અમિત પાલેકર : APPનો ઈમાનદાર ચહેરો કે કેજરીવાલનો જાતિગત સમીકરણ સાધવાનો પ્રયાસ?

    • લેેખક, મયુરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી સંવાદદાતા

આમ આદમી પાર્ટીએ ગોવામાં મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે અમિત પાલેકરનું નામ આગળ કર્યું છે. 46 વર્ષીય પાલેકર વ્યવસાયે વકીલ છે તથા અન્ય અનુભવી રાજનેતાઓની સરખામણીમાં નવો ચહેરો છે.

ગોવામાં અનેક લોકો આમ આદમી પાર્ટી દ્વારા પાલેકરના નામની જાહેરાતથી આશ્ચર્યચકિત છે. આપના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાલેકરને પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

આ પહેલાં પંજાબના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે ભગવંત માનના નામની જાહેરાત કરી હતી. જેમાં નાગરિકોના અભિપ્રાય ફોન તથા મૅસેજ દ્વારા મેળવવામાં આવ્યા હતા. કેટલાકના મતે આ પદ્ધતિ નવતર પણ અવૈજ્ઞાનિક હતી.

દિલ્હીનાં ધારાસભ્ય આતિશી માર્લેના તથા ગોવામાં પાર્ટીના પ્રભારી રાહુલ મહાંબ્રે આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.

પાલેકરની પહેલી ચૂંટણી

ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે. આપે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 39 બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા હતા અને તમામ પર પરાજય થયો હતો.

ગત પાંચ વર્ષ દરમિયાન સરકાર તથા સત્તાવિરોધી ધરણાં-પ્રદર્શન દ્વારા આમ આદમી પાર્ટીએ રાજ્યમાં પોતાનો વ્યાપ વધારવા માટે પ્રયાસ કર્યો છે. પાર્ટીએ ત્યાં માળખું મજબૂત કર્યું છે અને જનાધાર પણ ઊભો કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને આંશિક સફળતા મળી છે. એના કારણે એવું માનવામાં આવે છે કે આગામી ચૂંટણી દરમિયાન પાર્ટી પોતાની હાજરી પૂરાવી શકે છે.

પાલેકરને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે રજૂ કરતી વખતે કેજરીવાલે કહ્યું, "ગોવાના લોકો પરિવર્તન ઇચ્છે છે. અમુક લોકોએ રાજ્યના રાજકારણ ઉપર નાગચૂડ જમાવી છે. તેઓ સત્તા દ્વારા પૈસા બનાવે છે અને પછી પૈસા દ્વારા સત્તા મેળવે છે. આ કુચક્રને તોડવાનું છે. "

"ગોવાના લોકો અમારી સાથે છે. તેમણે દિલ્હીમાં અમારા કામને જોયું છે. અમે એક ઇમાનદાર ચહેરો રજૂ કર્યો છે. જે જરૂર પડ્યે ગોવા માટે પોતાનો જીવ પણ આપી દેશે. અમારો આ ઉમેદવાર ખૂબ જ ભણેલો-ગણેલો છે."

રાજકારણ તથા આમ આદમી પાર્ટી માટે પાલેકરનો ચહેરો નવો છે. તેઓ ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં પાર્ટીમાં જોડાયા હતા. તેમણે જૂના ગોવામાં કેટલીક જૂની ઇમારતોની પાસે ગેરકાયદેસર ઇમારતો સામે દેખાવ-પ્રદર્શન કર્યાં છે.

પાલેકર સાંતા ક્રૂઝ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. હાલમાં આ બેઠક ભાજપ પાસે છે.

અમિત પાલેકરે કહ્યું, "એક ટૉપર વિદ્યાર્થી સરકારી તંત્રમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારને કારણે નોકરી ન મેળવી શક્યો, તે આજે ગોવામાં મુખ્ય મંત્રીપદનો દાવેદાર છે."

"હું તમને વાયદો કરું છું કે ગોવાને ભ્રષ્ટાચારમુક્ત કરી દઈશું અને વર્ષોથી ગોવાની જે સમૃદ્ધિ ખોવાઈ ગઈ છે, તેને પરત લાવીશું."

જાતીગત સમીકરણ

આમ આદમી પાર્ટીનો દાવો છે કે ધર્મ અને જાતિથી આગળ વધીને તેઓ ઈમાનદાર રાજકારણ કરી રહ્યા છે, પરંતુ પાલેકરને ઉમેદવાર બનાવવાનો નિર્ણય જાતિગત સમીકરણોથી પ્રભાવિત જણાય છે.

પાલેકર ભંડારી સમુદાયના છે, ગોવામાં તેમની વસતિ અંદાજે 35 ટકા છે. ગોવામાં અત્યાર સુધીમાં આ સમુદાયમાંથી માત્ર એક જ વ્યક્તિ મુખ્ય મંત્રી બની છે અને તે પણ અઢી વર્ષ માટે. પંજાબમાં આપે જાહેરાત કરી હતી કે તેનો મુખ્ય મંત્રીપદનો ઉમેદવાર શીખ હશે, એવી જ રીતે ગોવામાં આપે જાહેરાત કરી હતી કે તેનો સીએમપદનો ઉમેદવાર ભંડારી સમુદાયનો હશે.

કેજરીવાલે કહ્યું, "ગોવામાં ભંડારી સમુદાયની ખાસ્સી વસતિ છે, પરંતુ તેમને હંમેશાં લાગે છે કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. 1961માં ગોવાની સ્વતંત્રતા પછીથી અત્યાર સુધીમાં ભંડારી સમુદાયનો માત્ર એક જ મુખ્ય મંત્રી બન્યો છે. એ પણ માત્ર અઢી વર્ષ માટે. આથી, અમે ભંડારી સમુદાયની વ્યક્તિને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવ્યો છે."

"અમારી પર આરોપ લાગી રહ્યા છે કે અમે જાતિગત રાજકારણ કરી રહ્યા છીએ, વાસ્તવમાં અમે જાતિના રાજકારણને ખતમ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલના રાજકીય પક્ષો લાંબા સમયથી જાતિનું રાજકારણ કરી રહ્યા છે."

ગત પાંચ વર્ષથી આપ દ્વારા ગોવામાં પગપેસારો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જાણકારોના મતે 'આપ' દ્વારા સરાજાહેર સત્તાધારી ભાજપને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.

પૂર્વ મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ ગોવા ભાજપમાં નેતૃત્વનું સંકટ પ્રવર્તમાન છે. પર્રિકરના પુત્રે પણજી બેઠકથી દાવેદારી હતી, પરંતુ તેમને ટિકિટ આપવામાં નથી આવી. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ દ્વારા ટિકિટ ઑફર કરી હતી.

આપ ઉપરાંત મૂળતઃ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ, કૉંગ્રેસ મેદાનમાં છે. મૂળ મહારાષ્ટ્રની શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)એ ગઠબંધન કર્યું છે. તેમનું કહેવું છે કે ગઠબંધનમાં સામેલ થવા માટે કૉંગ્રેસને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે રસ દાખવ્યો ન હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો