You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 4000 કરતાં વધુ કેસ, વાઇરસ વધુ ફેલાયો તો શું થશે?
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં 4213 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આ દરમિયાન 860 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
ગુરુવારે જે નવા કેસ નોંધાયા, તેમાંથી સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 1835 નવા કેસ નોંધાયા છે. એ બાદ સુરતમાં કોરોનાના નવા 1105 દર્દી નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 183 અને વડોદરામાં 103 કેસ નોંધાયા છે.
જોકે, ઓમિક્રૉન આજે એક પણ કેસ નોંધાયો નથી. આ દરમિયાન અત્યાર સુધી કુલ 5,01,409 લોકોનું રસીકરણ કરાયું છે.
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 3,350 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે. બુધવારે જે રેટ 97.49 હતો એ ગુરુવારે 97.10 ટકા થઈ ગયો હતો.
આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોરોનાના 2,265 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા સાત મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા.
સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 1,259 કેસ નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં 24 કલાકમાં 90 હજાર કેસ
ભરતમાં કોરોના વાઇરસના સંક્રમણના 24 કલાકમાં 90,928 કેસ નોંધાયા છે.
કોરોના વાઇરસનો નવો ઓમિક્રૉન વૅરિયન્ટ આવ્યા બાદ દુનિયાના મોટાભાગના દેશોમાં કેસોની સંખ્યા વધી રહી છે.
ગુરુવારે ભારતમાં પણ નવા કેસોનો દૈનિક આંક 90 હજારને પાર હતો.
આ સાથે જ 24 કલાકમાં 19 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા હતા અને 325 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતમાં હાલમાં ઍક્ટિવ કેસોની સંખ્યા બે લાખ 85 હજાર કરતાં વધારે છે અને કોરોનાના કુલ કેસનો આંક ત્રણ કરોડ 43 લાખથી ઉપર છે.
આ વલણને જોતાં આગામી 1-2 દિવસમાં જ કોવિડ-19ના દૈનિક સંક્રમણનો આંક 1 લાખને પાર જવાની શક્યતા છે.
વાઇરસ વધુ ફેલાયો તો?
રાજ્યમાં કોરોના વધતાં કેસને જોતાં તકેદારીનાં કેવાં પગલાં લેવા જોઈએ એ અંગે બીબીસી ગુજરાતીએ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી અને કન્સલ્ટન્ટ રેડિયોલૉજિસ્ટ ડૉ. સાહિલ શાહ સાથે વાતચીત કરી હતી.
ડૉ. શાહે જણાવ્યું હતું, "અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને થોડા દિવસ પહેલાં જ હેલ્થ ઍડવાઇઝરી બહાર પાડી હતી. રાજકીય, સામાજિક અને ધાર્મિક મેળવડા સદંતર બંધ કરવા જોઈએ."
"શાળાઓમાં ઑફલાઇનને બદલે ઑનલાઇન શિક્ષણને વેગ આપવો જોઈએ, મોબાઈલ વૅક્સિનેશન વધારવું જોઈએ અને ટેસ્ટિંગમાં વધારો કરવો જોઈએ, કારણ કે ટેસ્ટિંગ જેટલું વધારે થશે એટલા કેસ બહાર આવશે."
વાઇરસને નાથવાની આગામી રણનીતિ શું હોઈ શકે એ અંગે વાત કરતાં ડૉ. શાહે જણાવ્યું હતું, "વાયરસ જેટલો વધુ ફેલાશે, એટલો વધુ એ સ્વરૂપ બદલતો રહેશે. આપણે એ કરવાનું છે કે રસીકરણથી આ વાઇરસને નબળો પાડવાનો છે. જેથી આગામી સમયમાં તે સામાન્ય ફ્લૂ બનીને રહી જાય."
આ ઉપરાંત માસ્ક માસ્ક અને અન્ય દિશાનિર્દેશોનું પાલન કરવા પર ભાર આપતાં તેમણે જણાવ્યું હતું, "સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અતિ આવશ્યક છે. બૅક્ટેરિયા કે વાઇરસના ચેપને રોકવા માટે માસ્ક જરૂરી છે. ડૉક્ટરો કોરોના પહેલાં પણ માસ્ક પહેરતા હતા."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો