ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી : એસપી, બીએસપી, ભાજપ અને કૉંગ્રેસ – દલિતો કોના પક્ષે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યૂરોના 2018-20ના આકંડાથી ખબર પડે છે કે ઉત્તર પ્રદેશે અનુસૂચિત જાતિઓ વિરુદ્ધના અપરાધોમાં ઘણા અંતર સાથે પોતાનું ટોચનું સ્થાન બરકરાર રાખ્યું છે.

રાજ્યમાં 2018માં આવા 11,924 કેસ અને એની સરખામણીએ 2019માં 11,829 મામલા દાખલ કરાયા છે, જ્યારે 2020માં આ આંકડા વધીને 12,714 થઈ ગયા. બિહાર બીજા અને મધ્ય પ્રદેશ ત્રીજા નંબર પર છે પરંતુ અપરાધોની સંખ્યા ઉત્તર પ્રદેશની સરખામણીએ અડધા કરતાં પણ ઓછી છે.

દલિતો વિરુદ્ધ વધતાં જતાં અપરાધ અને દલિતો વિરુદ્ધ અત્યાચાર ઉત્તર પ્રદેશમાં થનાર વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો નથી.

રાજકીય પક્ષો આ અપરાધોનું સોશિયલ મીડિયા પર ખંડન કરી દે છે. ઘણા નેતા પીડિત પરિવારોને મળી લે છે. દલિતોની પાર્ટી ગણાતી બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતી પણ માત્ર ટ્વીટ થકી જ પોતાનો વિરોધ રજૂ કરે છે.

એવું માનવામાં આવે છે કે બીએસપી દલિત સમુદાયનું (જે રાજ્યની વસતિના 21.6 ટકા છે)નું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ માયાવતી વિરુદ્ધ પણ દલિત અત્યાચારનો કઠોર વિરોધ ન કરવાનો આરોપ છે.

એવો દાવો કરાય છે કે દલિત વોટર પર બીએસપી અને માયાવતીની પકડ કમજોર થતી જઈ રહી છે. જો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હજુ સુધી મીડિયા કવરેજ પર નજર નાખીએ તો સમજાય છે કે રાજ્યમાં દલિત વોટ વિખેરાઈ જાય તેની પૂરેપૂરી સંભાવના છે. જે બીએસપીના રાજકીય આધારને કમજોર કરી દેશે.

ઘણા વિશ્લેષક તો કહે છે કે બીએસપી અધ્યક્ષ માયાવતી એક માત્ર એવાં નેતા હશે જેઓ પોતાના મતદારોને એક વખત પણ સંબોધિત કર્યા વગર જ તેમની પાસેથી મત માગવા આવશે.

ઉત્તર પ્રદેશમાં દલિત મતો બીએસપીના સમર્થનનો આધાર રહ્યા છે. દલિત મતો એક પ્રભાવશાળી જાતિસમૂહ છે અને 2007ની ચૂંટણીમાં બીએસપીને સત્તામાં લાવવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

દલિત સમુદાયમાં 66 ઉપજાતિઓ સામેલ છે. પરંતુ લગભગ 55 ટકા દલિત વોટ જાટવ રહ્યા છે, જેઓ વર્ષોથી બીએસપી અને માયાવતીની સાથે આવ્યા છે. માયાવતી પણ આ જાતિમાંથી આવે છે.

વિશ્લેષકોનો દાવો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં દલિત મતો વિભાજિત થશે અને બીએસપી દલિત મતોને ભારતીય જનતા પાર્ટી સાથે વહેંચવા માટે મજબૂર થશે. ઘણા વિશ્લેષકો એવું પણ જણાવી રહ્યા છે કે દલિત નેતા ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટીને દલિતોના મત મળશે.

'સમાજવાદીની નકલી લહેર અને બીએસપી વિરુદ્ધ ષડ્યંત્ર'?

બીએસપીના ભૂતપૂર્વ નેતા ઇસરાર અહમદ એક ઇન્ટરવ્યૂમાં દાવો કરે છે કે દલિત અને મુસ્લિમ ઘણી ખરી હદે સમાજવાદી પાર્ટી તરફ જઈ રહ્યા છે, જે સત્તારૂઢ ભાજપને હરાવવા માટે બહેતર સ્થિતિમાં છે.

પરંતુ બીએસપીના નેતા અને સમર્થક મીડિયામાં આવી રહેલાં નિવેદન અને વિશ્લેષણોને ખારિજ કરતાં તેને પાર્ટી વિરુદ્ધ કાવતરું માને છે.

પાર્ટીના બિજનૌર જિલ્લા ઉપાધ્યક્ષ નાઝિમ અલ્વી કહે છે કે, "અમારું માનવું એ છે કે આ એક ષડ્યંત્ર છે, જરા વિચારો, મીડિયાનો એક મોટો ભાગ 2012થી જે એક ખાસ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યો હોય અને અચાનક ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં સમાજવાદીની સરકાર બનાવી રહ્યો છે, તેઓ અખિલેશ યાદવને વધુ બતાવી રહ્યા છે. તેનો અર્થ એ છે કે તેઓ મુસ્લિમ સમાજને સમાજવાદી તરફ મોકલવા માગે છે."

"તેઓ એવું ઇચ્છે છે કે મુસ્લિમ સમાજ દલિતો સાથે ન આવે, કારણ કે મુસ્લિમ સમાજ બીએસપીની સાથે આવે અને ચૂંટણીમાં એક મોટો ઊલટફેર થઈ શકે છે, ક્યાંક ને ક્યાંક ભાજપ સત્તામાંથી બહાર જશે, તો તેને જોતાં સમાજવાદી પાર્ટીની નકલી લહેર બતાવવામાં આવી રહી છે."

રાયબરેલીમાં દલિત મામલાના વિશેષજ્ઞ આર. બી. વર્મા પણ દલિત વોટ વિભાજિત થવાના સમાચારોને મીડિયાના ભેદભાવવાળો એક રિપોર્ટ ગણાવે છે.

તેઓ કહે છે કે, "ભારતનું મીડિયા, ખાસ કરીને હિંદી મીડિયા, એકદમ વેચાઈ ચૂક્યું છે, 90 ટકા પત્રકાર ઊંચી જાતિના છે. તેમનો પણ જાતીય દૃષ્ટિકોણ છે. તેમના રિપોર્ટિંગમાં એ ભેદભાવ દેખાય છે."

આર. બી. વર્મા પ્રમાણે દલિત સમાજમાં અડધા કરતાં વધુ જાટવ સમુદાયની વસતિ છે.

તેઓ કહે છે કે, "જાટવ દલિતનો ખાસ આધાર છે. મોટા ભાગના દલિત હજુ પણ બીએસપી સાથે રહેશે પરંતુ તેમનો એક ભાગ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જઈ શકે છે.જે ગઈ વખત ભાજપ તરફ ગયા હતા. પરંતુ દલિત વોટરોનો પૂર્ણ બહુમત હજુ પણ બીએસપી સાથે જ રહેશે."

આવું તેઓ એટલા માટે કહે છે કે તેમના અનુસાર બીએસપીના અમુક નેતા ભલે પક્ષ છોડીને જતા રહ્યા હોય પરંત પાર્ટી કૅડર ક્યાંય નથી ગયું. "તે પાર્ટી માટે અડગ છે અને ગ્રામીણ વિસ્તારોમાં ઘણું સક્રિય છે."

નગીના વિધાનસભા ચૂંટણી ક્ષેત્રથી બીએસપીના ઉમેદવાર બ્રજપાલસિંહનો પણ દાવો છે કે દલિત વોટ નહીં વિખેરાય.

તેઓ કહે છે કે લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે કે, "આ ચૂંટણીમાં અમે ખતમ થઈ જઈશું અને દલિત અમારો સાથ છોડી દેશે પરંતુ મૂળની સચ્ચાઈ અલગ છે."

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "દલિત સમાજ બહેનજી (માયાવતી) સાથે અડગ છે. જેમ ડુંગર હલતો નથી, તેવી જ રીતે બહેનજીના મત પણ નહીં કપાય."

સતત ઘટતો જઈ રહ્યો છે બીએસપીનો દલિત વોટ શૅર

પરંતુ સત્ય તો એ છે કે 2012થી જ બીએસપીની વોટશૅર ઘટાડો થયો છે. આ વર્ષે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 25 ટકા વોટ મળ્યા જે પાછલી ચૂંટણીની સરખામણીએ પાંચ ટકાનો ઘટાડો દર્શાવે છે.

આવી જ રીતે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બીએસપીના વોટશૅરમાં પાંચ ટકાનો વધુ ઘટાડો આવ્યો અને તેનો વોટ શૅર 20 ટકા રહ્યો. પાર્ટી 2007માં ચૂંટણીમાં 206 બેઠકો હાંસલ કરીને પોતાની સરકારી રચી હતી. પરંતુ 2012માં તેમને માત્ર 80 બેઠકો મળી અને 2017માં તે ઘટીને 19 થઈ ગઈ. જોકે, બઠકો હાર્યા છતાં, પાર્ટી 20 કરતાં વધુ વોટશૅર પર કબજો કરવામાં સફળ રહી હતી.

એ વાત પણ સત્ય છે કે 2014ની સામાન્ય ચૂંટણી બાદથી ભાજપે બિનજાટવ દલિત વોટોના મોટો ભાગ બીએસપી પાસેથી છીનવી લીધા છે. પાછલી વિધાનસભાની ચૂંટણીમાં આરક્ષિત 85 બેઠકોમાંથી 69 પર ભાજપને જીત મળી હતી. યુપીની 80 લોકસભા સીટોમાંથી 17 અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે.

તે પૈકી 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે 14 બેઠકો પર જીત હાંસલ કરી હતી. બીએસપીએ બે અને અપના દલે એક સીટ જીતી હતી. જોકે, દલિત મામલના વિશેષજ્ઞ આર. બી. વર્મા કહે છે કે આરક્ષિત સીટોનો એ અર્થ કાઢવો યોગ્ય નહીં કહેવાય કે તે બેઠકો પર દલિત સમાજ બહુમતીમાં છે.

તેઓ કહે છે કે, "રિઝર્વ બેઠકમાં દલિત વોટ ક્યાંક ખૂબ વધુ છે તો ક્યાંક ખૂબ ઓછા. અન્ય જાતિઓ બિનદલિત હોય છે. તેથી એવું કહેવું કે બીએસપી દલિત બેઠકો ઓછી જીતે છે, તે યોગ્ય નથી. રિઝર્વ બેઠકોમાં પણ બહુમત તો બિનદલિતોનો જ થાય છે."

બીએસપીના બિજનૌરના જિલ્લા ઉપાધ્યક્ષ નાઝિમ અલ્વી જણાવે છે કે આ વખત પાર્ટીએ 85 અનામત બેઠકો પર વધુ ધ્યાન આપ્યું છે.

તેમનો દાવો હતો કે, "આ વખત બહેનજી (માયાવતી)એ દલિત બેઠકો પર ઘણું ધ્યાન આપ્યું છે. પાર્ટીના સ્થાનિક નેતાઓને તેમણે ખાસ જવાબદારીઓ સોંપી છે અને કહ્યું કે આ બેઠકો પર તેમણે એક્સ્ટ્ર મહેનત કરવાની છે."

"પાછલા 8-9 માસથી રિઝર્વ બેઠકો પર બહેનજીની નજર છે અને ત્યાં અમે કામ પણ કર્યું છે. બે મહિના પહેલાં બહેનજીએ રિઝર્વ બેઠકોમાં પાર્ટીના નેતાઓ સાથે લખનૌમાં અલગથી મિટિંગ કરી હતી. જેમાં તેમના કામનું અવલોકન કરાયું. આ વખત અમે આ બેઠકો પર ખૂબ મજબૂત સ્થિતિમાં છીએ."

'દલિત મત જોઈએ, દલિત સશક્તીકરણ નહીં'

બીએસપીના ઉમેદવાદર બ્રજપાલસિંહના જૂથમાં અવાજ આવી રહ્યો છે કે તેમની પાર્ટી દલિત સશક્તીકરણ ઇચ્છે છે. તેમના અનુસાર 'અન્ય પક્ષોને માત્ર દલિત મત જોઈએ, દલિત સશક્તિકરણ નહીં.'

સમાજવાદી પાર્ટીએ દલિત મતદારોને આકર્ષવા બાબાસાહેબ વાહિનીનું ગઠન કર્યું અને આંબેડકર જયંતી પર દલિત દિવાળી ઊજવી.

અખિલેશ યાદવે બીએસપીથી કાઢી મુકાયેલા નેતાઓ માટે પોતાના દરવાજા ખોલી દીધા અને વિભિન્ન ઉપજાતિઓ માટે બિનજાટવ દલિત નેતાઓને આકર્ષવાનું કામ કર્યું.

સમાજવાદી પાર્ટી જાતિઆધારિત પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને જાતિ અને સામુદાયિક સંમેલનોનું આયોજન કરીને યુપીમાં દલિત અને સૌથી પછાત જાતિઓને જોડવા માટે પોતાના સામાજિક ગઠબંધનનો વિસ્તાર કરવાની કોશિશ કરી રહી છે.

બીજી તરફ ભાજપે દલિત આઉટરીચ પર ઘણું કામ કર્યું છે અને અહીં સુધી કે દલિતોનાં દિલ જીતવા માટે બૌદ્ધ સર્કિટનો ઉપયોગ કર્યો છે. ભાજપ પાસી, કોરી અને ધોબી જેવી જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

અત્યાર સુધી જારી કરાયેલ ટિકિટોની યાદીમાં દલિત સમાજના ઉમેદવારો આગળ છે, જો પાર્ટી ટિકિટ વિતરણમાં આ ઉપજાતિઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે, તો બની શકે કે પાર્ટી દલિત મતોનો એક ભાગ પચાઈ પાડવામાં સફળ રહે.

દલિતપ્રેમ, દાવા એક તરફ અને... વિશ્લેષક બીજી તરફ

ત્રણ દાયકાના વનવાસ બાદ ઉત્તર પ્રદેશમાં સત્તા માટે નવા પ્રકારે કામ કરનારી કૉંગ્રેસ પાર્ટી પણ દલિતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અવારનવાર અત્યાચારથી પીડિત ઉત્તર પ્રદેશના દલિત પરિવારના જખમ પર મલમ લગાવવા જતાં દેખાય છે.

સપ્ટેમ્બર 2020માં એક દલિત છોકરી સાથે બળાત્કાર અને હત્યા બાદ, રાહુલ અને પ્રિયંકા સૌથી પહેલાં હાથરસ પહોંચ્યાં. પ્રિયંકા કથિતપણે પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામેલા દલિત અરુણ વાલ્મીકિના ઘરે પણ ગયાં. પ્રિયંકાને દલિત મહિલાઓને ગળે લાગતાં પણ જોઈ શકાયાં.

બીએસપીના લોકો આત્મવિશ્વાસને જોતાં કહે છે કે આ વખત દલિત મત વિભાજિત નહીં થાય. પરંતુ મુસ્લિમ અને બ્રાહ્મણના મતો પણ પાર્ટીને મળશે.

જેમ કે બ્રજપાલસિંહ કહે છે કે, "આ વખત અમને દલિત બહુમત મત તો મળશે જ સાથે જ બિનદલિત મત પણ મળશે. મુસ્લિમ અને બ્રાહ્મણ મતો."

આ એક એવો દાવો છે જે કોઈ માનવા માટે તૈયાર નથી કારણ કે જો આવું થયું તો બીએસપી જીતની નજીક હશે. પરંતુ બધા વિશ્લેષણો અનુસાર આ વખત યુપીની ચૂંટણી 'ભાજપ વિરુદ્ધ સમાજવાદી પાર્ટી' છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો