You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા : ભારતનો આ પડોશી દેશ નાદારીના આરે, ચીનની શું ભૂમિકા?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
"આપણો દેશ સાવ નાદાર થઈ જશે. હું કોઈને ડરાવવા માંગતો નથી, પરંતુ જો આ ચાલુ રહેશે, તો આયાત બંધ થઈ જશે, આખી 'આઈટી સિસ્ટમ' બંધ થઈ જશે."
" આપણે ''ગૂગલ મૅપ'' નો ઉપયોગ પણ નહીં કરી શકીએ. કારણ કે આપણે તેમનું ચૂકવણું કરવાની સ્થિતિમાં નહી હોઈએ." આ નિવેદન શ્રીલંકાના વિપક્ષના અગ્રણી નેતા અને અર્થશાસ્ત્રી હર્ષા ડી સિલ્વાનું છે, જે તેમણે શ્રીલંકાની સંસદના સત્ર દરમિયાન આપ્યું હતું.
સંસદમાં બોલતા ડી સિલ્વાએ સભ્યોને કહ્યું કે વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનાથી ઑક્ટોબર સુધી ગમે તેટલી ચુકવણી કરવામાં આવે તો પણ શ્રીલંકા પર વધી રહેલું વિદેશી દેવું ઉતરી શકશે નહીં.
સંસદગૃહને સંબોધતા તેમણે કહ્યું કે ઑક્ટોબર સુધીમાં શ્રીલંકા પાસે વિદેશી હૂંડિયામણ માત્ર 4.8 ટ્રિલિયન ડૉલર બચશે.
શ્રીલંકાની સંસદમાં ડી સિલ્વાનું નિવેદન દર્શાવે છે કે શ્રીલંકાની અર્થવ્યવસ્થા કેટલી ચિંતાજનક છે.
શ્રીલંકામાં સામાન્ય વપરાશ માટેની લગભગ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે અને આ મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. દેશની અગ્રણી બૅન્કે પોતાની વેબસાઇટ પર લેખાજોખા રજૂ કર્યા છે, જેનાથી અર્થશાસ્ત્રીઓની ચિંતા વધી ગઈ છે.
મોંઘવારી દર
શ્રીલંકાની રાષ્ટ્રીય બૅન્ક 'સેન્ટ્રલ બૅન્ક ઑફ શ્રીલંકા'એ આ વર્ષે જાન્યુઆરીમાં એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ગયા વર્ષના ડિસેમ્બરથી મોંઘવારી દરમાં 12.1 ટકા સુધી વધી ગયો છે. જ્યારે નવેમ્બર મહિનામાં આ દર 9.5 ટકા હતો.
એક જ મહિનામાં આટલા ઉછાળાથી સરકાર અને અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે. આ સ્થિતિને દૂર કરવા માટે શ્રીલંકાએ ચીન, ભારત અને ખાડી દેશોની પણ મદદ માંગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સેન્ટ્રલ બૅન્ક ઑફ શ્રીલંકા' ની ભૂમિકા અથવા કામગીરી ભારતની 'રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા' જેવી જ છે.
'સેન્ટ્રલ બૅન્ક ઑફ શ્રીલંકા'એ મોંઘવારી વધવાનું કારણ આપ્યું છે અને કહ્યું છે કે, "ખાદ્યપદાર્થો અથવા અન્ય વસ્તુઓની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે તે કારણે આમ થયું છે."
"તાજી માછલી, શાકભાજી અને લીલા મરચાંના ભાવમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. ખાદ્ય સામગ્રી ઉપરાંત ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાના કારણે અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે.''
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશમાં 'આર્થિક કટોકટી' જાહેર કરી ચૂક્યા છે, જેમાં સૈન્યને અનાજના વિતરણ માટે વિશેષ અધિકારો પણ આપી દેવામાં આવ્યા છે.
સૈન્યને અધિકાર આપવામાં આવ્યા છે કે સરકાર ખાદ્ય સામગ્રીની જે કિંમતો નક્કી કરવામાં આવી છે તે ભાવે તે લોકોને મળે તે જોવું.
ભારે દેવું
શ્રીલંકાના નાણા મંત્રી બાસિલ રાજપક્ષેએ પત્રકારો સાથે વાત કરતાં સ્વીકાર્યું છે કે તેમનો દેશ વિદેશી દેવામાં ડૂબી ગયો છે.
સમાચાર એજન્સી પીટીઈએ રાજપક્ષેના એ નિવેદનને મહત્વ આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે તેમના દેશ પરનું દેવું મુખ્યત્વે ત્રણ દેશો - ચીન, ભારત અને જાપાનનું છે.
તેમણે કહ્યું કે તેમના દેશે ચીનનું 5 ટ્રિલિયન ડૉલરનું દેવું ચૂકવવાનું બાકી હતું તેવામાં વર્તમાન નાણાકીય કટોકટીનો સામનો કરવા શ્રીલંકાએ ગયા વર્ષે જ વધારાની એક અબજ ડૉલરની લોન લેવી પડી.
પત્રકારોના પ્રશ્નોના જવાબમાં, તેમણે કહ્યું: "આ વર્ષે આપણે લગભગ 7 ટ્રિલિયન ડૉલરનું દેવું ચૂકવવાનું છે. દેવું માત્ર ચીનનું જ નહીં પરંતુ ભારત અને જાપાનનું પણ છે."
શ્રીલંકાની રાષ્ટ્રિય બૅન્કના અહેવાલ મુજબ, તેમના દેશ પાસેનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે. તેથી, બૅન્કે નોટિફિકેશન બહાર પાડીને સામાન્ય જનતાને તેમની પાસે રહેલું વિદેશી ચલણ બૅન્કમાં જમા કરાવવા વિનંતી કરી છે અને તેની બદલે શ્રીલંકાનું ચલણ લેવા જણાવ્યું છે.
આ સૂચના બૅન્કની વેબસાઇટ પર અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં શ્રીલંકામાં 1.58 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ છે, જે વર્ષ 2019માં 7.9 અબજ ડૉલર હતું.
શ્રીલંકાની રાષ્ટ્રીય બૅન્કના ડેપ્યુટી ગવર્નર રહી ચૂકેલા ડબલ્યુ એ વિજયવર્દને પણ સરકારને આવી રહેલા મોટા સંકટ માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે.
ચાથી ચુકવણી
જોકે દેશના નાણા મંત્રી બાસિલ રાજપક્ષેએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે તેમનો દેશ "ટૂંક સમયમાં આર્થિક કટોકટીના સમયગાળામાંથી બહાર નીકળી જશે" અને "સમયસર" દેવાની ચુકવણી પણ કરી દેશે. જો કે, શ્રીલંકાની સરકારે પણ આ નાણાકીય સંકટને દૂર કરવા માટે 1.2 ટ્રિલિયન ડૉલરના આર્થિક પૅકેજની જાહેરાત કરી છે.
પરંતુ શ્રીલંકાના અન્ય એક વરિષ્ઠ મંત્રી રમેશ પથિરાનાએ સંસદમાં જે નિવેદન આપ્યું હતું તેને દેશના વિરોધ પક્ષો અને અર્થશાસ્ત્રીઓ "હાસ્યાસ્પદ" જ ગણાવી રહ્યા છે.
રમેશ પથિરાનાએ સૂચન આપ્યું હતું કે તે પેટ્રોલિયમના આયાતથી ચઢેલું દેશનું દેવું એવી રીતે ભરપાઈ કરવામાં આવશે કે "શ્રીલંકા દર મહિને ઓમાનને 5 અબજ ડૉલરની ચા પત્તીની નિકાસ કરશે અને એ રીતે દેવું ચૂકવી દેશે."
શ્રીલંકાના જાણીતા અર્થશાસ્ત્રી ઈમેશ રાણાસિંઘેએ શ્રીલંકાના અગ્રણી અંગ્રેજી અખબાર 'ધ મૉર્નિંગ'ને જણાવ્યું હતું કે "એમાં શંકાને કોઈ સ્થાન નથી કે છેલ્લાં 40 વર્ષોમાં શ્રીલંકાની અર્થવ્યવસ્થા આટલી ખરાબ થઈ નથી."
તેમનું કહેવું છે કે શ્રીલંકાને તેના ચલણના 'ઍક્સચેન્જ' થકી ચીન પાસેથી મળેલા 1.5 ટ્રિલિયન ડૉલરથી પણ સ્થિતિ સારી થઈ શકે એમ નથી.
તેમનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય 'રેટિંગ' સંસ્થા 'ફિચ'એ પણ શ્રીલંકાના 'રેટિંગ'માં ઘટાડો કર્યો છે. અર્થાત કે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં જ અન્ય દેશોની સરખામણીમાં શ્રીલંકા સૌથી ખરાબ આર્થિક સ્થિતિમાં ઊભું છે.
'ઈસ્ટ એશિયા ફોરમ' નામની 'થિંક ટૅન્ક' સાથે વાત કરતા શ્રીલંકાની 'ઈન્સ્ટીટ્યુટ ફૉર પૉલિસી સ્ટડીઝ'ના દુશ્ની વીરાકુને કહ્યું હતું કે શ્રીલંકાએ વર્તમાન આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે ચીન અને ભારત પાસેથી 'ક્રેડિટ લાઈન' માંગી છે.
દુશ્રી વીરાકુન કહે છે કે, "તેના બદલામાં શ્રીલંકાએ ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા 'કોલંબો પોર્ટ સિટી' માટે 'ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ' એટલે કે 'એફડીઆઈ'ની શરતોમાં રાહત આપી છે અને તેમાં સુધારો કર્યો છે."
"તેમ જ ભારતના મોટા અદાણી જૂથને કોલંબો પોર્ટના પશ્ચિમી 'કન્ટેનર ટર્મિનલ'ને વિકસાવવાના પ્રોજેક્ટમાં 51 ટકા ભાગીદારી આપવામાં આવી છે."
ચીનના 'દેવાની જાળ'
વીરાકૂનના મતે, જો એવું માની લેવામાં આવે કે હવે શ્રીલંકા ચીન અને ભારત પાસેથી આર્થિક મદદ મેળવીને સ્થિતિ સંભાળી લેશે.
પરંતુ જ્યાં સુધી આ દેશ તેની આર્થિક નીતિઓ પર ફેરવિચારણા નહીં કરે અથવા તેને ફરીથી યોગ્ય રીતે નહીં બનાવે, તો આવનારા વર્ષોમાં પણ દેશના નાગરિકોએ ખરાબ સમયમાંથી પસાર થવું પડશે.
જો કે એ વાત પણ સાચી છે કે ચીન પર એવા આરોપો લાગે છે કે ચીન દેવાના બોજ તળે દાબીને ગરીબ દેશોને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે.
બીબીસી રિયાલિટી ચેક ટીમના કાઈ વાંગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે એકદમ ગરીબ દેશોને લોન આપવાની રીતભાતોને કારણે ચીનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ચીને આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે દુનિયામાં એવો એક પણ દેશ નથી કે જે ચીન પાસેથી લોન લઈને "કથિત દેવાની જાળ" માં ફસાઈ ગયો હોય.
કાઈ વાંગ લખે છે કે, "બ્રિટનની વિદેશી જાસૂસી સંસ્થા MI6ના વડા રિચર્ડ મૂરે બીબીસીને એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે ચીન આ 'દેવાની જાળ'નો ઉપયોગ અન્ય દેશો પર પોતાનું આધિપત્ય વધારવા માટે કરે છે."
"ચીન પર આરોપ લાગતા રહે છે કે જ્યારે ચીન પાસેથી લોન લેનારા દેશો તેને લોન ચૂકવી શકતા નથી ત્યારે ચીન તેમની સંપત્તિ પર કબજો જમાવી લે છે. જોકે ચીન આવા આરોપોને નકારી રહ્યો છે."
હંબનટોટા બંદર
વાંગ આગળ લખે છે કે ચીનની આ નીતિના સમર્થનમાં ઘણીવાર શ્રીલંકાનું ઉદાહરણ આપવામાં આવે છે.
તેમણે થોડાં વર્ષો પહેલાં ચીનના રોકાણની મદદથી હંબનટોટામાં એક મોટો બંદર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પરંતુ ચીનની લોન અને કૉન્ટ્રાક્ટર કંપનીઓની મદદથી શરૂ થયેલો આ અબજો ડૉલરનો પ્રોજેક્ટ વિવાદમાં ફસાઈ ગયો.
પ્રોજેક્ટ પૂરો નહોતો થતો અને શ્રીલંકા ચીનના દેવા હેઠળ દબાયેલું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખરે 2017માં સમજૂતી થઈ. જે મુજબ ચીનની સરકારી કંપનીઓને આ બંદરમાં 70 ટકા હિસ્સો 99 વર્ષની લીઝ પર આપવામાં આવ્યો હતો. તે પછીથી ચીને ફરીથી તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.
દેશમાં ઊભી થયેલી ગંભીર આર્થિક કટોકટી વચ્ચે શ્રીલંકાના નાણા મંત્રી બાસિલ રાજપક્ષેની ગયા ડિસેમ્બરમાં ભારતની મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથેની વાતચીત પછી, ભારત સંમત થયું કે ભારત શ્રીલંકાને ખાદ્ય ચીજવસ્તુઓ, દવા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ માટે 'લાઇન ઑફ ક્રેડિટ' આપશે.
ભારતની નીતિ
ભારતના બંને મંત્રીઓએ શ્રીલંકાના પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે ભારત તેની 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી'નું સન્માન કરશે અને શ્રીલંકાને આ સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ પણ કરશે.
આ મંત્રણા પછી ભારત શ્રીલંકાને પેટ્રોલિયમ ઉત્પાદનો મોકલવા અને બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા 'ત્રિંકોમાલી ટૅન્ક ફાર્મ'ના આધુનિકરણ માટે પણ સંમત થયું છે.
આ સિવાય ભારતે ચલણના વિનિમય અર્થાત્ 'કરન્સી ઍક્સચેન્જ' માટે પણ સંમતિ દર્શાવી છે, જેથી શ્રીલંકાની સરકારી તિજોરીને અત્યારે ખાલી થતી અટકાવી શકાય.
જો કે, 'ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન'માં શ્રીલંકાના મામલાના નિષ્ણાત એન સત્યમૂર્તિના સંશોધન અહેવાલ મુજબ, ભારત ગમે તે કરે, શ્રીલંકા ભારત અને ચીન સાથેના સંબંધોમાં 'સંતુલન' જાળવી રાખશે કારણ કે આમ કરવાથી ભારતને ફાયદો થશે.
સંશોધનમાં તેઓ એમ પણ કહે છે કે શ્રીલંકા ઇચ્છે છે કે ચીન અને ભારત સામસામે જ રહે.