ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી : દિલ્હીની ગાદી મેળવવા માટે ઉત્તર પ્રદેશ જીતવું જરૂરી કેમ છે?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કહેવાય છે કે મોટા ઉદ્યોગો અને રોજગારીના અભાવના કારણે રાજનીતિ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો ઉદ્યોગ છે.

એ ઉત્તર પ્રદેશ જ છે જ્યાં વિધાનસભામાં ધારાસભ્યોએ માઇકનો પથ્થરની જેમ ઉપયોગ કર્યો છે, જ્યાં અડધી રાત્રે એક મુખ્ય મંત્રીની સોગંદવિધિ થઈ હતી જેઓ માત્ર એક દિવસ સત્તા પર રહ્યા.

ઉત્તર પ્રદેશની ધરતી પર જ રાષ્ટ્રીય પક્ષો લગભગ બે દાયકા સુધી હાંસિયામાં જતા રહ્યા.

ભારતમાં ગઠબંધનનો પહેલો પ્રયોગ પણ ઉત્તર પ્રદેશની ધરતી પર કરાયો હતો.

એક જૂની રાજકીય કહેવત છે કે રાયસીના હિલ્સનો રસ્તો લખનૌ થઈને જાય છે. સાઉથ બ્લૉકમાં જે 14 પુરુષો અને એક મહિલાએ વડા પ્રધાન તરીકે કામ કર્યું એમાંના 8 ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે.

જો તમે આમાં નરેન્દ્ર મોદીને પણ ગણી લો તો આ સંખ્યા 9 થઈ જાય છે. આ સૂચિમાં નરેન્દ્ર મોદીને પણ સામેલ કરવા પાછળનો તર્ક એ છે કે તેઓ વારાણસીથી ચૂંટાઈને લોકસભામાં ગયા છે.

તેઓ સરળતાથી ગુજરાતમાંથી ચૂંટાઈને લોકસભામાં પહોંચી શકે એમ હતા પરંતુ એમને પણ અંદાજ હતો કે ભારતના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું જેટલું સાંકેતિક મહત્ત્વ છે એટલું કદાચ બીજા એક પણ રાજ્યનું નથી.

દેશની સૌથી મોટી વિધાનસભા અને લોકસભામાં 80 સાંસદ મોકલનારું રાજ્ય

ભારતની વસ્તીનો સાતમો ભાગ આ રાજ્યમાં રહે છે, એટલું જ નહીં, જો એ એક અલગ દેશ હોત તો વસ્તીની સંખ્યાની દૃષ્ટિએ ચીન, ભારત, અમેરિકા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ પછી દુનિયામાં એ છઠ્ઠા નંબરે હોત.

પરંતુ વાત માત્ર વસ્તીની જ નથી.

જાણીતા કૉલમનિસ્ટ અને ઇન્ડિયન ઍક્સપ્રેસના પૂર્વ સંપાદક સઈદ નકવીએ જણાવ્યું કે, "ત્રિવેણી, ઉત્તર પ્રદેશમાં; કાશી, ઉત્તર પ્રદેશમાં; મથુરા, અયોધ્યા અને ગંગા અને યમુના, ઉત્તરપ્રદેશમાં. એક રીતે ઉત્તર પ્રદેશની ધરતી પ્રિ–ઇસ્લામિક સંસ્કૃતિનો ગઢ રહી છે."

"આ રીતે એને ભારતની રાજસત્તાનું મેલ્ટિંગ પૉટ કે સૅલેડ બાઉલ (સલાડની વાટકી) કહી શકીએ છીએ. મહત્ત્વનું એ નથી કે અહીંથી 80 સભ્યો સંસદમાં જાય છે, મહત્ત્વનું એ છે કે 5,000 વર્ષ જૂના આ દેશની આ ભૂમિ એક ‘સિવિલાઇઝેશનલ ડેપ્થ’ અર્થાત્ સભ્યતાગત ઊંડાણ પ્રદાન કરે છે."

પડોશી રાજ્યોના રાજકારણને અસર કરે છે ઉત્તર પ્રદેશનું રાજકારણ

હિન્દી હાર્ટલૅન્ડનું કેન્દ્રબિંદુ હોવાના કારણે એનાં ચૂંટણીપરિણામો એનાં પડોશી રાજ્યોને પણ અસર કરે છે.

ગોવિન્દવલ્લભ પંત સામાજિક સંસ્થાનના પ્રોફેસર બદરીનારાયણે ઉત્તર પ્રદેશના પ્રતીકાત્મક મહત્ત્વ તરફ ઇશારો કરતાં જણાવ્યું કે, "એક તો લોકશાહીમાં આંકડાનું ખૂબ મહત્ત્વ હોય છે. બીજું, એનું પ્રતીકાત્મક મહત્ત્વ પણ છે, કેમ કે, અહીંથી સતત વડા પ્રધાન બનતા રહ્યા છે. હિન્દી ક્ષેત્ર હોવાના કારણે માત્ર 80 સીટ જ નહીં, બલકે આસપાસનાં રાજ્યો જેવાં કે બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજકારણને પણ અસર કરે છે."

"ત્રીજું, યુપીમાં જે પ્રાદેશિક પક્ષોનું રાજકારણ છે, એના મોટા અગ્રણીઓ મુલાયમસિંહ યાદવ અને માયાવતીનું પણ આ ક્ષેત્ર છે, જેથી વિપક્ષના રાજકારણમાં પણ ઉત્તર પ્રદેશની દખલ સ્પષ્ટ દેખાતી હોય છે."

ભાજપને સૌથી વધારે શક્તિ ઉત્તરપ્રદેશમાંથી મળી

1989 સુધી જે જે પક્ષોએ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે બેઠકો જીતી એણે કેન્દ્રમાં સરકાર બનાવી. આ પરંપરાને 1991માં નરસિમ્હા રાવે તોડી, જેઓ ઉત્તર પ્રદેશમાં 84માંથી માત્ર 5 બેઠકો જીતી શકેલા, તેમ છતાં તેઓ દેશના વડા પ્રધાન બન્યા.

ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં ઉત્તર પ્રદેશ હંમેશાં આધારસ્તંભ રહ્યો છે.

રામમંદિરના સમગ્ર આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના રાજકારણમાં એનો દબદબો રહ્યો. 1991, 1996 અને 1998ની લોકસભાની સતત ત્રણ ચૂંટણીમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 50થી વધારે બેઠકો પર જીત મેળવી.

પરિણામ એ આવ્યું કે, 1996 અને 1998માં એને કેન્દ્રમાં સરકાર બનાવવાની તક મળી. 1998ની ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં માત્ર 29 સીટ જીતી શકી પરંતુ પોતોના સહયોગી પક્ષોના સારા દેખાવને કારણે એણે કેન્દ્રમાં સરકાર બનાવી, અને એણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો.

2004 અને 2009ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના સામાન્ય દેખાવનું પરિણામ એ આવ્યું કે એ સત્તાની દોડમાં કૉંગ્રેસ કરતાં ઘણી પાછળ રહી ગઈ.

2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં, ફરી એક વાર શાનદાર પ્રદર્શનના કારણે ભાજપની જોરદાર જીતની ગાથા લખાઈ.

સત્તાધારી પક્ષને 2007થી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મળી રહી છે સંપૂર્ણ બહુમતી

ઉત્તર પ્રદેશની વિધાનસભામાં 403 સભ્ય છે અને એ દેશની સૌથી મોટી વિધાનસભા છે. લગભગ બે દાયકા સુધી ત્રિશંકુ વિધાનસભા રચાયા પછી આ પરંપરા 2007માં ત્યારે તૂટી જ્યારે પ્રદેશની જનતાએ પહેલી વાર બહુજન સમાજ પાર્ટીને પૂર્ણ બહુમત આપ્યો.

પછી 2013ની વિધાનસભાની ચૂંટણીમાં એણે સત્તાનાં સૂત્રો સમાજવાદી પાર્ટીના હાથમાં સોંપી દીધાં, જ્યારે 2017માં હાંસિયામાં જતી રહેલી ભારતીય જનતા પાર્ટીએ ત્રણ ચતુર્થાંશ મત મેળવ્યા હતા.

ભાજપની આ જીતનું પરિણામ એ આવ્યું કે વરસો સુધી એકબીજાનો સખત વિરોધ કરનારી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણી ગઠબંધન કરીને લડવાનો નિર્ણય કર્યો. એ જુદી વાત છે કે એમને આ અભિયાનમાં સફળતા ન મળી.

ઉત્તર પ્રદેશમાંથી આવ્યાં કેટલાંક રસપ્રદ ચૂંટણીસૂત્રો

ઉત્તર પ્રદેશની ધરતી પરથી ઘણાં ચૂંટણીસૂત્રો અસ્તિત્વમાં આવ્યાં છે.

90ના દાયકામાં ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચારમાં ત્રણ શબ્દના સૂત્રોચ્ચાર 'રોટી, કપડાં ઔર મકાન'ની બોલબાલા હતી. 21મી સદીના પહેલા દાયકામાં એ સૂત્રોચ્ચાર બદલાઈને 'બિજલી, સડક, પાની' થઈ ગયો.

આગળના દાયકાનો સૂત્રોચ્ચાર હતો, 'શિક્ષા, વિજ્ઞાન, વિકાસ'.

2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચારની કામગીરી સંભાળી ત્યારે એમણે નવું સૂત્ર આપ્યું, 'પઢાઈ, કમાઈ, દવાઈ'.

સૂત્રોની જ વાત ચાલે છે તો બહુજન સમાજ પાર્ટીએ બનાવેલું સૂત્ર ખૂબ રસપ્રદ હતું, 'હાથી નહીં ગણેશ હૈ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હૈ'. આ એ જમાનાની વાત છે જ્યારે માયાવતી બ્રાહ્મણોને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરતાં હતાં.

એનાં પાંચ વર્ષ પછી સમાજવાદી પાર્ટીએ પણ એક કૅચી સૂત્ર આપ્યું હતું, 'અખિલેશ કા જલવા કાયમ હૈ, ઉસકા બાપ મુલાયમ હૈ.'

1967માં બની પહેલી વિપક્ષની સરકાર

1951માં થયેલી પહેલી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ 347 બેઠકો હતી. એમાં 83 બેઠકો એવી હતી કે જેના પર બે ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના પહેલા મુખ્યમંત્રી ગોવિન્દવલ્લભ પંત હતા. એમના પછી સંપૂર્ણાનંદ, ચંદ્રભાનુ ગુપ્તા અને સુચેતા કૃપલાનીએ રાજ્યની જવાબદારી સંભાળી હતી.

1967ની ચૂંટણી એવી પહેલી ચૂંટણી હતી જેમાં કૉંગ્રેસ પહેલી વાર પૂર્ણ બહુમત પ્રાપ્ત નહોતી કરી શકી અને એને માત્ર 199 સીટ જ મળી હતી.

ચરણસિંહે કૉંગ્રેસને રાજીનામું આપીને નવી પાર્ટી ભારતીય ક્રાંતિ દળ બનાવી અને સમાજવાદીઓ તથા ભારતીય જનસંઘના સહયોગથી ઉત્તર પ્રદેશમાં પહેલા બિન-કૉંગ્રેસી મુખ્ય મંત્રી બન્યા.

કૉંગ્રેસી નેતાઓમાં મુખ્ય મંત્રીપદની 'સંગીત-ખુરશી'

ત્યાર પછી પ્રદેશમાં રાજકીય અનિશ્ચિતતાનો દોર આવ્યો.

પહેલાં સી.બી. ગુપ્તા મુખ્યમંત્રી બન્યા. એમના પછી ચરણસિંહ ફરીથી આવ્યા. કૉંગ્રેસના વિભાજન બાદ સત્તા કમલાપતિ ત્રિપાઠીના હાથમાં આવી પરંતુ રાજ્યમાં પીએસીના વિદ્રાહના કારણે એમણે પણ રાજીનામું આપવું પડ્યું.

1974માં કૉંગ્રેસ મુશ્કેલીથી વિધાનસભાની ચૂંટણી જીતી અને હેમવતીનંદન બહુગુણા રાજ્યનાં મુખ્ય મંત્રી બન્યાં પરંતુ ઇન્દિરા ગાંધી સાથેના ખટરાગને કારણે એમણે રાજીનામું આપવું પડ્યું, અને ત્યાર પછી નારાયણદત્ત તિવારી રાજ્યના મુખ્ય મંત્રી બન્યા.

1977માં જનતા પાર્ટી સત્તામાં આવી કે તરત વડા પ્રધાન મોરારજી દેસાઈએ કૉંગ્રેસ સરકારને બરખાસ્ત કરી દીધી. પહેલાં રામનરેશ યાદવ અને પછી બનારસી દાસ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

1984 પછી ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ એક પણ ચૂંટણી નથી જીતી

1978માં યોજાયેલી આઝમગઢ લોકસભા પેટાચૂંટણીએ પહેલાં ચિકમંગલૂરથી અને પછી 1980ની લોકસભા ચૂંટણીએ ઇન્દિરા ગાંધીના પાછા આવવાનો માર્ગ સરળ કરી દીધો હતો.

1980માં વિશ્વનાથ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. જ્યારે ડાકુઓએ એમના ભાઈ ન્યાયાધીશ ચંદ્રશેખર પ્રતાપ સિંહની હત્યા કરી નાખી ત્યારે એમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. એમના પછી વિધાનસભાના અધ્યક્ષ શ્રીપતિ મિશ્રા અને પછી નારાયણદત્ત તિવારી રાજ્યના મુખ્ય મંત્રી બન્યા.

ચૂંટણી જીત્યા હોવા છતાં 1985માં રાજીવ ગાંધીએ વીર બહાદુરસિંહને રાજ્યના મુખ્ય મંત્રી બનાવી દીધા. ત્યાર બાદ કૉંગ્રેસ લગભગ 33 વર્ષોથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં સતત હાંસિયામાં જતી રહી છે.

છેલ્લે 1984માં તેઓ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીત્યા હતા. મંડલ અને મંદિર બે સમાન્તર આંદોલનોએ ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસના કાંગરા હલબલાવી દીધા હતા.

મુલાયમસિંહ યાદવે કાંશીરામ સાથે જોડાણ કર્યું

1989માં જ્યારે જનતા દળે મુખ્ય મંત્રીના પદ માટે અજિતસિંહ કરતાં મુલાયમસિંહને વધારે શ્રેષ્ઠ ગણ્યા ત્યારથી મુલાયમસિંહ યાદવનો સમય શરૂ થયો.

એમણે ભાજપના બહારના ટેકાથી સરકાર બનાવી પરંતુ જ્યારે લાલુ યાદવે રથયાત્રા દરમિયાન લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી ત્યારે ભાજપે કેન્દ્રની વી.પી. સિંહ સરકાર અને મુલાયમસિંહ સરકાર બંનેને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું.

એમણે કોઈક રીતે કૉંગ્રેસનો સહયોગ મેળવીને પોતાની સરકાર બચાવી લીધી પરંતુ જ્યારે કૉંગ્રેસની સરકારે કેન્દ્રની ચંદ્રશેખર સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું ત્યારે એમની સરકાર પણ ગઈ.

ત્યાર બાદ ભાજપે માયાવતીને સમર્થન આપીને એમના મુખ્ય મંત્રી બનવાના માર્ગને મોકળો કરી આપ્યો.

ઈ.સ. 1996માં ભજપ ફરી એક વાર પૂર્ણ બહુમત મેળવવામાં સફળ થયો. એણે માયાવતી સાથે સમજૂતી કરી, જેમાં પહેલાં અઢી વર્ષ માયાવતી મુખ્ય મંત્રી બન્યાં પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વારો આવ્યો તો બહુજન સમાજ પાર્ટીએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું.

2017થી ભારતીય જનતા પાર્ટી પુનઃ સત્તા પર

2007માં માયાવતી અને 2012માં સમાજવાદી પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો હતો. 2017ની ચૂંટણીમાં ફરી એક વાર ભાજપનો ડંકો વાગ્યો અને એણે 312 સીટો જીતી. આ જીતે જ 2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતનો રસ્તો પ્રશસ્ત કર્યો.

આગામી મહિને સાત ચરણોમાં થનારી વિધાનસભાની ચૂંટણી નક્કી કરશે કે ઉત્તર પ્રદેશમાં કઈ પાર્ટીનું રાજ હશે, બલકે, આ ચૂંટણી દ્વારા એવા સંકેત મળશે કે 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં દિલ્લીની સત્તા પર ફરીથી નરેન્દ્ર મોદીનો કબજો આસાન હશે કે નહીં.

એટલું જ નહીં, આ ચૂંટણી એ પણ નક્કી કરશે કે આગામી થોડા દિવસોમાં રાજ્યસભાનું સ્વરૂપ કેવું હશે, અને જુલાઈ 2022માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પોતાને ગમતા ઉમદવારને રાષ્ટ્રપતિભવનમાં મોકલી શકશે કે નહીં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો