You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસનાં ચૂંટણીઢંઢેરામાં જેમની તસવીર હતી એ 'પોસ્ટરગર્લ' પ્રિયંકા મૌર્ય ભાજપમાં કેમ જોડાયાં?
કૉંગ્રેસે ઉત્તર પ્રદેશની ચૂંટણીના અનુસંધાને શુક્રવારે ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો, જેને રાજ્યમાં પ્રવર્તમાન બેકારીની સ્થિતિ સાથે જોડીને 'ભરતી વિધાન' એવું નામ આપ્યું છે.
આ મૅનિફેસ્ટોમાં યુવાનો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેના મુખપૃષ્ઠ ઉપર પણ વિશેષ નજર હતી, કારણ કે થોડા દિવસ પહેલાં જ પાર્ટીએ મહિલાઓ માટે વિશેષ ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો.
તેના કવરપેજ ઉપર 'લડકી હું, લડ શકતી હું'ના નારા સાથે પ્રિયંકા મૌર્ય નામનાં એક મહિલાની તસવીર છાપવામાં આવી હતી. જેના કારણે તેઓ યુપી કૉંગ્રેસનાં 'પૉસ્ટરગર્લ' તરીકે ઓળખાવા લાગ્યાં હતાં.
ગુરુવારે પ્રિયંકાએ કૉંગ્રેસના હાથનો સાથ છોડીને કરમાં કમળ પકડી લીધું હતું તથા કૉંગ્રેસ પર છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો હતો.
બીબીસી સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેમની ઇચ્છા છે કે કૉંગ્રેસ દ્વારા ચૂંટણીપ્રચારમાં તેમના ચહેરાનો ઉપયોગ કરવામાં ન આવે. વોટ મેળવવા માટે તેમના બદલે અન્ય કોઈ મૉડલને આ કામ માટે પસંદ કરવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે.
શુક્રવારે બહાર પાડવામાં આવેલા કૉંગ્રેસના યુવા માટેના ચૂંટણીઢંઢેરાના મુખપૃષ્ઠ પર એક મહિલાની તસવીર જોવા તો મળી, પરંતુ તે પ્રિયંકા મૌર્યની ન હતી.
પ્રિયંકા અને કૉંગ્રેસનો હાથ
પ્રિયંકા મૌર્યનો દાવો છે કે તેઓ એક વર્ષથી કૉંગ્રેસનાં સક્રિય સભ્ય હતાં. તેઓ ઉત્તર પ્રદેશ મહિલા કૉંગ્રેસનાં ઉપાધ્યક્ષ પણ હતાં. આ સિવાય તેમણે યુવા કૉંગ્રેસનાં મહાસચિવ તરીકે પણ કામ કર્યું હતું.
પ્રિયંકાએ લખનૌની સરોજનીનગર વિધાનસભા બેઠક પરથી ટિકિટ માગી હતી. કથિત રીતે પાર્ટીની સ્ક્રિનિંગ કમિટીના આંતરિક સરવે રિપોર્ટમાં પણ એ બેઠક પર તેમનું નામ ટોચ ઉપર હતું, પરંતુ છેલ્લી ઘડીએ ટિકિટ રૂદ્રદમનસિંહ નામના ઉમેદવારને આપવા આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયંકાનું કહેવું છે કે તેઓ પાર્ટીના 'પોસ્ટરગર્લ' હોવાને કારણે આ ટિકિટ નહોતાં માગી રહ્યાં, પરંતુ તેમનાં કામના આધારે માગી રહ્યાં હતાં.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટી મહિલાઓને અધિકાર આપવાની માત્ર વાતો કરે છે, પરંતુ સમય આવ્યે તેમને હક કે અધિકાર આપતી નથી. 'લડકી હું, લડ શકતી હું' એ નારો માત્ર છે. કૉંગ્રેસમાં કોઈને ક્ષમતાને આધારે ટિકિટ નથી મળતી, માત્ર પૈસા અને વગના આધારે જ ટિકિટ આપવામાં આવે છે. મેં આ વાતનો વિરોધ કર્યો તો કોઈએ મને સાથ ન આપ્યો, અને એટલે જ મેં પાર્ટી છોડી દીધી."
જે બેઠક પર ટિકિટ ન મળવાને કારણે પ્રિયંકાએ કૉંગ્રેસ પાર્ટી છોડીને ભાજપ છોડી, તે બેઠક પરથી તેમને ભાજપની ટિકિટ મળે તેની કોઈ શક્યતા કે આશા પણ નથી. ભાજપે તેમને ટિકિટ આપવા અંગે કોઈ આશ્વાસન નથી આપ્યું.
સરોજનીનગર બેઠક પરથી સ્વાતિસિંહ ભાજપનાં ધારાસભ્ય છે અને મંત્રી પણ છે. તેમણે વધુ એક વખત આ બેઠક પરથી ઉમેદવારી માટે દાવેદારી કરી છે. આ સિવાય સ્વાતિસિંહના પતિ પણ આ બેઠક પરથી ટિકિટ માગી રહ્યા છે.
કેવી રીતે બન્યાં 'પોસ્ટરગર્લ'
ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા હિલાલ નક્વીએ બીબીસી સાથેની વાતચીતમાં પ્રિયંકાના દાવાઓને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું, "પ્રિયંકા (મૌર્ય) કૉંગ્રેસમાં જોડાયાં તેને માત્ર એક-બે મહિના જ થયાં હતાં. તેમને રાજકારણનો કોઈ અનુભવ ન હતો. તેઓ રાજકીય દૃષ્ટિએ મહત્ત્વાકાંક્ષી ચોક્કસથી હતાં. મહિલા કૉંગ્રેસમાં તેમને કોઈ પદ આપવામાં આવ્યું ન હતું તથા પાર્ટીના આંતરિક સરવેમાં સરોજનીનગર બેઠક ઉપરથી તેઓ ટોચના દાવેદાર પણ ન હતાં."
તેઓ કૉંગ્રેસના 'પોસ્ટરગર્લ' કેવી રીતે બની ગયાં, તે અંગે નકવી કહે છે, "પોસ્ટરના કવરપેજની તસવીર માટે સામાન્ય જણાતી છોકરીઓની જરૂર હતી. તેઓ રાજકારણ સાથે જોડાયેલાં હોય તેવું જરૂરી ન હતું."
"પોસ્ટર ઉપર બીજી છોકરીઓ પણ છે, તેમાંથી કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતું નથી. જ્યારે અમે છોકરીઓ માટે અમારા અભિયાનની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે સંપર્ક થયો હતો, આથી તેમને લેવામાં આવ્યાં હતાં. ત્યાર પછી તેમના વિશે ખાસ કંઈ સાંભળ્યું ન હતું, તે પછી સમગ્ર વિવાદ બહાર આવ્યો કે તેમને ટિકિટ જોઈતી હતી."
શું પાર્ટી ટિકિટ વિશેની તેમની મહત્ત્વાકાંક્ષાથી વાકેફ હતી? તેવા સવાલના જવાબમાં હિલાલ નક્વી જણાવે છે, "જો તેમણે વ્યક્તિગત રીતે કોઈને વાત કહી હોય તો મારી જાણમાં નથી, તેમણે સરોજનીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે અરજી ચોક્કસથી આપી હતી. પાર્ટીએ દરેક બેઠક પર સરવે કરાવ્યો હતો, જેથી જીતની સંભાવનાનું આકલન કરીને ઉમેદવારોની પસંદગી થઈ શકે. આ રિપોર્ટમાં પ્રિયંકાનું નામ ટોચ પર ન હતું."
તેઓ ઉમેરે છે, "પોસ્ટર ઉપર કોઈની તસવીર છપાવા માત્રથી જ ટિકિટનો અધિકાર નથી મળી જતો. પોસ્ટર પર આવ્યાં, તે પહેલાં પ્રિયંકા મૌર્યને કોણ ઓળખતું હતું?"
કોણ છે પ્રિયંકા મૌર્ય?
પ્રિયંકા મૌર્યની ઉંમર 32 વર્ષની છે અને તેઓ ચાર વર્ષનાં સંતાનનાં માતા છે. તેઓ ખુદને ઓબીસીનો મોટો ચહેરો માને છે. પ્રિયંકાનો સમગ્ર પરિવાર લખનૌમાં જ રહે છે.
પ્રિયંકા વ્યવસાયે હોમિયોપેથિક ડૉક્ટર છે. ગત પાંચ વર્ષથી તેઓ સમાજસેવા કરી રહ્યાં છે. જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તેઓ કૉંગ્રેસના 'પોસ્ટરગર્લ' કેવી રીતે બન્યાં? તેના જવાબમાં પ્રિયંકાએ દાવો કર્યો કે કોરોનાની મહામારી દરમિયાન તેમણે ધરાતલ પર ખૂબ જ કામ કર્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં તેમની આગવી ઓળખ ઊભી થઈ હતી.
સોશિયલ મીડિયા ઉપર પ્રિયંકાના 10 લાખ કરતાં વધુ ફોલોઅર્સ છે. એ પછી જ કૉંગ્રેસે તેમનો સંપર્ક સાધ્યો હતો.
પ્રિયંકાનું કહેવું છે કે તેમના ચહેરાનો ચૂંટણીપ્રચારમાં ઉપયોગ કરવા માટે કૉંગ્રેસે લેખિત મંજૂરી લીધી નથી. જે દિવસે કૉંગ્રેસે મહિલા મૅનિફેસ્ટો બહાર પાડ્યો, તે દિવસે તેમને જાણ થઈ કે તેમના ચહેરાનો ઉપયોગ કર્યો અને તેમની સાથે છેતરપિંડી થઈ છે.
પ્રિયંકા મૌર્યનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી સાથે માત્ર પ્રેસ કૉંગ્રેસ સમયે એક જ વખત મુલાકાત થઈ હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો