You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપને એવું કેમ કહ્યું કે "મને મરાવી નાખો?"
આમ આદમી પાર્ટીના બે નેતાઓ વિજય સુવાળા અને મહેશ સવાણીએ સોમવારે પક્ષમાંથી રાજીનામાં આપ્યાં.
બીજા દિવસે આપના નેતા ઈસુદાન ગઢવીએ પત્રકારપરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા.
ઈસુદાન ગઢવીએ પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, "ભાજપને ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી પૂરજોશમાં આગળ વધી રહી છે. તેથી અમને અટકાવવા માટે બદનામ કરવામાં આવી રહ્યા છે."
તેઓ આગળ કહે છે, "હું પહેલાં પણ કહેતો હતો અને આજે પણ કહું છું કે મેં દારૂ નહોતો પીધો. તેમ છતાં 12 દિવસ પછી મારો રિપોર્ટ પૉઝિટિવ આવે છે. આ કારણથી એફએસએલની કામગીરી પર પણ સવાલો ઊભા થાય છે."
પોતાના પર થયેલા દારૂના કેસ અંગે તેમનું માનવું છે કે ભાજપ તેમને અટકાવવા માટે આઈટી કે ઈડી ન પહોંચાડી શકી હોવાથી દારૂના ખોટા કેસમાં તેમને ફસાવવામાં આવ્યા છે.
તેમણે સી.આર. પાટીલનું નામ લઈને એમ પણ કહ્યું હતું કે, "તમે તમારાં સંતાનના સમ ખાઈને કહો કે તમે સાચું બોલો છો."
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું, "તમે (ભાજપ) મારા પર ખોટા કેસ કર્યા. બીજાં ષડ્યંત્રોનાં પણ કેસ કરો. જો ભાજપમાં દમ હોય તો બહુ સસ્તામાં, પાંચ-પાંચ લાખમાં શૂટરો મળે છે. મને મરાવી નાખો, પણ યાદ રાખજો આ લડત બંધ નહીં થાય."
વિજય સુવાળા અને મહેશ સવાણી વિશે શું કહ્યું?
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળા સોમવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માત્ર ચાર મહિનામાં જ આમ આદમી પાર્ટી છોડીને પાછા ભાજપમાં જોડાયેલા વિજય સુવાળાએ ભાજપમાં સામેલ થવા અંગે એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું હતું, "મારા અંગત મિત્રોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. કદાચ મારી ઉંમર નાની છે એટલે એમ સમજો કે રાતનો ભૂલો પડેલો દિવસે ઘરે આવ્યો છું."
વિજય સુવાળાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી એના ગણતરીના કલાકોમાં જ આપના નેતા મહેશ સવાણીએ પણ પાર્ટીને અલવિદા કહી દીધી હતી.
તાજેતરમાં જ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં 'ગૌણ સેવા પસંદગી મંડળ'ના ચૅરમૅન અસિત વોરાના રાજીનામા સહિતની માગો સાથે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ કરનારા મહેશ સવાણીએ પત્રકારપરિષદમાં પાર્ટી છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં સવાણીએ જણાવ્યું હતું, "હું સેવાનો માણસ છું. મારે સમાજસેવા કે જે મારું કામ હતું એ જ કરવું જોઈએ. હવે હું આમ આદમી પાર્ટીમાં નહીં રહીને, પાર્ટીનું કામ ન કરતાં સેવાનું કામ કરીશ."
પોતાની તબિયતનું કારણ આગળ ધરતાં સવાણીએ ઉમેર્યું હતું, "પાર્ટીમાં ગયા બાદ મને લાગ્યું કે હું પરિવાર અને સેવાના કામમાં સમય નહોતો ફાળવી શકતો એટલે હવે હું આપમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું."
આ બન્ને નેતાઓ અંગે ઈસુદાને કહ્યું હતું કે, “તે એમનો વ્યક્તિગત મત હોઈ શકે. જાતભાતનાં દબાણ ઊભાં કરીને આમ કરાવ્યું હોઈ શકે છે. ટૂંકમાં તેઓ ડરી ગયા છે એટલે આવા કાવાદાવા કરી રહ્યા છે.”
ઈસુદાને બન્ને નેતાઓનો આપ સાથે જોડાઈને કામ કરવા બદલ આભાર પણ માન્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો