કોરોના રસીકરણ : ભારતે નક્કી કરેલો લક્ષ્યાંક કેમ હાંસલ ન થઈ શક્યો?

    • લેેખક, શ્રૃતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

ગુરુવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્યખાતા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં 573 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધારે 269 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. જ્યારે સુરત અને વડોદરા શહેરમાં અનુક્રમે 74 અને 41 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે આ 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જોકે ગુજરાતમાં બુધવારે પણ 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનનાં કુલ 1270 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ વધારા પાછળ વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન જવાબદાર હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે 2021ના વર્ષના અંત સુધીમાં દેશની પુખ્ત વયની 94 કરોડની વસતિને કોરોનાની રસીના બંને ડોઝ આપી દેવાનો લક્ષ્યાંક ભારત ચૂકી ગયું છે.

મે મહિનામાં પ્રકાશ જાવડેકરે આ લક્ષ્યની જાહેરાત કરી હતી અને તે વખતે તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી હતા.

તેમણે કહ્યું હતું કે "ભારતમાં ડિસેમ્બર 2021 સુધીમાં રસીકરણનું કાર્ય પૂર્ણ થઈ જશે."

રસીકરણનો કાર્યક્રમ કેવો ચાલી રહ્યો છે?

30 ડિસેમ્બરના રોજ ભારતના પુખ્ત વયના નાગરિકોમાંથી 64% જેટલા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે, જ્યારે 90% ટકા લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે.

જાણકારો કહે છે કે સંપૂર્ણપણે રસીકરણના કાર્યક્રમને પાર પાડવામાં હજી ઘણો સમય લાગી શકે છે.

એપિડેમિયોલૉજિસ્ટ ડૉ. ચંદ્રકાન્ત લહારિયા કહે છે કે સરકારે નક્કી કરેલો આવો લક્ષ્યાંક "અવાસ્તવિક" હતો, કેમ કે 100% રસીકરણ પૂરું કરવું પૂરું કરવું શક્ય નથી હોતું.

તેઓ કહે છે, "કેટલાક લોકો એવા રહેવાના કે જે જુદાંજુદાં કારણસર રસી લેવા માટે તૈયાર થતા હોતા નથી."

ભારતના વૅક્સિન ડેશબોર્ડ પર CoWin પર જોવા મળે છે તે પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી જ દર અઠવાડિયે થતા રસીકરણના દરમાં ઘટાડો થવા લાગ્યો છે.

મધ્ય ઑક્ટોબરથી પ્રથમ ડોઝની જગ્યાએ બીજો ડોઝ આપવાની સંખ્યા વધી છે.

રોજના રસીકરણના આંકડા ઉપર-નીચે થતા રહ્યા છે, જેમાં નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરે એક દિવસમાં સૌથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા હતા.

તે એક જ દિવસે બે કરોડ લોકોને રસી આપી શકાઈ હતી, પણ તે સિવાયના દિવસોમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં દેશમાં રસીકરણ થયું નથી.

સપ્ટેમ્બર મહિનામાં રોજની રસીની સરેરાશ 81 લાખની હતી, જે ઑક્ટોબરમાં ઘટીને 54 લાખ થઈ અને નવેમ્બરમાં 57 લાખની રહી હતી.

કેટલાક નિષ્ણાતો કહે છે કે સપ્ટેમ્બર મહિનામાં રસીકરણની ગતિ પકડાઈ હતી તેને જાળવી રાખવામાં આવી હોત તો ભારત પોતાના લક્ષ્યાંકથી થોડું નજીક પહોંચ્યું હોત. પણ રસીની ગતિ આખરે ધીમી તો પડવાની જ હતી.

જાન્યુઆરી મહિનાથી શરૂ થયેલા રસીકરણના કાર્યક્રમમાં મુશ્કેલીઓ આવતી રહી હતી. પૂરતા પ્રમાણમાં કાચી સામગ્રી ના મળવી, તેના કારણે પુરવઠો ઓછો ઉપલબ્ધ થવો, રસીને ઠેરઠેર પહોંચાડવી એ સમસ્યાઓ હતી અને લોકોમાં રસી લેવા માટે અવઢવ પણ હતી.

વિશ્વમાં સૌથી વધુ રસી ઉત્પાદન કરનારા ભારતમાં જ રસી ખૂટી પડી?

એકસો કરોડ લોકોને રસી આપવી કેવી રીતે?

અડધું વર્ષ વીતી ગયા પછી પુરવઠાની સ્થિતિ થોડી સંભાળી શકાઈ હતી.

હવે પુરવઠાનો સવાલ નથી, પરંતુ માગનો એટલે કે બાકીના લોકો ઝડપથી રસી લઈ લે તેનો છે.

ડૉ. લહારિયા કહે છે, "રસીકરણ ઝુંબેશ હવે થોડી ધીમી પડી છે, કેમ કે લોકો હવે રસી લેવા માટે અચકાઈ રહ્યા છે."

ત્રીજી નવેમ્બરે સરકારે ઘરેઘરે જઈને રસી આપવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો.

આ કાર્યક્રમ શરૂ કરાયો તે પછીના એક મહિનામાં પ્રથમ ડોઝ લેનારાની સંખ્યામાં માત્ર 6%નો અને બીજા ડોઝમાં 12%નો જ વધારો થયો છે.

વડા પ્રધાન મોદીએ હવે રાજ્યોને અનુરોધ કર્યો છે કે ઓમિક્રૉનનું જોખમ છે ત્યારે હવે જે જિલ્લામાં ઓછું રસીકરણ થયું હોય ત્યાં ધ્યાન આપવું.

છેલ્લા થોડા મહિના દરમિયાન આરોગ્ય મંત્રાલયની અખબારી યાદીમાં હવે 100% રસીકરણના લક્ષ્યાંકનો ઉલ્લેખ ટાળવામાં આવે છે.

અમે આરોગ્ય મંત્રાલયને લક્ષ્યાંક હાંસલ થઈ શક્યો નથી તે વિશે પૂછ્યું હતું, પણ કોઈ જવાબ મળ્યો નથી.

ભારત પાસે રસીના પૂરતા ડોઝ છે?

હાલમાં ભારતમાં સ્થાનિક ધોરણે ઉત્પાદિત બે રસી આપવામાં આવી રહી છે. કોવિશિલ્ડ અને કોવૅક્સિન અને સાથે રશિયન સ્પુતનિક પણ અપાઈ રહી છે.

ભારતની સૌથી મોટી રસીઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) એક મહિના અગાઉ સુધી દર મહિને 25 કરોડ ડોઝનું ઉત્પાદન કરી રહી હતી. પરંતુ વધારાની રસી માટે ઑર્ડર મળ્યો ના હોવાથી ડિસેમ્બરમાં ઉત્પાદન ઘટાડવામાં આવ્યું છે.

સીરમ કંપની હવે મહિને રસીના 12.5 કરોડથી 15 કરોડ ડોઝ જ બનાવી રહી છે.

કોવૅક્સિન રસીની ઉત્પાદકકંપની ભારત બાયૉટેક મહિને 5થી 6 કરોડ ડોઝ બનાવે છે.

ભારતના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ હાલમાં જ સંસદમાં માહિતી આપી હતી કે રાજ્યો પાસે 20 ડિસેમ્બરના રોજ 17 કરોડ ડોઝનો જથ્થો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં મહિને 31 કરોડ ડોઝનું ઉત્પાદન થાય છે, તે આગામી બે મહિનામાં વધીને મહિનાના 45 કરોડ ડોઝ સુધી પહોંચી જશે.

અન્ય કંપનીઓની રસીનું ઉત્પાદન શરૂ થાય તેનો પણ કદાચ આમાં સમાવેશ થઈ જશે.

આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. ભારતી પવારે કહ્યું હતું કે "બંને કંપનીઓએ [ભારત બાયૉટેક અને સીરમ] તેમની ઉત્પાદનક્ષમતાના 90% હાંસલ કરી લીધા છે."

સરકારે હવે 15થી 18 વર્ષનાં બાળકોને પણ રસી આપવા માટેની જાહેરાત કરી છે.

આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ તથા 60થી વધુ ઉંમરના અને ગંભીર બીમારી ધરાવનારા લોકો માટે બૂસ્ટર ડોઝની પણ જાહેરાત કરી છે. આવતા મહિનેથી આ રસી આપવાનું શરૂ થશે.

સીરમના વડા અદાર પૂનાવાલાએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું સરકાર બૂસ્ટર ડોઝ માટેની જાહેરાત કરે તો તેને પહોંચી વળવા તેમની કંપની પાસે 50 કરોડ ડોઝનો સ્ટૉક છે.

રસીકરણના કાર્યક્રમની શરૂઆતથી આજ સુધીમાં 62 લાખ જેટલા ડોઝ વેડફાયા હોવાનું પણ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ધોરણો કરતાં આ રીતે રસીના બગાડનું પ્રમાણ ઘણું ઓછું છે.

કોવિડ સામે ભારતમાં ઉત્પાદિત અન્ય રસીઓ પણ આવે તેવી શક્યતાઓ છે.

બીજી કઈ વૅક્સિન ભારત વાપરી શકે છે?

અમેરિકામાં વિકસાવાયેલી નોવાવેક્સનું નામ ભારતમાં કોવાવેક્સ રખાયું છે અને તેનું ઉત્પાદન પણ સીરમ ઇન્ટસ્ટિટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાકિદના સમયમાં આ રસીના ઉપયોગની મંજૂરી આપેલી છે. ભારતમાં પણ આ રસીને મંજૂરી આપવામાં આવી છે.

સીરમે બીબીસીને જણાવ્યું હતું કે કંપની હાલમાં આ રસીનો જથ્થો સ્ટૉક કરી રહ્યું છે. કોવિશિલ્ડ ઉપરાંત આ રસીના ઉત્પાદન માટેની ક્ષમતા છે એમ પણ કંપનીએ જણાવ્યું હતું.

ભારત બાયૉટેક કંપનીએ પણ નાકમાં ટીપાં નાખીને આપી શકાય તેવી રસીની બૂસ્ટર ડોઝ તરીકે ટ્રાયલ શરૂ કરવા માટે ભારત સરકાર પાસે મંજૂરી માગી છે.

બાયોલૉજિકલ-ઈ કંપની દ્વારા ઉત્પાદિત કોર્બેવેક્સને તથા કોવિડ માટેની દવાની ટીકડીને પણ ભારતમાં મંજૂરી આપવામાં આવી છે.

અમેરિકામાં ઉત્પાદિત મૉડર્ના રસીને પણ ભારતે જૂન મહિનામાં તાકિદના સમયમાં ઉપયોગની મંજૂરી આપી હતી, પરંતુ ભારતમાં આ રસીના ડોઝ હજી સુધી આવ્યા નથી.

જ્હોન્સન ઍન્ડ જ્હોન્સનની સિંગલ ડોઝમાં લેવાની રસીને પણ ઑગસ્ટમાં મંજૂરી અપાઈ હતી, પણ તેનો ઉપયોગ પણ હજી ભારતમાં શરૂ થયો નથી.

વિદેશમાં તૈયાર થયેલી રસીની આયાતમાં મુશ્કેલી થઈ રહી છે તેનું એક કારણ કાનૂની પણ છે.

રસીના ઉપયોગના કારણે થનારી મુશ્કેલીમાં કોઈ કાનૂની ફરિયાદ કરે તેની સામે રક્ષણ મળે તેવી માગણી રસીઉત્પાદકોની છે. ભારતમાં હાલમાં રસીઉત્પાદકોને આવું કોઈ રક્ષણ મળેલું નથી.

રસીની નિકાસ કરવાનું શું?

ભારતમાં રસીની માગ ઘટી રહી છે અને કોરોનાના કેસ પણ ઓછા થઈ રહ્યા છે, ત્યારે સીરમે નવેમ્બર મહિનાથી કોવેક્સ કાર્યક્રમ હેઠળ રસીની નિકાસ શરૂ કરી હતી. વૈશ્વિક રસી ભાગીદારી માટેનો આ કાર્યક્રમ છે.

ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રસી પહોંચાડવા માટે કોવેક્સ કાર્યક્રમ ચાલે છે તેમાં રસીનો જથ્થો પૂરો પાડવા માટે સીરમ પર મોટો આધાર હતો, પરંતુ એપ્રિલ મહિનામાં ભારતે નિકાસ અટકાવી દીધી હતી.

જોકે તે પછી નિકાસ ઘટી છે અને કોવેક્સ હવે બીજી રસીઓ પર આધાર રાખે છે.

14 ડિસેમ્બર સુધીમાં કોવેક્સ હેઠળ 144 દેશોને 70 કરોડ ડૉઝ મોકલાયા હતા, તેમાંથી અંદાજે 4 કરોડ ડોઝ સીરમે પૂરા પાડ્યા હતા. કોવેક્સના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી એપ્રિલ 2021 સુધીમાં જ આમાંના 2.8 કરોડ ડોઝ મળી ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો