You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત આંદોલનને ફરીથી જીવંત બનાવાઈ રહ્યું છે?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, લખનૌથી, બીબીસી માટે
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોમવારે લખનૌસ્થિત પાર્ટી કાર્યાલયમાં 'અન્ન-સંકલ્પ' લીધો. આ 'અન્ન-સંકલ્પ' તેમને ખેડૂત આગેવાન અને લખીમપુર ખીરીની હિંસામાં ઘાયલ થયેલા તેજિંદર વિર્કે લેવડાવ્યો હતો.
આ દરમિયાન અખિલેશ યાદવે ખેડૂતોના સંઘર્ષના મુદ્દે કહ્યું, "લખીમપુરમાં પ્રયત્ન હતો કે તેમને કચડી નાખવામાં આવે. તેમણે ખેડૂતોની લડાઈ લડી અને હું તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનો આભાર વ્યક્ત કરવા માગું છું, જેઓ આ સંઘર્ષનો ભાગ હતા. અંતે ખેડૂતોએ સરકારને ઝુકાવી જ દીધી."
"વોટ માટે ભાજપે ત્રણેય કૃષિકાયદા પાછા ખેંચ્યા. સમાજવાદી પાર્ટી 'અન્ન-સંકલ્પ' લે છે કે જેમણે ખેડૂતો પર અત્યાચાર અને અન્યાય કર્યો, તેને હરાવીશું અને હઠાવીશું. આ માટે તેજિંદર વિર્ક અમને સંકલ્પ અપાવે."
ચૂંટણીના માહોલમાં આ અન્ન-સંકલ્પમાં ચૂંટણીલક્ષી અપીલ પણ જોડી દેવામાં આવી કે "મતદાતા ભાજપને હરાવવા માટે 'અન્ન-સંકલ્પ' લે."
સમાજવાદી પાર્ટી સાથે કેમ જોડાયા તેજિંદર વિર્ક?
તેજિંદર વિર્ક ઉત્તરાખંડના રુદ્રપુરના રહેવાસી છે અને તરાઈ કિસાનસંગઠનના અધ્યક્ષ છે.
તેઓ લખીમપુર ખીરીમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ઘણા સક્રિય હતા.
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્ર અને 12 અન્ય લોકો પર આરોપ છે કે તેમણે લખીમપુર ખીરીમાં ચાર ખેડૂતો અને એક પત્રકારને ગાડીઓથી કચડીને મારી નાખ્યા.
આ ઘટનામાં તેજિંદર વિર્ક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેમની સારવાર દિલ્હીમાં થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેજિંદર વિર્કે અખિલેશ યાદવની પત્રકારપરિષદમાં કંઈ ન કહ્યું પણ બાદમાં બીબીસી સાથે વાત કરતાં સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી.
તેમનું કહેવું હતું, "અમારું ભાજપને હરાવવાનું મિશન છે. આ માટે અમે સંકલ્પ લીધો છે."
"કારણ કે ઉત્તર પ્રદેશમાં વિપક્ષના રૂપમાં સમાજવાદી પાર્ટી છે. જે મજબૂતીથી ભાજપને હરાવી શકે છે. આ માટે અમે સમાજવાદી પાર્ટી સાથે મળીને ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે."
આ 'અન્ન-સંકલ્પ'નો જવાબ આપતાં રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું હતું :
"રમખાણ કરનારાઓ, અપરાધીઓ અને આતંકવાદીઓનો હાથ પકડનારા લોકો આજે 'અન્ન'ને હાથમાં લઈને અન્નદાતાના હિતેચ્છુ હોવાનો ડોળ કરે છે. પ્રદેશ જાણે છે કે પ્રતિકૂળ વાતાવરણથી વધારે તેમના શાસન દરમિયાન થયેલાં રમખાણોએ જ ખેડૂતોને હાનિ પહોંચાડી છે. આ તો માત્ર 'ઝીણાપ્રેમી' છે."
ચૂંટણી 2022 : શું છે ખેડૂત સંગઠનોની ભૂમિકા?
દર વખતની જેમ આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત પશ્ચિમ યુપીથી થઈ રહી છે, જ્યાં મતદાન 10 અને 14 ફેબ્રુઆરીએ થશે.
ભલે ત્રણ કૃષિકાયદા પાછા ખેંચી લેવાયા હોય, પરંતુ સમાજવાદી પાર્ટીએ ખેડૂત સંગઠનોના સહયોગથી ભાજપને હરાવવાનું પ્રણ લીધું છે. તો શું તેનો અર્થ એ છે કે મોટા ભાગના ખેડૂત સંગઠનોમાં સંપૂર્ણપણે ભાજપવિરોધી માહોલ છે?
આ સવાલનાં જવાબમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિક કહે છે, "તેજિંદર વિર્કનું તો ખુદનું સંગઠન છે અને તેમણે સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ 23 લોકોને રાજકારણમાં જોડાવા બદલ કાઢી પણ મૂક્યા છે."
"વોટ તો કોઈ ક્યાંય પણ આપવા માટે સ્વતંત્ર છે. ભારતીય કિસાન યુનિયન સીધી રીતે કોઈને સમર્થન નથી આપતું, પરંતુ જે 13 મહિના રસ્તાઓ પર બેસ્યા, જે 700 લોકો ખોયા તેને યાદ રાખીને વોટ આપવામાં આવશે."
ગત રવિવારે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ અને રાકેશ ટિકૈતના મોટા ભાઈ નરેશ ટિકૈતનું એક નિવેદન વાઇરલ થયું હતું.
જેમાં તેઓ મંચ પરથી સમાજવાદી પાર્ટી-રાલોદ ગઠબંધનના ઉમેદવારને જિતાડવા માટેની વાત કરી રહ્યા હતા.
વાઇરલ વીડિયોમાં નરેશ ટિકૈત કહેતા નજરે પડ્યા હતા કે "આ ચૂંટણીને સારી રીતે લડો. ગઠબંધનના બીજા ઉમેદવાર મીરપુરથી ચંદન ચૌહાણ છે, આ ગઠબંધનને સફળ બનાવો."
બાદમાં ભાજપ સાંસદ સંજીવ બલિયાન નરેશ ટિકૈતને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા અને આ મુલાકાત બાદ નરેશ ટિકૈતે સ્પષ્ટતા કરી હતી કે "ત્યાં ખેડૂતભવનમાં લોકો એકઠા થયા હતા તો કહી દીધું કે તમે લોકો એમનું ધ્યાન રાખજો."
"જે કિસાનમોરચાનું બંધન છે તેનાથી થોડું વધારે ફાલતુ બોલાઈ ગયું. કિસાન સંયુક્ત મોરચો જ સર્વોપરિ છે. વોટ માગવાની વાત અહીંથી કોઈ ના કરે. તમામ પાર્ટીવાળા વોટ માગવા સિવાય અહીં આશીર્વાદ લે."
નરેશ ટિકૈતના આ નિવેદનનો અર્થ શો?
આ ચૂંટણીલક્ષી માહોલમાં નરેશ ટિકૈતના નિવેદન અને બાદમાં બદલાઈ જવાની ઘટનાનો અર્થ સમજવો પણ જરૂરી છે.
થોડા દિવસ પહેલાં જ રાષ્ટ્રીય રા.લો.દ.ના પ્રમુખ જયંત ચૌધરી નરેશ ટિકૈતના ખબરઅંતર પૂછવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા અને એ મુલાકાતની તસવીર ટ્વીટ કરીને કહ્યું, "બાબા નરેશ ટિકૈતના સ્વાસ્થ્યના ખબરઅંતર જાણવા હૉસ્પિટલમાં મુલાકાત લીધી. તેઓ ઠીક છે અને જલદી જ ઘરે પરત ફરશે."
ભલે આ માત્ર અનૌપચારિક મુલાકાત હોય, પરંતુ ત્યાર બાદના ઘટનાક્રમને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પત્રકાર શાદાબ રિઝવી સમજાવતાં કહે છે :
"અમે કેન્દ્રીયમંત્રી અને મુઝફ્ફરનગરથી ભાજપના સાંસદ સંજીવ બલિયાનની નરેશ ટિકૈત સાથેની મુલાકાતને આકસ્મિક નથી સમજતા. નરેશ ટિકૈત, રાકેશ ટિકૈત અને સંજીવ બલિયાન એક સરખા લોકો છે."
"સામાજિક રીતિરિવાજોની વાત કરવામાં આવે તો આ લોકો એકસાથે ઊઠવા-બેસવાનું અને ખાવા-પીવાનું રાખે છે, પણ રાજકીય રીતે જોવામાં આવે તથા ખેડૂતલક્ષી રાજકારણની વાત આવે તો ત્યાં તેઓ અલગ થઈ જાય છે."
શાદાબનું માનવું છે કે ખેડૂત આંદોલન સમાપ્ત થયા બાદ પણ રાકેશ ટિકૈત સરકારવિરોધી રહ્યા છે.
તેમના પ્રમાણે, "રાકેશ ટિકૈતનો તર્ક છે કે અમારી એકાદ બે માગો જ માનવામાં આવી છે. એમએસપી હજુ સુધી લાગુ નથી કરાઈ, કેસો પાછા નથી ખેંચાયા, માત્ર હરિયાણાને છોડીને અન્ય ક્યાંય પણ વળતરની વાત થઈ નથી."
"તો આ તમામ મુદ્દાઓને લઈને હાલમાં પણ તેઓ આક્રમક છે અને સરકાર અને ભાજપ વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યા છે."
જોકે, સમાજવાદી પાર્ટી- રા.લો.દ.ના ઉમેદવારો માટે મંચ પરથી નરેશ ટિકૈતની મતદાન માટેની અપીલ કોઈ ભૂલચૂક નથી.
શાદાબ રિઝવી આ વાતનું વિશ્લેષણ કરતાં સમજાવે છે, "કાલે નરેશ ટિકૈતે એ સંકેત આપ્યા હતા કે અમે ગઠબંધનના કેટલાક ઉમેદવારોનો સાથ એટલા માટે આપી શકીએ કે તેઓ અમારી સાથે સંબંધ ધરાવે છે."
"એમાં બુઢાનાની ભારે મહત્ત્વ ધરાવતી બેઠક પણ સામેલ છે. અહીં રાજપાલ મલિકને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અલબત્ત, અખિલેશ ઇચ્છતા હતા કે ઉમેદવાર ટિકૈતની વધુ નજીક હોય, જેમ કે નરેશ ટિકૈતના પુત્ર ગૌરવ ટિકૈત કે પછી તેમના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિક."
"જેથી લોકો સુધી એવો સંદેશ પહોંચે કે સમાજવાદી પાર્ટી- રા.લો.દ. ગઠબંધન સીધેસીધું ખેડૂતોની તરફેણમાં છે. એ માટે જ નરેશ ટિકૈતે નિવેદન આપ્યું હતું કે જ્યાં ખેડૂતોના હિતેચ્છુ ઉમેદવારો છે, તેમનો અમે સાથ આપી શકીએ છીએ."
આ નિવેદન બાદ ભાજપમાં થયેલી હિલચાલ અંગે શાદાબ કહે છે, "કદાચ તેની અસર હતી કે રવિવારે આ વાત કહેવામાં આવી અને બલિયાન ખાપના સભ્ય, સાંસદ અને મંત્રી સંજીવ બલિયાન સવારસવારમાં પહોંચી ગયા. મળવાનું તો માત્ર બહાનું હતું. જેવા બલિયાનજી ત્યાંથી નીકળ્યા કે નરેશ ટિકૈતે તરત જ યૂ-ટર્ન લીધો અને સ્પષ્ટતા કરી."
શાદાબ રિઝવી અનુસાર, ભાજપને થોડી રાહત થશે કે, જે બીકેયૂ એકદમ સખત વલણ અપનાવી રહ્યું હતું, તે હવે ઓછું થઈ રહ્યું છે.
શું નિવેદનોથી ખેડૂતોના મુદ્દા જીવંત થઈ રહ્યા છે?
ખેડૂતનેતા તેજિંદર વિર્ક દ્વારા સમાજવાદી પાર્ટીને અપાયેલા સમર્થનને તરાઈ વિસ્તારમાં લખીમપુર ખીરીકાંડને જીવિત રાખવાના પ્રયત્નના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.
લખીમપુર ખીરી અંગે 'હિન્દુસ્તાન અખબાર'ના બ્યૂરો ચીફ બાજપેયીનું કહેવું છે, "ચૂંટણીમાં આ મુદ્દો ઊઠશે જ, મામલો કોર્ટમાં પણ વિચારાધીન છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓ તો ઉઠાવશે જ. તેજિંદર વિર્ક ખુદ ઘાયલ થયા હતા, બાદમાં તેમણે સાક્ષી તરીકે પોતાનું નિવેદન પણ આપ્યું."
"લખીમપુર મામલા પર સતત રિપોર્ટિંગ પણ થઈ રહ્યું છે અને તમામ લોકોની તેના પર નજર છે. વિપક્ષી પાર્ટીઓ માટે તો હાલમાં પણ આ એક મોટો મુદ્દો બનેલો છે."
નોંધનીય છે કે લખીમપુર ખીરી કાંડમાં 14 આરોપીઓ વિરુદ્ધ જાન્યુઆરીની શરૂઆતમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્ર પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે.
કૉંગ્રેસ પણ લખીમપુર અને ખેડૂતોના મુદ્દાને જીવિત રાખવા માટે ભારે પ્રયત્નો કરી રહી છે.
સોમવારે ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ દ્વારા લખીમપુરકાંડમાં મૃત્યુ પામનારા પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપને પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું છે.
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઑક્ટોબરમાં ઘટેલી ઘટના બાદ પોતાની અને પાર્ટીની સંપૂર્ણ રાજનૈતિક તાકાત લખીમપુરમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે દબાણ લાવવામાં લગાવી દીધી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો