You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન ક્યાં 'નવું દુબઈ' બનાવી રહ્યું છે અને ભારતે ચિંતા કરવાની જરૂર કેમ છે?
- લેેખક, અનબરાસન એથિરાજન
- પદ, બીબીસી ન્યૂઝ, કોલંબો
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં બની રહેલી પૉર્ટ સિટીને 'ગેઇમ ચેન્જર' ગણવામાં આવી રહ્યું છે. કોલંબોના કારોબારી કેન્દ્ર પાસે મોટી સંખ્યામાં રેતી ઠાલવીને સમુદ્ર પર એક હાઈટેક શહેર બનાવવામાં આવી રહ્યું છે.
તેને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર, રહેણાક વિસ્તાર અને બંદર તરીકે વિકસિત કરવામાં આવશે. તેની તુલના હૉંગકૉંગ, મૉનાકો અને દુબઈ સાથે કરવામાં આવી રહી છે.
કોલંબો પૉર્ટ સિટી ઇકોનૉમિક કમિશનના સભ્ય સાલિયા વિક્રમસૂર્યાએ બીબીસીને કહ્યું, "તેનાંથી શ્રીલંકાને એક તક મળશે. અમે એક વિશ્વ સ્તરીય શહેર બનાવી શકીશું. જે દુબઈ અને સિંગાપોરની કક્ષાનું હશે."
જોકે, આ પૉર્ટ સિટીની ટીકા પણ થઈ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે જેને આર્થિક રીતે 'ગેઇમ ચેન્જર' તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તે શહેર શ્રીલંકાને કામમાં નહીં આવે.
665 એકર એટલે કે 2.6 વર્ગ કિલોમીટર નવી જમીન બનાવવા માટે ચાઇના હાર્બર ઍન્જિનિયરિંગ કંપની (સીએચઈસી) પાસેથી 1.4 અબજ ડૉલર રોકાણની જરૂર પડી છે.
કંપનીને તેના બદલે 43 ટકા જમીન 99 વર્ષની લીઝ પર મળશે. કેટલાંક વર્ષોથી ચાલી રહેલાં નિર્માણકાર્ય બાદ કોલંબો પોર્ટ સિટી આકાર લેવા લાગ્યું છે.
શું છે યોજના?
ચીનના એન્જિનિયરોની દેખરેખ હેઠળ કૉન્ક્રિટનાં સ્લૅબ લાવવામાં આવી રહ્યા છે અને ટ્રકો સતત રેતી ભરી રહી છે. એક નદી જે આ નવી જમીનમાંથી પસાર થાય છે, તેને પહેલાંથી સાફ કરી દેવામાં આવી છે અને નાની હોડીઓને તેમાં આવવાની અનુમતિ પણ આપી દેવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીઓનું અનુમાન છે કે આ પરિયોજના પૂર્ણ થતાં 25 વર્ષ લાગશે. આવું દક્ષિણ એશિયામાં પ્રથમ વખત થશે.
શ્રીલંકાનું કહેવું છે કે જમીન તેના નિયંત્રણ હેઠળ છે અને ચીનને આપવામાં આવેલી જમીન આંતરરાષ્ટ્રીય કંપનીઓ, બૅન્કો સહિત વિવિધ કંપનીઓને લીઝ પર આપવામાં આવશે. સરકાર તેના મહેસૂલ પર કર પણ લગાવી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ નવા શહેરમાં 80 હજાર લોકો રહી શકશે. અહીં રોકાણ અને વેપાર કરનારા લોકોને કરમાં પણ છૂટ આપવામાં આવશે. આ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનમાં તમામ લેવડદેવડ અમેરિકન ડૉલરમાં કરાશે.
2014માં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા ત્યારે પૉર્ટ સિટી પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
એના એક વર્ષ બાદ જ બૅલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવની જાહેરાત કરવામાં આવી હતી. બૅલ્ટ ઍન્ડ રોડ અંતર્ગત ચીન એક મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહ્યું છે.
એ અંતર્ગત સમગ્ર એશિયા અને યુરોપમાં વ્યાપાર વધારવા માટે રોડ, રેલવે તેમજ જળમાર્ગો દ્વારા આધારભૂત સંરચનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
પરિયોજનાને લઈને ચિંતા
વર્ષ 2009માં તામિલ વિદ્રોહીઓ સામેની લડાઈ પૂરી થયા બાદ શ્રીલંકા નાણાકીય મદદ માટે ચીન પાસે ગયું હતું. તે સમયે પશ્ચિમનાં રાષ્ટ્રો શ્રીલંકામાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતાં.
જ્યારે શી જિનપિંગ શ્રીલંકાની મુલાકાતે ગયા ત્યારે મહિંદા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા, પરંતુ બાદમાં તેઓ ચૂંટણી હારી ગયા હતા.
મતદારોઓમાં ચીનનાં દેવાને લઈને પણ ચિંતા હતી. દેવું ચૂકવવાની અક્ષમતાને લીધે શ્રીલંકાએ વર્ષ 2017માં હમ્બનટોટા પૉર્ટ ચીનને 99 વર્ષની લીઝ પર આપવું પડ્યું હતું.
આઠ વર્ષ બાદ હાલમાં મહિંદા રાજપક્ષે ફરી વખત સત્તામાં છે. તેઓ હાલ વડા પ્રધાન છે અને તેમના નાના ભાઈ ગોટાભાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ છે.
એવામાં કોલંબો પૉર્ટ સિટીને લઈને શ્રીલંકન લોકોનાં મનમાં આશંકાઓ છે અને તેઓ ઉત્સાહિત નથી. આ પરિયોજનાને લઈને ઘણી ચિંતાઓ છે, જેમાં પર્યાવરણલક્ષી ચિંતાઓ ઘણી મહત્ત્વની છે.
વેરિટે રિસર્ચ સાથે જોડાયેલા અર્થશાસ્ત્રી ડેશાલ ડીમેલે બીબીસીને કહ્યું કે, "આ પૉર્ટ સિટીને લઈને સૌથી મોટી ચિંતા છે - ટૅક્સમાં છૂટ. આ નિયમોનુસાર થવાનું છે. કેટલાક રોકાણકારોને 40 વર્ષ સુધી ટૅક્સમાં છૂટ મળશે. ટૅક્સમાં આટલી મોટી છૂટના કારણે શ્રીલંકાને મહેસૂલની દૃષ્ટિએ કોઈ ફાયદો નહીં થાય."
ભારત માટે ચિંતા
ટૅક્સને લઈને આ પ્રકારની વ્યવસ્થાએ અન્ય ચિંતાઓ પણ જન્માવી છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે કારોબારી નિયમોમાં છૂટના કારણે તે મની લૉન્ડરિંગ કરનારાઓ માટે સૌથી સુરક્ષિત ઠેકાણું બની જશે. જોકે, શ્રીલંકાનાં ન્યાયમંત્રી મહમદઅલી આ વાતથી અસહમત છે.
તેમણે બીબીસીને કહ્યું, "એવું નહીં થાય, કારણ કે કાયદાઓ ત્યાં પણ લાગુ કરાશે. અમારો ખુદનો મની લૉન્ડરિંગ ઍક્ટ પણ છે. અમારી પાસે આ પ્રકારના કિસ્સાઓની તપાસ માટે ગુપ્ત યુનિટ પણ છે. કોઈ પણ વ્યક્તિ આ કાયદાઓથી બચી નહીં શકે."
વૈશ્વિક સ્તર પર ચીનની વધી રહેલી આક્રમતા પણ ચિંતાનો વિષય છે. કહેવામાં આવે છે કે ચીન લાંબા સમયનાં રણનૈતિક લક્ષ્યોને લઈને કામ કરી રહ્યું છે. શ્રીલંકામાં ચીનની મજબૂતી ભારત માટે ચિંતા વધારે તેમ છે.
આ પૉર્ટ સિટીનાં અન્ય લક્ષ્યોમાંથી એક ભારતમાંથી મલ્ટીનેશનલ કંપનીઓ અને રોકાણકારોને ત્યાં આકર્ષિત કરવાનું પણ છે. એવામાં ભારતને રોકાણ અને રોજગારના સ્તરે પર પણ નુકસાન થઈ શકે એમ છે. જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે શ્રીલંકાને પણ આ પૉર્ટ સિટીનાં કારણે ડર છે.
2020માં લાઓસે એક ઍનર્જી ગ્રીડનો કેટલોક હિસ્સો ચીનને વેચીને ખુદને દેવાળિયું થતા અટકાવ્યું હતું. ચીને બન્ને દેશો વચ્ચે રેલ લિંક બનાવવામાં મદદ કરી હતી.
હમ્બનટોટાની જેમ પૉર્ટ સિટી પણ ચીન પાસે જશે?
શ્રીલંકાના વિપક્ષી દળના નેતા રજિતા સેનારત્નેએ બીબીસીને કહ્યું, "હાલમાં આ સરકાર જે રીતે ચીનની તમામ શરતોને માની રહી છે, તેનાથી પૉર્ટ સિટીના લગભગ તમામ ભાગ પર ચીનનું નિયંત્રણ થઈ ગયું છે. એક દિવસ એવો આવશે જ્યારે શ્રીલંકાને આ પરિયોજના પર કોઈ નિર્ણય લેવાનો અધિકાર નહીં રહે."
ચીની એકૅડેમિક ચોઉ બો આ નિવેદનથી અસહમતિ દર્શાવે છે. તેમનું કહેવું છે કે આ પરિયોજનાનો ઉદ્દેશ બન્ને દેશોને ફાયદો પહોંચાડવાનો છે. ચોઉ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીમાં સીનિયર કર્નલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં બીજિંગની શિન્હુઆ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
તેમણે બીબીસીને કહ્યું કે, "ચીનનું બૅલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ કોઈ ચૅરિટી નથી. અમે પણ ઇચ્છીએ છીએ કે યોજનાઓ પારસ્પરિક રીતે ફાયદાકારક હોય. એનો અર્થ એ છે કે અમે ક્યાંય રોકાણ કરીએ તો તેનું અમને રિટર્ન મળે. ચીન કોઈ પણ દેશને દેવાની જાળમાં ફસાવવાનો ઇરાદો નથી રાખતું."
શ્રીલંકાના અધિકારી પણ કંઇક આવું જ કહી રહ્યાં છે. પૉર્ટ સિટી ઇકૉનૉમિક કમિશનના સાલિયા વિક્રમસૂર્યાએ કહ્યું કે, "સમગ્ર વિસ્તાર શ્રીલંકાના નિયંત્રણમાં છે. તમામ પ્રકારનાં અધિકારો પણ શ્રીલંકાની સરકાર પાસે જ છે."
સંકટમાં શ્રીલંકા
શ્રીલંકા હાલમાં અભૂતપૂર્વ આર્થિક સંકટ સામે ઝૂઝી રહ્યું છે અને તેમની પાસે સીમિત વિકલ્પ છે.
કોરોના મહામારીએ પર્યટનઉદ્યોગ તબાહ કરી નાખ્યો છે. આ સિવાય વિદેશોમાં કામ કરનારા શ્રીલંકન લોકો પણ ઘણા પ્રભાવવિત થયા છે.
આ કારણોથી શ્રીલંકાનો વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખાલી થવાની અણીએ છે. શ્રીલંકાનું વિદેશી દેવું 45 અબજ ડૉલરથી પણ વધી ગયું છે, જેમાંથી માત્ર ચીનનાં જ અંદાજે આઠ અબજ ડૉલર છે.
ગત અઠવાડિયે શ્રીલંકા પ્રવાસે ગયેલા ચીનના વિદેશમંત્રી વાંગ યી પાસે દેવું ચૂકવવા વધારે સમય આપવાની માગ કરાઈ હતી.
આંતરરાષ્ટ્રીય નાણાકીય એજન્સીઓએ શ્રીલંકાના ક્રૅડિટ રેટિંગ સતત ઘટાડો કર્યો છે. આ કારણે વિદેશી રોકાણકારો પાસેથી પૈસા મેળવવા પણ મુશ્કેલ છે.
શ્રીલંકામાં ચીન લાંબી મુદ્દતની રણનીતિ પર કામ કરી રહ્યું છે અને તેમની પાસે પૈસા પણ છે, પરંતુ ચીન પણ પોતાના ફાયદાથી વિરુદ્ધ કામ નહીં કરે.
ઘણા લોકોનું માનવું છે કે શ્રીલંકામાં હૉંગકૉંગ જેવા એક શહેર દ્વારા આવનારા સમયમાં ચીન ઍશિયામાં પોતાની પકડ વધારે મજબૂત કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો