ગોવામાં ભાજપના 34 ઉમેદવારોની યાદી જાહેર, મનોહર પર્રિકરના પુત્રનું નામ કેમ સામેલ ના કરાયું?

ભાજપના ગુરુવારે ગોવા વિધાનસભાની ચૂંટણી માટે 34 ઉમેદવારોની યાદી જારી કરી. ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત સંકુએલિમ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે. બીજી તરફ ઉપમુખ્ય મંત્રી મનોહર અજગાંવકર મરગાંવ બેઠકથી ચૂંટણી લડશે.

ગોવામાં ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પણજીના વર્તમાન ધારાસભ્યને ટિકિટ અપાઈ છે જ્યારે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના દીકરા ઉત્પલ પર્રિકરને અન્ય બેઠકના વિકલ્પ અપાયા હતા. અમે તેમની સાથે વાત કરી હતી.

ભાજપની યાદીમાં ઉત્પલ પર્રિકરનું નામ સામેલ નથી અને કહેવાઈ રહ્યું છે કે તેઓ પણજીથી જ ટિકિટ ઇચ્છતા હતા કારણ કે તેમના પિતા મનોહર પર્રિકર આ જ બેઠક પરથી ચૂંટણી લડતા હતા.

ગોવા વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી ઊતરી રહેલી આમ આદમી પાર્ટીએ ઉત્પલ સામે ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ઉત્પલ પર્રિકર સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના દીકરા ઉત્પલ પર્રિકરને પણજીથી ટિકિટ ન આપવા પર ગોવાના ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેમને અન્ય બેઠકો પરથી ચૂંટણી લડવાના પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા પરંતુ તેમણે ના પાડી દીધી.

ગુરુવારે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં 34 ઉમેદવારોની યાદી જારી કરતાં ફડણવીસે કહ્યું કે, "પણજીમાં સિટિંગ ધારાસભ્યને જ ટિકિટ અપાઈ છે. ઉત્પલ પર્રિકર એટલે કે મનોહર પર્રિકરનો પરિવાર અમારો પરિવાર છે. ઉત્પલ પર્રિકરને બે વિકલ્પ અપાયા હતા. તે પૈકી એક અંગે તેમણે ના પાડી દીધી અને એક અંગે ચર્ચા ચાલી રહી છે."

"અમને બધાને લાગે છે કે તેમણે માની જવું જોઈએ. આમ પણ ભાજપમાં પર્રિકર પરિવારનું સન્માન કરાયું છે."

યોગી આદિત્યનાથ વિરુદ્ધ ગોરખપુરથી ચૂંટણી લડશે ચંદ્રશેખર આઝાદ

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ પોતાના પક્ષ આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)માંથી ગોરખપુર મુખ્ય બેઠક પરથી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર સદરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ચંદ્રશેખર આઝાદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે ગઠબંધનને લઈને મતભેદ બાદ ચંદ્રશેખર આઝાદે ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

તેમની પાર્ટીએ હાલમાં જ 33 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી અને હવે આઝાદે કહ્યું છે કે તેઓ ગોરખપુર સદરથી ચૂંટણી લડશે.

ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે કૉંગ્રેસે 41 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે ગુરુવારે પોતાના 41 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશમાં પ્રથમ અને બીજા તબક્કાની બેઠકો પર થનાર ચૂંટણી માટે આ ઉમેદવાર જાહેર કરાયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો