ઈસુદાન ગઢવી દારૂના કેસ બાદ ચૂંટણી લડી શકશે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી આજકાલ ચર્ચામાં છે, કારણ કે તેમની સામે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન ઍક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદ બાદ એક સવાલ ઊઠ્યો છે કે શું હવે ઈસુદાન ચૂંટણી લડી શકશે કે નહીં. બીબીસી ગુજરાતીએ આ અંગે વિવિધ નિષ્ણાતો સાથે વાત કરી.

ઈસુદાન ગઢવી પૂર્વ પત્રકાર છે અને ગઈ સાલ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાર્યકર્તાએ તેમની ઉપર આરોપ લગાવ્યા છે કે તેઓ દારૂના નશામાં હતા અને તેમણે તેમની છેડતી કરી હતી.

બીજી બાજુ ઈસુદાન ગઢવીએ પત્રકારો સાથે વાત કરતા આ આરોપોનું ખંડન કર્યું છે અને ભાજપનું શાસન ન હોય તેવા કોઈ પણ રાજ્યમાં પોતાનો નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી છે.

તેમના લોહીનાં સૅમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ 0.05 ટકાથી વધારે આવવાને કારણે તેમની સામે ફરિયાદ થઈ છે. આ ફરિયાદનો મુખ્ય આધાર તેમના લોહીનો રિપોર્ટ છે.

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવાને કારણે આ ફરિયાદ થઈ છે. તેમના કેસની તપાસ કરતા તપાસ અધિકારી મહેન્દ્રસિંહે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમની સામે 66-1બી અને 85-1 એમ બે કલમો હેઠળ ફરિયાદ થઈ છે અને તેમને પોલીસ સ્ટેશનથી જ જામીન મળી ગયા હતા.

ગુજરાતમાં ગુજરાત પ્રોહિબિશન 1949નો કાયદો અમલમાં છે. આ કાયદો ગુજરાતમાં દારૂના વેચાણ, સેવન પર પ્રતિબંધ મૂકે છે.

કોઈ વ્યક્તિને જો દારૂ પીધેલી હાલતમાં પોલીસ પકડે તો તેના પર પણ કેસ થઈ શકે છે. એટલે કે ગુજરાતની બૉર્ડરની પેલી બાજુ, દીવ, દમણ, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં દારૂનું સેવન કરવામાં આવે અને ગુજરાતની હદમાં પ્રવેશવામાં આવે, અને પોલીસ ચેકિંગમાં તે વ્યક્તિ પકડાય તો તેની પર પણ ફરિયાદ થઈ શકે છે.

ઈસુદાનની સામેની બે કલમો શું કહે છે?

જો ઈસુદાન ગઢવી પરના કેસની વાત કરવામાં આવે તો તેમની પર ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ 1949ની કલમ 66-1બી અને 85-1 હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.

આ કલમોની સમજણ આપતા મેટ્રોપોલિટન કોર્ટમાં ક્રિમિનલ સાઇડ પ્રૅક્ટિસ કરતા ઍડવૉકેટ જયેશ અભવેકર કહે છે કે, "66-1બીમાં કોઈ વ્યક્તિ પરનો ગુનો સાબિત થાય તો પ્રથમ ગુના માટે તેમને છ મહિનાની સજા અને દંડ, અને બીજા ગુના માટે ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે."

"આ માટે જે વ્યક્તિ પર ફરિયાદ થઈ હોય તે વ્યક્તિના લોહીમાં 0.05 ટકાથી વધુ આલ્કોહોલનો પ્રમાણ મળવું જરૂરી છે અને ત્યારબાદ જ તેની ઉપર ફરિયાદ થઈ શકે છે. આ માટે એફએસએલનો રિપોર્ટ પણ જરૂરી છે."

ઈસુદાન ગઢવી પર બીજી કલમ 85-1 લગાવવામાં આવી છે. કોઈ વ્યક્તિ જ્યારે દારૂ પીને દુર્વ્યવહાર કરે, મહિલાની છેડતી કરે, અપશબ્દોનો ઉપયોગ કરે, જાહેર સ્થળ પર દારૂ પીને ગેરવર્તન કરે ત્યારે તે વ્યક્તિ પર આ કલમ લગાડવામાં આવે છે.

આ માટે ગુનો સાબિત થઈ જાય તો વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ કેસ તે જે જિલ્લા કે શહેરના મેટ્રોપોલિટન કોર્ટમાં મૅજિસ્ટ્રેટની સામે ચાલતા હોય છે.

શું ઈસુદાન ગઢવી ચૂંટણી લડી શકે ખરા?

જોકે આ કેસ પછી ઈસુદાન ગઢવીની રાજકીય કારકિર્દી અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાત હાઈકોર્ટના વકીલ બાબુભાઈ માંગુકિયા સાથે વાત કરી.

તેમણે કહ્યું કે "કોઈ કેસમાં જ્યારે કોઈ વ્યક્તિ પર ફરિયાદ થાય અને તેને બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારી હોય, તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.

જોકે તેમણે એ પણ કહ્યું કે હાલમાં કેસની વિગતો જોતા એવું લાગે છે કે ઈસુદાન ગઢવીને બે વર્ષ કે તેથી વધુની સજા થઈ ન શકે, કારણ કે 85-1ની કલમ જે છે તે કોર્ટમાં ટકી શકશે નહીં.

નિષ્ણાતો એ પણ માને છે કે એક તરફ જ્યારે ઈસુદાન ગઢવી પર આ કેસ થયા છે, ત્યાં બીજી બાજુ 85-(1)ની જે કલમ આ ફરિયાદ પર લાગી છે, તેના કારણે કદાચ ભવિષ્યમાં તેમની ચૂંટણી લડવાની શક્યતા પર એક પ્રશ્નાર્થચિહ્ન લાગી શકે છે.

ઈસુદાન ગઢવી પરનો કેસ શું હતો?

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં જુનિયર ક્લાર્કની 186 જગ્યા ભરવાની જાહેરાત થઈ હતી અને તેની પરીક્ષા 12મી ડિસેમ્બરે લેવાઈ હતી.

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષાના દિવસે જ સાંજે એક પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવામાં આવેલી આ પરીક્ષાનું પેપર પહેલાં જ અમુક વિદ્યાર્થીઓ પાસે આવી ગયું હતું.

આ આખી ઘટના મીડિયામાં પેપરકાંડ તરીકે છપાતી રહી અને ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન આસિત વોરાના રાજીનામાની માગણી થતી રહી.

જોકે વોરાએ રાજીનામું ન આપતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપની ઑફિસ પર 21મી ડિસેમ્બરે વિરોધપ્રદર્શન કર્યું હતું અને ગેટની અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું અને આપના ઈસુદાન ગઢવી સહિત બીજા લોકોની સામે તોફાનો કરવાની ફરિયાદ થઈ હતી. તે દરમિયાન એક મહિના કાર્યકરે ઈસુદાન ગઢવી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ દારૂના નશામાં વિરોધપ્રદર્શનમાં આવ્યા હતા અને તેમની છેડતી કરી હતી.

તે પછી પોલીસે તેમના લોહીની તપાસ કરવા માટે તેમનું બ્લડ સૅમ્પલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું હતું.

સૅમ્પલનો રિપોર્ટ ચોથી જાન્યુઆરીએ આવ્યો અને તેમાં 0.05 ટકા કરતા વધારે આલ્કોહોલની માત્રા હોવાને કારણે તેમની સામે બીજી ફરિયાદ થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો