ઓમિક્રૉન : કોરોના વાઇરસ 2022માં ખતમ થઈ જશે?

    • લેેખક, આંદ્રે બિયરનેથ
    • પદ, બીબીસી ન્યૂઝ, સાઓ પાઉલો

બે વર્ષ અગાઉ ચીનના વુહાનમાં કોરોના વાઇરસે દેખા દીધી હતી. બે વર્ષ બાદ 2022માં આ વાઇરસના 'અંતની શરૂઆત' થશે એવો વૈજ્ઞાનિકોનો અંદાજ હતો, પરંતુ એમિક્રૉન જેવા ચેપી વૅરિયન્ટ તથા વૅક્સિનવિતરણમાં અસમાનતાને કારણે તત્કાળ રાહત મળતી જણાતી નથી.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અનુમાન પ્રમાણે રોગમાંથી વિશ્વને મુક્ત કરવા માટે કમસે કમ 70 ટકા વસતીનું રસીકરણ થાય તે જરૂરી છે.

આમ છતાં 2022નું વર્ષ આગળના વર્ષો કરતાં વધુ આશાવાદ ભરેલું હશે, કારણ કે આપણે વાઇરસ વિશે ઘણું બધું જાણીએ છીએ અને તેની સામે લડવા માટે દવા અને વૅક્સિન સ્વરૂપે અનેક હથિયારો પણ ઉપલબ્ધ છે.

આમ છતાં એક બાબત નિશ્ચિત છે કે આ વર્ષે કોરોના મહામારીની સ્થિતિને નાથી શકાશે, પરંતુ તેને નાબૂદ નહીં કરી શકાય.

કોરોના વાઇરસ : બે વર્ષ બાદ

વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટાડ્રોસ ઍડહોમ ગેબ્રેસિયસે આશા વ્યક્ત કરી હતી કે વર્ષ 2022માં કોરોનાને નાથવામાં સફળતા મળી શકે છે.

તેમણે કહ્યું હતું કે "કોરોનાને નાથવા માટે આપણી પાસે જરૂરી માહિતી અને સાધનો છે."

WHOના વડાએ વૅક્સિનની સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ વારંવાર સાફ કરવા તથા માસ્ક પહેરવા પર ભાર મૂક્યો હતો. આ સિવાય વાઇરસ અંગેની માહિતી એકબીજા સાથે વહેંચવા પર પણ ભાર મૂકયો હતો.

બીબીસી ન્યૂઝે જે નિષ્ણાતો સાથે વાત કરી, તેઓ આશાવાદની સાથે આગમચેતી રાખવા પર પણ ભાર મૂકે છે.

બ્રાઝિલની યુનિવર્સિટી ફેડરલ દ પેલોતાસના પ્રાધ્યાપક અને ઍપિડેમિલૉજિસ્ટ પેદ્રો હલાલના કહેવા પ્રમાણે, "2022નું વર્ષ આગળના વર્ષ કરતાં સારું હશે. ટ્રૅન્ડને જોતાં આ વર્ષમાં મહામારીના અંતની શરૂઆત થઈ શકે, પરંતુ તે પહેલાં આપણે તમામ સાવચેતીઓનું પાલન કરવું રહ્યું."

બ્રાઝિલના ક્વેસ્તો દ સિનેસિયા ઇન્સ્ટિટ્યૂટનાં વડાં નતાલિયા પેસ્તરનાકના કહેવા પ્રમાણે, "એવું લાગે છે કે 2022માં મહામારીનો અંત આવી જશે, પરંતુ તેનો મતલબ એવો નથી કે બીમારી નેસ્તનાબુદ થઈ જશે."

"હજુ પણ લોકો બીમાર પડશે અને મૃત્યુ પામશે, પરંતુ સ્થિતિ અનિયંત્રિત નહીં હોય અને આરોગ્યવ્યવસ્થા પડી નહીં ભાંગે."

બે વર્ષ દરમિયાન વિશ્વભરમાં આ બીમારીને કારણે લાખો લોકોનાં મૃત્યુ થયાં છે.

અસમાનતાની અરાજકતા

વૈશ્વિક પરિદૃશ્યમાં જોઈએ તો કોવિડ-19 સામે રક્ષણ આપતી વૅક્સિનના વિતરણમાં અસમાનતા તથા ત્યાં સુધીની પહોંચ એ સૌથી મોટી સમસ્યા છે.

ઇઝરાયલ દ્વારા તેની સમગ્ર વસતીને વૅક્સિનનો ચોથો ડોઝ આપવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

બીજી બાજુ એવા દેશ પણ છે કે જે પોતાની વસતીના સંવેદનશીલ જૂથ જેમ કે વૃદ્ધો અને હેલ્થલાઇન વર્કરોને પણ વૅક્સિન નથી આપી શક્યા.

હૈતી, ચાડ, બુરુંડી અને કૉંગો જેવાં અતિગરીબ રાષ્ટ્રોમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. તેઓ પોતાની કુલ વસતીના એક ટકા લોકોને પણ વૅક્સિન આપી નથી શક્યાં.

ફેડરલ યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલો ખાતે શ્વાચ્છોશ્વાસ સંબંધિત બીમારીઓનાં સંશોધક તથા પ્રાધ્યાપક નેન્સી બિલેના કહેવા પ્રમાણે, "માત્ર વૅક્સિનની અમુક બૅચ દાન કરી દેવાથી પૂર્ણ નથી થઈ જતું."

"આંતરરાષ્ટ્રીય સંગઠનો આ દેશોને તેનાં વિતરણ તથા સંવાદના માળખામાં મદદ કરે તે પણ જરૂરી છે. જેથી કરીને લોકો સુધી અસરકારક રીતે માહિતી પહોંચે."

ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ફાર્માસ્યુટિકલ મૅન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના અનુમાન પ્રમાણે ચાલુ વર્ષે એક સારી બાબત એ હશે કે ગત વર્ષે 12.5 અબજ વૅક્સિનનું ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં અંદાજે 24 અબજ વૅક્સિનનું ઉત્પાદન થશે.

2022માં જે પ્રમાણમાં વૅક્સિનના ઉત્પાદનનું અનુમાન મૂકવામાં આવ્યું છે, તે સમગ્ર વિશ્વની વસતીને પૂરી પાડવા માટે પર્યાપ્ત છે.

વૅક્સિનનું સમાન રીતે વિતરણ માત્ર બંધુતા કે સાથે રહેવા માટે જરૂરી નથી; પરંતુ આ મહામારી એક વૈશ્વિક સમસ્યા છે. જ્યાં સુધી વૅક્સિનવિહોણા લોકો હશે, ત્યાં સુધી આ સમસ્યા માનવજાત ઉપર તોળાતી રહેશે.

વર્ષ 2021 માટે વિશ્વનાં 100 પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મેળવનારાં નતાલિયા પેસ્તરનાકના કહેવા પ્રમાણે, "ઓમિક્રૉન વૅરિયન્ટ આપણાં ગાલ પર 'તમાચાસમાન' છે."

"જે દર્શાવે છે કે જો આપણે રસીવિતરણમાં સમાનતા નહીં રાખીએ તો શું થશે. જ્યાં સુધી સમાન રીતે સુરક્ષા નહીં મળે, ત્યાં સુધી આવી જ રીતે નવા-નવા વૅરિયન્ટો આવતા રહેશે."

તેમણે ઉમેર્યું કે વાઇરસના નવા વૅરિયન્ટે સાબિત કરી આપ્યું છે કે કોવિડ-19 સામે વધુ સારી સુરક્ષા માટે ત્રીજા ડોઝની જરૂર પડશે. અગાઉ લાગતું હતું કે બે ડોઝથી કામ ચાલી જશે, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ છે કે ત્રણ ડોઝની જરૂર રહેશે.

ઇન્ફ્લુએન્ઝાની વૅક્સિનની જેમ કોરોના વાઇરસના કેટલા ડોઝ લેવા પડશે, તેની સ્પષ્ટતા પણ 2022માં થઈ જશે.

ઓસવાલ્દો ક્રૂઝ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા જુલિયો કોરદાના કહેવા પ્રમાણે, "કોવિડની સામે કેટલી સંખ્યામાં અને કેટલા પ્રમાણમાં વૅક્સિનેશનની જરૂર પડશે, તેના વિશે આપણે નક્કરપણે કશું જાણતા નથી."

"તેના માટે પ્રવર્તમાન વાઇરસ તથા નવા વૅરિયન્ટ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પર તેની અસરનો અભ્યાસ કરવો રહ્યો."

"જોકે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો તથા આરોગ્યક્ષેત્રના કર્મચારીઓને બૂસ્ટર ડોઝની જરૂર રહેશે. તાજેતરમાં આપણે વિશ્વભરમાં જોયું છે કે બાળકોને પણ કોરોનાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યાં છે. આથી આ વયજૂથને પણ રસી મળે તે જરૂરી છે."

ભારતમાં સોમવાર (3 જાન્યુઆરી)થી 15થી 18 વર્ષની વયજૂથનાં બાળકોને રસી અપાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

હજુ સુધી ભારતે દેશમાં નિર્મિત કોવૅક્સિનને જ આ વયજૂથને આપવા માટે માન્યતા આપી છે.

ઓમિક્રૉન અને આવનારી આફતો

નવેમ્બર મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રૉન વાઇરસે દેખા દીધી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને ચિંતાજનક વૅરિયન્ટ ગણાવ્યો, તેમાં અનેક પ્રકારના મ્યુટેશન જોવા મળ્યા હતા.

તે રસીકરણ અથવા અગાઉના ચેપને કારણે ઊભી થયેલી રોગપ્રતિકારક ક્ષમતાને પણ થાપ આપી શકવા સક્ષમ હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે વિજ્ઞાનીઓની ચિંતા વધી છે.

હજુ આ વૅરિયન્ટે દેખા દીધી તેને થોડો સમય થયો છે, ત્યાં જ વિશ્વના અનેક દેશોમાં તે ઝડપભેર દેખાઈ રહ્યો છે.

ગુજરાત તથા ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં જાણે ગુણાકાર થઈ રહ્યો છે.

અમેરિકામાં એક દિવસમાં 10 લાખ નવા કેસ નોંધાયા છે, જે એક રેકર્ડ છે.

યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા ખાતે વિઝિટિંગ ફેકલ્ટી હલાલના કહેવા પ્રમાણે, "આપણે એવું કહી શકીએ કે આ વાઇરસ મૂળ સ્વરૂપ કરતાં વધુ ચેપી છે, છતાં ઓછો ઘાતક છે. ખાસ કરીને જેમણે રસી લીધી હોય તેમના માટે."

આ સાથે જ તેઓ ઉમેરે છે કે આ બધી 'પ્રાથમિક માહિતી' છે તથા આ દિશામાં વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

અન્ય એક વિજ્ઞાની નતાલિયા પેસ્તરનાકના કહેવા પ્રમાણે, "આપણે એ સમજવું રહ્યું કે આ વાઇરસ ફેફસાંમાં જઈને ઝડપભેર ફેલાતો નથી."

"જેના કારણે તે વધુ મોટી અસર ઊભી નથી કરતો, જેના કારણે વૅરિયન્ટ ઓછો ઘાતક છે. જે લોકોએ વૅક્સિન લીધી હોય તેને હૉસ્પિટલાઇઝેશન તથા મૃત્યુ સામે રક્ષણ આપે છે."

વર્ષ, વૅરિયન્ટ અને વ્યાધિ

જાણકારોના કહેવા પ્રમાણે, વાઇરસનો નવો વૅરિયન્ટ બધા માટે એક ચેતવણીસમાન છે.

2022માં વાઇરસનાં બિહામણા વૅરિયન્ટો દેખા દઈ શકે છે, ખાસ કરીને જો ગરીબ દેશો સુધી વૅક્સિન ન પહોંચે તો. ધનવાન દેશોમાં પણ લોકો વૅક્સિન લેવાનો ઇન્કાર કરી રહ્યા છે, જે સમસ્યા નોતરી શકે છે.

ઍન્ટિ-વાઇરલ દવાઓ મોટી ભૂમિકા ભજવી શકે છે, છતાં દવાકંપનીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તે 'ચમત્કારિક અસર' ધરાવતી નથી.

WHO અને બ્રાઝિલના આરોગ્યવિભાગ સહિત સંસ્થાઓ સાથે જોડાયેલા બેલઈના કહેવા પ્રમાણે, કોરોના વાઇરસનો ચેપ લાગે, તેના પ્રારંભિક સમયમાં જ આ દવા આપવી જોઈએ, જેથી સારાં પરિણામ મળી શકે.

આ સિવાય વાઇરસવિરોધી દવાઓનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થાય અને સસ્તાભાવે લોકો સુધી પહોંચે, તે પણ જરૂરી છે.

ગુજરાત અને ભારતમાં શું સ્થિતિ છે?

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં 4213 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

આ દરમિયાન 860 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

ગુરુવારે જે નવા કેસ નોંધાયા, તેમાંથી સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 1835 નવા કેસ નોંધાયા છે. એ બાદ સુરતમાં કોરોનાના નવા 1105 દર્દી નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 183 અને વડોદરામાં 103 કેસ નોંધાયા છે.

જોકે, ઓમિક્રૉન આજે એક પણ કેસ નોંધાયો નથી. આ દરમિયાન અત્યાર સુધી કુલ 5,01,409 લોકોનું રસીકરણ કરાયું છે.

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે. બુધવારે જે રેટ 97.49 હતો એ ગુરુવારે 97.10 ટકા થઈ ગયો હતો.

ભરતમાં કોરોના વાઇરસના સંક્રમણના 24 કલાકમાં 90,928 કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસનો નવો ઓમિક્રૉન વૅરિયન્ટ આવ્યા બાદ દુનિયાના મોટા ભાગના દેશોમાં કેસોની સંખ્યા વધી રહી છે.

ગુરુવારે ભારતમાં પણ નવા કેસોનો દૈનિક આંક 90 હજારને પાર હતો. આ સાથે જ 24 કલાકમાં 19 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા હતા અને 325 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ભારતમાં હાલમાં ઍક્ટિવ કેસોની સંખ્યા બે લાખ 85 હજાર કરતાં વધારે છે અને કોરોનાના કુલ કેસનો આંક ત્રણ કરોડ 43 લાખથી ઉપર છે.

આ વલણને જોતાં આગામી 1-2 દિવસમાં જ કોવિડ-19ના દૈનિક સંક્રમણનો આંક 1 લાખને પાર જવાની શક્યતા છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી

હલાલના કહેવા પ્રમાણે કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ અને ભીડ એકઠી ન થાય તે જરૂરી છે. છતાં અમુક દેશોમાં તે વૈચારિક કે રાજકીય મુદ્દો બની ગયો છે.

તેઓ કહે છે કે તેને ટેકનિકલ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવું જોઈએ. વાઇરસ મહામારીના કયા તબક્કામાં છે, તેના આધારે જરૂરિયાત બદલાઈ શકે છે.

તેઓ કહે છે, "એક મહિના પહેલાં કોરોનાને કારણે મૃત્યુ અને તેના કેસની સંખ્યા ઘટી ગઈ હતી."

"લોકોને લાગ્યું કે તેમણે વૅક્સિન લઈ લીધી છે, એટલે તેમને માસ્ક પહેરવાની જરૂર નથી. પરંતુ, હવે જેમ-જેમ ઓમિક્રૉનનો ફેલાવો વધી રહ્યો છે, તેમ-તેમ માસ્કની ફરી જરૂર ઊભી થઈ છે."

બીજા શબ્દોમાં કહીએ તો 2022 દરમિયાન પણ મહામારી કયા તબક્કામાં છે, તેના પ્રમાણે નિયંત્રણો અને છૂટછાટોનો ક્રમ ચાલતો રહેશે.

એ જરૂરી છે કે વાઇરસની સ્થિતિને ધ્યાને લઈને નીતિ ઘડવામાં આવે તથા તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે.

આ વાત સાથે ક્રોદા સહમત જણાય છે. તેઓ કહે છે કે, "હૉસ્પિટલમં દાખલ થનારા લોકોની સંખ્યા અને મરણાંકને ધ્યાને લઈને નિયંત્રણો લાદવા વિશે વિચારવું જોઈએ."

આ સાથે જ તેઓ જ્યાં સુધી મહામારી છે, ત્યાં સુધી માસ્ક પહેરવાં, સામાજિક અંતર જાળવવા, ભીડને ટાળવા, કામ વગર ઘરની બહાર ન નીકળવા, બંધિયારના બદલે ખુલ્લી જગ્યામાં મળવાની તથા નિર્ધારિત સમયે વૅક્સિનના બે કે ત્રણ ડોઝ લેવાની હિમાયત કરે છે.

ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના તથા સહબીમારી ધરાવતા નાગરિકોને બીજો ડોઝ લેવાના નવ મહિના બાદ ડોઝ આપવાની શરૂઆત થશે.

આ કામગીરી આવતાં સોમવારથી (10 જાન્યુઆરી) હાથ ધરવામાં આવશે. બેલેઈ શ્વાસની કોઈ પણ બીમારી હોય તો પણ આઇસોલેશન પાળવા માટે હિમાયત કરે છે.

કોવિડ હોય ફ્લૂ કે સામાન્ય શરદી તેનો ચેપ ફેલાય નહીં તે માટે ઘરમાં જ રહેવાની ભલામણ કરે છે, કારણ કે એક વ્યક્તિ મારફત અનેક લોકોને તેનો ચેપ લાગી શકે છે.

તેમને લાગે છેકે આવનારા સમયમાં 'વૅક્સિન પાસપૉર્ટ' જરૂરી બની જશે. તેઓ કહે છે કે, કેટલાક લોકો વૅક્સિન લેવાનો ઇન્કાર કરે છે.

તેમને ચેપ લાગવાની શક્યતા રહે છે અને તેમના થકી અન્યો સુધી આ બીમારી પહોંચવાની શક્યતા રહે છે. સાથે બોલતી કે ગાતી વખતે પણ આ બીમારી ફેલાઈ શકે છે તથા અન્યને વળગી શકે છે.

કઈ બાબતોની કાળજી લેવામાં આવે તો 2022માં કોરોના ખતમ થાય?

ડૉ. સાહિલ શાહ (કન્સલ્ટન્ટ રેડિયોલૉજિસ્ટ અને એએમએના જોઈન્ટ સેક્રેટરી) કહે છે, "પહેલી અને બીજી લહેર વખતે રસીની પહોંચ નહોતી. એ વખતે લક્ષણોમાં શરદી, ઉધરસ અને તાવની સાથે મુખ્ય સમસ્યા શ્વાસોશ્વાસની હતી. ઓક્સિજન લેવલ ઘટી જતું હતું. એ પછી લોકો સ્વયંભૂ બહાર આવ્યા અને રસીકરણ કરાવ્યું."

"હાલમાં કોરોના સંક્રમણ સામે લોકો ઘરે સારવારથી સાજા થઈ રહ્યા છે. એનું કારણ એ છે કે અગાઉ સંક્રમણ અથવા રસીને કારણે કોરોનાના એન્ટિજન સામે આપણા શરીરમાં એન્ટિબોડી બની ગયા છે."

તેઓ કહે છે કે જ્યાં સુધી વૈશ્વિક સ્તરે 70થી 80 ટકા વસ્તીનું રસીકરણ નહીં થાય ત્યા સુધી કોરોનાના નવા નવા વૅરિયન્ટ આવતા રહેશે અને તેની સામે સૌથી કોરોના અનુરૂપ બિહેવિયરનું પાલન કરવાનું જ રહેશે.

કોરોના ખતમ ન થાય તો પણ તે કેટલે અંશે સામાન્ય કરી શકાય?

ડૉ. સાહિલ શાહ કહે છે કે ડૅલ્ટા અને ડૅલ્ટા પ્લસની સરખામણીએ નવા ઑમિક્રોન વૅરિયન્ટનાં લક્ષણો હળવાં છે. એમાં દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની બહુ જરૂર નથી પડી રહી.

"ઓક્સિજનનું સ્તર પણ ઘટતું જોવા નથી મળતું. રસીકરણને શક્ય એટલો વેગ આપવો પડશે. વિકસિત રાષ્ટ્રોએ વિકાસશીલ અને ગરીબ દેશોને મદદ કરવી પડશે. તો જ કોરોનાની ચેઇનને રોકી શકીશું. અન્યથા આપણે જોયું કે આફ્રિકાના નાનકડા કસ્બામાંથી ઓમિક્રૉન આખી દુનિયામાં ફેલાયો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો