ગુજરાતમાં કોરોના વાઇરસ : ત્રીજી લહેરમાં ઓમિક્રૉનના કેસની ગણતરી ઓછી થઈ રહી છે?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત સરકારના દૈનિક બુલેટિન પ્રમાણે કોવિડ-19ના દૈનિક નવા કેસમાં ઓમિક્રૉન સંક્રમિતોનું પ્રમાણ માત્ર પાંચ ટકા જેટલું છે. તો ત્રીજી લહેર પાછળ ડેલ્ટા વૅરિયન્ટને જવાબદાર ગણવો કે ઓમિક્રૉનને?

શનિવારે ગુજરાતમાં કોવિડ-19ના 5,677 નવા કેસ નોંધાયા જેમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 32 કેસ હતા.

સરકારના બુલેટિનમાં દરરોજ કોવિડ-19 અને ઓમિક્રૉન વેરિયન્ટના કેસ અલગ દર્શાવવામાં આવે છે.

શનિવારે કોવિડ-19ના 1,359 દર્દીઓને અને ઓમિક્રૉનના સાત દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

એ પહેલાંના દિવસની વાત કરીએ તો, શુક્રવારે રાજ્યમાં કોવિડના 5,396 નવા કેસ હતા. જેમાં ઓમિક્રૉનનો કોઈ કેસ નોંધાયો નહોતો.

જોકે વડોદરા અને સુરતમાં ઓમિક્રૉનના અનુક્રમે 1 અને 8 સાજા થયેલા દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે કોવિડ-19ના 1158 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ત્રીજી લહેર : ડેલ્ટા વૅરિયન્ટ કે ઓમિક્રૉન?

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ પ્રમાણે, તારીખ 9 જાન્યુઆરી 2022 સુધીમાં રાજ્યમાં કુલ 3,50,76,532 કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

કુલ 8,22,900 કોરોના દર્દીઓ સાજા થયા છે અને 10,128 કોરોના દર્દીઓનાં મૃત્યુ થયાં છે. ઍક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 22,901 છે. જ્યારે રાજ્યમાં ઓમિક્રૉનના કુલ દર્દીઓનો આંક 236 છે અને ઓમિક્રૉનના 167 દર્દી સાજા થયા છે.

આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારે ભારતમાં કોવિડ-19ના 1,59,632 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 40 હજાર કરતાં વધુ નવા કેસ નોંધાયા હતા.

કુલ કેસમાં ઓમિક્રૉનના 3,623 કેસ છે. આ સાથે ઍક્ટિવ કેસનો આંક પાંચ લાખને વટાવી ગયો છે.

એક તરફ ઓમિક્રૉન વૅરિયન્ટ ત્રીજી લહેર લાવ્યો છે, એમ કહેવાય છે; જ્યારે બીજી તરફ સરકારના બુલેટિનમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત દર્દીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "સરકારે કેટલા કેસનું જિનોમ સિક્વન્સિંગ કરાવ્યું અને તેમાંથી ડેલ્ટા અને ઓમિક્રૉન કેટલા છે, તેની વિગતો આપવી જોઈએ."

ડૉ. માવળંકર ઉમેરે છે, "જિનોમ સિક્વન્સિંગના નમૂના અને તેનાં પરિણામોને આધારે અંદાજ લગાવીએ તો અત્યારે ઓમિક્રૉનના કેસ 60 ટકા અને ડેલ્ટાના કેસ 40 ટકા જેટલા હશે."

"જોકે રસી અને રોગપ્રતિકારક શક્તિ વિકસતાં ડેલ્ટા વૅરિયન્ટ પહેલાં જેટલો અસરકારક રહ્યો નથી. તેથી લક્ષણો હળવાં દેખાય છે."

જ્યારે કન્સલ્ટન્ટ રેડિયોલૉજિસ્ટ અને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના જૉઇન્ટ સૅક્રેટરી ડૉ. સાહિલ શાહે કહ્યું કે, ''આ ત્રીજી લહેર ઓમિક્રૉન વૅરિયન્ટની છે અને અત્યારે જે કેસ આવી રહ્યા છે, તેમાંથી 90થી 95 ટકા કેસ ઓમિક્રૉનના જ છે.''

"બીજી લહેરમાં દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાનો દર ઊંચો હતો, તે હાલમાં એટલો ઊંચો નથી. ડેલ્ટા વૅરિયન્ટમાં લક્ષણો ગંભીર જણાતાં હતાં અને તેથી રેમડેસિવિરનાં ઇન્જેક્શન આપવાં પડતાં હતાં."

"લોકોને ઓક્સિજનની તકલીફ પડતાં વૅન્ટિલેટર પર મૂકવા પડતા હતા. વર્તમાનમાં કોવિડ-19ના દર્દીઓનાં હળવાં લક્ષણો હોવાથી મોટા ભાગના ઘરે જ સારવાર મેળવીને સાજા થઈ રહ્યા છે."

તેઓ કહે છે કે, "ડેલ્ટા વૅરિયન્ટની જેમ ઓમિક્રૉન વૅરિયન્ટના દર્દીઓની સારવારની માર્ગદર્શિકા નથી, પરંતુ ઓમિક્રૉનની સારવાર કરી રહેલા ડૉક્ટરોને લક્ષણો આધારિત સારવારનાં પરિણામો મળ્યાં છે."

"ઓમિક્રૉનનાં લક્ષણો શરદી, ઉધરસ, તાવવાળા સાદા ફ્લૂ જેવાં છે, તેથી તેની સારવાર એ પ્રકારે થઈ રહી છે. વૈશ્વિક ધોરણે કેટલાક તજજ્ઞો આને ફ્લૉરો પણ કહે છે. ફ્લૂ અને કોરોનાનાં મિશ્ર લક્ષણો, તેને ફ્લોરોના કહે છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાત સરકારના પબ્લિક હેલ્થ વિભાગના ઍડિશનલ ડિરેક્ટર ડૉ. નીલમ પટેલે કહ્યું, "ગાંધીનગરની લૅબોરેટરીમાં અત્યારે મહિને 1000 સૅમ્પલનું જિનોમ સિક્વન્સિંગ થઈ શકે છે. અત્યારે ઓમિક્રૉનના કેસ ઓછા અને ડેલ્ટાના વધારે આવી રહ્યા છે."

"અલબત્ત અત્યાર સુધી જેટલા જિનોમ સિક્વન્સિંગ થયા, તેમાં ડેલ્ટા વૅરિયન્ટના કેસ વધારે આવ્યા છે. રસીકરણને કારણે ડેલ્ટા વૅરિયન્ટ હોવા છતાં હળવાં લક્ષણો દેખાય છે.''

ઑમિક્રોનને શોધવા માટે કયા ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે?

આરટીપીસીઆર ટેસ્ટ કે રૅપિડ અથવા લૅટરલ ફ્લો ટેસ્ટ (એલએફટી)થી ખબર પડે છે કે વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે કે નહીં. પરંતુ તેમાં, તે જાણી શકાતું નથી કે કયા વાઇરસનું સંક્રમણ છે.

શંકાસ્પદ કેસ ઓમિક્રૉન છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે સંપૂર્ણ જિનેટિક ઍનાલિસિસની જરૂર પડે છે, જેમાં ચારથી પાંચ દિવસનો સમય લાગે છે.

તમામ સંક્રમિતોના નમૂના જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી શકાતા નથી. કેમકે આ પ્રક્રિયા ધીમી, જટિલ અને ખર્ચાળ છે.

ડૉ. શાહના મતે 'ભારતમાં ઓમિક્રૉનની ઓળખ માટેનું જિનોમ સિક્વન્સિંગ માત્ર 1 ટકા જેટલું થાય છે.'

જીનોમ સિક્વન્સિંગની ક્યાં, કેટલી લેબોરેટરી?

જિનોમ સિક્વન્સિંગની માહિતી પૂરી પાડતી ભારત સરકારની વેબસાઇટ પ્રમાણે, દેશભરની જિનોમ સિક્વન્સિંગની 38 લૅબોરટેરીનું કૉન્સોર્ટીયમ INSACOG બનાવવામાં આવ્યું છે.

આ કન્સોર્ટીયમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ડિપાર્ટમૅન્ટ ઑફ બાયૉટેકનૉલૉજી (ડીબીટી) દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) સાથે સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યું છે.

આ કોન્સોર્ટીયમ SARS-CoV-2 માં જિનોમિક ભિન્નતાઓનું નિરીક્ષણ કરે છે. જે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) હેઠળના સૅન્ટ્રલ સર્વેલન્સ યુનિટ (સીએસયુ)ના સહયોગથી નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી), દિલ્હીમાં કાર્યરત્ આવે છે.

અહીં જિનોમ સિક્વન્સિંગ લૅબોરેટરીના ડેટાનું ફિલ્ડ ડેટા ટ્રૅન્ડ મુજબ વિશ્લેષણ કરવામાં આવે છે.

જીનોમ સિક્વન્સિંગની પુણે, બેંગલુરુમાં 5-5 લૅબોરેટરી, ગુજરાતમાં માત્ર 1

જિનોમ સિક્વન્સિંગની સૌથી વધુ લૅબોરેટરી પુણે અને બેંગલુરુમાં છે. બંને શહેરમાં 5-5 લૅબોરટરી છે.

બીજા ક્રમે દિલ્હીમાં 4 લૅબોરેટરી છે. એ બાદ હૈદરાબાદ, લખનૌ અને ભુવનેશ્વરમાં બે-બે લૅબોરેટરી છે.

મુંબઈ કોવિડ-19નું હોટસ્પોટ હોવા છતાં આ શહેરમાં માત્ર 1 જિનોમ સિક્વન્સિંગ લૅબોરટરી છે અને સમગ્ર ગુજરાતમાં પણ માત્ર એક જિનોમ સિક્વન્સિંગની લૅબોરેટરી જીબીઆરસી, ગાંધીનગરમાં આવેલી છે.

આરોગ્ય નિયામક ડૉ. નીલમ પટેલે કહ્યું કે, "ગુજરાતની જિનોમ સિક્વન્સિંગ લૅબોરેટરીની ક્ષમતા મહિને 1000 ટેસ્ટની છે, નવું મશીન આવી ગયું છે. 3-4 દિવસમાં ચાલુ થશે પછી ક્ષમતામાં વધશે."

કોન્સોર્ટીયમ પ્રમાણે અત્યાર સુધીમાં કોવિડ-19ના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, લેમ્બડા, એમયુ અને ઓમિક્રૉન એમ કુલ 6 મહત્ત્વના વૅરિયન્ટ જોવા મળ્યા છે.

જીનોમ સિક્વન્સિંગમાં ગુજરાત ઓડિશા, છત્તીસગઢ કરતાં પણ પાછળ?

ભારત સરકારના સીએસઆઈઆર ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ ઍન્ડ ઇન્ટિગ્રેટિવ બાયૉલૉજીના ડેટા પ્રમાણે, 1 જાન્યુઆરી 2021 સુધીમાં જિનોમ સિક્વન્સિંગના કુલ 86,177 રિપોર્ટ થયા છે (આમાં ગુજરાત સહિતના કેટલાક રાજ્યોએ ડિસેમ્બર મહિનાના આંકડાઓ પૂરા પાડ્યા નથી).

જે પ્રમાણે, ગુજરાતમાં માત્ર 1,951 નમૂનાનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે. જોકે ગુજરાતે ડિસેમ્બર 2021ના ડેટા પૂરા પાડ્યા નથી.

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર અને કેરળમાં અનુક્રમે 23,041 અને 8,150 કેસોનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે.

સર્વેલન્સ પ્રમાણે જિનોમ સિક્વન્સિંગમાં ગુજરાત કરતાં નાનાં રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઓડિશા, છત્તીસગઢ અને પંજાબમાં વધુ જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે.

ઓમિક્રૉન સામે રસી કેટલી કારગત?

બધા વાઇરસ પોતાનું અસ્તિત્વ બચાવવા સ્વરૂપ બદલતા રહે છે, અને આ પરિવર્તનો નવા વૅરિયન્ટમાં પરિણમે છે.

કોવિડ-19નો ઓમિક્રૉન વૅરિયન્ટને વૈજ્ઞાનિકોએ "ચિંતાનો વૅરિયન્ટ" (VoC) ગણાવ્યો છે.

ઓમિક્રૉન વૅરિયન્ટ VoC છે, કારણ કે તેમાં ઘણા મ્યુટેશન છે. જે પહેલાં જોવા મળ્યા નથી.

રસીઓ સ્પાઇક પ્રોટીનને લક્ષ્ય બનાવે છે અને ઓમિક્રૉનના મોટાભાગના મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં જોવા મળ્યા છે.

આ કારણે હાલની રસીઓની ઓમિક્રૉન સામે અસરકારકતાને લઈને ચિંતાઓ વધી હતી.

જોકે, યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે બૂસ્ટર ડોઝ લેવાથી હૉસ્પિટલમાં દાખલ થવા સામે 88% રક્ષણ મળે છે.

અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રૉનમાં હૉસ્પિટલમાં દાખલ થવાનું જોખમ જૂના ડેલ્ટા વૅરિયન્ટ કરતાં લગભગ અડધું છે.

ઓમિક્રૉનની જટિલતા વર્ણવતા ડૉ. માવળંકર કહે છે કે, "ઓમિક્રૉનનો રિપોર્ટ 3-4 દિવસે આવે છે. એવામાં ઘરે સારવાર મેળવીને સાજા થઈ ગયેલા દર્દીનો ઓમિક્રૉનનો રિપોર્ટ પૉઝિટિવ આવે તો તેને પરાણે અઠવાડિયું હૉસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો