કોરોના વાઇરસ : એ દેશ જેણે જાતે જ કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિનના લાખો ડોઝનો નાશ કર્યો

    • લેેખક, ડ્રાફ્ટિંગ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

બુધવારે આફ્રિકામાં સૌથી વધુ વસતિ ધરાવતા અને માત્ર કોરોના રસીકરણનું માત્ર પાંચ ટકા પ્રમાણ ધરાવતા દેશ એવા નાઇજીરિયાએ એસ્ટ્રાઝેનેકા વૅક્સિનના લાખો ડોઝ તબાહ કર્યા હતા.

અધિકારીઓએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પશ્ચિમના ધનિક દેશો દ્વારા દાન કરાયેલા આ વૅક્સિનના ડોઝ કેટલાંક અઠવાડિયાં જૂના થઈ ગયા હતા એટલે કે એક્સપાયર થઈ ગયા હતા.

દેશના પાટનગરના છેવાડાના વિસ્તારમાં સરકારના સ્વાસ્થ્ય અધિકારીઓ અને પત્રકારોએ કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિનના લાખો વાઇલ ધરાવતા હજારો બૉક્સ ખાડો ખોદીને તેનામાં નાખી દેવાની પ્રક્રિયા જોઈ. અને ત્યારબાદ આ ખાડા પર બુલડોઝર ફેરવી દેવાયું.

સરકારી તંત્ર અનુસાર તેમણે આ પગલું લોકોને એક્સ્પાયર થયેલી વૅક્સિન ન લગાવાય તે ડર દૂર કરવાના હેતુસર લીધું હતું.

નેશનલ એજન્સી ફૉર પ્રાઇમરી હેલ્થ કૅર ડેવલપમેન્ટના વહીવટી નિદેશક ફૈસલ શુએબે આ અંગે કહ્યું કે, "અમે એસ્ટ્રાઝેનેકા વૅક્સિનના 10,66,214 ડોઝનો સફળતાપૂર્વક નિકાલ કર્યો છે. અમે નાઇજીરિયનોને વૅક્સિન બાબતે સમગ્ર પારદર્શી રહેવાનો પોતાનો વાયદો પૂર્ણ કર્યો છે."

બીબીસી સાથેના મુલાકાતમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને ગરીબ દેશોને વૅક્સિનની વહેંચણીની નિષ્ફળતાને "આપણા વૈશ્વિક આત્મા પરના ડાઘ સમાન ગણાવ્યો હતો."

રસીનો નાશ કેમ કર્યો?

નાઇજીરિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દાનમાં આવેલા વૅક્સિનના અમુક ડોઝની એક્સપાઇરી ડેટ ખૂબ નજીક હતી ત્યારે દાન કરાયા હતા.

જેના કારણે હેરફેરનો મોટો પડકાર ઊભો થયો અને વહેંચણી અને રસીકરણ માટે ઓછો સમય રહ્યો.

આના કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને આફ્રિકન સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન દ્વારા દાનની પદ્ધતિ બદલવાની વાત કરાઈ હતી. જેથી દાન મેળવનાર દેશો તેનો ઉપયોગ કરી શકે અને નુકસાનથી બચી શકે.

નાઇજીરિયામાં અત્યાર સુધી લગભગ 20માંથી માત્ર એક વ્યક્તિને જ કોરોના સામેની રસી મળી શકી છે. ઇથિયોપિયામાં વૅક્સિનેશનનો દર માત્ર આઠ ટકા છે.

દરેક ચાર પૈકી માત્ર એક જ આફ્રિકન હેલ્થ વર્કરને રસી આપી શકાઈ છે.

ઘણા નિષ્ણાતો વાઇરસના નવા વૅરિયન્ટની ઉત્પત્તિ માટે વૅક્સિનેશનના ઓછા દરને કારણભૂત માને છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો