આમ આદમી પાર્ટીમાંથી વિજય સુવાળા અને મહેશ સવાણીના જવાથી ગુજરાતની આગામી ચૂંટણીમાં 'આપ'ને શું અસર થશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

આમ આદમી પાર્ટી ગુજરાતમાં 'ત્રીજા વિકલ્પ' તરીકે ઊભરી રહી હતી અને ત્યાં જ તેને એક જ દિવસમાં બે ઝટકા ખમવાનો વારો આવ્યો. સેવાકીય કાર્યોથી જાણીતા સુરતના ડેવલપર મહેશ સવાણી અને લોકગાયક વિજય સુવાળાએ આપ છોડી દીધી છે.

અલબત્ત, આ બંને નેતાઓ ગણતરીના મહિનાઓ અગાઉ જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી પોતે પણ હજી રાજ્યમાં નવીસવી પાર્ટી છે.

તેમની પાસે ચહેરો ગણાય એવા નેતાઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે. એમાંથી પણ બે નેતાઓ જતા રહે તો એ અસર કદાચ નાની પાર્ટી માટે મોટી ગણી શકાય.

બે નેતાઓએ પાર્ટી છોડી દીધી એ ઘટનાને આમ આદમી પાર્ટી કઈ રીતે જોઈ રહી છે?

આ વિશે આપના સંગઠનમંત્રી સાગર રબારીને પૂછ્યું તો તેમણે કહ્યું કે, "બંને મિત્રો પરિવર્તનની ભાવના લઈને લાગણીથી જોડાયા હતા. સંઘર્ષપથ છે તે કાંટાળો જ છે. તેમાં લાગણીથી જે લોકો જોડાય તેમના માટે ક્યારેક નિરાશા કે હતાશાની પળ આવવી સ્વાભાવિક છે."

"જે લોકો પરિવર્તનની સમજણ સાથે તપીને જોડાયા છે એવા લોકો માટે સહજ છે. કોઈ આગેવાન જાય ત્યારે કાર્યકર્તાઓમાં બે પ્રકારનાં મોજાં ફરી વળતાં હોય છે. એક તો હતાશાનું અને બીજું જે છે તે બેવડા ઝનૂનનું. અમારા કાર્યકર્તાઓમાં હતાશા કરતાં ઝનૂનની ભાવના વધારે છે."

તેઓ કહે છે કે કાર્યકર્તાઓનું કહેવું છે કે આપણે તો એ લોકો નહોતા ત્યારે પણ લડતા હતા, આજે પણ લડીશું. સાથે હતા તો સારું હતું. નથી તો કંઈ વાંધો નહીં, આપણે લડી લઈશું. તેથી હવે પાર્ટીના નેતૃત્વની કસોટી છે. કાર્યકર્તાઓમાં જે જુસ્સાની ભાવના છે તેને કેળવીને કામે લગાડે.

સુરતમાં 27 નગરસેવકો ચૂંટાયા ત્યારે મહેશ સવાણી આપમાં નહોતા

આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને મુખ્ય વિપક્ષ તરીકે સુરતમાં હાલ છે.

મહેશ સવાણીનું ઘણું કાર્ય સુરતમાં છે. તેમના જવાથી સુરતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આપને અસર પડી શકે છે?

આ સવાલના જવાબમાં સાગર રબારી કહે છે કે, "સુરતમાં આપના 27 નગરસેવકો ચૂંટાયા ત્યારે મહેશભાઈ આપમાં નહોતા. પરિવર્તનનો એ મિજાજ લોકોનો હતો. જે દિવસે ને દિવસે ફેલાતો જાય છે. એમાં પછી વ્યક્તિ ગૌણ રહે છે અને લોકમાનસ મહત્ત્વનું રહે છે. પરિવર્તન લોકમાનસ અને લોકમત કરશે. કોઈ એક્સ કે વાય વ્યક્તિ નહીં કરે."

વિજય સુવાળા જવાથી પાર્ટીને સાયકોલૉજિકલ ધક્કો લાગે, વોટબૅન્કને અસર ન થાય

આપ જેવી નાની પાર્ટીમાંથી બે નેતા જતા રહે તો પાર્ટીને કેટલી મોટી અસર કહેવાય?

આ વિશે ગુજરાતના રાજકારણ અને આંદોલનોના અભ્યાસી રાજકીય વિશ્લેષક હસમુખ પટેલને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, "વિજય સુવાળા કોઈ વ્યાપક રાજકીય સમજ ધરાવતું માથું નથી. રાજકારણમાં કંઈક કરવાની તેમની ભાવના હશે. એ રીતે તેઓ આવી ગયા હશે."

"લોકગાયક હોવાના નાતે ગ્રામીણ ગુજરાતમાં જાણીતો ચહેરો ખરો. તેથી આપમાંથી તેમનું જવું અને ભાજપમાં પ્રવેશવું એ આપને નુકસાન કે ભાજપને ફાયદો કરાવે એવું હું માનતો નથી. આપને સાયકોલૉજિકિલ ધક્કો વાગ્યો કહેવાય ખરો. આપ તૂટી રહી છે અને વિજય સુવાળા ગયા. આનાથી વોટબૅન્કનો કોઈ ફરક ન પડે."

સૌરાષ્ટ્રના પટેલોના આંતરિક રાજકારણને લીધે મહેશ સવાણીએ આપ છોડી?

મહેશ સવાણી વિશે જણાવતાં હસમુખ પટેલ કહે છે કે, "મહેશ સવાણી આપમાં જોડાયા હતા શા માટે અને છોડીને ગયા તે રહસ્યમય છે. તેમનું જે સવાણી જૂથ છે જે તે કંઈકઅંશે ભાજપ તરફી ગણાતું હતું."

"મહેશ સવાણી કન્યાઓનાં લગ્ન કરાવે છે તે ખરેખર ઉમદા કામ છે, કોઈને પણ ગમે એવું કામ છે. મને લાગે છે કે કાં તો અંગત રીતે તેમના પર કોઈક દબાણ હોઈ શકે અથવા તો સૌરાષ્ટ્રનું જે પટેલ રાજકારણ છે, એમાંય ખાસ કરીને લેઉઆ પટેલું જે રાજકારણ છે એમાં અંદરોઅંદર જે રંગાઈ રહ્યું છે તેના ભાગ તરીકે પણ તેમણે આમ આદમી પાર્ટી છોડી હોય તેવુંય બને."

આપના કાર્યકર્તાઓ મહેનતુ છે. તેમની પાસે યુવાઓનું સંગઠન છે. છતાં આપના કાર્યકર્તાઓને રાજકીય તાલીમ નથી મળી એવું હસમુખ પટેલને લાગે છે.

તેઓ કહે છે કે, "સામાજિક ન્યાય, સુશાસન વગેરે બાબતમાં તેઓની સ્પષ્ટતા નથી. ઉપરાંત, આપમાં અર્જુન રાઠવા સિવાય ખાસ કોઈ આદિવાસી દેખાતા નથી. મુસ્લિમ નેતાની કોઈ હાજરી જ દેખાતી નથી. કોઈ મોટો દલિત નેતા નથી."

"મહેશ સવાણીના આપમાં પ્રવેશવાથી પણ કોઈ ફરક પડ્યો હોય કે જવાથી કોઈ ફરક પડે એવું મને લાગતું નથી. મહેશ સવાણીથી આપને આંશિક કે નજીવું નુકસાન કહી શકાય. એનું કારણ એ છે કે મહેશ સવાણી પટેલ હતા અને તેમનાં સામાજિક કામોની સુવાસ હતી. તેથી નાના પાયે નુકસાન કદાચ થઈ શકે."

વિજય સુવાળા તો ભાજપમાં વિધિવત્ રીતે જોડાઈ ગયા છે જ્યારે કે મહેશ સવાણીએ પોતે સામાજિક કાર્યો કરતા રહેશે એવી નેમ લીધી છે.

આપમાં સવાણીની વિદાયથી નાખુશ સુરતના આપના નગરસેવકો તેમની ઑફિસે ગયા હતા. આંખમાં આંસુ સાથે આપ ન છોડવા તેમને વિનવણી કરી હતી. કેટલાક તો મહેશ સવાણીને પગે પણ લાગ્યા હતા. તેમણે મહેશ સવાણીને નિર્ણય પાછો ખેચવા સતત આગ્રહ કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો