લ વિન્સન પરથી ટેક-ઑફ કરતી વખતે અમેરિકાનું અંદાજે 10 કરોડ ડૉલરની કિંમતનું એફ-35સી લડાયક વિમાન દક્ષિણ સાગરમાં તૂટી પડ્યું હતું.
અમેરિકાની નૌસેનાએ આને એક ‘દુર્ઘટના’ ગણાવી છે. ડેક સાથે ટકરાવાના કારણે આ દુર્ઘટનામાં સાત નાવિકોને ઈજાઓ થઈ છે.
એ અમેરિકન નૌસેનાનું સૌથી નવું વિમાન છે અને એમાં ઘણાં જ ગોપનીય ઉપકરણો લગાડવામાં આવ્યાં છે. સમુદ્રમાં જે જગ્યાએ આ દુર્ઘટના થઈ એ સ્થળ કોઈ ખાસ દેશની સરહદમાં નથી આવતું.
તેથી ત્યાં બંને દેશના પ્રયાસો પર કશા અવરોધ નથી. નિયમો અનુસાર, જે દેશ એને પહેલાં શોધી લેશે, એનો જ તેના પર કબજો ગણાશે.
એનાથી ફાયદો શો થશે? આ આખી કવાયત એ મોંઘા અને આધુનિક લડાયક વિમાન માટે થઈ રહી છે જેમાં ઘણાં રહસ્યો છુપાયેલાં છે. એક દેશ રહસ્ય જાણવા માગે છે અને બીજો દેશ છુપાવવા.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન અત્યાર સુધી સમુદ્રના તળિયે ક્યાંક પડ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આગળ જતાં શું થાય છે. અમેરિકન નૌસેના એ નહીં જણાવે કે એ વિમાન ક્યાં પડ્યું અને એને શોધવામાં કેટલો સમય થશે.
ચીનનો દાવો – એમાં અમને કોઈ રસ નથી
બીજી તરફ, ચીન લગભગ આખા દક્ષિણ ચીન સાગર પર પોતાનો હકદાવો કરે છે. એ દાવા પર ભાર મૂકવા માટે ચીને નજીકના ભૂતકાળનાં વર્ષોમાં ઘણાં પગલાં ભર્યાં છે. એક આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલે 2016માં આપેલા હુકમને માનવાનો ચીન ઇનકાર કરે છે. ચીનનું કહેવું છે કે આ હુકમને કાયદેસર આધાર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને એ વાતને નકારી કાઢી કે ચીનને એફ–35સીમાં કશો રસ છે. એક પ્રેસ બ્રિફિંગમાં એમણે કહ્યું, “અમને એમનાં વિમાનોમાં કશો રસ નથી.”
તેમ છતાં, અમેરિકાના સુરક્ષા જાણકારોનું કહેવું છે કે એ વિમાન સુધી પહોંચવા માટે ચીનની સેના ભરપૂર પ્રયાસ કરશે. બચાવ કામગીરી કરનારું એક જહાજ દુર્ઘટનાસ્થળથી હજુ 10 દિવસ થાય એટલા દૂરના અંતરે છે.
જોકે, સુરક્ષા સલાહકાર અબી ઑસ્ટેનનું કહેવું છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે, કેમ કે બ્લૅક બૉક્સ બૅટરી પણ હવે ડેડ થઈ ગઈ હશે. એવું થવાના કારણે એ વિમાનને શોધવું ઘણું મુશ્કેલ થઈ જશે.
અબી ઑસ્ટેને જણાવ્યું કે, “જો અમેરિકા એને શોધી લે તો એ એના માટે ખૂબ મોટી સિદ્ધિ ગણાશે. વાસ્તવમાં એફ–35 ઊડી શકે એવા કમ્પ્યૂટર જેવું છે. એને બીજાં ઉપકરણો જોડવા માટે બનાવાયું છે. તેથી અમેરિકન વાયુસેના એને ‘હુમલો કરનારાઓ માટે લિંકિંગ સેન્સર’ તરીકે ઓળખે છે.”
તેમનું કહેવું છે કે, "ચીનની પાસે એવી તકનીક નથી. તેથી એ વિમાનને પ્રાપ્ત કરવું એ ચીનની મોટી સફળતા હશે. જો ચીને એફ–35ની નેટવર્કિંગ ક્ષમતા હાંસલ કરી લીધી તો એ અમેરિકા માટે મોટા ઝટકા સમાન હશે."
શું બંને દેશો વચ્ચે શીતયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે? એ બાબતે તેમણે જણાવ્યું કે એવું દેખાડવાની કોશિશ થઈ રહી છે કે સૌથી મોટો દાદા કોણ છે.
શું ખાસ છે એફ–35માં?
* એમાં એવી સગવડ છે કે ઉડ્ડયન દરમિયાન એકત્ર કરેલી માહિતી એ જ સમયે કોઈની સાથે શૅર કરી શકાય છે.
* આ અમેરિકન નૌસેનાનું પહેલું ‘લો ઑબ્ઝર્વેબલ’ વિમાન છે. એ કારણે તે રડારમાં પકડાયા વિના જ દુશ્મનની હવાઈસીમામાં પોતાનું કામ કરી શકે છે.
* મોટાં પાંખિયાં અને વધારે મજબૂત લૅન્ડિંગ ગિયરના કારણે એ નાની જગ્યામાં પણ જહાજ પરથી ઉડ્ડયન કરવા માટે સક્ષમ છે.
* લડાયક વિમાનોમાં આનું એન્જિન સૌથી વધુ શક્તિશાળી છે. એ 1,200 માઈલ પ્રતિ કલાકની ગતિથી ઊડી શકે છે.
* એનાં પાંખિયાં બે અને ચારની અંદર મિસાઇલ લોડ કરી શકાય છે.
અબી ઑસ્ટેને જણાવ્યા અનુસાર, તેઓ માને છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની શોધખોળ પર દાવો કરવાનો એમનો હેતુ અમેરિકાની પરીક્ષા કરવાનો છે. એમનું માનવું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના દુઃખદ રીતે પાછા ફર્યા બાદના ખતરનાક સમયે આ દુર્ઘટના ઘટી છે.
ચીની બાબતોના જાણકાર બ્રાઇસ બૅરોસે જણાવ્યું કે એમાં કશી શંકા નથી કે ચીન આ વિમાનને પ્રાપ્ત કરવા માગે છે. એમના જણાવ્યા અનુસાર, બની શકે કે સાઇબર જાસૂસી દ્વારા એને એની આંતરિક રચના, ડિઝાઇન અને કાર્યપદ્ધતિની પહેલેથી જ ખબર હોય.
તેમણે કહ્યું, “મારું માનવું છે કે વાસ્તવમાં તેઓ આ વિમાનના પાર્ટ્સને જોવા માગે છે કે એને કઈ રીતે બનાવવામાં આવ્યું અને એમાં ખામીઓ કઈ કઈ છે.”
કઈ રીતે શોધાઈ રહ્યું છે વિમાન?
અમેરિકન નૌસેનાના એક બયાનમાં જણાવાયું છે કે, એ દુર્ઘટના પછી એ વિમાનને શોધવાનું અભિયાન ચાલુ છે.
અમેરિકન નૌસેનાની ‘સુપરવાઇઝર ઑફ સાલ્વેઝ ઍન્ડ ડાઇવિંગ’ની એક ટીમ ઘણી બૅગને એ વિમાન સાથે બાંધી દેશે. ત્યાર બાદ એ બૅગોને ધીરે ધીરે ફુલાવવામાં આવશે જેથી કાટમાળને બહાર કાઢી શકાય, પરંતુ જો એ વિમાનના ઘણા ટુકડા થઈ ગયા હશે તો આ અભિયાન ખૂબ મુશ્કેલ બની જશે.
ઈ.સ. 1974માં જ્યારે શીતયુદ્ધ એની ચરમસીમાએ હતું ત્યારે અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઇએએ ગુપ્ત અભિયાન દ્વારા વિશાળ પંજાઓના આધારે હવાઈના સમુદ્રતળિયે રહેલી રુસની એક સબમરીનને બહાર ખેંચી કાઢી હતી.
બે વર્ષ પહેલાં, ચીનની સેનાએ બ્રિટનની એક સબમરીન એચએમએસ પોસીડૉનને ગુપ્ત રીતે બહાર કાઢી હતી. એ સબમરીન ચીનના પૂર્વીય છેડે ડૂબી ગઈ હતી.
ઘણા લોકોનું માનવું છે કે 2011માં ઓસામા બિન લાદેનના ઘર પર કરાયેલા હુમલામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકૉપ્ટરના કાટમાળ સુધી ચીન ખાનગી રાહે પહોંચી ગયું હતું.
બૅરોસે જણાવ્યું કે, “અમને પૂર્ણ વિશ્વાસ છે કે ચીનની સેનાએ એ વિમાનમાંનાં ઉપકરણો અને સૉફ્ટવેરોને જોયાં છે.”
ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ અનુસાર, મે 2019ના રોજ સૌથી ઊંડી જગ્યામાં સફળ બચાવ અભિયાન થયું, ત્યારે અમેરિકન નૌસેનાના એક માલવાહક વિમાનના કાટમાળને ફિલિપીન્સ સાગરમાંથી બહાર કઢાયો હતો. એ કાટમાળ સમુદ્રની સપાટીથી લગભગ 5,638 મીટર (18,500 ફૂટ) નીચે પડ્યો હતો.
અમેરિકન વિમાનના કાટમાળ અંગે એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે બીજો એક વિકલ્પ છે. એને ચીનના હાથમાં જતું રોકવા માટે વિમાનના કાટમાળનો નાશ કરી દેવાય. પરંતુ હજુ એવો વિચાર નથી કરાયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો