You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉન : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ, ભારતમાં ઘાતક કોરોના લહેરની આશંકા?
કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસોને પગલે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્યના મુખ્ય મંત્રીના કાર્યાલય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે તકેદારીના ભાગરૂપે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
જે બાદ 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.
મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ સમિટમાં વિવિધ દેશોના વડા, મહાનુભાવો, ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 3,350 કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલા કેસ પૈકી સૌથી વધારે 1,637 કેસ અમદાવાદમાં, 630 કેસ સુરતમાં, 150 કેસ વડોદરામાં અને 141 કેસ રાજકોટમાં નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય અને પરીવારકલ્યાણ વિભાગે આ માહિતી આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે અને એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે. આ સાથે ગુજરાતનો રિકવરી રેટ ઘટીને 97.49 ટકા પર પહોંચ્યો છે.
કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના કેસોની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રૉનના 50 નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ 50 કેસમાંથી 34 કેસ માત્ર અમદાવાદમાં છે. નવા નોંધાયેલા 50 કેસ સાથે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની કુલ સંખ્યા 204 પર પહોંચી છે. જે પૈકી 112 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોરોનાના 2,265 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા સાત મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા.
સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 1,259 કેસ નોંધાયા હતા.
ભારતમાં 24 કલાકમાં 90 હજાર કેસ
ભરતમાં કોરોના વાઇરસના સંક્રમણના 24 કલાકમાં 90,928 કેસ નોંધાયા છે.
કોરોના વાઇરસનો નવો ઓમિક્રૉન વૅરિયન્ટ આવ્યા બાદ દુનિયાના મોટાભાગના દેશોમાં કેસોની સંખ્યા વધી રહી છે.
ગુરુવારે ભારતમાં પણ નવા કેસોનો દૈનિક આંક 90 હજારને પાર હતો.
આ સાથે જ 24 કલાકમાં 19 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા હતા અને 325 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતમાં હાલમાં ઍક્ટિવ કેસોની સંખ્યા બે લાખ 85 હજાર કરતાં વધારે છે અને કોરોનાના કુલ કેસનો આંક ત્રણ કરોડ 43 લાખથી ઉપર છે.
આ વલણને જોતાં આગામી 1-2 દિવસમાં જ કોવિડ-19ના દૈનિક સંક્રમણનો આંક 1 લાખને પાર જવાની શક્યતા છે.
સમાચાર સંસ્થા રૉયટર્સ સાથેની વાતચીતમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ગત મે માસમાં નોંધાયેલા 4,14,000 કેસ કરતાં પણ વધુ કેસ આવી શકે છે.
અધિકારીઓએ એવું પણ જણાવ્યું કે લોકો ઓમિક્રૉન વૅરિયન્ટને હળવાશમાં લે છે અને માસ્ક પહેરવાનું ટાળે છે, જે મોટા જોખમને નોતરી શકે છે.
ઓમિક્રૉનનાં લક્ષણો 'માઇલ્ડ' હોય છે, છતાં દેશની હેલ્થ સિસ્મટ પર ભારે દબાવ લાવી શકે એમ છે.
ટોચના સ્વાસ્થ્ય અધિકારી વિનોદકુમાર પૉલે સમાચાર સંસ્થા રૉયટર્સ સાથેની વાતચીતમાં જણાવ્યું, "આત્મસંતોષને કોઈ સ્થાન નથી, હળવાશથી ન લો. આપણે નથી જાણતા પણ એવું બની શકે કે હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ જાય."
ટૉરંટોમાં ડેલ્લા લાના સ્કૂલ ઑફ પેસિફિક હેલ્થમાં ગ્લોબલ હેલ્થ ઍન્ડ ઍપિડેમિયોલૉજીના પ્રોફેસર પ્રભાત ઝાએ 'મંનીકંટ્રોલ' વેબસાઇટ સાથે વાત કરતાં જણાવ્યું :
"જો ઓમિક્રૉનના કુલ કેસમાંથી માત્ર 1/3 દરદીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી હોય તો પણ ભારતની સ્થિતિ ખરાબ થઈ શકે એમ છે."
"ડેલ્ટા વૅરિયન્ટની માફક જો ઓમિક્રૉન ફેફસાંમાં નુકસાન પહોંચાડે અને ગત વખતની માફક આ વખતે પણ ઓક્સિજન અને વૅન્ટિલેટરની ઘટ સર્જાય તો કેટલાય લોકોનાં મૃત્યુ થઈ શકે એમ છે."
આ અંગે વધારે વાત કરતાં તેમણે ઉમેર્યું કે "પશ્ચિમના દેશોમાં ઓમિક્રૉને દર્દીઓને હૉસ્પિટલમાં પહોંચાડવા પડી રહ્યા છે, એ મુખ્ય પડકાર છે."
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકરે આ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતમાં પહેલાં ટેસ્ટિંગના કુલ સેમ્પલો પૈકી પાંચ ટકાનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવતું હતું. જે ઓમિક્રૉન બાદ વધારી દેવામાં આવ્યું છે.
તેમના કહેવા પ્રમાણે ભારતમાં જિનેટિક સિક્વન્સિંગ કરી શકે તેવી 20 જેટલી લૅબોરેટરી છે, જોકે પ્રક્રિયા લાંબી હોવાથી રિપોર્ટ આવતા સમય લાગે છે.
સાથે જ તેઓ કહે છે કે, "જેમ-જેમ સેમ્પલિંગ વધશે, તેમ-તેમ વૅરિયન્ટના કેસો પણ વધશે પરંતુ તેનાં લક્ષણો જોતાં લાગતું નથી કે તે ડેલ્ટા વૅરિયન્ટ જેટલો ઘાતકી સાબિત થશે."
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના જૉઇન્ટ સેક્રેટરી ડૉ. સાહિલ શાહ કહે છે કે "થોડા દિવસો પહેલાં જ હેલ્થ ઍડ્વાઇઝરી બહાર પાડી હતી."
"રાજકીય, સામાજિક અને ધાર્મિક મેળાવડા સદંતર બંધ કરવા જોઈએ. શાળાઓમાં ઑફલાઇનને બદલે ઑનલાઇન શિક્ષણને વેગ આપવામાં આવે."
"મોબાઇલ વૅક્સિનેશન વધારવામાં આવે અને ટેસ્ટિંગ વધારવામાં આવે. કારણ કે ટેસ્ટિંગ જેટલું વધશે, એટલા કેસ બહાર આવશે."
ડૉ. માવળંકરના જણાવ્યા પ્રમાણે ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધુ ઝડપથી પ્રસરે છે, પરંતુ આ સિવાય તેના દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણો દેખાતાં નથી. ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત લોકોમાં માત્ર હળવાં અથવા તો નહિવત્ લક્ષણો જોવા મળે છે.
જેથી કહી શકાય કે ભારતમાં આગામી દિવસોમાં ઓમિક્રૉનના કેસો વધશે, પરંતુ મૃત્યુદર તેમજ હૉસ્પિટલાઇઝેશનનો દર ઘટી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો