અરવિંદ કેજરીવાલ રામનામના સહારે શું હાંસલ કરવા માગે છે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે અયોધ્યાની બે-દિવસીય યાત્રા દરમિયાન ગત મંગળવારે હનુમાનગઢી અને 'રામલલ્લા'નાં દર્શન કર્યાં હતાં.

ત્યાર બાદ તેમણે એલાન કર્યું કે બુધવારથી દિલ્લીના ઘરડા નાગરિકો મફતમાં અયોધ્યાની યાત્રા કરી શકશે.

તેમના આ નિવેદન પછી ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કેજરીવાલની આકરી ટીકા કરી હતી.

તેમણે કહ્યું કે, "(અરવિંદ કેજરીવાલ) પહેલાં ભગવાન રામને ગાળો દેતા હતા, પણ આજે જ્યારે લાગે છે કે હવે રામ વગર નાવ પાર નહીં થાય તો અયોધ્યામાં રામજન્મભૂમિનાં દર્શન કરવા આવી રહ્યા છે."

યોગી આદિત્યનાથની સાથોસાથ કૉંગ્રેસી નેતા રાશિદ અલ્વી પણ અરવિંદ કેજરીવાલની અયોધ્યા-યાત્રા પર ટિપ્પણી કરી ચૂક્યા છે.

જોકે, રાશિદ અલ્વીએ આ માટે ભાજપને જવાબદાર ગણાવતાં કહ્યું છે કે, "ભાજપે રાજનીતિને ધર્મ સાથે જોડીને અન્ય પાર્ટીઓના નેતાઓને ધાર્મિક સ્થળોએ જવા માટે મજબૂર કરી દીધા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં બધી પાર્ટી લોકો સુધી એક સંદેશો પહોંચાડવા ઇચ્છે છે."

પણ સવાલ એ છે કે, અરવિંદ કેજરીવાલ અયોધ્યા ગયા એમાં એમની રાજકીય મજબૂરી છે કે આમ આદમી પાર્ટીની સમજદારીપૂર્ણ વિચારેલી ચૂંટણીની રણનીતિનો એક ભાગ છે.

'આપ'ની મજબૂરી કે ચૂંટણીની રણનીતિ?

આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અયોધ્યાની મુલાકાત લીધી છે.

આ મુલાકાત દરમિયાન તેમણે સરયુ નદીની આરતી લઈને હનુમાનગઢીમાં બજરંગબલી અને રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં.

આની પહેલાં આપના નેતા સંજયસિંહ અને મનીષ સિસોદિયા પણ અયોધ્યામાં પ્રેસ-કૉન્ફરન્સ કરવા સાથે તિરંગાયાત્રા યોજી ચૂક્યા છે. રામજન્મભૂમિ ટ્રસ્ટની જમીન ખરીદ-વેચાણના વિવાદમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપ સામે સીધો મારચો માંડ્યો હતો.

આમ આદમી પાર્ટીના આ વલણને ચૂંટણીની એક ચાલ ગણાવીને બીજેપી વારંવાર એની ટીકા કરતી રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી એમ કહે છે કે રામના નામ પર કોઈની પેટન્ટ (એકાધિકાર) નથી.

પણ સવાલ એ ઊભો થાય છે કે શું આ આમ આદમી પાર્ટીની રાજકીય મજબૂરી છે કે એક સમજપૂર્વક વિચારેલી ચૂંટણી રણનીતિ.

સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના નિર્દેશક સંજયકુમાર માને છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની રણનીતિ સ્પષ્ટ છે.

તેઓ જણાવે છે, "આમ આદમી પાર્ટીની રણનીતિ બિલકુલ સ્પષ્ટ છે. રણનીતિ એ છે કે ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ વોટ મેળવવા માટેની જબરજસ્ત પ્રતિસ્પર્ધા. એ માટે સમાજવાદી પાર્ટી છે, બીએસપી છે, કૉંગ્રેસ છે અને ઓવૈસીજીની પાર્ટી છે. આ બધા વચ્ચે મુસ્લિમ મતો મેળવવા માટે સ્પર્ધા થશે."

એમાં આમ આદમી પાર્ટી માટે આ કંઈ સમજદારીભર્યું પગલું નહીં હોય કે તેઓ પણ મુસ્લિમ મતો મેળવવા માટે રણનીતિ બનાવે. એવામાં એમણે હિન્દુ મતદાતાઓને લલચાવવાની રણનીતિ બનાવી છે. એ માટે જે કંઈ કરવામાં આવી રહ્યું છે તે આપણી સામે છે; સરયુ નદીએ જઈને આરતી કરવી, અયોધ્યા જવું, તિરંગાયાત્રા યોજવી વગેરે.

આમ આદમી પાર્ટી દ્વારા એવો સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અમે પણ કદાચ એટલી મોટી હિન્દુવાદી પાર્ટી છીએ જેવી ભાજપ હોઈ શકે છે. એવામાં એક વિકલ્પ તરીકે ઊભરવાની કોશિશ કરાય છે.

'રામનામ'ની જરૂરિયાત કેમ?

ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અરવિંદ કેજરીવાલની અયોધ્યાયાત્રા વિશે ટિપ્પણી કરતાં કહ્યું છે કે, "પહેલાં ભગવાન રામને ગાળો દેતા હતા પણ આજે જ્યારે લાગે છે કે હવે રામ વગર નાવ પાર નહીં થાય તો અયોધ્યામાં રામ જન્મભૂમિનાં દર્શન કરવા આવી રહ્યા છે."

એમની આ ટિપ્પણી પર વળતો પ્રહાર કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "આજે મેં એલાન કર્યું છે કે કાલથી દિલ્લીના લોકોને અયોધ્યાની તીર્થયાત્રા ફ્રી (નિઃશુલ્ક) કરાવીશું. પછી એને યુપીમાં પણ અમલી કરીશું. આ યોજનાથી કરોડો લોકો પ્રભુનાં દર્શન કરી શકશે. યોગીજી, આમાં તમને વાંધો કેમ છે?"

પણ સવાલ એ છે કે વીજળી, પાણી અને સ્કૂલના મુદ્દા પર ચૂંટણી લડનારી અને જીતનારી આમ આદમી પાર્ટીને રામના નામની જરૂર કેમ પડી?

સંજયકુમાર જણાવે છે કે, "આમ આદમી પાર્ટીના ગવર્નન્સ મૉડલની એક સીમિત અપીલ છે. જેવી તેઓ પોતાના ગવર્નન્સ મૉડલની વાત કરશે કે અમે દિલ્લીની સ્કૂલો અને હૉસ્પિટલોમાં ઘણો બધો સુધારો કર્યો છે, તો એની એક મર્યાદિત વૅલ્યૂ છે. એનાથી તેઓ બીજાં રાજ્યોના મતદાતાઓને લલચાવી નહીં શકે."

"લોકો જાણે છે કે દિલ્લી એક નાનકડું રાજ્ય છે અને ત્યાં આવું બધું કરી શકાય એમ છે. પણ યુપી એટલું મોટું રાજ્ય છે અથવા બીજા કોઈ પણ રાજ્યની સરખામણી કરીએ તો લોકો એ સમજે છે કે આટલા મોટા રાજ્યમાં એ બધું કરવું સંભવ નથી."

આને જોતાં જો આમ આદમી પાર્ટી માત્ર ગવર્નન્સના મુદ્દે પ્રચારનો પ્રયાસ કરશે અને મતદાતાઓને લલચાવવાની કોશિશ કરશે તો એમાં તે સફળ થતી દેખાતી નથી. એટલા માટે તેમને ગવર્નન્સ પ્લસની જરૂર છે. અને આ જે પ્લસ છે, તે એટલું મોટું પ્લસ ચિહ્ન છે કે જેનાથી હિન્દુ મતદાતાઓને લલચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અને એમ કહેવાય છે કે તમે બીજી પાર્ટીઓ પર તો આરોપ મૂકી શકો છો કે તેઓ મુસ્લિમ તુષ્ટીકરણ કરે છે, પણ અમારી પાર્ટી એવી નથી. તમે જુઓ, અમારા નેતા બધાં હિન્દુ પ્રતીકોની સાથે છે. તેઓ પૂજા પણ કરે છે અને મંદિરે પણ જાય છે.

એમાં આ ભળતું-મળતું સંયોજન છે, કેમ કે, એકલા વિકાસનું મૉડલ પૂરેપૂરું સફળ થાય એમ નથી લાગતું, તેથી આ કૉમ્બિનેશનમાં વિકાસનું મૉડલ અને હિન્દુત્વ બંનેનો સહારો લેવાઈ રહ્યો છે.

ભાજપથી નિરાશ થયેલાના વોટ મેળવવાની કોશિશ?

ઉત્તરપ્રદેશમાં આમ આદમી પાર્ટીના નેતાઓનાં નિવેદનો અને ચૂંટણીપ્રચારસામગ્રી પર નજર નાખીએ તો તેઓ સ્કૂલથી માંડીને વીજળી, પાણી, ગુનાખોરી જેવા મહત્ત્વના મુદ્દા પર સરકારને ઘેરતા નજરે પડે છે.

મનીષ ગુપ્તા હત્યાકાંડથી લઈને આગ્રામાં સફાઈ કર્મચારીના મૃત્યુ જેવા મામલાને સંજયસિંહે જોરશોરથી ગજાવ્યા છે.

પણ સવાલ એ થાય છે કે શું આમ આદમી પાર્ટી ગવર્નન્સના મુદ્દે સરકારને ઘેરતાં રહીને ભાજપથી નિરાશ થયેલા મતદાતાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માગે છે?

ઉત્તરપ્રદેશની રાજનીતિને ઊંડાણથી સમજનારા વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન માને છે કે આમ આદમી પાર્ટી પોતાને એક પૅકેજના રૂપે પ્રસ્તુત કરી રહી છે.

તેઓ જણાવે છે કે, "મફત વીજળી-પાણીની વાત કરવા સાથે આમ આદમી પાર્ટી હિન્દુ પ્રતીકો સાથે જોવા મળે છે. એ રીતે એ પોતાને એક પૅકેજરૂપે પ્રસ્તુત કરી રહી છે, જેમાં એ બધી બાબતોનો સમાવેશ કરાયો છે જે તેમણે દિલ્લીમાં અમલમાં મૂકી છે અને હિન્દુ ધર્મ માટેનો સહજતા અને સ્વીકૃતિનો ભાવ પણ છે."

કેમ કે ઉત્તરપ્રદેશમાં એવો એક મોટો વર્ગ છે જે બીજેપીનો મતદાતા તો છે, પણ ભાજપનો વિકલ્પ નહીં હોવાને કારણે મત આપે છે. આ વર્ગ ગળામાં ભગવો ખેસ નાખેલા યુવાનોની ટોળીઓ, લિંચિંગ અને અતિવાદને પસંદ નથી કરતો.

આ વર્ગની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાણી, આસાનીથી સરકારી નોકરીમાં હોવું અને હિન્દુ સભ્યતા તથા સંસ્કૃતિ તરફ સ્વીકૃતિના ભાવની અભિલાષા છે. આ કારણે, આમ આદમી પાર્ટી આ વર્ગ સુધી પહોંચી શકે એમ છે.

શું કટ્ટર હિન્દુત્વ પ્રતિ ગતિ કરી રહી છે 'આપ'?

સરળ સહજ રીતે રામરાજ્યની વાત કરનારી આમ આદમી પાર્ટી ક્યારેક ક્યારેક કેટલાક મુદ્દા પર આકરું વલણ અપનાવતી પણ જોવા મળે છે.

એની ઝલક મનીષ સિસોદિયાના એ બયાનમાં જોવા મળે છે જે એમણે ગુજરાતમાં સુરતમાં ચૂંટણીપ્રચાર સમયે કરેલું.

મનીષ સિસોદિયાએ મંગોલપુરીના રિંકુ શર્મા હત્યાકાંડના મુદ્દે અમિત શાહને ઘેરી લેતાં કહ્યું હતું કે, "એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ દેશમાં જય શ્રીરામ બોલવાના મુદ્દે કોઈની હત્યા કરી દેવાય છે."

કંઈક આવાં જ નિવેદનો હિન્દુવાદી સંગઠનો અને ભાજપ તરફથી થયાં હતાં. દિલ્લી પોલીસે સ્પષ્ટ રૂપે કહેલું કે આ સાંપ્રદાયિક મામલો નથી તેમ છતાં મંગોલપુરીના જે મહોલ્લામાં રિંકુ શર્માનો પરિવાર રહેતો હતો ત્યાં પણ આ પ્રકારનાં પોસ્ટર લગાડ્યાં હતાં.

આ બધું જોતાં સવાલ એ થાય કે, શું આમ આદમી પાર્ટી ચૂંટણીની જરૂરિયાતના આધારે કટ્ટર હિન્દુત્વનો સહારો લઈ શકે છે?

આમ આદમી પાર્ટીની રાજનીતિની લાંબા સમયથી નોંધ લઈ રહેલા વરિષ્ઠ પત્રકાર અભય દુબે માને છે કે આમ આદમી પાર્ટી અને ભાજપને એક જ દૃષ્ટિકોણથી જોવી એ બરાબર નથી.

તેઓ જણાવે છે કે, "આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના વર્ચસ્વને પડકારવા માગે છે અને એવું કરવા માટે કેટલીક ખાસ યુક્તિઓ છે જેને એ અપનાવી રહી છે."

હાલની રાજનીતિમાં જે આધ્યાત્મિક અને ધાર્મિક કહેવત છે, એ કહેવતને 'આપ' સેક્યુલર રીતે ઉપયોગમાં લેવા માગે છે. ગાંધીજીથી માંડીને લોહિયા સુધીના સૌ રામરાજ્યની ચર્ચા કરતા હતા. ભાજપના રામ અલ્પસંખ્યક-વિરોધી રામ છે. બાકીની પાર્ટીઓના રામ અલ્પસંખ્યક-વિરોધી રામ નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો