આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા મોરચાના નિષ્ફળ ઇતિહાસ કરતાં કઈ રીતે અલગ પડે છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગાંધીનગર સુધરાઈની ચૂંટણી હાલમાં જ યોજાઈ ગઈ. 44 બેઠકોવાળી આ સુધરાઈમાં આમ આદમી પાર્ટી(આપ)એ 40 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જેમાંથી તેમના માત્ર એક ઉમેદવાર તુષાર પરીખ વિજેતા થયા હતા. આ સિવાયનાં તમામ ઉમેદવાર હાર્યાં હતા. આમ છતાં પણ આપ ચર્ચાનું કેન્દ્ર કેમ બની ગઈ?

ગાંધીનગરની ચૂંટણી પછી આગળની રણનીતિ માટે અરવિંદ કેજરીવાલના અધ્યક્ષપદે આમ આદમી પાર્ટીની ગુજરાતની ટીમની પણ બેઠક યોજાઈ હતી.

આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ગાંધીનગર સુધરાઈની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 21.7 ટકા મત મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ યોજાયેલી સ્થાનિક ‘સુરત સુધરાઈ’ની ચૂંટણીમાં આપે 27 બેઠકો જીતીને વિપક્ષનું સ્થાન મેળવ્યું છે.

2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને કૉંગ્રેસ તથા ભાજપે આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લેવી પડશે એવું નિષ્ણાતો માને છે.

રાજકારણના અભ્યાસુ અમદાવાદનાં હસમુખ પટેલ માને છે કે, “ગાંધીનગરની ચૂંટણીમાં આપને 21.7 ટકા મત મળ્યા પછી 2022ની ચૂંટણીમાં તેમનો આત્મવિશ્વાસ વધશે. તેઓ દસેક બેઠકો વિધાનસભા ચૂંટણીમાં લઈ આવે તો નવાઈ નહીં.”

આ જ શક્યતા વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ પણ જુએ છે. તેઓ બીબીસીને કહે છે કે, “ગુજરાતમાં 2022માં હવે ત્રિપાંખીયો જંગ રચાશે. ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને અવગણી શકાશે નહીં. છેલ્લી ઘડી સુધી કોને મત આપવો એ નક્કી ન કરી શકતાં કે ઉછળકૂદ કરતાં મતદારોના મત આમ આદમી પાર્ટીને મળ્યા છે એવું ગાંધીનગરમાં આપને મળેલાં મતની ટકાવારી જોતાં કહી શકાય છે.”

“ગુજરાતમાં કેશુભાઈ કે શંકરસિંહ વાઘેલાએ રચેલી ત્રીજી પાર્ટીઓ 8થી 12 ટકાથી વધુ મતો મેળવી શકી નહોતી. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ 21.7 ટકા જેટલા મત મેળવ્યા છે. જ્યારે કોઈ પાર્ટી 20 ટકા કરતાં વધુ મત લઈને આવે તો એની હાજરીને અવગણી ન શકાય. તેને માત્ર વોટ કાપનાર પક્ષ તરીકે ન જોઈ શકાય. એને ગંભીર વિકલ્પ તરીકે વિચારવો પડે. પ્રત્યક્ષ રીતે ભલે એવું દેખાય કે કૉંગ્રેસને નુકસાન કરે છે, પણ એ ભાજપના મત પણ આંચકી શકે છે.”

ગાંધીનગરમાં માત્ર એક બેઠક મળી છતાં આપ કેમ ચર્ચામાં છે?

હસમુખ પટેલ આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી કામ કરે છે. તેઓ કહે છે કે, “જ્યાં કૉંગ્રેસનું જ વર્ચસ્વ રહ્યું છે એવા ગુજરાતનાં કેટલાંક આદિવાસી પટ્ટામાં પણ આમ આદમી પાર્ટીની ચર્ચા છે. તેમની મહેનત હશે તો ત્યાં પણ લાભ મળી શકશે.”

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરનાં લોકો પણ કહેતા હતા કે સુધરાઈની ચૂંટણીમાં કૉંગ્રેસ કરતાં આપ પ્રચારમાં આગળ હતું.

દિલીપ ગોહિલ કહે છે કે, “2022ની વિધાનસભા ચૂંટણીમાં જો ત્રિપાંખીયો જંગ થાય તો ત્રણેય પાર્ટીઓએ ત્રીસ-ત્રીસ ટકાનું ગણિત મેળવવાનું રહે છે. એમાં જે પાર્ટી 31- 32 ટકા મત મેળવી લે તો એનું પલ્લું ભારે બની જતું હોય છે. મને લાગે છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ થશે.”

“ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજવાદી પાર્ટી વર્ષોથી વીસ બાવીસ ટકાની આસપાસ મત મેળવતી આવી છે અને એનું ખૂબ મહત્વ રહ્યું છે. વીસ ટકાનો પાયો હોય અને પાર્ટી પાંચ સાત ટકા વધુ મત મેળવે તો બેઠકો પણ મળવા માંડે છે.”

“ગાંધીનગર સુધરાઈમાં 21.7 ટકા મત મેળવનાર આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં 28-29 ટકા મત લઈ આવે તો બીજેપીને નુકસાન કરી શકે, નહીંતર ભાજપને ફાયદો જ થશે. ભાજપ શહેરોમાં જ મજબૂત છે અને આપ શહેરોની જ પાર્ટી છે તેથી આ સંજોગોમાં ભાજપની બેઠક ઘટી શકે.”

“ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોરચા તરીકે નહીં પણ વિકલ્પ તરીકે સામે આવી છે

પરંપરાગત રીતે ગુજરાતમાં ચૂંટણીજંગ બે પક્ષ વચ્ચે જ રહ્યા છે. ગુજરાતમાં કોઈ ત્રીજી પાર્ટી ઊભી થઈ હોય તો જનતાએ જાકારો આપ્યો છે.

આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં જો આગળ આવી રહી હોય તો ભૂતકાળની અન્ય પાર્ટીઓ કરતાં કઈ રીતે અલગ પડે છે?

આ સવાલનાં જવાબમાં અંગ્રેજી સામયિક ‘ધ વીક’નાં ગુજરાતના સંવાદદાતા નંદિની ઓઝાએ બીબીસીને જણાવ્યું કે, “અત્યાર સુધી ગુજરાતમાં જે કોઈ ત્રીજી પાર્ટીઓ રચાઈ છે એ મુખ્ય પક્ષમાંથી અસંતુષ્ટ નેતાઓએ રચેલી પાર્ટી હતી. જ્યારે કે આમ આદમી પાર્ટી એક સ્વતંત્ર પાર્ટી તરીકે ગુજરાતમાં સામે આવી છે.”

“ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ તેમજ શંકરસિંહ વાઘેલાએ ભૂતકાળમાં રચેલી પાર્ટીઓ અસંતોષ કે બળવારૂપે રચાઈ હતી. કૉંગ્રેસ કે ભાજપમાંથી અલગ થઈને તેમણે રચેલી પાર્ટીઓ મૂળે પ્રતિક્રિયા સ્વરૂપે નિપજેલી પાર્ટીઓ હતી.”

દિલીપ ગોહિલ આ વાતને વધુ સરળ રીતે સમજાવતાં કહે છે કે, “અત્યાર સુધી ગુજરાતમાં ત્રીજી પાર્ટીઓ આવી છે એ ત્રીજા મોરચા તરીકે આવી. મોરચો મંડાવો એ શબ્દમાં જ વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈએ પોતાના પક્ષ સામે કે સ્વાર્થ સાધવા માટે મોરચો માંડ્યો હોય છે. એમાં રાજકીય રીતે વિકલ્પ આપવાને બદલે પોતાના પક્ષમાં અન્યાય થયો હોય એની સામે મોરચો માંડ્યો હોય એવો મુખ્યભાવ રહ્યો હોય છે.“

તેઓ કહે છે “ચીમનભાઈ પટેલે કૉંગ્રેસ અને ઇંદિરા ગાંધીથી છેડો ફાડીને કિમલોપ(કિસાન મજદૂર લોકપક્ષ) બનાવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ ભાજપથી અલગ થઈને રાજપા(રાષ્ટ્રીય જનતા પાર્ટી) રચી હતી. એવી જ રીતે કેશુભાઈએ નરેન્દ્ર મોદી અને ભાજપ સામે ગુજરાત પરિવર્તન પાર્ટી તરીકે મોરચો માંડ્યો હતો. આ તમામમાં ક્યાંય વિકલ્પ આપવાની વાત નહોતી.”

આપનાં યુવા નેતાઓ યુવા મતદારોને આકર્ષી શકશે?

આમ આદમી પાર્ટી પાસે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, સાગર રબારી જેવા યુવા અને નવા નેતાઓ છે.

હસમુખ પટેલ કહે છે કે, “આપનાં મોટા ભાગનાં નેતાઓ કાળા માથાનાં છે. ગુજરાતમાં પચીસ કરતાં વધુ વર્ષથી ભાજપનું સાશન છે. તેથી એક યુવા પેઢી એવી છે જેમણે ભાજપ સિવાયની કોઈની સરકાર જોઈ નથી. એ યુવાનોમાં જે અસંતોષ હોય અને તેઓ મતદાર તરીકે કોઈ વિકલ્પ શોધી રહ્યા હોય તો એનો આપને ફાયદો મળી શકે છે.”

નંદિની ઓઝા એનાથી વિપરીત મત પ્રગટ કરે છે. તેઓ કહે છે કે, “ભાજપ ચૂંટણી ટાણે એવો માહોલ રચી દે છે કે શાસન વિરુદ્ધનો જવર - ઍન્ટિ ઈન્કમ્બન્સી ફૅક્ટર જેવું કશું કળાતું નથી. તેથી એનો કોઈ ફાયદો આપને મળે એવું નથી લાગતું. જો ઍન્ટિ ઇન્કમ્બન્સી ફૅક્ટર બોલકું અને બળૂકું હશે તો એનો ફાયદો કૉંગ્રેસને જ મળશે.”

ચૂંટણી સંગઠન અને નાણાં વગર લડવી અઘરી હોય છે. આમ આદમી સામે આ બે પડકારો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તો ઓછા ખર્ચે લડાઈ જાય પણ વિધાનસભા ચૂંટણીનું ક્ષેત્ર મોટું હોય છે અને દાવ પણ મોટો હોય છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગાંધીનગર સુધરાઈનાં પરિણામ પછી બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું કે, “અમારે હવે માત્ર સંગઠનનો વ્યાપ વધે એના પર કામ કરવાનું છે. દસેક લાખથી વધુ લોકો હાલ અમારી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. મોટી સંખ્યામાં લોકો જોડાય એના પર મહેનત કરી રહ્યા છીએ.”

હસમુખ પટેલ કહે છે કે, “આમ આદમી પાર્ટી પાસે જોશીલા યુવાનો અને પ્રચારનો થનગનાટ તો છે, પણ ચૂંટણીઓ જીતવા માટે પડદા પાછળનાં સમજૂતીનું ગણિત કામ કરતું હોય છે. એ માટેની કોઈ બાહોશ અને અનુભવી વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં હોય એવું વર્તાતું નથી.”

જો અને તોના કાંઠા વચ્ચે વહેતી શક્યતાઓ

2017માં કેટલાંય ઉમેદવારો હરીફ ઉમેદવાર સામે જેટલા ગાળા (માર્જિન)થી જીત્યા હતા એના કરતાં વધુ મત નોટાને મળ્યા હતા. જેમકે, બોટાદમાં ભાજપના સૌરભ પટેલનો 906 વોટથી વિજય થયો. ત્યાં નોટાને 1334 વોટ મળ્યા છે.

ડાંગના મંગળ ગાવિત 786 મતે જીત્યા હતા તો તેનાથી ત્રણ ગણા 2181 મત નોટામાં નોંધાયા હતા. ગોધરામાં ભાજપનાં સી.કે.રાઉલ માત્ર 167 મતે જીત્યા હતા તો નોટાનું બટન 3050 મતદારોએ દબાવ્યું હતું.

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સાડા પાંચ લાખ મતદારોએ નોટા(નન ઓફ ધ અબોવ)નું બટન દબાવ્યું હતું. તેમણે કૉંગ્રેસ – ભાજપ સહિતનાં તમામ ઉમેદવારોને નકાર્યા હતા. 1.8 ટકા મત નોટામાં નોંધાયા હતા.

શું નોટા મતદારો માટે 2022માં આપ પસંદ હોઈ શકે ખરી?

દિલીપ ગોહિલ કહે છે કે, “એવું વિચારી શકાય. પરંતુ નોટાના મતને કારણે પરિણામમાં ફરક નથી પડતો. ગયા વખતનાં નોટા મતદારોનો ફાયદો આમ આદમી પાર્ટીને આ વખતે થાય એવું માનવું થોડું વધારે પડતું રહેશે.”

ચૂંટણી વખતે મેદાનમાં બે પાર્ટી હોય કે એનાથી વધુ પણ અપક્ષ કે અન્યના 3-4 ટકા મત તો રહેવાના જ છે.”

દિલીપ ગોહિલ ઉમેરે છે કે, “ભાજપે ચૂંટણીનું ગણિત તો 2017ના પરિણામમાં તેમને મળેલી 99 બેઠકોના આધારે જ ગણતરી કરવાની રહેશે. પેટાચૂંટણી અને અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને આધારે નહીં રહે.”

“99 બેઠકોમાં મતનાં ઓછા માર્જિનવાળી જે બેઠકો હતી. એમાંનાં 2-5 ટકા મત આમ આદમી પાર્ટી લઈ પણ શકે છે. અત્યારનો માહોલ જોતાં ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ ન મળી હોય એવા નેતા માટે આપ તરફથી પણ લડી શકે છે. તેથી કેટલાંક મહત્વનાં નેતા આપમાં જોડાય એવું પણ બને.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો