You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM મોદીના ટેલિપ્રોમ્પ્ટરમાં ખરેખર ગરબડ થઈ હતી કે કંઈ બીજું કારણ હતું?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એકાએક ટેલિપ્રોમ્પ્ટર ચાલતું બંધ થઈ ગયું હોવાના સમાચારે વેગ પકડ્યો. તે પછી ટ્વિટર પર #TeleprompterPM ટ્રેન્ડ થવા લાગ્યું.
વડા પ્રધાનની યૂટ્યૂબ ચેનલના વીડિયો પ્રમાણે ઘટનાક્રમ કંઈક એવો જણાય છે કે સોમવાર સાંજે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમને સંબોધિત કરતી વખતે અચાનક ટેલિપ્રોમ્પ્ટરમાં ખામી સર્જાઈ.
એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તત્ક્ષણ પૂરતા મૂંઝવણમાં મુકાયા અને ભાષણ ચાલુ રાખવા શબ્દો શોધવા માટે મથામણ કરતાં જોવા મળ્યા.
એ વખતે વડા પ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમને સંબોધતાં અટકી ગયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ 'અમારા ભારતીયોનું ટૅમ્પરામૅન્ટ, અમારા ભારતીયોની ટૅલેન્ટ...' બોલ્યા બાદ અટકી જાય છે. એ વખતે વડા પ્રધાન તેમની ટીમ તરફ પ્રશ્નાર્થસૂચક નજર નાખે છે અને પછી તેમના ઈયરપીસ કાનમાં સરકાવે છે.
એ બાદ મોદી બોલે છે કે "શું તેમનો અવાજ સૌકોઈને સંભળાઈ રહ્યો છે?"
જ્યારે તેમને ખાતરી આપવામાં આવે છે કે ઑડિયો બરોબર છે ત્યારે વડા પ્રધાન વધુ સમય લેતાં પૂછે છે કે "અમારા દુભાષિયાનો અવાજ બધા સુધી પહોંચી રહ્યો છે? "
વડા પ્રધાને ફરી પહેલેથી સંબોધન શરૂ કર્યું તે પહેલાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે ભારતના વડા પ્રધાનની જાહેરાત પહેલાં કેટલીક મિનિટો માટે પ્રસારણ બંધ કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ ઘટનાએ ભાજપ અને કૉંગ્રેસને એકબીજા પર પ્રહાર કરવાની તક આપી દીધી હતી.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "આટલું ખોટું Teleprompter પણ સહન ના કરી શક્યું"
ભાજપ અને પીએમ મોદીના સમર્થકોએ એમ કહીને બચાવ કર્યો કે ટેલિપ્રોમ્પ્ટર છેલ્લે ખોટકાયું હતું.
જ્યારે ટીકાકારોએ રાહુલ ગાંધીની વીડિયો ક્લિપ ટાંકીને લખ્યુ છે કે રાહુલ ગાંધીની આગાહી સાચી ઠરી.
વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે, "નરેન્દ્ર મોદીજી પાસે બોલવા માટે કંઈ નથી રહ્યું. ટેલિપ્રોમ્પ્ટર લગાવેલું રાખવામાં આવે છે. પાછળ કંન્ટ્રોલર હોય છે. કંન્ટ્રોલર કંન્ટ્રોલ કરે છે અને નરેન્દ્ર મોદી બોલતા રહે છે."
કિશોર નામના એક ટ્વિટર યુઝરે ફ્રેન્ચ નવલકથાકાર બાલ્ઝાકનું અવતરણ ટાંકતાં લખ્યું, "ધૈર્ય એ ચરિત્રની પારાશીશી છે."
ટ્વિટર પર હેશટેગ #TeleprompterPM ટ્રેન્ડ થયું અને લોકોએ વક્તૃત્વને લઈને પીએમની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા.
એ વિચિત્ર સંજોગ ગણવો રહ્યો કે વક્તૃત્વકળાને લઈને અન્યોની હાંસી ઉડાવતાં પીએમ મજાકનું પાત્ર બન્યા હતા.
ટેલિપ્રોમ્પટર ખરેખર ખોટવાયું હતું?
ફૅક્ટ ચેકીંગ વેબસાઇટ 'અલ્ટન્યૂઝ'ના સ્થાપક પ્રતીક સિંહા સહિતના કેટલાક લોકોએ ટેલિપ્રોમ્પ્ટરના બગડવા અંગે શંકા વ્યક્ત કરી છે.
પ્રતીક સિંહા ટ્વિટ કરતાં લખે છે, "તમે પીએમની સ્પીચનો વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દ્વારા શૅર કરવામાં આવેલો વીડિયો જુઓ તો તેમાં કોઈ બૅકગ્રાઉન્ડમાં કહે છે કે ''સર, આપ ઉનસે એક બાર પૂછે કી સબ જુડ ગયે ક્યા?"
આ ભાગ પીએમની યૂટ્યૂબ ચેનલની લાઇવ સ્ટ્રીમમાં સ્પષ્ટ નથી.
પ્રતીક સિંહા ટ્વીટની સિરીઝમાં આગળ લખે છે, "એ બાદ વડા પ્રધાન પ્રશ્ન કરે છે કે 'તેમનો અને તેમના દુભાષિયાનો અવાજ યોગ્ય રીતે સંભળાય છેને?', જેના જવાબમાં ક્લાઉસ શ્વાબે કહ્યું કે 'હા, તેમને સંભળાય છે.' જોકે, શ્વાબે વડા પ્રધાનનો સંક્ષિપ્ત પરિચય આપવા માટે પીએમના ભાષણમાં વિક્ષેપ પાડ્યો હતો."
પ્રતીક સિંહા આગળ લખે છે, "એ બાદ વડા પ્રધાન ફરી આખું ભાષણ રિપીટ કરે છે. વર્લ્ડ ઈકૉનૉમિક ફોરમના રેકૉર્ડિંગનું વર્ઝન તેની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. જેમાં 8:37 મિનિટે પીએમનું વક્તવ્ય શરૂ થાય છે.''
પ્રતીક સિંહાએ વર્લ્ડ ઈકૉનૉમિક ફોરમના રેકૉર્ડિંગના વર્ઝનની લિંક પણ મૂકી છે. જે અહીં ક્લિક કરીને જોઈ શકાશે.
પ્રતીક સિંહાએ ઉમેર્યું, "ટેલિપ્રોમ્પ્ટર સામાન્ય રીતે આગળ હોય છે. જ્યારે પીએમ વિચલિત થાય છે ત્યારે તેઓ બાજુ તરફ જુએ છે. ત્યાં કદાચ પીએમઓમાંથી ઇવેન્ટનું સંચાલન કરતી ટીમ બેઠી હશે. ટીમમાંથી કોઈએ પીએમનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હોય એવું સંભવ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો