કોરોનાની ત્રીજી લહેરને ગુજરાત પહોંચી વળશે? સરકારે શું તૈયારી કરી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે અને નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના કેસ પણ વધી રહ્યા છે.

દેશ સહિત ગુજરાતમાં ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયનાં બાળકોને કોરોનાની રસી આપવાની પણ શરૂઆત થઈ છે.

તો કોરોનાના કેસની સંખ્યા વધતાં રાજ્યમાં કેટલાંક નિયંત્રણો પણ ફરી લાદવામાં આવી રહ્યા છે.

ગત વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેરે આરોગ્યતંત્રની હાલત ખરાબ કરી નાખી હતી, આથી ફરી રાજ્યમાં મહામારીને લઈને ચિંતાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

તો માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને આરોગ્ય નિષ્ણાતોએ સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે.

રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ

ગુજરાતના પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદી પ્રમાણે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સોમવારે 98.09 ટકા હતો.

ત્રીજી જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા હતા અને 151 દર્દીઓ સાજા થયા હતા.

સૌથી વધુ કેસ અમદાવાદ કૉર્પોરેશનમાં 631 નોંધાયા છે. એ પછી સુરત, વડોદરા, વલસાડ, રાજકોટનો ક્રમ આવે છે.

જોકે સરકારી આંકડા અનુસાર, હજુ સુધી કોરોનાથી મૃત્યુની સંખ્યા ગત વર્ષની તુલનામાં ઘણી ઓછી છે.

ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટની સ્થિતિ

તો રાજ્યની અખબારી યાદી પ્રમાણે ત્રીજી જાન્યુઆરીએ ઓમિક્રૉનના 16 નવા કેસ રાજ્યમાં નોંધાયા હતા.

હાલમાં રાજ્યમાં ઓમિક્રૉનના કુલ 152 કેસ નોંધાયેલા છે, જ્યારે એક પણ મૃત્યુ ઓમિક્રૉનથી થયું નથી.

સરકાર શું તૈયારી કરી રહી છે?

કોરોનાના કેસ વધતા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી.

મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં અમદાવાદ જિલ્લાના તમામ નિયુક્ત સ્ટાફને તાલીમ અપાશે. નર્સિંગ તેમજ મેડિકલ ઑફિસરોને છ દિવસની તાલીમ અપાશે.

તેમજ બીજી લહેરમાં જે મુશ્કેલીઓ પડી તે ન પડે તે માટે પણ આરોગ્ય કમિશનરે સૂચના આપી છે.

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતમાં કોરોના માટે 1,10,000 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.

"દરેક મોટી સરકારી હૉસ્પિટલમાં 1000 વૅન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે."

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે "દરેક કોવિડ હૉસ્પિટલમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. ડિસેમ્બર 31 સુધીમાં 18,96,458 લોકોના રેપિડ ટેસ્ટ અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાયા છે."

આગામી દિવસોના આયોજન વિશે વાતચીત કરતાં કહ્યું કે "10 જાન્યુઆરીથી 6,24,094 હેલ્થવર્કર 13,44,501 ફર્ન્ટ લાઇનવર્કરને રસી અપાશે. જ્યારે 60 વર્ષથી ઉપરના 14,24,600ને સલામતીના ભાગરૂપે રસી અપાશે."

ઓમિક્રૉનને લઈને શું વ્યવસ્થા કરાઈ છે?

કોરોનાની બીજી લહેર વખતે ગુજરાતમાં હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતના અહેવાલ આવ્યા હતા.

ઓક્સિજન તથા જરૂરી દવાઓ મેળવવામાં પણ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને દવાઓની કાળાબજારીની અહેવાલ પણ આવ્યા હતા.

તો હૉસ્પિટલમાં પથારીઓ ભરાઈ ગઈ હતી અને પ્રવેશ માટે દર્દીઓની બહાર લાઇનો લાગી હતી.

માર્ચ 2021માં બીજી લહેરે જ્યારે વેગ પકડ્યો હતો અને હવે આગામી દિવસોમાં કોરોનો ફરી ભય સતાવી રહ્યો છે.

બીજી તરફ તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારે પણ થોડા દિવસો પહેલાં રાજ્યનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરીને રાત્રિના 11 વાગ્યાથી માંડીને વહેલી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી દીધી હતી.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગુજરાતનાં મોટાં શહેરોની સરકારી હૉસ્પિટલોમાં ઓમિક્રૉન વૅરિયન્ટને લઈને 766 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 18થી વધુ ઉંમરના લોકોને કોરોના વાઇરસની રસી અપાતી હતી, પણ હવે 15થી 18 વર્ષની વયનાં બાળકોને પણ રસી આપવાની શરૂઆત થઈ છે.

અંદાજે 3500થી વધુ સેન્ટરો પરથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ સેશન વધારાશે એવું કહેવાયું છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કહ્યું હતું કે ગુજરાત સરકાર કોવિડ-19ની સંભવતિ ત્રીજી લહેર માટે સંપૂર્ણ તૈયાર છે.

ભૂપેન્દ્ર પટેલે લોકોને વિશ્વાસ અપાવ્યો કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ભલે અધ્યયનોનું અનુમાન હોય કે ત્રીજી લહેરના આંકડા 'મોટા' હોઈ શકે છે, પણ બીજી લહેરની તુલનામાં ઓછા ગંભીર હોવાની શક્યતા છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે સરકાર તરફથી બધી તૈયારી કરવામાં આવી છે, જેથી કોઈ મુશ્કેલી ન થાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો