You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી સરકાર 'અમર જવાન જ્યોતિ' સાચે જ ઓલવી રહી છે?
દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર પાંચ દાયકાથી પ્રજ્વલિત 'અમર જવાન જ્યોતિ'ને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે મોદી સરકાર ઇતિહાસને બદલવાની કોશિશ કરી રહી છે. તો કેન્દ્ર સરકારે વિપક્ષના આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા.
અમર જવાન જ્યોતિ મુદ્દે ઊભા થયેલા ઊહાપોહની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવામાં આવશે.
તેમણે ટ્વીટમાં લખ્યું, "નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીના અનુસંધાને ઇન્ડિયા ગેટ ખાતે ગ્રેનાઇટની ભવ્ય પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે. આ પ્રયાસ તેમના પ્રત્યે ભારતની કૃતજ્ઞતાના પ્રતીક સમાન હશે."
વધુ એક ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું કે જ્યાં સુધી પ્રતિમાનું કામ પૂર્ણ ન થાય ત્યાર સુધી તે સ્થળે હોલોગ્રાથી બનેલી મૂર્તિ રહેશે, જેનું અનાવરણ તા. 23મી જાન્યુઆરીના નેતાજીની જન્મજયંતી નિમિતે વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે.
વડા પ્રધાને પોતાના ટ્વીટ સાથે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ઇન્ડિયા ગેટ પાસે એક છતરીની નીચે નેતાજીની પ્રતિમા જોવા મળે છે, અગાઉ ત્યાં કશું ન હતું.
અમર જવાન જ્યોતિનો વિવાદ
દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર 'અમર જવાન જ્યોતિ'ને ઓલવીને રાષ્ટ્રીય સમર સ્મારકમાં સામેલ કરવાના ઘણા રિપોર્ટ સામે આવ્યા બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કર્યું, "બહુ દુ:ખની વાત છે કે આપણા વીર જવાનો માટે જે અમર જ્યોતિ પ્રગટતી હતી, તેને ઓલવી નંખાશે. ઘણા લોકો દેશપ્રેમ અને બલિદાન નથી સમજતાં. કોઈ વાત નહીં... અમે અમારા સૈનિકો માટે ફરીથી અમર જવાન જ્યોતિ પ્રગટાવશું."
તેમજ કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ આ વાતને રાષ્ટ્રીય ત્રાસદી ગણાવતાં કહ્યું કે આ ઇતિહાસને ફરી લખવા જેવું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે સમાચાર એજન્સી ANIને કહ્યું, "અમર જવાન જ્યોતિને વૉર મેમોરિયલ ટૉર્ચ સાથે ભેળવવાનો અર્થ છે ઇતિહાસને મિટાવવો. ભાજપે રાષ્ટ્રીય સમર સ્મારક બનાવ્યું છે તેનો અર્થ એ નથી કે તેઓ અમર જવાન જ્યોતિને ઓલવી શકે."
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ ટ્વિટર પર આ અંગે લખ્યું, "આ સરકાર લોકશાહીની પરંપરા અને સ્થાપિત રીતિનું સન્માન કરતી નથી, પછી ભલે તે સંસદમાં હોય કે તેની બહાર. અમર જવાન જ્યોતિને પ્રગટાવ્યાનાં 50 વર્ષ પછી પ્રાપ્ત થયેલી પવિત્રતાને ખૂબ હળવાશથી ખતમ કરાઈ રહી છે. શું બધું 2014 પછી નવેસરથી રિઇન્વેટ થવું જોઈએ?"
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારના આ પગલાની ટીકા કરતાં ટ્વીટ કર્યું હતું કે, "RSS શહીદી વહોરી લેવાને આદર્શ નહીં ભારે ભૂલ ગણે છે. આ છે ગોલવલકરના 'બંચ ઑફ થૉટ્સ'ના કેટલાક અંશો, જે હવે તેમની વેબસાઇટ પરથી દૂર કરાઈ રહ્યા છે. આ એ વાતને રજૂ કરે છે કે કેમ મોદી સરકાર અડધી સદી બાદ આજે અમર જવાન જ્યોતિને ઓલવી રહી છે."
ગુરુવારે એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે શુક્રવારે ઇન્ડિયા ગેટ પર સ્થિત 'અમર જવાન જ્યોતિ' ઓલવીને તેને રાષ્ટ્રીય સમર સ્મારકમાં ભેળવી દેવાશે જે કે ઇન્ડિયા ગેટ પાસે જ છે.
સરકાર અને ભાજપ શું કહે છે?
કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના શહેરીવિકાસમંત્રી કૌશલ કિશોરે અમર જવાન જ્યોતિ અંગે લેવાયેલા નિર્ણયની પુષ્ટિ કરી હતી અને તેને 'યોગ્ય પગલું' ગણાવ્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું, "ઇન્ડિયા ગેટ ખાતે જે અમર જવાન જ્યોતિ પ્રજ્વલિત હતી, તે હવે રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ખાતે ઝળહળતી રહેશે. જ્યાં આઝાદી આંદોલન કે દેશની સુરક્ષા માટે જે કોઈએ પ્રાણ ન્યોચ્છાવર કર્યા હોય તેમના માટે એ જ્યોત પ્રજ્વલિત રહેશે. જ્યારે દેશવાસીઓ ત્યાં જશે અને એમના નામો વાંચશે તો તેમનામાં રાષ્ટ્રભાવના વિકસશે. મને લાગે છે કે આ એક સારું પગલું છે."
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ આ સ્પષ્ટતા કરતા ટ્વીટ કર્યું હતું અને આરોપ મૂક્યો હતો કે અમર જવાન જ્યોતિ મુદ્દે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
તેમણે લખ્યું, "અમર જવાન જ્યોતિને બુજાવવામાં નથી આવી રહી. તેણે રાષ્ટ્રીય યુદ્ધસ્મારકની જ્યોતિમાં ભેળવવામાં આવી રહી છે. એ વાત અટપટી લાગે છે કે અમર જવાન જ્યોતિ વર્ષ 1971 તથા અન્ય યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રજ્વલિત કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી કોઈનાં નામ ત્યાં લખેલાં ન હતાં."
'અમર જવાનજ્યોતિ'નો ઇતિહાસ
1971ના યુદ્ધમાં મૃત્યુ પામેલા જવાનોની યાદમાં અમર જવાન જ્યોતિ સ્થાપિત કરાઈ હતી. 1972ના પ્રજાસત્તાકદિવસે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2019માં રાષ્ટ્રીય સમર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું.
હવે સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું છે કે, "અમર જવાન જ્યોતિ નહીં ઓલવવામાં આવે, કારણ કે 1971 અને અન્ય યુદ્ધોમાં શહીદ થયેલા જવાનોની યાદમાં તેને બનાવવામાં આવી હતી પરંતુ ત્યાં તેમનાં નામ નહોતાં."
"ઇન્ડિયા ગેટ પર એ શહીદોનાં નામ છે જેઓ બ્રિટન માટે પ્રથમ વિશ્વયુદ્ધ અને ઍંગ્લો-અફઘાન યુદ્ધમાં લડ્યા હતા અને તે આપણા કૉલોનિયલ ભૂતકાળનું પ્રતીક છે."
"1971 અને તમામ યુદ્ધોમાં ભારતીય શહીદોનાં નામ રાષ્ટ્રીય સમર સ્મારક પર છે. ત્યાં જ્યોતિ પ્રગટાવવી એ શહીદો માટે સાચી 'શ્રદ્ધાંજલિ' હશે."
બીજી તરફ ભારતીય સેનાના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયાએ (જેઓ જનરલ મિલિટરી ઑપરેશનના ભૂતપૂર્વ ડાયરેક્ટર હતા) ભારત સરકારના આ પગલાને આવકાર્યું હતું.
તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે, "આજે એક મહાન પ્રસંગ છે. ઇન્ડિયા ગેટ ખાતેની અમર જવાન જ્યોતિને નેશનલ વૉર મેમોરિયલ સાથે ભેળવવામાં આવી રહી છે. આ ખૂબ સારો નિર્ણય છે. આ પગલું યોગ્ય સમયે લેવાઈ રહ્યું છે."
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર શુક્રવારે ત્રણ વાગ્યા ને 54 મિનિટે ચીફ ઑફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, ઍર માર્શલ બાલાબદ્ધા રાધાકૃષ્ણ અમર જવાન જ્યોતિને નેશનલ વૉર મેમોરિયલ સાથે ભેળવશે.
આ અહેવાલ અનુસાર આ મર્જરનું મુખ્ય કારણ એ છે કે અમર જવાન જ્યોતિને 1971માં થયેલા ઇન્ડો-પાક યુદ્ધ બાદ ઇન્ડિયા ગેટ ખાતે 1972માં પ્રગટાવાઈ હતી.
અહેવાલ અનુસાર ઇન્ડિયા ગેટ મેમોરિયલ બ્રિટિશ ઇન્ડિયન આર્મીના વર્ષ 1914થી 1921 દરમિયાન વિવિધ યુદ્ધોમાં મૃત્યુ પામેલા શહીદોની યાદમાં બનાવાયેલ હતું. આ યુદ્ધોમાં ફ્રાન્સ, ફ્લેન્ડર્સ, મેસોપોટેમિયા, પર્સિયા, પૂર્વ આફ્રિકા, ગલ્લીપોલી, પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્રીજું અફઘાન યુદ્ધ સામેલ છે.
અહેવાલ અનુસાર અમર જવાન જ્યોતિ જ્યાં અમર શહીદોની યાદનું પ્રતીક છે ત્યાં બીજી બાજુ ઇન્ડિયા ગેટ કૉલોનિયલ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યારે 25 ફેબ્રુઆરી, 2019માં જેનું ઉદ્ઘાટન કરાયું તેવું નેશનલ વૉર મેમોરિયલ સ્વતંત્ર ભારત માટે લડનારા સૈનિકોની યાદમાં બનાવાયેલ સ્મારક છે.
પાકિસ્તાન અને ચીન સાથે થયેલાં યુદ્ધો, ગોવા માટેની લડત, શ્રીલંકા ખાતેના ઑપરેશન પવન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું ઑપરેશન રક્ષકમાં મૃત્યુ પામેલા સશસ્ત્રદળોના જવાનોનાં નામ સુવર્ણઅક્ષરે અંકિત છે.
આ મેમોરિયલમાં અંકિત કરાયેલાં નામોને કારણે આ યોદ્ધાઓના સંબંધીઓ અને સામાન્ય લોકો તેમને અંજલિ પાઠવી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો