You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
5જી નેટવર્કને કારણે અમેરિકાની વિમાન-વ્યવસ્થા ખોરવાઈ જશે?
અમેરિકામાં વિમાન ઉડ્ડયનક્ષેત્રે સંકળાયેલી દસ કંપનીઓએ સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે અનિયંત્રિત અને અવિચારી રીતે 5-જી સેવાઓ શરૂ કરવામાં આવશે તો તેનાં માઠાં પરિણામો આવશે.
તેના કારણે હજારો ફ્લાઇટ મોડી પડશે તથા અમેરિકાનાં અનેક વિમાન અનિશ્ચિતકાળ માટે ગ્રાઉન્ડ થઈ જશે.
વિશ્વના અલગ-અલગ દેશોમાં 5-જી લૉન્ચિંગની ઝડપ, રીત અને પદ્ધતિ અલગ-અલગ હોવાથી સ્થાનિક ઍરલાઇન કંપનીઓને અલગ-અલગ સ્તરે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક દેશોએ આ સમસ્યાના ઉકેલ માટે પોતાની રીતે ઉકેલ શોધ્યા છે.
બીજી બાજુ, મોબાઇલ કંપનીઓનું કહેવું છે કે ઍરલાઇન કંપનીઓ દ્વારા આ મુશ્કેલીને વધારીને દર્શાવવામાં આવી રહી છે.
5જી મોબાઇલ ટેકનૉલૉજી સિગ્નલના પ્રસારણ ઉપર આધાર રાખે છે. અમેરિકામાં 5જી ટેકનૉલૉજી માટે 3.7થી 3.98 ગીગાહર્ટ્ઝ જે ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે, તે સી-બૅન્ડ સ્પેક્ટ્રમના ભાગરૂપ છે.
જમીનથી વિમાનની ઊંચાઈ માપવા માટેના અલ્ટીમીટરમાં 4.2થી 4.4 ગીગાહર્ટ્ઝ ફ્રિકવન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. આ યંત્રની મદદથી લૅન્ડિંગ સલામત અને સુગમ બને છે.
5જી અને અમેરિકાની મુશ્કેલી
ઍરોપ્લેનમાં જમીન ઊંચાઈ માપવા માટે અલ્ટિમીટરનો (altimeter) ઉપયોગ કરવામાં આવે છે, જે સેફ્ટી અને નૅવિગેશનનો ડેટા પણ પૂરો પાડે છે. અલ્ટિમીટરની ફ્રિક્વન્સી તથા 5જીના સિગ્નલની ફ્રિક્વન્સી નજીક-નજીક છે.
જેથી કરીને વિમાનની સુરક્ષા માટે જરૂરી આ ઉપકરણની કામગીરી તથા સલામતી માટે જોખમ ઊભું થઈ શકે છે, વિશેષ કરીને જ્યારે વિમાન લૅન્ડિંગ માટે નીચે તરફ આવી રહ્યું હોય ત્યારે આ જોખમ વધી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં વિમાન ઉડ્ડયન માટે ટેકનિકલ માપદંડ નક્કી કરતા સંગઠન RTCA (રેડિયો ટેકનિકલ કમિશન ફૉર ઍરોનોટિક્સ) દ્વારા 2020માં આ મુદ્દે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે, "આ પ્રૌદ્યોગિકીને કારણે અમેરિકામાં ઉડ્ડયનપ્રણાલી ઉપર વ્યાપક અસર પહોંચી શકે છે તથા અનેક વ્યવસ્થાને હાનિકારક અસર પહોંચાડી શકે છે." આ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવાની ભલામણ કરવામાં આવી હતી.
અમેરિકાના ઉડ્ડયન નિયામક FAA (ફેડરલ ઍવિયેશન ઍડમિનિસ્ટ્રેશન)ના કહેવા પ્રમાણે, 5જી નેટવર્કને કારણે અનેક પ્રકારના વિમાનોની સંચારપ્રણાલીમાં વિક્ષેપ ઊભો થઈ શકે છે, જેમાં બૉઇંગ 787 ડ્રીમલાઇનરનો પણ સમાવેશ થાય છે.
આને કારણે લૅન્ડિંગ સમયે વિમાનની ગતિને ઘટાડવામાં તથા અવરોધ ઊભો થઈ શકે છે, જેના કારણે તે રનવે કરતાં આગળ નીકળી જઈ શકે છે.
જ્યાં વિમાન તથા 5જી સિગ્નલ વચ્ચે ક્લેશ થઈ શકે તેમ છે, ત્યાં અલ્ટિમીટર વાપરવામાં નહીં આવે. જેના કારણે વિમાનની અમુક ક્ષમતાઓને માઠી અસર પહોંચશે, જેમ કે ઓછી દૃશ્યતા હોય ત્યારે લૅન્ડિંગ.
અમેરિકાની દસ અગ્રણી વિમાન કંપનીઓના સંગઠન ઍરલાઇન્સ ફૉર અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી છે કે હવામાન ખરાબ હોય તેવા સંજોગોમાં એક હજાર જેટલી ફ્લાઇટને રદ કરવી પડી શકે છે, જેનો મતલબ એ કે મુસાફરોની અવરજવર અટકી જશે.
સંગઠનનું માનવું છે કે આ જોગવાઈને કારણે અમેરિકાનો મોટાભાગનો વિમાનકાફલો "વાપરી ન શકાય" તેવો થઈ જશે.
ઉપાય, ઉકેલ અને અજમાયશ
ભારતમાં સરકાર દ્વારા મોબાઇલ કંપનીઓને પુના અને ગાંધીનગરમાં પ્રયોગાત્મક રીતે સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી છે, જેથી કરીને તેઓ પરીક્ષણ કરી શકે છે. વોડાફોન-આઇડિયા, મુકેશ અંબાણીની જિયો તથા સુનીલ મિત્તલની ઍરટેલે 5જી ટેકનૉલૉજીમાં રસ દાખવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોબાઇલ કંપનીઓને 3.5 ગીગાહર્ટ્સની ફાળવણી કરવામાં આવી છે. જે પ્રતિ સેકન્ડ દોઢ જીબી ડાઉનલોડની સવલત ઉપલબ્ધ કરાવશે. આવી જ રીતે અલગ-અલગ દેશ દ્વારા 5જી ટેકનૉલૉજીને અલગ-અલગ ગતિ તથા ફ્રિક્વન્સી પર લૉન્ચ કરવામાં આવી રહી છે, જેથી કરીને દરેકને એકસમાન સમસ્યા ન પણ નડે.
દાખલા તરીકે અમેરિકાના સર્વિસ પ્રોવાઇડર દ્વારા જે ફ્રિકવન્સીનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સરખામણીમાં યુરોપિયન યુનિયનના સર્વિસ પ્રોવાઇડરો દ્વારા ઓછી ફ્રિકવન્સી પર ઑપરેટ કરશે, જેથી કરીને તે વિમાનની પ્રણાલીમાં ખલેલ નહીં પહોંચાડે. આ સિવાય 5જીના ટાવરને ઓછી તીવ્રતા સાથે ચલાવવામાં આવી રહ્યાં છે.
ફ્રાન્સમાં ઍરપૉર્ટની આસપાસ 'બફર ઝોન' ઊભા કરવામાં આવ્યા છે અને 5G સિગ્નલને નિયંત્રિત રાખવામાં આવે છે તથા ટાવર પરના ઍન્ટેનાને જમીન તરફ ઝુકાવી રાખવામાં આવે છે, જેથી કરીને ખલેલ પહોંચાડવાની શક્યતાને ટાળી શકાય.
અમેરિકાના ઉપાયો
અમેરિકા દ્વારા પણ 5જી સિગ્નલ તથા વિમાનના અલ્ટિમીટર વચ્ચે ક્લેશ ન થાય, તે માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. જેમાં 50 જેટલાં ઍરપૉર્ટની આસપાસ "હંગામી બફર ઝોન" ઊભા કરવા જેવાં પગલાંનો સમાવેશ થાય છે.
ફ્રાન્સની સરખામણીમાં યુએસના ઝોન પ્રમાણમાં નાના છે આ સિવાય યુએસના ટ્રાન્સમીટર હાઈ-પાવર ઉપર કામ કરે છે.
અમેરિકાએ 5જી નેટવર્ક સાથે ક્લેશ ન કરે તેવા અલ્ટિમીટર પર કામ શરૂ કરી દીધું છે તથા સંદિગ્ધ અને જોખમકારક અલ્ટિમીટરોને દૂર કરવામાં આવી રહ્યાં છે.
જે ઍરપૉર્ટ પર વિમાનને માર્ગદર્શન આપવા માટે અલ્ટિમીટરના બદલે જીપીએસ (ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ)નો ઉપયોગ થઈ શકે તેમ હોય, ત્યાં અલ્ટિમીટર્સના બદલે જીપીએસનો ઉપયોગ કરવામાં આવશે.
ઍરલાઇન્સ વિ. મોબાઇલ કંપનીઓ
વિમાન કંપનીઓનું કહેવું છે કે જે પગલાંની જાહેરાત કરવામાં આવી છે તે અધૂરાં અને અપૂરતાં છે. વાસ્તવમાં ઍરપૉર્ટના બે માઇલના વિસ્તારમાં 5જી ટાવર શરૂ કરવાને મંજૂરી ન આપવી જોઈએ.
અમેરિકાની વિખ્યાત મોબાઇલ કંપનીઓ એટીઍન્ડટી તથા વૅરિઝોનના કહેવા પ્રમાણે, તેમણે 5જી સેવાઓને લૉન્ચ કરવાની યોજના બે વખત ટાળી છે અને હંગામી બફર ઝોન ઊભા કરવા પણ તેઓ તૈયાર છે.
અમેરિકાની કંપનીઓનું કહેવું છે કે વિશ્વના 40 દેશોમાં આ સેવાઓ લૉન્ચ થઈ ગઈ છે અને વિમાન કંપનીઓ દ્વારા 'ભયગાન' કરવામાં આવી રહ્યું છે.
કંપનીઓ બે વખત 5જી સેવાઓનું લૉન્ચિંગ અટકાવી ચૂકી છે અને તેમનું કહેવું છે કે આ દિશામાં વધુ ઢીલથી આર્થિક નુકસાન વેઠવું પડશે.
- એ નાનકડો દેશ જેને કબજે કરવા ચીન યુદ્ધ કરી શકે છે
- ભારતનો આ પડોશી દેશ નાદારીના આરે, ચીનની શું ભૂમિકા?
- નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાથી ખેડૂતો નારાજ કેમ છે?
- પાકિસ્તાનમાં જન્મેલા એ ગુજરાતી કવિ, જેમણે મોરારજી દેસાઈને રોકડું પરખાવી દીધું
- એ ગુજરાતી, જેમણે માત્ર ઘઉંની જાત વિકસાવવા જિંદગીનાં 30 વર્ષ ખર્ચી નાખ્યાં
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો