You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીઆર પાટીલના નિશાને ગુજરાતના બોર્ડ-નિગમો કેમ છે?
અમુક મહિના પહેલાં ગુજરાતમાં ભાજપે મુખ્ય મંત્રી સહિત તમામ મંત્રીઓ બદલીને નવા મંત્રીમંડળની નિમણૂક કરી હતી.
ભાજપની આ કવાયતને રાજકીય નિષ્ણાતોએ સત્તાવિરોધી લહેર અને લોકોનો અસંતોષ ડામવા માટેનું પગલું ગણાવ્યું હતું. જોકે, એવું લાગી રહ્યું છે કે હજી આખેઆખું મંત્રીમંડળ બદલી નાખી સત્તાવિરોધી લહેરને ડામવાની કવાયત પૂરી નથી થઈ અને જે વિજય રૂપાણી-નીતિન પટેલના કેસમાં થયું એવું જ હવે ગુજરાતનાં વિવિધ સરકારી બોર્ડો અને નિગમોની નિમણૂકના સ્તરે પણ થઈ રહ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત ભાજપ દ્વારા રાજ્યનાં મોટા ભાગનાં બોર્ડ અને નિગમોના ચૅરપર્સનનાં રાજીનામાં માગી લેવાયાં છે.
અહેવાલમાં ટાંકવામાં આવેલ કારણ મુજબ હવે આ જવાબદારીમાંથી છૂટા કરાયેલ ભાજપના નેતાઓના સ્થાને નવા ચહેરાઓને બોર્ડ-નિગમની આગેવાની સોંપવામાં આવશે.
જ્યારે રાજીનામું આપનારા નેતાઓને પાર્ટીના સંગઠનમાં મહત્ત્વનાં પદો સોંપવામાં આવશે.
જોકે, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના (GSSSB) ચૅરમૅન આસિત વોરા , જેઓ પેપરલીક કૌભાંડને લઈને વિવાદમાં ફસાયેલા હતા તેમને GSSSBના અધ્યક્ષપદે ચાલુ રખાતા વધુ એક વિવાદ પણ થઈ રહ્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરલીક કૌભાંડમાં આસિત વોરા સામે ઘણી આંગળીઓ ઊઠી હોવા છતાં તેમનું રાજીનામું ન લેવાતાં રાજ્યના યુવાનોમાં રોષ છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ કૉંગ્રેસ અને રાજ્યમાં સ્થાન જમાવવા મથી રહેલી આમ આદમી પાર્ટીએ આસિત વોરાના રાજીનામાની માગણી કરી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ તો ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે સરકારની જેમ બોર્ડ-નિગમના વહીવટી તંત્રમાં ફેરફાર પક્ષની અંદર અને બહાર પાર્ટી સામે અસંતોષ ડામવાની વ્યૂહરચના હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે બોર્ડ-નિગમોનાં ચૅરમૅનોને રાજીનામાં આપવા માટે ભાજપના ગુજરાત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે આદેશ આપ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમજ મંત્રીમંડળની જેમ આ નિમણૂકોમાં પણ નો-રિપીટ થિયરી લાગુ કરાય તેવી આશંકા છે.
આ અંગે વધુ માહિતી મેળવવા અને આવું કરીને કયો રાજકીય હેતુ સિદ્ધ કરવાનો ભાજપનો પ્લાન છે તે અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ વિવિધ રાજકીય નિષ્ણાતો સાથે વાત કરી હતી.
અંદર અને બહારના સંતોષને ડામવાની વ્યૂહરચના?
ગુજરાતનાં સરકારી નિગમો અને બોર્ડોમાંથી રૂપાણી સરકાર દ્વારા નિમાયેલ ચૅરપર્સનો પાસેથી રાજીનામાં માગી લઈ ગુજરાતમાં ભાજપ કયો હેતું પાર પાડવા માગે છે?
આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક અને પત્રકાર કૌશિક મહેતા જણાવે છે કે, “મોટા ભાગે સરકાર બદલાય ત્યારે આવું થવું સ્વાભાવિક છે. પરંતુ આ પગલાં પાછળનો હેતુ માત્ર સરકારના બદલાવ પૂરતો સીમિત નથી.”
તેઓ કહે છે કે, “આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી પક્ષમાં ઘણા કાર્યકર્તાઓ ટિકિટની માગણી કરવાના છે, તે સ્વાભાવિક છે. હવે જે ઉમેદવારોને ટિકિટ ન આપી શકાય તેમને આવાં સરકારી બોર્ડ કે નિગમની આગેવાની આપીને તેને સંતુષ્ટ રાખવા માટેની આ રણનીતિ હોઈ શકે. જેથી જે-તે વ્યક્તિને સત્તાની સાથોસાથ પક્ષમાં જવાબદારીની ભાવનાનો પણ લાભ મળે.”
પક્ષની અંદરના અસંતોષની સાથોસાથ બહારના અસંતોષને ડામવા માટે પણ આ પગલું લેવાયું હોઈ શકે?
આ પ્રશ્ન અંગે પોતાનો મત વ્યક્ત કરતાં મહેતા જણાવે છે કે, “હા, આવું પણ બની શકે. પહેલાંના ચૅરપર્સન કે તેમણે ગોઠવેલ માળખામાં ઘણી વ્યક્તિઓનાં કામો ન થતાં હોઈ તેઓમાં અસંતોષની લાગણી હોય એ સ્વાભાવિક છે. જેથી નવા ચૅરપર્સનના આવવાથી આવા લોકોને પોતાનાં કામ થશે એવી આશા જાગી શકે અને પક્ષથી વિમુખ થયેલ કાર્યકર્તા કે સામાન્ય લોકોની લાગણી ફરી પક્ષ સાથે આવી શકે.”
કોઈ પણ અન્ય વ્યક્તિને શક્તિશાળી ન બનવા દેવાની વ્યૂહરચના?
ગુજરાતના રાજકારણ પર નિકટથી નજર રાખતા નિવૃત્ત પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ બોર્ડ અને નિગમોમાં રાજીનામાંના રાજકીય હેતુ વિશે વાત કરતાં જણાવે છે કે, “એવું બની શકે કે પાર્ટીના જે લોકોને ટિકિટ કે કોઈ અગત્યનું પદ નથી મળવાનાં તેમને આવાં નિગમો કે બોર્ડોની જવાબદારી આપીને તેમનો અસંતોષ ખાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય. તેમજ કેટલાક વરિષ્ઠ જનાધાર ધરાવતા નેતાઓને પણ પક્ષથી વિમુખ થતાં અટકાવવા માટે આવું કરી શકાય છે.”
આ સિવાય તેઓ અન્ય કારણ જણાવતાં કહે છે કે, “પક્ષમાં કોઈ પણ વ્યક્તિ વધુ શક્તિશાળી ન બની જાય તે માટે પણ આવી વ્યૂહરચના સમયાંતરે અનુસરાય છે. જેથી કોઈ પણ વ્યક્તિ તેની નિમણૂક કરનાર નેતા કરતાં વધુ વગદાર છબિ ન ઊભી કરી શકે. ભાજપમાં પણ આ જ મૉડલ અનુસરાય છે.”
કયાં કયાં બોર્ડ-નિગમોના ચૅરપર્સનોનાં રાજીનામાં?
સ્થાનિક સમાચારો અનુસાર રૂપાણી સરકાર દ્વારા નિમણૂક કરાયેલ મોટા ભાગનાં ચૅરપર્સનોનાં રાજીનામાં લઈ લેવાયાં છે.
જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરી, બિનઅનામત નિગમના ચૅરમૅન બી. એચ. ઘોડાસરા, મહિલાઆયોગનાં ચૅરપર્સન લીલાબહેન અંકોલિયા, સંગીત નાટ્ય અકાદમીના ચૅરમૅન પંકજ ભટ્ટ અને બિનઅનામત નિગમના ઉપચૅરમૅન વિમલ ઉપાધ્યાયનાં તાત્કાલિક અસરથી રાજીનામાં લઈ લેવાયાં હતાં.
આ સિવાય બિનઅનામત આયોગના ચૅરમૅન હંસરાજ ગજેરા, ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સજ્જાદ હિરા, ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના ચૅરમૅન મુળુભાઈ બેરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મધુ શ્રીવાસ્તવ, GIDCના ચૅરમૅન બળવંતસિંહ રાજપૂત અને 20 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ. કે. જાડેજાનાં રાજીનામાં માગી લેવાયાં છે.
હવે રાજીનામાંના આ સત્ર બાદ રાજ્યમાં નો રિપીટ થિયરી સાથે નવાં ચૅરમૅનોને જાતીય સમીકરણો અને મતોના સમીકરણ ચૂંટણીમાં જળવાઈ રહે તે ધ્યાનમાં લઈને નિમણૂક અપાશે એવી અટકળો છે.
તેમજ ચૅરમૅનો તરીકે ખસેડાયેલ લોકોને પણ અસંતુષ્ટિની ભાવના ન રહે તે માટે તેમને પક્ષમાં અને સંગઠનમાં અલગ અલગ જવાબદારી સોંપાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો